સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ‘અથથી ઇતિ-ટોકનથી ટોટલ’ના અભિગમ હેઠળ સમાવેશક આરોગ્યસંભાળનું વિઝન આપણને આપ્યું છે: ડૉ. મનસુખ માંડવિયા

“ અમે સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરો અસ્ખલિત રીતે જોડાયેલાં રહે એ સાથે ‘સંતૃપ્તિના અભિગમ’ સાથે કામ કરી રહ્યા છીએ: ડૉ.મનસુખ માંડવિયા

“સ્વસ્થ દેશ, સમૃદ્ધ દેશ: માત્ર તંદુરસ્ત દેશ જ ઉત્પાદક દેશ હોઇ શકે”

“અખિલ ભારત આયુષ્માન ભારત છત્ર પ્રાથમિક, સહાયક, વિશેષ, (પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી) ડિજિટલ અને સ્થિતિસ્થાપક આરોગ્યસંભાળ પ્રણાલિઓ પૂરી પાડે છે”

“કન્ટેનર આધારિત બે હૉસ્પિટલ હોય એવો ભારત એશિયામાં પહેલો દેશ”

Posted On: 26 OCT 2021 3:39PM by PIB Ahmedabad

“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણને ‘અથથી ઇતિ‌ સુધી-ટોકનથી ટોટલ સુધી’ના અભિગમ હેઠળ સમાવેશક આરોગ્યસંભાળનું વિઝન આપ્યું છે. અમે તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરો સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ માટે અસ્ખલિત રીતે જોડાયેલાં રહે એની સાથે ‘સંતૃપ્તિના અભિગમ’ સાથે કાર્ય કરી રહ્યા છીએ. આવું કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, ગઈકાલે વારાણસીમાં પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર મિશન અંગે મીડિયા પરિષદને સંબોધતી વખતે જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર પણ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

બજેટ 2021-22માં જાહેર થયેલા ₹ 64180 કરોડના મૂડીરોકાણ સાથેના પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન એ અખિલ ભારત સ્તરે સૌથી મોટી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના છે જેનો ઉદ્દેશ ઉદભવતા જાહેર આરોગ્યના પ્રશ્નોને ઉકેલવા ભારતની ક્ષમતાને બહુ જરૂરી વેગ પૂરો પાડવાનો છે. આનાથી ભારતના આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉદાહરણરૂપ ફેરફાર થશે અને તેને વધારે સ્થિતિસ્થાપક બનાવશે.

વિકાસ અને આરોગ્ય કેવી રીતે એકમેકની સાથે સંકળાયેલા છે એના પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે “કોઇ પણ દેશે સમૃદ્ધિ હાંસલ કરવા માટે તેણે પહેલા તંદુરસ્ત બનવું પડે. આ હેતુ સિદ્ધ કરવા માટે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નની રૂપરેખા આપી હતી જેનાથી સ્વચ્છ ભારત અભિયાન, ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા અને યોગ જેવી યોજનાઓ આરંભાઇ અને તે નિવારક આરોગ્ય માટે અને સમગ્ર પ્રશ્નોને સાકલ્યવાદી રીતે ઉકેલવા માટે જરૂરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે ‘એક તંદુરસ્ત રાષ્ટ્ર જ ઉત્પાદક રાષ્ટ્ર બની શકે- સ્વસ્થ દેશ, સમૃદ્ધ દેશ. અખિલ ભારત સ્તરનું આયુષ્માન ભારત છત્ર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી એટલે કે પ્રાથમિક, દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય સ્પેશિયાલિઝ્ડ પરામર્શ સાથેની ડિજિટલ અને સ્થિતિસ્થાપક આરોગ્યસંભાળ પ્રણાલિઓ પૂરી પાડશે જે ભવિષ્યમાં મહામારીના પડકારોનો સામનો કરવા દેશને સજ્જ કરશે. આયુષ્માન ભારત-આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો એપ્રિલ 2018માં શરૂ કરાયા હતા અને ત્યારબાદ સપ્ટેમ્બર 2018માં આયુષ્માન ભારત-પીએમજેએવાય શરૂ કરાઇ હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો શુભારંભ થયો જ્યારે સમગ્ર ભારતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતી યોજના-પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ગઈકાલે શરૂ થયું. આ પહેલો તમામ લોકોને સસ્તી, ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્યસંભાળ પૂરી પાડશે એમ તેમણે ઉમેર્યું હતું. આ યોજનાઓથી લોકો પાયાની નિદાન અને સારવાર સેવાઓને સાર્વત્રિક રીતે મેળવી શકશે અને ગ્રામીણ તેમજ શહેરી બેઉ વિસ્તારોમાં સારવારને સમુદાયોની નજીક લાવશે. “આયુષ્માન ભારત-પીએમજેએવાય મારફત અન્યો જે અગ્રણી હૉસ્પિટલોમાં આરોગ્યસંભાળ મેળવે છે એ જ ગુણવત્તાની સારવાર આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ મેળવી રહી છે” એમ તેમણે કહ્યું હતું.

 

આ બાબતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા હાથ ધરાયેલા સઘન પ્રયાસો વિશે બોલતા, ડૉ. માંડવિયાએ માહિતી આપી હતી કે વધુ સારી પ્રાથમિક આરોગ્યસંભાળ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, 1,50,000 આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થપાઇ રહ્યા છે એમાંથી આશરે 79000 જેટલા કાર્યરત થઈ ચૂક્યાં છે. આ ઉપરાંત, દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કૉલેજ હોય એ સુનિશ્ચિત કરવા માટે કાર્ય શરૂ કરી દેવાયું છે અને સરકારે 157 મેડિકલ કૉલેજોને મંજૂરી પણ આપી દીધી છે. “આનાથી તાલીમબદ્ધ અગ્રહરોળનું આરોગ્ય કાર્યદળ નિર્માણ થશે જે કોઇ પણ જાહેર આરોગ્ય કટોકટી સામે વળતાં પગલાં લઈ શકે” એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે એઈમ્સનું નેટવર્ક હાલની 7થી વિસ્તારીને 22 હોસ્પિટલોનું કરવાનો નિર્ણય પ્રધાનમંત્રીના તમામ માટે સલામત, સાર્વત્રિક, સસ્તી અને સુલભ આરોગ્યસંભાળના વિઝનમાંથી જન્મ્યો હતો.

આફત-કટોકટીને અવસરમાં બદલવાની ભારતની વ્યૂહરચના વિશે બોલતા ડૉ. માંડવિયાએ કહ્યું કે “કોવિડ-19એ આપણને આરોગ્યસંભાળનાં તમામ સ્તરોએ  લૅબોરેટરીઝ, હૉસ્પિટલ્સ અને નિદાનની સુવિધાઓ સહિત આરોગ્યસંભાળની સુવિધાઓને વધારવાની તક આપી છે.” 

પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની કેટલીક મહત્વની વિશેષતાઓ વર્ણવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જિલ્લા સ્તરે 134 જુદાં જુદાં પ્રકારના ટેસ્ટ્સ મફત થશે, આનાથી ખર્ચો તો બચશે જ, સાથે ગરીબ લોકો માટે બિનજરૂરી અગવડતા પણ ઓછી થશે. બીજું, એશિયામાં પહેલી વાર, બે કન્ટેનર-આધારિત હૉસ્પિટલો તમામ સમયે તૈયાર રખાશે જેમાં સાર્વત્રિક તબીબી સુવિધાઓ હશે અને દેશમાં કોઇ પણ આફત કે દુર્ઘટના થાય તો એના જવાબમાં એને તરત રેલ કે હવાઇ માર્ગે લઈ જઈ શકાશે.

પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુ જાહેર આરોગ્યમાં તંદુરસ્ત પરિણામો સર્જવાનો છે જે ભારતને જાહેર આરોગ્ય રોગચાળાના વ્યવસ્થાપનના સંદર્ભમાં વિશ્વમાં સૌથી આધુનિક દેશોમાંનો એક બનાવશે. એના ઘટકો, જેવા કે વન હેલ્થ માટે નેશનલ પ્લેટફોર્મની સ્થાપના, રોગ નાબૂદી વિજ્ઞાન અને આરોગ્ય અંગે સંશોધન માટે એક ડિવિઝનની સ્થાપના, સેટેલાઇટ સેન્ટર ઑફ નેશનલ એઈડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાદેશિક એનઆઇવીઓની સ્થાપના, હાલની નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ્સ, એનસીડીસી અને હાલના લૅબોરેટરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવું, લૅબ્સનું અપગ્રેડેશન અને વધારાની બીએસએલ-3 સુવિધાઓ આઇસીએમઆર અને એનસીડીસી હેઠળ સર્જવી, એ નવા ચેપને શોધવા અને નિદાન કરવામાં દેશની ક્ષમતાને વધારે મજબૂત બનાવશે.

આયોજિત હસ્તક્ષેપો નવા પેથોજન્સ અને બાયોલોજિકલ જોખમો અંગે નિદાન અને સંશોધનમાં યોગદાન આપી શકે એવા પૂરતા તાલીમબદ્ધ માનવદળની ઉપલબ્ધતા તરફ દોરી જશે, વિદેશી ભાગીદારો અને લૅબોરેટરીઝ પરનું અવલંબન ઘટશે.

આ યોજના હેઠળ સૂચવાયા મુજબ 602 જિલ્લાઓમાં ક્રિટિકલ કૅર હૉસ્પિટલ બ્લૉક્સનો વિકાસ આવા જિલ્લાઓને અન્ય આવશ્યક આરોગ્ય સેવાઓને વિક્ષેપ પાડ્યા વિના ઘણી હદ સુધી ચેપી રોગો માટે સાર્વત્રિક સારવાર પૂરી પાડવામાં આત્મનિર્ભર બનાવશે અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં ક્રિટિકલ કૅર ક્ષમતાઓને પણ વધારશે.

પોઇન્ટ્સ ઑફ એન્ટ્રી મજબૂત કરવા જેવી પહેલોથી નવા ચેપી રોગો અને પેથોજન્સની આયાત સામે આપણી સીમાઓની વાડબંધી થશે. આરોગ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર્સ અને કન્ટેનર આધારિત મોબાઇલ હૉસ્પિટલો આવા સમય દરમ્યાન અસરકારક તાકીદના વળતાં પગલાં માટે ક્ષમતા નિર્માણમાં ઉમેરો કરશે,.

દેખરેખના કાર્યો માટે રાષ્ટ્રીય, પ્રાદેશિક, રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે એકીકૃત લૅબોરેટરીઝની સ્થાપના, એને ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઇએચઆઇપી) મારફત તંદુરસ્ત આઈ.ટી. આધારિત રિપોર્ટિંગ યંત્રણાનું પીઠબળ રોગચાળાને શોધવા, નિવારવા અને કાબૂમાં લેવા માટે આત્મનિર્ભરતા તરફ દોરી જશે.

SD/GP/JD

 (Release ID: 1766683) Visitor Counter : 296