પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ આ સેવા બદલ એઇમ્સના મેનેજમેન્ટ અને સુધામૂર્તિનો આભાર વ્યક્ત કર્યો

“100 વર્ષમાં એકાદ વખત આવતી સૌથી મોટી મહામારીનો સામનો કરવા માટે, દેશ પાસે હવે 100 કરોડ રસીના અપાયેલા ડોઝનું મજબૂત સુરક્ષા કવચ છે. આ સિદ્ધિ ભારત અને તેના નાગરિકોની છે”

“ભારતનું કોર્પોરેટ ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનોએ દેશની આરોગ્ય સેવાઓના મજબૂતીકરણમાં સતત યોગદાન આપ્યું છે”

Posted On: 21 OCT 2021 11:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નવી દિલ્હીમાં ઝજ્જર એઇમ્સ સંકુલમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે ઇન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે, ભારતે કોરોના વિરોધી આપવામાં આવેલી રસીના 100 કરોડ ડોઝનું મહત્વપૂર્ણ મુકામ ઓળંગી લીધું છે. 100 વર્ષમાં એકાદ વખત આવતી સૌથી મોટી મહામારીનો સામનો કરવા માટે, દેશ પાસે હવે રસીના આપવામાં આવેલા 100 કરોડ કરતાં વધારે ડોઝનું મજૂબત સુરક્ષા કવચ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિદ્ધિ ભારત અને તેના નાગરિકોની છે.

પ્રધાનમંત્રીએ દેશમાં રસીનું વિનિર્માણ કરતી તમામ કંપનીઓ, રસીના પરિવહનમાં સંકળાયેલા તમામ કર્મચારીઓ, રસી વિકસાવવામાં જોડાયેલા તમામ આરોગ્ય ક્ષેત્રના પ્રોફેશનલોનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એઇમ્સ ઝજ્જરમાં કેન્સરની સારવાર માટે આવી રહેલા દર્દીઓને ખૂબ જ સારી સગવડ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં નિર્માણ કરવામાં આવેલું આ વિશ્રામ સદન દર્દીઓ અને તેમના સંબંધીઓની ચિંતામાં ઘટાડો લાવશે.

પ્રધાનમંત્રીએ વિશ્રામ સદનનું નિર્માણ કરવા બદલ ઇન્ફોસિસ ફાઉન્ડેશનની પ્રશંસા કરી હતી અને જમીન, વીજળી તેમજ પાણી ઉપલબ્ધ કરાવવા બદલ એઇમ્સ ઝજ્જરની પ્રશંસા કરી હતી. તેમણે આ સેવા પૂરી પાડવા બદલ એઇમ્સના મેનેજમેન્ટ અને સુધામૂર્તિની ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતનું કોર્પોરેટ ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનોએ દેશમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણમાં એકધારું યોગદાન આપ્યું છે. તેમણે આના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આયુષમાન ભારત પીએમજેએવાયનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે દર્દીઓ આયુષમાન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર મેળવે છે ત્યારે આ સેવાનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકારે આ સેવાના ઉદ્દેશ અંતર્ગત અંદાજે 400 જેટલી કેન્સરની દવાઓના ભાવોમાં ઘટાડો કરવાનું પગલું ભર્યું છે.

 

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1765403) Visitor Counter : 73