પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસની ઉજવણી પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા


“બુદ્ધનો સંદેશ સંપૂર્ણ વિશ્વ માટે છે, બુદ્ધનો ધમ્મ સંપૂર્ણ માનવજાત માટે છે”

“બુદ્ધ અત્ર-તત્ર-સર્વત્ર છે, કારણ કે બુદ્ધ અંદરથી, અંતરાત્માથી શરૂઆત કરવાનું કહે છે. બુદ્ધનું બુદ્ધત્વ વ્યક્તિની અંદર સંપૂર્ણ જવાબદારીની ભાવના વિકસાવે છે”

“આજે પણ બુદ્ધ ભારતના બંધારણ માટે પ્રેરકબળ છે, બુદ્ધનું ધમ્મચક્ર ભારતના તિરંગામાં સ્થાન ધરાવે છે અને આપણને ગતિ આપે છે”

“ભગવાન બુદ્ધનો સંદેશ ‘અપ્પ દીપો ભવ’ ભારત માટે આત્મનિર્ભર બનવા માટે પ્રેરકરૂપ છે”

Posted On: 20 OCT 2021 1:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુશીનગરમાં મહાપરિનિર્વાણ મંદિરમાં અભિધમ્મ દિવસની ઉજવણીના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, શ્રી જી કિશન રેડ્ડી, શ્રી કિરેન રિજિજુ, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, શ્રીલંકાની સરકારના કેબિનેટ મંત્રી શ્રી નમલ રાજપક્ષા, શ્રીલંકાથી આવેલું બૌદ્ધ પ્રતિનિધિમંડળ, મ્યાંમાર, વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ, લાઓ પીડીઆર, ભૂટાન, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, મોંગોલિયા, જાપાન, સિંગાપોર, નેપાળ વગેરે દેશોના રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતાં અશ્વિન પૂર્ણિમાના પાવન પર્વ અને ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો વિશે જણાવ્યું હતું. શ્રીલંકાના પ્રતિનિધિમંડળને આવકારતા પ્રધાનમંત્રીએ ભારત અને શ્રીલંકા વચ્ચેના ગાઢ સંબંધોને યાદ કર્યા હતા તથા સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા શ્રીલંકામાં બુદ્ધનો સંદેશ લઈને ગયા હતા એ વિશે વાત કરી હતી. તેમણે એવી પણ ટિપ્પણી કરી હતી કે, એવું માનવામાં આવે છે કે, આ દિવસે અર્હત મહિન્દાનું પુનરાગમન થયું હતું અને તેમના પિતાને જણાવ્યું હતું કે, શ્રીલંકાએ અતિ ઉત્સાહ સાથે બુદ્ધના સંદેશને સ્વીકાર્યો હતો. આ વાતથી એ માન્યતામાં વધારો થયો હતો કે, બુદ્ધનો સંદેશ સંપૂર્ણ વિશ્વ માટે છે, બુદ્ધનો ધમ્મ સંપૂર્ણ માનવજાત માટે છે.

પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધના સંદેશના પ્રસારમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશન (આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ)ની ભૂમિકાની પ્રશંસા કરીને આ સંઘના ડીજી તરીકે શ્રી શક્તિ સિંહાના પ્રદાનને યાદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શ્રી સિંહાનું અવસાન થયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અન્ય એક પાવન પર્વ છે ભગવાન બુદ્ધનું તુષિતા સ્વર્ગમાંથી પૃથ્વી પર પુનરાગમન. આ કારણે આજે અશ્વિન પૂર્ણિમા પર ભિક્ષુઓ તેમના ત્રણ મહિનાના વર્ષાવાસ પણ પૂર્ણ કરે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આજે મને પણ વર્ષાવાસ પછી સંઘના ભિક્ષુઓને ચિવર દાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, બુદ્ધ અત્ર-તત્ર-સર્વત્ર છે, કારણ કે બુદ્ધ વ્યક્તિને અંદરથી, પોતાના અંતરમાંથી શરૂઆત કરવાનો ઉપદેશ આપે છે. બુદ્ધનાં બુદ્ધત્વમાં વ્યક્તિની સંપૂર્ણ જવાબદારીની ભાવના છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે અત્યારે દુનિયા પર્યાવરણના સંરક્ષણ વિશે વાત કરે છે, આબોહવામાં પરિવર્તન વિશે ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે એની સાથે સંબંધિત ઘણા પ્રશ્રો ઊભા થાય છે. પણ જો આપણે બુદ્ધના સંદેશને અપનાવીએ, તો આપણને કોણ આ માટે પહેલ કરશે એના બદલે હું શું કરી શકીશનો માર્ગ મળી જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બુદ્ધ માનવજાતનાં અંતરાત્મામાં રહે છે તથા વિવિધ સંસ્કૃતિઓ અને દેશોને જોડે છે. ભારતે તેમના ઉપદેશના આ પાસાંને પોતાની વિકાસની સફરનું અભિન્ન અંગ બનાવી દીધું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત જ્ઞાનના પ્રસારને, મહાન આત્માઓના ઉપયોગી ઉપદેશો, સંદેશાઓ કે વિચારોને ક્યારેય મર્યાદિત કરવામાં માનતો નથી. અમે અમારી પાસે જે કંઈ છે એને સંપૂર્ણ માનવજાત સાથે વહેંચવામાં માનીએ છીએ. આ કારણે અહિંસા અને કરુણા જેવા માનવીય મૂલ્યો સ્વાભાવિક રીતે ભારતનું હાર્દ બની ગયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પણ બુદ્ધ ભારતના બંધારણ માટે પ્રેરકબળ છે. બુદ્ધનાં ધમ્મચક્રએ ભારતના તિરંગામાં સ્થાન મેળવ્યું છે અને આપણને સતત અગ્રેસર કરે છે. આજે પણ, જો કોઈ વ્યક્તિ ભારતની સંસદની મુલાકાત લે, તો આ મંત્ર અચૂક જોવા મળશે ધર્મ ચક્ર પ્રવર્તનાય.

ગુજરાતમાં અને ખાસ કરીને પ્રધાનમંત્રી જન્મસ્થાન વડનગરમાં ભગવાન બુદ્ધના પ્રભાવ વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધનો પ્રભાવ દેશના પૂર્વ વિસ્તારો જેટલો જ દેશના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં જોવા મળે છે. તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાતનો ભૂતકાળ દર્શાવે છે કે, બુદ્ધ સીમાઓ અને દિશાઓથી પર હતા. ગુજરાતની પાવન, પવિત્ર ભૂમિ પર જન્મ લેનાર મહાત્મા ગાંધી બુદ્ધના સત્ય અને અહિંસાના સંદેશને લોકો સુધી પહોંચાડનાર આધુનિક મહાનુભાવ હતા.

ભગવાન બુદ્ધના સંદેશ અપ્પ દીપો ભવ એટલે કે તમે જ સ્વયં દીપક બનોને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે વ્યક્તિ સ્વયં પ્રકાશિત થાય છે, વ્યક્તિમાં જ્ઞાનરૂપી દીપક પ્રકટ થાય છે, ત્યારે તે સંપૂર્ણ દુનિયાને પ્રકાશિત કરે છે, નવો માર્ગ ચીંધે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ આત્મનિર્ભર બનવા ભારત માટે પ્રેરકરૂપ છે. આ એક પ્રેરકબળ છે, જે આપણને દુનિયામાં દરેક દેશની પ્રગતિમાં સહભાગી બનવાની ક્ષમતા આપે છે. પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના મંત્ર સાથે ભગવાન બુદ્ધના ઉપદેશો ભારતને પ્રગતિના માર્ગે અગ્રેસર કરી રહ્યાં છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

 


(Release ID: 1765147) Visitor Counter : 947