પ્રધાનમંત્રીનું કાર્યાલય

નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

Posted On: 28 AUG 2021 8:59PM by PIB Ahmedabad

પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.

 

ભાઈઓ અને બહેનો,

જલિયાંવાલા બાગ એ એવુ સ્થળ છે કે જેણે ઉધમ સિંહ, સરદાર ભગત સિંહ જેવા અગણિત ક્રાંતિવીરો, બલિદાન આપનારા સેનાનીઓ અને ભારતની આઝાદી માટે મરી-મિટવાનું જોશ પૂરૂં પાડ્યું છે. 13 એપ્રિલ, 1919ની એ 10 મિનીટ કે જ્યારે આઝાદીની લડાઈની એ સત્યગાથા અમરગાથા બની ગઈ હતી, જેના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ. આવી સ્થિતિ વચ્ચે આઝાદીના 75મા વર્ષે જલિયાંવાલા બાગનું આધુનિક સ્વરૂપ હું દેશને સમર્પિત કરી રહ્યો છું તે આપણાં સૌ માટે ખૂબ મોટી પ્રેરણાનો અવસર છે. મારૂં એ સૌભાગ્ય છે કે મને અનેક વખત જલિયાંવાલા બાગની આ પવિત્ર ધરતી પર આવવાનુ અને અહીંની પવિત્ર માટીને મારા માથા પર ચડાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આજે નવિનીકરણનું જે કામ થયું છે તેનાથી બલિદાનની અમરગાથાઓને વધુ જીવંત બનાવી શકાઈ છે. અહીંયા અલગ અલગ ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેના દિવાલો પર શહિદોના ચિત્રોને આલેખવામાં આવ્યા છે. શહીદ ઉધમ સિંહજીની પ્રતિમા છે તે આપણને સૌને એવા કાલખંડમાં લઈ જાય છે કે જ્યાં જલિયાંવાલા બાગ નરસંહાર પહેલાં આ સ્થળે પવિત્ર વૈશાખીનો મેળો ભરાતો હતો. તે જ દિવસે ગુરૂ ગોવિંદ સિંહજીએ 'સરબત દા ભલા' ની ભાવના સાથે ખાલસા પંથની સ્થાપના કરી હતી. આઝાદીના 75મા વર્ષે જલિયાંવાલા બાગનું આ નવું સ્વરૂપ દેશવાસીઓને આ પવિત્ર સ્થળના ઈતિહાસ બાબતે, તેના ભૂતકાળ બાબતે ઘણું બધુ જાણવા માટે પ્રેરણા આપશે. આ સ્થળ નવી પેઢીને એ હંમેશા યાદ અપાવતુ રહેશે કે આપણી આઝાદીની યાત્રા કેવી રહી હતી, અહીં સુધી પહોંચવા માટે આપણાં પૂર્વજોએ શું શું કર્યું હતું, કેટલો ત્યાગ, કેટલું બલિદાન, અગણિત સંઘર્ષ કર્યો હતો. રાષ્ટ્ર માટે આપણું કર્તવ્ય શું હોવું જોઈએ, આપણે કેવી રીતે દરેક કામમાં દેશને સર્વોપરી રાખવો જોઈએ તેની પણ પ્રેરણા નવી ઉર્જા સાથે આ સ્થળેથી મળશે.

 

સાથીઓ,

દરેક રાષ્ટ્રની એક જવાબદારી હોય છે કે જે આપણાં ઈતિહાસને સંભાળીને રાખે છે. ઈતિહાસમાં આવી અનેક ઘટનાઓ આપણને શિખવે છે અને આગળ ધપવાની દિશા પણ પૂરી પાડે છે. જલિયાંવાલા બાગ જેવી જ  વધુ એક વિભિષીકા ભારતના વિભાજનના સમયમાં પણ આપણે જોઈ હતી. પંજાબના પરિશ્રમી અને ઝીંદાદિલ લોકોએ તો ઘણું બધુ સહન કર્યું છે. વિભાજનના સમયે જે કાંઈ બન્યું તેની પીડા આજે પણ ભારતના દરેક ખૂણે અને ખાસ કરીને પંજાબના પરિવારમાં આપણે અનુભવી રહ્યા છીએ. કોઈપણ દેશ માટે પોતાના ભૂતકાળની આવી ભિષણ પરિસ્થિતિઓ સામે ધ્યાન નહીં આપવુ તે યોગ્ય નથી. એટલા માટે ભારતે 14 ઓગષ્ટને દર વર્ષે 'વિભાજન વિભિષીકા સ્મૃતિ દિવસ' તરીકે આવનારી પેઢીઓ યાદ રાખે તે માટે તે દિવસને મનાવવાનો નિર્ણય કર્યો છે. 'વિભાજન વિભિષીકા સ્મૃતિ દિવસ' આવનારી પેઢીઓને એવું યાદ અપાવતું રહેશે કે કેટલી મોટી કિંમત ચૂકવીને આપણને સ્વતંત્રતા મળી છે. વિભાજન સમયે કરોડો ભારતીયોએ સહન કરેલું તે દર્દ, તે તકલીફને સમજી શકાશે.

 

સાથીઓ,

ગુરૂબાની આપણને શિખવે છે કે સુખુ હોવૈ સેવ કમાણીઆ

આનો અર્થ થાય છે કે સુખ અન્ય  લોકોની સેવામાંથી જ આવે છે. આપણે ત્યારે જ સુખી થઈ શકીએ છીએ કે જ્યારે પોતાની સાથે સાથે પોતાના લોકોની પીડાનો અનુભવ કરીએ છીએ. એટલા માટે જ આજે સમગ્ર દુનિયામાં ક્યાંય પણ કોઈપણ ભારતીય જ્યારે સંકટમાં મૂકાય છે ત્યારે ભારત સમગ્ર સામર્થ્ય સાથે તેની મદદ માટે આગળ આવે છે. કોરોના કાળ હોય કે પછી અફઘાનિસ્તાનનું વર્તમાન સંકટ. દુનિયાએ તેનો નિરંતર અનુભવ કર્યો છે. ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનમાંથી સેંકડો સાથીઓને ભારત લાવવામાં આવી રહ્યા છે. પડકારો ઘણાં છે, હાલત મુશ્કેલ છે, પરંતુ આપણા પર ગુરૂકૃપા રહી છે. આપણી સાથે પવિત્ર ગુરૂ ગ્રંથ સાહેબના 'સ્વરૂપ' ને પણ માથે મૂકીને ભારત લાવવામાં આવ્યું છે.

 

સાથીઓ,

વિતેલા વર્ષોમાં દેશે પોતાની જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ જોશ સાથે પ્રયત્ન કર્યો છે. માનવતાનો જે બોધ આપણને ગુરૂઓએ આપ્યો હતો તેને સામે રાખીને દેશે આવી પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મૂકાયેલા આપણાં લોકો માટે નવા કાયદા પણ બનાવ્યા છે.

 

સાથીઓ,

આજે જે પ્રકારની વૈશ્વિક પરિસ્થિતિઓ ઉભી થઈ રહી છે તેનાથી આપણને એવો અનુભવ થઈ રહ્યો છે કે એક ભારત, શ્રેષ્ઠ ભારત નો અર્થ શું થાય છે. આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે એક રાષ્ટ્ર તરીકે આપણે દરેક સ્તરે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ શા માટે જરૂરી છે, કેટલો જરૂરી છે. એટલા માટે આજે જ્યારે આપણે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ જરૂરી છે કે આપણે આપણાં રાષ્ટ્રના પાયાને મજબૂત કરીએ, તેના માટે ગર્વ અનુભવીએ. આઝાદીનો અમૃત મહોત્સવ આજે આવા જ સંકલ્પ સાથે આગળ ધપી રહ્યો છે. અમૃત મહોત્સવમાં આજે ગામડે ગામડે સેનાનીઓને યાદ કરવામાં આવી રહ્યા છે, તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. દેશમાં જ્યાં પણ આઝાદીની લડતના મહત્વપૂર્ણ પડાવ છે તેને સામે લાવવા માટે એક સમર્પિત વિચારધારા સાથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશના રાષ્ટ્ર નાયકો સાથે જોડાયેલા સ્થળોને આજે સંરક્ષિત કરવાની સાથે સાથે તેની સાથે નવા પાસાંઓ જોડવામાં આવી રહ્યા છે. જલિયાંવાલા બાગની જેમ જ આઝાદી સાથે જોડાયેલા રાષ્ટ્રિય સ્મારકોનું નવિનીકરણ કરવાનું કામ પણ ચાલુ છે. અલ્હાબાદ મ્યુઝિયમમાં 1857થી માંડીને 1947 સુધીની દરેક ક્રાંતિને પ્રદર્શિત કરનાર દેશી પ્રથમ ઈન્ટરેક્ટીવ ગેલેરીના નિર્માણની કામગીરી ખૂબ ટૂંક સમયમાં પૂરી થઈ જશે. ચંદ્રશેખર આઝાદને સમર્પિત કરવામાં આવનારી આ 'આઝાદ ગેલેરી' સશક્ત ક્રાંતિ સાથે જોડાયેલા એ સમયના દસ્તાવેજો, કેટલીક ચીજો,  તેનો પણ ડીજીટલ અનુભવ કરાવશે. આવી જ રીતે કોલકતામાં વિપ્લોબી ભારત ગેલેરીમાં પણ ક્રાંતિના ચિહ્નોને ભાવિ પેઢી માટે આધુનિક ટેકનિકના માધ્યમથી આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે. આ અગાઉ ભારત સરકાર દ્વારા આઝાદ હિંદ ફોઝના યોગદાનને પણ ઈતિહાસના પાનામાંથી બહાર લાવીને સામે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આંદામાન કે જ્યાં નેતાજીએ પ્રથમ વખત તિરંગો ફરકાવ્યો હતો તે સ્થળને પણ નવી ઓળખ આપવામાં આવી છે. સાથે સાથે આંદામાનના ટાપુઓના નામ પણ સ્વતંત્રતા સંગ્રામ માટે સમર્પિત કરવામાં આવ્યા છે.

 

ભાઈઓ અને બહેનો,

આઝાદીના મહાયજ્ઞમાં આપણાં આદિવાસી સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જનજાતિ સમૂહોની ત્યાગ અને બલિદાનની અમરગાથાઓ આજે પણ આપણને પ્રેરણા આપતી રહી છે. ઈતિહાસના પુસ્તકોમાં તેને પણ જેટલું મળવું જોઈએ તેટલું સ્થાન મળ્યું નથી કે જેના માટે તે હક્કદાર હતા. દેશના 9 રાજ્યોમાં વર્તમાન સમયમાં આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓ અને તેમનો સંઘર્ષ દર્શાવનારા મ્યુઝિયમ્સ માટે પણ કામ ચાલી રહ્યું છે.

 

સાથીઓ,

દેશની એવી પણ આકાંક્ષા રહી છે કે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણાં સૈનિકો માટે રાષ્ટ્રીય સ્મારક હોવું જોઈએ. મને એ બાબતે સંતોષ છે કે નેશનલ વૉર મેમોરિયલ આજે પણ યુવાનોમાં રાષ્ટ્ર રક્ષા અને દેશ માટે પોતાનું તમામ ન્યોછાવર કરી દેવાની ભાવના જગાવી રહ્યુ છે. દેશને સુરક્ષિત રાખવા માટે પંજાબ સહિત દેશના અલગ અલગ ખૂણાઓમાં જ્યાં આપણાં વીર સૈનિકો શહીદ થયા હતા, આજે તેમને પણ યોગ્ય સ્થાન અને યોગ્ય સન્માન મળી રહ્યું છે. આ પ્રકારે આપણા પોલિસના જે જવાનો છે, આપણાં જે અર્ધ સૈનિક દળો છે તેમના માટે પણ આઝાદીના આટલા દાયકા સુધી દેશમાં કોઈ રાષ્ટ્રીય સ્મારક ન હતું. આજે પોલિસ અને અર્ધ સૈનિક દળોને સમર્પિત રાષ્ટ્રીય સ્મારક પણ દેશની નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે.

 

સાથીઓ,

પંજાબમાં કદાચ ભાગ્યે જ એવું કોઈ ગામ હશે, કે એવી કોઈ ગલી હશે કે જ્યાં શૌર્ય અને શૂરવીરતાની ગાથા ના હોય. ગુરૂઓએ દર્શાવેલા માર્ગો પર ચાલતા, મા ભારતી તરફ વક્ર નજર રાખનારા લોકો સામે પંજાબના દિકરા- દિકરીઓ ખડક બનીને ઉભા થઈ જાય છે. આપણો આ વારસો વધુ સમૃધ્ધ બને તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુરૂ નાનક દેવજીનો 550મો પ્રકાશોત્સવ હોય, ગુરૂ ગોવિંદ સિંહજીનો 350મો પ્રકાશોત્સવ હોય કે પછી ગુરૂ તેગ બહાદુરજીનો 400મો પ્રકાશોત્સવ હોય, આ તમામ પડાવ વિતેલા 7 વર્ષોમાં જ આવ્યા છે. કેન્દ્ર સરકારે એવો પ્રયાસ કર્યો છે કે જેથી માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં આ પવિત્ર પર્વોના માધ્યમથી આપણાં ગુરૂઓનો બોધ વિસ્તાર પામે. આપણાં આ સમૃધ્ધ વારસાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટેનુ કામ સતત ચાલુ જ છે. સુલતાનપુર, લોધીને હેરિટેજ ટાઉન બનાવવાનું કામ હોય, કરતારપુર કોરિડોરના નિર્માણની કામગીરી હોય, આ બધું આવા પ્રયાસોનો જ હિસ્સો છે. પંજાબને દુનિયાના અલગ અલગ દેશો સાથે એર કનેક્ટીવિટી આપવાની વાત હોય કે પછી સમગ્ર દેશમાં આપણાં જે ગુરૂ સ્થાનો છે તેની સાથે કનેક્ટીવિટીની વાત હોય તેને સશક્ત બનાવવામાં આવી રહી  છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ આનંદપુર સાહેબ- ફતેહગઢ સાહેબ, ફિરોજપુર -અમૃતસર- ખટકડ, કલાકલાનૌર-પતિયાલા હેરિટેજ સરકીટનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આપણો પ્રયાસ એ રહ્યો છે કે આપણો આ સમૃધ્ધ વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતો રહે અને પર્યટન સ્વરૂપે રોજગારીનું સાધન પણ બને.

 

સાથીઓ,

આઝાદીનો આ અમૃતકાળ સમગ્ર દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ અમૃતકાળમાં આપણે વારસા અને વિકાસને સાથે લઈને ચાલવું પડશે અને પંજાબની ધરતી આપણને હંમેશા હંમેશા આ પ્રેરણા આપતી રહી છે. આજે એ જરૂરી છે કે પંજાબ દરેક સ્તરે પ્રગતિ કરે. આપણો દેશ ચારેય દિશામાં પ્રગતિ કરે તે માટે આપણે સાથે મળીને કામ કરવાનું રહેશે. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અને સબકા પ્રયાસ' ની ભાવના સાથે આપણે કામ કરતાં રહેવું પડશે. મને પૂરો વિશ્વાસ છે કે જલિયાંવાલા બાગની આ ધરતી આપણને આપણાં સંકલ્પો માટે સતત ઉર્જા આપતી રહેશે અને દેશ પોતાના ધ્યેયને જલ્દી પૂરા કરશે. આવી ભાવના સાથે ફરી એક વખત આ આધુનિક સ્મારક માટે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1750136) Visitor Counter : 271