કાપડ મંત્રાલય
હાલ રૂ. 60000 કરોડના હાથવણાટના ઉત્પાદનો બને છે, જેને આગામી 3 વર્ષમાં વધારીને રૂ. 125000 કરોડ કરવાની જરૂર છે – શ્રી ગોયલ
હાથવણાટના ઉત્પાદનોની નિકાસ હાલ રૂ. 2500 કરોડથી ત્રણ ગણી વધારીને રૂ. 10000 કરોડ કરવાનો સમય છે – શ્રી ગોયલ
સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી થઈ
તમામ વણકરો, ટ્રેનર્સ માટે ઉપકરણ નિર્માતાઓ, માર્કેટિંગ નિષ્ણાતો અને અન્ય હિતધારકોને સમાવતી સમિતિ રચવામાં આવશે, જે હાથવણાટ ક્ષેત્રના ઉદ્દેશો હાંસલ કરવા અને સંપૂર્ણ પ્રગતિ માટેની ભલામણો કરશે
હાથવણાટ ક્ષેત્રને વૃદ્ધિની નવી ઊંચાઈએ લઈ જવાની જરૂર છે – શ્રી પિયૂષ ગોયલ
આ ક્ષેત્રને સરકારની મદદ વિના પર્યાપ્ત રીતે આત્મનિર્ભર અને સમૃદ્ધ કરવું પડશે – શ્રી ગોયલ
જમ્મુ અને કાશ્મીરમાં કનિહામ, કેરળમાં કોવલમ અને અસમના ગોલઘાટમાં મોહપરામાં હેન્ડલૂમ ક્રાફ્ટ વિલેજની સ્થાપના થઈ
7મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવા શ્રી ગોયલ અને શ્રી જરદોશે સંયુક્તપણે તમિલનાડુના કાંચીપુરમમાં ડિઝાઇન રિસોર્સ સેન્ટર અને છત્તિસગઢના રાયગઢમાં વણકર સેવા કેન્દ્રની બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું
Posted On:
07 AUG 2021 5:13PM by PIB Ahmedabad
કેન્દ્રીય ટેક્સટાઇલ્સ, વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું છે કે, હાથવણાટ ક્ષેત્રની હાલની ઉત્પાદન ક્ષમતા રૂ. 60000 કરોડથી વધારીને આગામી ત્રણ વર્ષની અંદર રૂ. 1,25,000 કરોડ કરવા જરૂરી પગલાં હાથ ધરવા પડશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં હાથવણાટની ચીજવસ્તુઓની નિકાસ હાલ રૂ. 2500 કરોડથી વધારીને રૂ. 10,000 કરોડ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવો પડશે. આજે અહીં સાતમા રાષ્ટ્રીય હાથવણાટ દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા શ્રી ગોયલે કહ્યું હતું કે, દેશ હાથવણાટ ક્ષેત્રના સતત વિકાસને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે, જેથી હાથવણાટના વણકરો અને કારીગરોને નાણાકીય રીતે સક્ષમ બનાવશે તથા તેમનો આત્મવિશ્વાસ વધારશે.
મંત્રીએ જાહેરાત કરી હતી કે, એક સમિતિમાં તમામ વણકરો, ટ્રેનરના ઉપકરણ નિર્માતાઓ, માર્કેટિંગ નિષ્ણાતો અને અન્ય હિતધારકો સામેલ હશે, જેથી હાથવણાટના ક્ષેત્રના ઉદ્દેશો હાંસલ થાય અને સંપૂર્ણ ક્ષેત્રની વિસ્તૃત પ્રગતિ થાય.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાથવણાટનું ક્ષેત્ર આપણા સાંસ્કૃતિક વારસામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સદીઓથી આ કળા વણાટ અને ડિઝાઇનની કુશળતાનું પેઢી-દર-પેઢી હસ્તાંતરણ થવાથી જીવંત રહી છે. તેમણે કહ્યું હતું કે, 07 ઓગસ્ટ, 1905ના રોજ જ કોલકાતામાં ટાઉનહોલમાં સ્વદેશી આંદોલન માટે એક સભા યોજાઈ હતી, જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનો અને ઉત્પાદનની પ્રક્રિયાને પુનર્જીવિત કરવાની હતી. શ્રી ગોયલે ઉમેર્યું હતું કે, આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા અને આપણા હાથવણાટની પરંપરાની ઉજવણી કરવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથવણાટ દિવસ જાહેર કર્યો હતો. આઝાદીના 75મા વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણને તમામને એક રાષ્ટ્ર તરીકે ભારતીય હાથવણાટના ઉત્પાદનો ખરીદવા અપીલ કરી છે અને #MyHandloomMyPride સાથે તેમનું જોડાણ પણ પ્રદર્શિત કર્યું છે. મંત્રીએ વણકરો અને હાથવણાટના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા હાથવણાટની ઓછામાં ઓછી એક ચીજ ખરીદવા પણ અપીલ કરી હતી.
કેરળના થિરુવનંતપુરમના કોવલમ, અસમના ગોલઘાટ જિલ્લાના મોહપરા ગામ અને શ્રીનગરના બુડગામમાં કોવલમમાં સંબંધિત રાજ્ય સરકારો સાથે ત્રણ હેન્ડલૂમ ક્રાફ્ટ વિલેજીસ સ્થાપિત કરવા બદલ એનએચડીસીને અભિનંદન આપીને મંત્રીએ કહ્યું હતું કે, એનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મદદ મળવાની સાથે આ વિસ્તારોનાં હાથવણાટ અને હસ્તકળાના પ્રસિદ્ધ ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે અને વણકરોની આવક પણ વધશે. શ્રી ગોયલે બદલાતી જરૂરિયાતો મુજબ નવા વિચારો અને અદ્યતન ટેકનોલોજી સાથે આ ક્ષેત્રને પુનર્જીવિત કરવાની સલાહ પણ હાથવણાટ વિકાસ નિગમને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારના ટેકા વિના આ ક્ષેત્ર આત્મનિર્ભર કેવી રીતે બની શકે એના પર વિચાર કરવો અતિ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણે આપણી જાતને આત્મનિર્ભર બનાવીને જ ભારતને આત્મનિર્ભર બનાવી શકીએ.’
આ પ્રસંગે શ્રી ગોયલ અને શ્રીમતી દર્શના જરદોશે સંયુક્તપણે તમિલનાડુમા કાંચીપુરમમાં ડિઝાઇન રિસોર્સ સેન્ટર અને છત્તિસગઢના રાયગઢમાં વણકર સેવા કેન્દ્રના નિર્માણનું ઉદ્ઘાટન કર્યું હતું. રાષ્ટ્રી હાથવણાટ વિકાસ નિગમ દ્વારા વર્ચ્યુઅલ બાયર સેલર મીટનું પણ આયોજન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય ટેક્સટાઇલ્સ અને રેલવે મંત્રી શ્રીમતી દર્શના જરદોશે કહ્યું હતું કે, આ ક્ષેત્ર સાથે મહિલાઓનું સશક્તિકરણ સીધું સંકળાયેલું છે, કારણ કે તમામ વણકરો અને સંલગ્ન કારીગરોમાં 70 ટકા વધારે મહિલાઓ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકલ ફોર વોકલ પહેલ અંતર્ગત સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાની આપણી બધાની જવાબદારી છે.
ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ યુ પી સિંહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, ઇ-કોમર્સ પોર્ટલને ડિજિટલ ઇન્ડા કોર્પોરેશન (એમઇઆઇટીવાય અંતર્ગત) સાથે સંકલનમાં હાથવણાટ કરતા વણકરો અને હસ્તકળા કલાકારો માટે વિકસાવવામાં આવી છે. આ પોર્ટલ આપણા વણકરો અને કલાકારોને તેમના ઉત્પાદનોનું વેચાણ ગ્રાહકોને સીધું કરવાની સુવિધા આપશે. તેમણે ઉમેર્યું હતું કે, હાથવણાટ ક્ષેત્રને ટેકો આપવા અને તેમના માટે બહોળું બજાર ઉપલબ્ધ કરાવવા ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ (જીઇએમ) પર વણકરોને બોર્ડ પર લેવા વિવિધ પગલાં લેવામાં આવે છે. આ પગલાં વણકરોને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓને તેમના ઉત્પાદનોનું વેચાણ સીધું ગ્રાહકોને કરવા સક્ષમ બનાવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધી જીઇએમ પોર્ટલ પર આશરે 1.50 લાખ વણકરો બોર્ડ પર આવ્યાં છે.
શ્રી ગોયલ અને શ્રીમતી દર્શના જરદોશે વણકરો સાથે સંવાદ પણ કર્યો હતો, જેઓ દેશના વિવિધ વિસ્તારોમાંથી રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. જ્યાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું, ત્યાં હોટેલ અશોકના કન્વેન્શન હોલમાં પણ હાથવણાટના વિવિધતાસભર વિશિષ્ટ હાથવણાટ ઉત્પાદનો પ્રસ્તુત થયા હતા.
પ્રધાનમંત્રી મોદીની અપીલ પર રાષ્ટ્રીય સ્તરે 7મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવા રાષ્ટ્રીય હાથવણાટ વિકાસ નિગમ (એનએચડીસી) દ્વારા 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી નવી દિલ્હીમાં આઇએનએ સ્થિતિ દિલ્હી હાટ પર રાષ્ટ્રી સ્તરનો “માય હેન્ડલૂમ માય પ્રાઇડ એક્ષ્પો”નું આયોજન કર્યું હતું. એમાં હાથવણાટ ઉત્પાદક કંપનીઓ અને વણકરો વેચાણ માટે દેશભરમાંથી હાથવણાટ ક્લસ્ટર્સ/પોકેટ્સમાંથી હાથવણાટ ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. આ એક્ષ્પો કે પ્રદર્શનમાં 22 રાજ્યોમાં 125થી વધારે હાથવણાટ સંસ્થાઓ/રાષ્ટ્રીય એવોર્ડવિજેતાઓ સહભાગી થઈ રહ્યાં છે. આ પ્રદર્શન 15 ઓગસ્ટ, 2021 સુધી 15 દિવસ સવારે 11 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું છે તથા આ પ્રદર્શનની મુલાકાત 10,000થી વધારે લોકો લેશે એવી અપેક્ષા છે. પ્રદર્શનમાં ભારતના કેટલાંક વિવિધ અને અંતરિયાળ વિસ્તારોમાંથી હાથવણાટના ઉત્પાદનો પ્રદર્શન અને વેચાણ માટે મૂકવામાં આવ્યાં છે. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ, 2021 સુધી #MyHandloomMyPride એક્ષ્પોનું આયોજન હોટેલ લીલા પેલેસ, નવા મોતી બાગ, કમ્યુનિટી હોલ ખાતે હાથવણાટ નિકાસ પ્રદર્શન પરિષદ દ્વારા પણ થશે.
(Release ID: 1743656)
Visitor Counter : 375