સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NexT) 2023ના પ્રથમ છ માસમાં રોડમેપ મુજબ હાથ ધરાય એ માટેના પ્રયાસો ચાલુ છે; 2022માં મૉક રનનું પણ આયોજન થઈ રહ્યું છે
સરકાર ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ, પારદર્શક પરીક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સેવાઓ સર્જવા માટે પ્રતિબદ્ધ: શ્રી મનસુખ માંડવિયા
Posted On:
30 JUL 2021 3:23PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે નેશનલ મેડિકલ કમિશન સાથે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મીટિંગમાં તબીબી શિક્ષણના મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગમાં એનએમસીના અધિકારીઓ દ્વારા માહિતી અપાયા મુજબ, નેશનલ એક્ઝિટ ટેસ્ટ ( NExT) રોડમેપ મુજબ 2023ના પ્રથમ છ માસમાં યોજવામાં આવશે. કાર્યવાહીના પરીક્ષણ અને તબીબી વિદ્યાર્થીઓમાં ચિંતા દૂર કરવા માટે એક મૉક રનનું પણ આયોજન થઈ રહ્યું છે અને તે 2022માં યોજવામાં આવશે. એવી પણ ચર્ચા થઈ હતી કે NExTના પરિણામો (પગલું 1 અને 2) પછી આ માટે ઉપયોગમાં લેવાશે.
(i) ફાઇનલ એમ.બી.બી.એસ.ની પરીક્ષા ઉત્તીર્ણ થવા.
(ii) ભારતમાં આધુનિક ચિકિત્સાની પ્રેક્ટિસ કરવાનું લાઈસન્સ મેળવવા.
(iii) વ્યાપક વિશેષતાઓમાં પીજી બેઠકોની મેરિટ આધારિત ફાળવણી માટે.
સમીક્ષા મીટિંગમાં, NExTને વિશ્વ સ્તરીય ધારાધોરણની પરીક્ષા બનાવવાના ઉપાયોની પણ ચર્ચા અને મસલતો કરવામાં આવી હતી. NExT પરીક્ષાનું મહત્વ એ હકીકત પરથી ફલિત થાય છે કે ભારતમાં તાલીમ લીધી હોય કે વિશ્વના કોઇ પણ ભાગમાં, એ દરેક માટે સરખી રહેશે અને એટલે તે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (એફએમજીઝ)/ પરસ્પર માન્યતાની સમસ્યા ઉકેલશે. મીટિંગને સંબોધન કરતા શ્રી મનસુખ માંડવિયાએ ભાર મૂક્યો હતો કે ભારત સરકાર ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ સર્જવા અને પારદર્શક પરીક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ આરોગ્ય સેવાઓ માટે પ્રતિબદ્ધ છે અને આ હેતુ હાંસલ કરવા માટે તમામ હિતધારકો સાથે અથાક રીતે કાર્ય કરી રહી છે.
નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) વિશે:
એનએમસી એ નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 તરીકે જાણીતા સંસદના કાયદા દ્વારા સ્થાપિત છે જે 25.09.2020ના રોજ અમલમાં આવ્યું હતું અને એનો હેતુ ગુણવત્તાયુક્ત અને પરવડે એવા તબીબી શિક્ષણ માટે પ્રવેશ સુધારવાનો, દેશના તમામ ભાગોમાં પૂરતા અને ઉચ્ચ ગુણવત્તાના તબીબી વ્યવસાયિકો સુનિશ્ચિત કરવાનો અને સમાન અને સર્વગ્રાહી આરોગ્ય કાળજી પૂરી પાડવાનો છે.
એનએમસીની વ્યાપક કામગીરીમાં તબીબી શિક્ષણમાં ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ધારાધોરણ જાળવવાનો અને આવશ્યક નિયમો બનાવવાનો; તબીબી સંસ્થાઓ, તબીબી સંશોધન અને તબીબી વ્યવસાયિકોના નિયમન માટેની નીતિઓ ઘડવાનો; આરોગ્ય અને આરોગ્ય સેવા ઇન્ફ્રાસ્ટ્ર્કચર માટે માનવ સંસાધન સહિત આરોગ્ય સેવાઓમાં જરૂરિયાતોનું આકલન કરવા અને આવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે રોડ મેપ વિક્સાવવા; કમિશન, સ્વાયત્ત બૉર્ડ્સ અને રાજ્ય મેડિકલ કાઉન્સિલોની યોગ્ય કામગીરી માટે જરૂરી નીતિ-નિયમો બનાવીને નીતિઓ ઘડવા અને માર્ગદર્શિકા ઘડવા તેમજ તેના સંકલન અને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. તે સ્વાયત્ત બૉર્ડ્સ વચ્ચે સંકલન પણ સુનિશ્ચિત કરે છે.
એનએમસી સ્વાયત્ત બૉર્ડ્સના નિર્ણયોના સંદર્ભમાં એપેલેટ ન્યાય ક્ષેત્ર તરીકે પણ કાર્ય કરે છે અને તબીબી વ્યવસાયમાં વ્યવસાયિક નીતિશાસ્ત્રનું પાલન સુનિશ્ચિત કરવા નીતિઓ અને સંહિતાઓ ઘડે છે અને તબીબી પ્રેક્ટિશનર્સ દ્વારા સેવા પૂરી પાડવા દરમ્યાન નૈતિક આચરણને ઉત્તેજન આપે છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740735)
Visitor Counter : 367