પ્રધાનમંત્રીનું કાર્યાલય
વારાણસીમાં બહુવિધ વિકાસકીય પ્રોજેક્ટનો પ્રારંભ કરતી વખતે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
Posted On:
15 JUL 2021 2:52PM by PIB Ahmedabad
ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, હર હર મહાદેવ
લાંબા સમય બાદ તમારા સૌ સાથે સીધી મુલાકાત કરવાનો અવસર મળ્યો છે. કાશીના તમામ લોકોને પ્રણામ. હું તમામ લોકોના દુઃખ હરનારા ભોલેનાથ, માતા અન્નપૂર્ણાના ચરણમાં શિશ ઝુકાવું છું.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના યશસ્વી, ઊર્જાવાન અને કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, ધારાસભ્યગણ તથા બનારસના મારા ભાઈઓ અને બહેનો,
આજે કાશીના વિકાસ સાથે સંકળાયેલા 1500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો મને મોકો મળ્યો છે. બનારસના વિકાસ માટે જે કાંઈ થઈ રહ્યું છે તે તમામ બાબત મહાદેવના આશીર્વાદ અને બનારસના નાગરિકોના પ્રયાસને કારણે શક્ય બન્યું છે. કપરા સમયમાં પણ કાશીએ દેખાડી દીધું છે કે તે અટકે છે પણ થાકતી નથી.
ભાઈઓ અને બહેનો,
છેલ્લા કેટલાક મહિના આપણા તમામ માટે, સમગ્ર માનવજાતિ માટે અત્યંત કપરા રહ્યા છે. કોરોના વાયરસના બદલાતા અને ખતરનાક રૂપે સમગ્ર તાકાત સાથે હુમલો કર્યો હતો. પરંતુ કાશી સહિત સમગ્ર ઉત્તર પ્રદેશે સંપૂર્ણ સામર્થ્ય સાથે આવડા મોટા સંકટનો સામનો કર્યો છે. દેશના સૌથી મોટા પ્રદેશ અને જેની વસતિ દુનિયાના સંખ્યાબંધ દેશો કરતા પણ વધારે હોય ત્યાં કોરોનાની બીજી લહેરનો ઉત્તર પ્રદેશે જે રીતે સામનો કર્યો, બીજી લહેર દરમિયાન ઉત્તર પ્રદેશે જે રીતે કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવ્યું તે અભૂતપૂર્વ ઘટના છે. નહિંતર ઉત્તર પ્રદેશના લોકોએ એ કપરો કાળ પણ જોયો છે જ્યાં માનસિક તાવ, ઇન્સેફ્લાઇટિસ જેવી બીમારીનો સામનો કરવામાં કેટલી તકલીફ પડતી હોય છે.
અગાઉના જમાનામાં આરોગ્ય સુવિધાઓની અછત અને ઇચ્છાશક્તિનો અભાવ હોવાને કારણે નાની નાની સમસ્યા પણ ઉત્તર પ્રદેશમાં વિકરાળ બની જતી હતી. અને, આ તો છેલ્લા 100 વર્ષમાં દુનિયાભરમાં આવેલી સૌથી મોટી મહામારી છે. તેથી જ કોરોનાનો સામનો કરવામાં ઉત્તર પ્રદેશનો પ્રયાસ ઉલ્લેખનીય છે. હું કાશીના મારા તમામ સાથીઓને, અહીંના શાસન-પ્રશાસનથી લઈને કોરોના યોદ્ધાઓની સંપૂર્ણ ટીમનો વિશેષરૂપથી આભારી છું. તમે દિવસ રાત એક કરીને જે રીતે કાશીના વ્યવસ્થા સંભાળી છે તે ઘણી મોટી સેવા છે.
મને યાદ છે અડધી રાત્રે પણ હું અહીંના વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકોને ફોન કરતો હતો ત્યારે તેઓ મોરચા પર તૈનાત જોવા મળતા હતા. કપરો સમય હતો, પરંતુ તમારા પ્રયાસોએ જરાય કસર બાકી રાખી ન હતી. તમારા તમામના આ પ્રકારના કાર્યોનું જ પરિણામ છે કે આજે ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ ફરીથી અંકુશમાં આવી રહી છે.
આજે ઉત્તર પ્રદેશ કોરોનાના સૌથી વધારે ટેસ્ટિંગ કરનારું રાજ્ય છે. આજે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં સૌથી વધારે વેક્સિનેશન કરનારું રાજ્ય છે. તમામને વેક્સિન-મુક્ત વેક્સિન અભિયાનના માધ્યમથી, ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, નવયુવાન તમામને સરકાર દ્વારા વિનામુલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે.
ભાઈઓ અને બહેનો,
સ્વચ્છતા અને આરોગ્યથી સંકળાયેલું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તર પ્રદેશમાં તૈયાર થઈ રહ્યું છે તે ભવિષ્યમાં પણ કોરોના સામેની લડતમાં ખૂબ મદદરૂપ થનારું છે. ગામડામાં આરોગ્ય કેન્દ્ર હોય કે મેડિકલ કોલેજ હોય કે એમ્સ હોસ્પિટલ હોય આજે ઉત્તર પ્રદેશમાં મેડિકલ માળખામાં અભૂતપૂર્વ સુધારો થઈ રહ્યો છે. ચાર વર્ષ અગાઉ ઉત્તર પ્રદેશમાં એકાદ ડઝન મેડિકલ કોલેજ હતી જેની સંખ્યા આજે ચાર ગણી વધી ગઈ છે. આ ઉપરાંત ઘણી બધી મેડિકલ કોલેજના નિર્માણ તેના અલગ અલગ તબક્કામાં છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લગભગ સાડા પાંચસો ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આજે બનારસમાં જ આજે 14 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાના બાળકો માટે ખાસ ઓક્સિજન અને આઇસીયુ જેવી સવલતોનું નિર્માણ કરવાની પહેલ ઉત્તર પ્રદેશ સરકારે કરી છે તે પણ પ્રશંસનીય છે. કોરોનાને સંબંધિત નવી આરોગ્ય સવલતોના નિર્માણ માટે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 23 હજાર કરોડ રૂપિયાના એક વિશેષ પેકેજની જાહેરાત કરી છે. તેનો પણ ઉત્તર પ્રદેશનો મોટો લાભ મળવાનો છે.
સાથીઓ,
કાશીનગરી આજે પૂર્વાંચલનું એક મોટું મેડિકલ હબ બની રહી છે. જે બીમારીઓના ઇલાજ માટે એક સમયે દિલ્હી કે મુંબઈ જવું પડતું હતું તેનો ઇલાજ આજે કાશીમાં પણ ઉપલબ્ધ છે. અહીં મેડિકલ માળખામાં કેટલીક નવી સવલતો ઉમેરાઈ રહી છે. આજે મહિલાઓ અને બાળકોના ઉપચાર સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલ કાશીમાં જ ઉપલબ્ધ છે. તેમાં BHUમાં 100 બેડની ક્ષમતા તથા જિલ્લા હોસ્પિટલમાં 50 બેડની ક્ષમતાનો ઉમેરો થઈ રહ્યો છે. આ બંને પ્રોજેક્ટના શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. આજે તેનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે. BHUમાં જે નવી સવલતો બની છે તેની સમીક્ષા કરવા માટે થોડી વાર પછી હું ત્યાં જવાનો છું. સાથીઓ, આજે BHUમાં પ્રાંતીય નેત્ર સંસ્થાનનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે. આ સંસ્થાનમાં નાગરિકોને તેમની આંખની બીમારી સંબંધિત આધુનિક સારવાર પણ મળી શકશે.
ભાઈઓ અને બહેનો,
છેલ્લા સાત વર્ષમાં કાશી તેની મૌલિક ઓળખ જાળવી રાખવાની સાથે સાથે વિકાસના માર્ગ પર પણ ઝડપથી અગ્રેસર છે. નેશનલ હાઇવેનુ કામ હોય, ફ્લાઇ ઓવર હોય કે રેલવે ઓવરબ્રીજ હોય કે પછી વિજળીના તારોની ઝંઝાળ દૂર કરવા માટે પુરાણી કાશીમાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ સિસ્ટમ હોય, પીવાના પાણી કે સિવરની સમસ્યાનો ઉકેલ હોય, કે પછી પ્રવાસન વધારવા માટેના વિકાસ કાર્ય હોય આ તમામ બાબતોમાં તમામ ક્ષેત્રોમાં રાજ્યમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે. હાલના તબક્કે પણ આ ક્ષેત્રમાં લગભગ આઠ હજાર કરોડ રૂપિયાની પરિયોજના પર કામ ચાલી રહ્યું છે. નવા પ્રોજેક્ટ, નવા સંસ્થાન કાશીની વિકાસગાથાને વધુને વધુ જીવંત બનાવી રહ્યા છે.
સાથીઓ,
કાશીના માતા ગંગાની, સ્વચ્છતા અને સુંદરતા, આપણા તમામની મહેચ્છા પણ છે અને પ્રાથમિકતા પણ છે. તેના માટે માર્ગો હોય, સિવેજ ટ્રીટમેન્ટ હોય, બગીચા અને ઘાટનું સૌંદર્યીકરણ હોય આવા તમામ મામલે કાર્ય ચાલી રહ્યું છે. પંચકોશી માર્ગને પહોળો બનાવવાની કામગીરી પૂર્ણ થતાં શ્રદ્ધાળુઓને સવલત મળી રહેશે અને આ માર્ગમાં આવનારા સંખ્યાબંધ ગામડાઓનુ જીવન પણ સરળ બની જશે. વારાણસી-ગાઝીપુર માર્ગ પર જે સેતુ છે તે શરૂ થવાથી વારાણસી ઉપરાંત પ્રયાગરાજ, ગાઝીપુર, બળિયા, ગોરખપુર અને બિહાર આવવા-જનારા લોકોને અત્યંત આસાની રહેશે, ગૌદૌલિયામાં મલ્ટિ લેવલ દ્વિચક્રી વાહનોના પાર્કિંગની સુવિધાથી ઘણી કચકચ ઘટી જશે તે તો બનારસના લોકો સારી રીતે જાણે છે. એવી જ રીતે લહરતારાથી ચૌકા ઘાટ સુધીના ફ્લાય ઓવરની નીચે પાર્કિંગથી લઈને અન્ય જનસુવિધાનું નિર્માણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. બનારસની કે ઉત્તર પ્રદેશની કોઈ પણ બહેનને, કોઈ પણ પરિવારને શુદ્ધ જળ માટે પરેશાન થવું પડે નહીં તે માટે ‘હર ઘ જલ અભિયાન’ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.
સાથીઓ,
બહેતર સુવિધા, બહેતર જોડાણ, સુંદર બની રહેલી ગલીઓ અને ઘાટ, આ તમામ બાબતો ચિર-પુરાણી કાશીની નૂત્તન અભિવ્યક્તિ છે. શહેરમાં 700થી વધારે જગ્યાઓ પર એડવાન્સ સર્વેલિયન્સ કેમેરા લગાવવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. શહેરમાં અનેક સ્થાનોએ લગાવવામાં આવેલા LED સ્ક્રીન અને ઘાટો પર લગાવવામાં આવી રહેલા ટેકનોલોજીથી સજ્જ માહિતી બોર્ડ આ તમામ બાબતો આગામી દિવસોમાં કાશીની ખૂબ મદદ કરશે. કાશીના ઇતિહાસ, વાસ્તુકલા, શિલ્પ કલા આવી તમામ માહિતીને આકર્ષક રૂપમાં પ્રસ્તુત કરનારી સવલતો શ્રદ્ધાળુઓને ઘણી ઉપયોગી થઈ પડશે. મોટા સ્ક્રીન મારફતે ગંગાજીના ઘાટ પર અને કાશી વિશ્વનાથ મંદીરમાં થનારી આરતીનું પ્રસારણ સમગ્ર શહેરમાં શક્ય બની જશે.
ભાઈઓ અને બહેનો,
આજથી જે રો-રો ફેરી સેવા અને ક્રૂઝ બોટના સંચાલનનો પ્રારંભ થઈ રહ્યો છે તેનાથી કાશીના પ્રવાસન ક્ષેત્રને વિકસવાનો મોકો મળનારો છે.
એટલું જ નહીં માતા ગંગાની સેવામાં સંકળાયેલા આપણા નાવિક સાથીઓને પણ બહેતર સવલત આપવામાં આવી રહી છે. ડીઝલથી ચાલતી નૌકાને હવે સીએનજીમાં પરાવર્તિત કરવામાં આવી રહી છે. તેનાથી તેનો ખર્ચ પણ ઘટશે અને પર્યાવરણને પણ લાભ થશે અને પ્રવાસીઓ પણ આકર્ષિત થશે. થોડા સમયમાં જ હું રૂદ્રાક્ષના રૂપમાં એક ઇન્ટરનેશનલ કન્વેશન સેન્ટરને પણ કાશીવાસીઓને ભેટ આપવા જઈ રહ્યો છું. કાશીના વિશ્વસ્તરીય સાહિત્યકાર, સંગીતકાર અને અન્ય કલાઓના કલાકારોએ વિશ્વસ્તરે ધૂમ મચાવી છે. પરંતુ કાશીમાં જ તેમની કલાના પ્રદર્શન માટે વિશ્વકક્ષાની સવલતો નથી. આજે મને આનંદ થાય છે કે કાશીના કલાકારોને તેમની વિદ્યાનું પ્રદર્શન કરવા માટે પોતાની કલા દેખાડવા માટે એક આધુનિક મંચ મળી રહ્યો છે.
સાથીઓ,
કાશીના પુરાતન વૈભવની સમૃદ્ધિ, જ્ઞાનની ગંગા સાથે સંકળાયેલી છે. આવામાં કાશીના આધુનિક જ્ઞાન અને વિજ્ઞાનના કેન્દ્રના રૂપમાં પણ તેનો સતત વિકાસ થવો જરૂરી છે. યોગીજીની સરકારના આગમન બાદ આ દિશામાં જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં પણ વેગ આવ્યો છે. આજની મોડેલ સ્કૂલ ITI, પોલિટેકનિક આવા અનેક સંસ્થાનો અને નવી સુવિધાએ કાશીને મળી છે. આજે સીપેટના સેન્ટર ફોર સ્કિલિંગ એન્ડ ટેકનિકલ સપોર્ટની જે આધારશિલા રાખવામાં આવી છે તે માત્ર કાશીને જ નહીં પરંતુ પૂર્વાંચલના ઔદ્યોગિક વિકાસને પણ નવી ઊર્જા પ્રદાન કરશે. આવા સંસ્થાન આત્મમનિર્ભર ભારતના નિર્માણ માટે કુશળ યુવાનોની તાલીમમાં કાશીની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. હું બનારસના યુવાનોને, વિદ્યાર્થીઓને સિપેટ સેન્ટર માટે ખાસ અભિનંદન પાઠવું છું.
ભાઈઓ અને બહેનો,
આજે દુનિયાના અનેક મોટા મોટા રોકાણકારો આત્મનિર્ભર ભારતના મહાયજ્ઞમાં જોડાઈ રહ્યા છે. તેમાં પણ ઉત્તર પ્રદેશ દેશના અગ્રણી રોકાણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. થોડા વર્ષ અગાઉ જે ઉત્તર પ્રદેશમાં વેપાર કરવો અઘરી બાબત માનવામાં આવી રહી હતી ત્યાં આજે મેક ઇન ઇન્ડિયા માટે ઉત્તર પ્રદેશ પસંદગીનું રાજ્ય બની ગયું છે.
તેનું એક મોટું કારણ એ છે કે ઉત્તર પ્રદેશમાં યોગીની સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરવામાં આવ્યું છે. માર્ગ, રેલવે અને હવાઈ કનેક્ટિવિટીમાં આજે અભૂતપૂર્વ સુધારો આવ્યો છે જેને કારણે અહીનુ જીવન સરળ બની ગયું છે. વેપાર કરવામાં વધારે સુવિધા મળી રહી છે. ઉત્તર પ્રદેશના ખૂણે ખૂણે પહોળા અને આધુનિક માર્ગોને એક્સપ્રેસ વે સાથે જોડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ડિફેન્સ કોરીડોર હોય કે પૂર્વાંચલ એક્સપ્રેસ હોય કે બુંદેલખંડ એક્સપ્રેસ-વે હોય કે ગોરખપુર લિંક એક્સપ્રેસ-વે હોય અથવા તો ગંગા એક્સપ્રેસ આ તમામ ઉત્તર પ્રદેશને આ દાયકામાં વિકાસની નવી ઉંચાઈઓ પ્રદાન કરશે. આ માર્ગો પર માત્ર ગાડીઓ જ નહીં દોડે પરંતુ તેની આસપાસ આત્મનિર્ભર ભારતને નવી શક્તિ આપનારા નવા ઔદ્યોગિક ક્લસ્ટર પણ તૈયાર થશે.
ભાઈઓ અને બહેનો,
આત્મનિર્ભર ભારતમાં આપણી ખેતી સાથે જોડાયેલા માળખા તથા કૃષિ આધારિત ઉદ્યોગોની પણ મોટી ભૂમિકા આવનારી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણ માટે મોટો નિર્ણય લીધો છે. દેશમાં આધુનિક કૃષિ માળખા માટે જે એક લાખ કરોડ રૂપિયાનું વિશેષ ફંડ રચવામાં આવ્યું છે તેનો લાભ આપણી કૃષિ મંડળીઓને પણ મળશે. તે દેશની કૃષિ મંડળીઓના તંત્રને આધુનિક અને સુવિધા સંપન્ન બનાવવા તરફનું એક મોટું પગલું છે. સરકાર ખરીદી સાથે સંકળાયેલી સિસ્ટમને બહેતર બનાવવા અને ખેડૂતોને વધુને વધુ વિકલ્પ આપવા તે સરકારની પ્રાથમિકતા છે. આ વર્ષે ધાન અને ઘઉંની રેકોર્ડ સરકારી ખરીદી તેનું પરિણામ છે.
સાથીઓ,
કૃષિ સાથે સંકળાયેલા માળખા અંગે પણ ઉત્તર પ્રદેશમાં સતત કામગીરી ચાલી રહી છે. વારાણસી હોય કે પૂર્વાંચલ હોય અહીં પૈરિશેબલ કાર્ગો સેન્ટર, ઇન્ટરનેશનલ રાઇસ સેન્ટર જેવી અનેક આધુનિક વ્યવસ્થાઓ આજે ખેડૂતોને કામ લાગી રહી છે. આવા જ અનેક પ્રયાસોને કારણે જ આપણા લંગડા અને દશહરી કેરી આજે યુરોપથી લઈને ખાડીના દેશો સુધી આપણી મીઠાશ ભરી રહી છે. આજે જે મેંગો અને વેજિટેબલ ઇન્ટિગ્રેટેડ પેક હાઉસનો શિલાન્યાસ થઈ રહ્યો છે તે આ ક્ષેત્રને એગ્રો એક્સપોર્ટ હબ તરીકે વિકસીત કરવામાં મદદરૂપ બનશે. તેનાથી ખાસ કરીને ફળ શાકભાજી પકવનારા નાના નાના ખેડૂતોને તેનો સૌથી વધુ લાભ મળશે.
સાથીઓ,
કાશી અને સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસના કાર્યોની આટલી વારથી હું ચર્ચા કરી રહ્યો છું પરંતુ આ યાદી એટલી લાંબી છે કે તે આસાનીથી પૂરી થનારી નથી. જ્યારે સમયનો અભાવ હોય તો મારે ઘણી વાર વિચારવું પડે છે કે ઉત્તર પ્રદેશના કયા વિકાસકાર્યની ચર્ચા કરુ અને કયા કાર્યોની ચર્ચા બાકી રાખું. આ તમામ બાબતો યોગીજીના નેતૃત્વ અને ઉત્તર પ્રદેશ સરકારની કાર્યનિષ્ઠાની કમાલ છે.
ભાઈઓ અને બહેનો,
એવું પણ નથી કે 2017 અગાઉ ઉત્તર પ્રદેશ માટે કોઈ યોજના આવતી ન હતી, પૈસા મોકલવામાં આવતા ન હતા ત્યારે પણ 2014માં અમને સેવા કરવાનો અવસર મળ્યો ત્યારે પણ દિલ્હીમાં આટલી જ ઝડપથી પ્રયાસ થતા હતા પરંતુ એ વખતે લખનૌમાં આ કાર્યો સામે વિઘ્ન નાખવામાં આવતું હતું. આજે યોગીજી ખુદ આકરી મહેનત કરી રહ્યા છે. કાશીના લોકો જૂએ જ છે કે કેવી રીતે યોગીજી અહીં વારંવાર આવતા રહે છે, દરેક વિકાસ યોજનાની સમીક્ષા કરે છે, પોતે જાતે જ ઊર્જા લગાડીને કાર્યોને વેગ આપે છે. આવી જ મહેનત તેઓ સમગ્ર રાજ્ય માટે કરે છે. તેઓ દરેક જિલ્લામાં જાય છે અને દરેક કાર્ય સાથે જાતે જ સંકળાય છે. આજ કારણ છે કે ઉત્તર પ્રદેશમાં પરિવર્તનના પ્રયાસ આજે એક આધુનિક ઉત્તર પ્રદેશ બનાવવામાં ઝડપથી આગળ ધપી રહ્યા છે.
આજે ઉત્તર પ્રદેશમાં કાનૂનનું રાજ્ય છે. માફિયારાજ અને આતંકવાદ એક સમયે બેકાબુ બની રહ્યા હતા તેની ઉપર આજે કાનૂનનો અંકુશ છે. બહેનો અને દીકરીઓની સુરક્ષાને લઈને માતાપિતા હંમેશાં ડર અને આશંકામાં જીવતા હતા તે પરિસ્થિતિ આજે બદલાઈ ગઈ છે. આજે બહેન દીકરીઓ પર આંખ ઉઠાવનારા ગુનેગારોને ખબર છે કે તેઓ કાયદાથી બચી શકશે નહીં. બીજી એક મોટી વાત, ઉત્તર પ્રદેશ સરકાર આજે ભ્રષ્ટાચાર કે ભાઈ-ભત્રીજા વાદથી નહીં વિકાસવાદથી ચાલી રહી છે. આથી જ આજે ઉત્તર પ્રદેશની જનતાની યોજનાઓનો લાભ સીધો જનતાને જ મળી રહ્યો છે. આથી જ આજે ઉત્તર પ્રદેશમાં નવા નવા ઉદ્યોગોમાં રોકાણ થઈ રહ્યું છે, રોજગારીની તકો વધી રહી છે.
સાથીઓ,
વિકાસ અને પ્રગતિની આ યાત્રામાં ઉત્તર પ્રદેશના પ્રત્યેક નાગરિકનું યોગદાન છે તેમાં જન જન ભાગીદારી છે. તમારું આ યોગદાન, તમારા આ આશીર્વાદ ઉત્તર પ્રદેશને વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે. તમારી એક મોટી જવાબદારી એ પણ છે કે તમારે કોરોનાને ફરીથી તમારી ઉપર હાવી થવા દેવાનો નથી.
કેમકે, કોરોના સંક્રમણની ઝડપ ધીમી જરૂર થઈ છે પરંતુ લાપરવાહી વધી તો તે પ્રચંડ લહેરમાં ફેરવાઈ જશે. દુનિયાના ઘણા દેશોનો આ અનુભવ આપણી સામે છે. તેથી જ આપણે તમામ નિયમ અને કાયદાનું કડકપણે પાલન કરવાનું છે. તમામે વેક્સિન મુક્ત વેક્સિન અભિયાન સાથે પણ જોડાવાનું છે. રસી ચોક્કસ મુકાવજો. બાબા વિશ્વનાથ અને માતા ગંગાના આશીર્વાદ આપણા તમામ પર કાયમ રહે. આ જ શુભકામના સાથે તમારા તમામનો ખૂબ ખૂબ આભાર.
હર હર મહાદેવ.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735900)
Visitor Counter : 306
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam