પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીએસઆઈઆર સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરી


આપણે આ દાયકાની જરૂરિયાતો માટે અને સાથે સાથે આવનારા દાયકાઓની જરૂરિયાતો માટે સજ્જ થવું જ રહ્યું: પ્રધાનમંત્રી

Posted On: 04 JUN 2021 1:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (સીએસઆઇઆર) સોસાયટીની મીટિંગની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધ્યક્ષતા કરી હતી.

આ અવસરે બોલતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે કોરોના મહામારી આ સદીના સૌથી મોટા પડકાર તરીકે ઉભરી છે. પરંતુ ભૂતકાળમાં જ્યારે પણ માનવજાત માટે મોટી કટોકટી આવી છે, વિજ્ઞાને વધારે સારા ભવિષ્ય માટે માર્ગ તૈયાર કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે વિજ્ઞાનનો મૂળભૂત સ્વભાવ કટોકટીઓ દરમ્યાન ઉપાયો અને સંભાવનો શોધીને નવી શક્તિ સર્જવાનો છે.

મહામારીથી માનવજાતને બચાવવા માટે એક વર્ષની અંદર જે વ્યાપ અને ઝડપથી રસીઓ બનાવવામાં આવી એ માટે પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ પહેલી વાર છે કે ઇતિહાસમાં આટલી મોટી બીના બની છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉની સદીમાં, શોધ અન્ય દેશોમાં થતી હતી અને ભારતે વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ આજે આપણા દેશના વૈજ્ઞાનિકો અન્ય દેશોની સાથે સમાનતાથી અને  એ જ ઝડપે કાર્ય કરી રહ્યા છે. તેમણે કોવિડ-19ની રસીઓ, ટેસ્ટિંગ કિટ્સ, જરૂરી સાધનો અને કોરોના સામેની લડતમાં નવી અસરકારક દવાઓ અંગે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીને વિકસિત દેશોની હારોહાર લાવવાનું ઉદ્યોગ અને બજાર માટે વધારે સારું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણા દેશમાં, સીએસઆઇઆર વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગને એક સાથે રાખવા માટે સંસ્થાકીય વ્યવસ્થા તરીકે કાર્ય કરે છે. આપણી આ સંસ્થાએ, આ સંસ્થાને નેતૃત્વ આપનારા શાંતિ સ્વરૂપ ભટનાગર જેવી ઘણી પ્રતિભાઓ અને વૈજ્ઞાનિકો આ દેશને આપ્યા છે. તેમણે નોંધ્યું હતું કે સીએસઆઇઆર પાસે સંશોધન અને પેટન્ટ્સ ઈકો-સિસ્ટમનો એક શક્તિશાળી સમૂહ છે. તેમણે કહ્યું કે સીએસઆઇઆર દેશ દ્વારા સામનો કરાયેલી ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના આજના લક્ષ્યાંકો અને 21મી સદીના દેશવાસીઓનાં સપનાં એક આવિષ્કાર પર આધારિત છે. એટલે સીએસઆઇઆર જેવી સંસ્થાઓનાં લક્ષ્ય પણ અસાધારણ છે. આજનું ભારત બાયોટેકનોલોજીથી લઈને બેટરી ટેકનોલોજી, કૃષિથી લઈ  ખગોળશાસ્ત્ર, આફત વ્યવસ્થાપનથી લઈને સંરક્ષણ ટેકનોલોજી, વેક્સિનથી લઈ વર્ચ્યુઅલ રિયાલિટી એમ દરેક ક્ષેત્રમાં આત્મ-નિર્ભર અને સશક્ત બનવા માગે છે. તેમણે ઉમેર્યું હતું કે આજે ભારત ટકાઉ વિકાસ અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે વિશ્વને રાહ બતાવી રહ્યું છે. આજે, સોફટવેરથી સેટેલાઇટ સુધી, ભારત અન્ય દેશોના વિકાસને ગતિ આપી રહ્યું છે, વિશ્વના વિકાસમાં મોટા એન્જિનની ભૂમિકા અદા કરી રહ્યું છે. એટલે, તેમણે કહ્યું હતું કે, ભારતનાં લક્ષ્યો આ દાયકાની જરૂરિયાતો અને સાથે સાથે આવનારા દાયકા માટેની જરૂરિયાતોને અનુરૂપ હોવાં જોઇએ.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે વિશ્વભરના નિષ્ણાતો આબોહવા પરિવર્તન વિશે ભારે દહેશત વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તમામ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયારીઓ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે એમને કાર્બન કેપ્ચરથી લઈને ઊર્જા સંગ્રહ અને ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીઝ એમ દરેક ક્ષેત્રમાં આગેવાની લેવા કહ્યું જતું. તેમણે સીએસઆઇઆરને અનુરોધ કર્યો કે તે સમાજ અને ઉદ્યોગને પણ સાથે લઈને ચાલે. પોતાની સલાહને પગલે લોકો પાસેથી સૂચનો લેવાનું શરૂ કરવા બદલ તેમણે સીએસઆઇઆરની પ્રશંસા કરી હતી. 2016માં આરંભાયેલા અરોમા મિશનમાં પોતાની ભૂમિકા બદલ તેમણે સીએસઆઇઆરની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આજે દેશના હજારો ખેડૂતો ફૂલની ખેતી મારફત એમનું નસીબ પલટી રહ્યા છે. ભારત જેના માટે આયાત પર નિર્ભર હતું એ હિંગની ખેતીમાં મદદ કરવા માટે તેમણે સીએસઆઇઆરના વખાણ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ એક રોડમેપની સાથે ચોક્કસ રીતે આગળ વધવા માટે સીએસઆઇઆરને અનુરોધ કર્યો હતો. કોરોનાની આ કોવિડ-19 કટોકટીએ વિકાસની ગતિને અસર કરી હશે પણ આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવાની પ્રતિબદ્ધતા અકબંધ રહી છે. તેમણે આપણા દેશમાં રહેલી તકોનો મહત્તમ ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કૃષિથી લઈને શિક્ષણ ક્ષેત્ર સુધી આપણા એમએસએમઇ અને સ્ટાર્ટ અપ્સ માટે દરેક ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ રહેલી છે. કોવિડ કટોકટી દરમ્યાન દરેક ક્ષેત્રમાં મેળવેલી સફળતાનું પુનરાવર્તન કરવા તેમણે તમામ વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અનુરોધ કર્યો હતો.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1724410) Visitor Counter : 288