પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વાવાઝોડા યાસને કારણે થયેલાં નુક્સાનની સમીક્ષા કરી
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા યાસથી અસરગ્રસ્ત વિસ્તારોનું પ્રધાનમંત્રી મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું
વાવાઝોડા યાસને લીધે અસરગ્રસ્ત થયેલા લોકો સાથે પ્રધાનમંત્રી મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી
તત્કાલ રાહત પ્રવૃત્તિઓ માટે પ્રધાનમંત્રીએ રૂ. 1000 કરોડની નાણાકીય મદદ જાહેર કરી
નુક્સાનના પૂરા અંદાજના આકલન માટે કેન્દ્ર સરકાર રાજ્યોમાં એક આંતર- મંત્રાલય ટુકડી મોકલશે
અસરગ્રસ્ત વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુન:સ્થાપન અને પુન:નિર્માણ માટે તમામ મદદની કેન્દ્રની ખાતરી
સમગ્ર ભારતમાં વાવાઝોડા યાસને કારણે અસરગ્રસ્ત તમામ મૃતકોના વારસદારોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તો માટે રૂ. 50000ની મદદ અપાશે
Posted On:
28 MAY 2021 3:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 28મી મે, 2021, શુક્રવારના રોજ વાવાઝોડા યાસને કારણે ઉદભવેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમણે ઓડિશાના ભદ્રક અને બલેશ્વર જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળના પુર્બા મેડિનિપુરના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ હાથ ધરવામાં આવેલા રાહત અને પુનર્વસનના કાર્યોની સમીક્ષા માટે ભુવનેશ્વરમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે વાવાઝોડા યાસને કારણે મહત્તમ નુક્સાન ઓડિશામાં થયું છે અને પશ્ચિમ બંગાળ અને ઝારખંડના અમુક ભાગો પણ અસરગ્રસ્ત થયા છે.
શ્રી મોદીએ તત્કાલ રાહત પ્રવૃત્તિઓ માટે રૂ. 1000 કરોડની નાણાંકીય મદદની જાહેરાત કરી હતી. રૂ. 500 કરોડ તત્કાલ ઓડિશાને આપવામાં આવશે. અન્ય રૂ. 500 કરોડ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ માટે જાહેર કરવામાં આવ્યા છે જે નુક્સાનના આધારે છૂટાં કરવામાં આવશે. કેન્દ્ર સરકાર નુક્સાનનો અંદાજ કાઢવા માટે રાજ્યોમાં એક આંતર-મંત્રાલયની ટીમ મોકલશે અને એના આધારે વધુ મદદ આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલીના સમયે રાજ્ય સરકારો સાથે નિકટતાથી કાર્ય કરશે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના પુન:સ્થાપન અને પુન:નિર્માણ માટે શક્ય એટલી તમામ મદદ કરશે.
વાવાઝોડાને કારણે જેમણે વેઠવું પડ્યું છે એ તમામ પ્રત્યે પ્રધાનમંત્રીએ એમની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને આ આફતમાં પોતાના આત્મજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
વાવાઝોડામાં માર્યા ગયેલા મૃતકોના વારસદારોને રૂ. 2 લાખ અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટે રૂ. 50,000ની મદદની તેમણે જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણે મોટી આપદાઓના વધુ વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રાખવાનું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની ઘટનાઓ અને અસરો વધી રહી છે ત્યારે દૂરસંચારની પ્રણાલિઓ, ઉપશમનના પ્રયાસો અને તૈયારીઓમાં મોટા ફેરફાર કરવા જ રહ્યા. રાહત પ્રયાસોમાં વધારે સારા સહકાર માટે તેઓ લોકો વચ્ચે વિશ્વાસ નિર્માણની અગત્યતા વિશે પણ બોલ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ઓડિશા સરકારની તૈયારીઓ અને આપદા પ્રબંધનની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી જેના પરિણામે જિંદગીઓને બહુ ઓછું નુક્સાન થયું હતું. તેમણે એમ પણ નોંધ્યું હતું કે આવી કુદરતી આફતોને પહોંચી વળવા માટે રાજ્યએ લાંબા ગાળાના ઉપશમનના પ્રયાસો પર ચઢાણ શરૂ કર્યું છે.
તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે રૂ. 30000 કરોડની રકમની ઉપશમન નિધિઓ માટે જોગવાઇ કરીને નાણાં પંચ દ્વારા પણ આફતોના ઉપશમન પર ભાર મૂકવામાં આવ્યો છે.
SD/GP/JD
(Release ID: 1722481)
Visitor Counter : 281
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam