પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

Posted On: 26 MAY 2021 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આજે ટેલિફોનિક સંવાદ થયો હતો.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતના કોવિડ સામેના પ્રતિભાવમાં ફ્રાન્સ દ્વારા આપવામાં આવેલી સહાયતા બદલ રાષ્ટ્રપ્રમુખ મેક્રોનનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને તાજેતરમાં જ સંપન્ન થયેલી ભારત-EU નેતાઓની બેઠકના સકારાત્મક પરિણામો બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. બંને નેતાઓ સંમત થયા હતા કે, સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર અને રોકાણ કરારો માટે વાટાઘાટો ફરી શરૂ કરવા સંબંધિત જાહેરાત અને ભારત-EU કનેક્ટિવિટી ભાગીદારી આવકાર્ય પગલાં છે.

બંને નેતાઓએ તાજેતરના વર્ષમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં આવેલી ઘનિષ્ઠતા અને મજબૂતી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને કોવિડ પછીના સમયમાં પણ તેઓ નીકટતાથી સાથે મળીને કામ કરશે તેવી સંમતિ દર્શાવી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપ્રમુખ મેક્રોનને સંજોગો અનુકૂળ થાય ત્યારે શક્ય એટલી વહેલી તકે ભારત આવવા માટેના આમંત્રણનો પુનરુચ્ચાર કર્યો હતો.

SD/GP/JD


(Release ID: 1721989) Visitor Counter : 238