ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરીએ ‘સાર્સ-કોવ-2 વાયરસનો ફેલાવો અટકાવવા, સંક્રમણ અટકાવો, મહામારીને દબાવી દો- માસ્ક, અંતર, સેનિટેશન અને વેન્ટિલેશન’ અંગેની માર્ગદર્શિકા બહાર પાડી

Posted On: 20 MAY 2021 9:00AM by PIB Ahmedabad

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે ‘સાર્સ-કોવ-2 વાયરસના ફેલાવાના અટકાવવા, સંક્રમણ અટકાવો, મહામારીને દાબી દો- માસ્ક, અંતર, સેનિટેશન અને વેન્ટિલેશનઅંગેની એક સરળ અને સહેલાઇથી અનુસરી શકાય એવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ભારતમાં મહામારી કેર વર્તાવી રહી છે ત્યારે આપણે ફરી એકવાર યાદ રાખવાની જરૂર છે કે સરળ સાધનો અને આચરણ સાર્સ-કોવ-2 વાયરસના ફેલાવાને ઘટાડી શકે છે. હવાની અવરજવર ઓછી હોય એવા ઘરો, ઑફિસો ઇત્યાદિમાં ચેપગ્રસ્ત-દૂષિત હવાના વાયરલ લૉડને ઓછો કરવામાં વેન્ટિલેશન મહત્વની ભૂમિકા અદા કરે છે એ બાબતને આ માર્ગદર્શિકામાં ઉજાગર કરવામાં આવી છે. વેન્ટિલેશન- સંવાતન એક ચેપગ્રસ્ત વ્યક્તિથી અન્ય વ્યક્તિને ફેલાવાનું જોખમ ઓછું કરી શકે છે.

જે રીતે બારી અને બારણાં ખોલી નાખવાથી અને એક્ઝૉસ્ટ સિસ્ટમ્સ વાપરવાથી હવામાંની ગંધને ઓછી કરી શકાય છે બરાબર એવી જ રીતે સુધારેલા ડિરેક્શનલ એર ફ્લૉ સાથેની જગાઓ વેન્ટિલેટ કરવાથી હવામાં એકત્ર થયેલો વાયરલ લૉડ ઘટે છે અને ટ્રાન્સમિશનનું જોખમ ઘટે છે.

વેન્ટિલેશન- હવાની મુક્ત અવરજવર એ સામુદાયિક બચાવ છે જે આપણે બધાંને ઘરે કે કાર્યસ્થળે બચાવે છે. ઑફિસો, ઘર અને મોટા જાહેર સ્થળોએ બહારની હવા આવવા દેવાની સલાહ આપવામાં આવી છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સરખી રીતે આવી જગાઓમાં વેન્ટિલેશન સુધારવાનાં પગલાં તાકીદના ધોરણે હાથ ધરાવા જ જોઇએ, અસ્થાયી મકાન, ઝૂંપડા, ઘર, ઑફિસો અને મોટી સેન્ટ્રલાઇઝ્ડ બિલ્ડિંગો માટે ભલામણો આપવામાં આવી છે. પંખાને સરળ વ્યૂહાત્મક રીતે મૂકવાથી, બારી અને બારણાં ખોલવાથી, સહેજ બારીઓ ખોલવાથી પણ બહારની હવા અંદર આવી શકે અને અંદરની હવાની ગુણવત્તા સુધરી શકે છે. આ રોગના ફેલાવાને અટકાવવામાં ક્રોસ વેન્ટિલેશન અને એક્ઝૉસ્ટ ફેન લગાવવાથી ખાસ્સો લાભ થઈ શકે છે. જ્યારે બહારની હવા અંદર આવી શકે એ માટેના વિકલ્પ મર્યાદિત હોય ત્યારે સેન્ટ્રલ એર મેનેજમેન્ટ સિસ્ટમ સાથેની ઇમારતોમાં સેન્ટ્રલ એર ફિલ્ટરેશન સુધારવાથી/ ફિલ્ટરેશનની કાર્યદક્ષતા વધારવાથી ખાસ મદદ મળે છે. ઑફિસો, ઑડિટોરિયમ, શૉપિંગ મૉલ્સ ઇત્યાદિમાં ગેબલ ફેન સિસ્ટમ અને રૂફ વેન્ટિલેટર્સનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ફિલ્ટર્સને વારંવાર સાફ કરવા અને બદલવા માટે ખાસ ભલામણ કરાઇ છે. ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ છોડે, વાત કરે, બોલે, ગાય, હસે કે ખાંસે, ઇત્યાદિ ત્યારે એમાંથી  ડ્રૉપલેટ્સ અને એરસૉલ્સ સ્વરૂપે જે લાળ અને નાકમાંથી પ્રવાહ નીકળે છે તે જ વાયરસના ફેલાવાની મુખ્ય રીત છે. જેમને કોઇ લક્ષણો ન હોય એવી ચેપગ્રસ્ત વ્યક્તિ પણ વાયરસ ફેલાવી શકે છે. લક્ષણો વિનાની વ્યક્તિ પણ વાયરસ ફેલાવી શકે છે. લોકોએ માસ્ક પહેરવાનું, ડબલ માસ્ક પહેરવાનું કે એન 95-માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઇએ.

સાર્સ-કોવ-2 વાયરસ માનવ શરીરને ચેપગ્રસ્ત કરે છે અને માનવશરીરમાં એની ગુણાંકમાં નકલો બને છે. માનવ હૉસ્ટ વિના એ ટકી શકે નહીં અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વાયરસનું સંક્રમણ અટકાવવાથી આ રોગનો ચેપનો દર એવા સ્તરે આવીને ઘટી જશે જ્યાં તે આખરે મરી જશે. વ્યક્તિઓ, સમુદાયો, સ્થાનિક સંસ્થાઓ અને સત્તાવાળાઓના સાથ અને સહકારથી જ આ હાંસલ થઈ શકે એમ છે. માસ્ક્સ, વેન્ટિલેશન, અંતર અને સેનિટેશનનો વપરાશ કરવાથી વાયરસ સામેની જંગ જીતી શકાય છે.

માર્ગદર્શિકા માટે કૃપયા અહીં ક્લિક કરો.

 


(Release ID: 1720169) Visitor Counter : 386