પ્રધાનમંત્રીનું કાર્યાલય

સરકારે ખેડૂત તરફી ઐતિહાસિક નિર્ણય લઇને ખાતરની સબસિડીમાં વધારો કર્યો


ડીએપી ખાતરની સબસિડીમાં 140%નો વધારો કરાયો

ડીએપી ખાતરની દર બેગદીઠ ખેડૂતો હવે 500 રૂપિયાને બદલે 1200 રૂપિયા સબસિડી પ્રાપ્ત કરશે

ખેડૂતોને હવે 2400 રૂપિયાની ડીએપીની બેગ 1200 રૂપિયામાં પડશે

ખાતરની સબસિડી પાછળ સરકાર વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે

આંતરરાષ્ટ્રીય કિંમતો વધે છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઇએ : પ્રધાનમત્રી

ખેડૂતોનું કલ્યાણ જ સરકારનો મૂળ મંત્ર છે : પ્રધાનમંત્રી

Posted On: 19 MAY 2021 7:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમની સમક્ષ  ખાતરની કિંમતો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

એવી ચર્ચા થઈ હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફરિક એસીડ અને એમોનિયાના ભાવોમાં વધારો થવાને કારણે ભારતમાં ખાતરના ભાવોમાં વધારો આવ્યો છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો થાય તેમ છતાં ખેડૂતોને જૂની કિંમત પર જ ખાતર મળવું જોઇએ.

ડીએપી ખાતર  માટેની સબસિડી દર બેગદીઠ 500  રૂપિયામાંથી 1200 રૂપિયા કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સબસિડીમાં 140%નો વધારો સૂચવે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ડીએપીની કિંમતોમાં વધારો થયો હોવા છતાં ભારતમાં 1200 રૂપિયાના જૂના ભાવથી જ ખાતર વેચવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે ભાવ વધારાનો વધારાનો બોજ પોતાની ઉપર ઉઠાવી લીધો હતો. અગાઉ દર બેગદીઠ અપાતી સબસિડીમાં ક્યારેય વધારો કરાયો ન હતો.

ગયા વર્ષે ડીએપીની મૂળ કિંમત બેગદીઠ 1700 રૂપિયા હતી. તેની ઉપર કેન્દ્ર સરકાર દર બેગદીઠ 500 રૂપિયાની સબસિડી આપતી હતી. જેથી કંપનીઓ ખેડૂતોને 1200 રૂપિયાના ભાવે ખાતર વેચતી હતી. તાજેતરમાં ડીએપીમાં વપરાતા ફોસ્ફરિક એસીડ અને એમોનિયા વગેરેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 60%થી 70%નો વધારો થયો હતો. આમ ડીએપીની હાલની મૂળ કિંમત 2400 રૂપિયા છે જે 500 રૂપિયાની સબસિડીને ધ્યાનમાં રાખતાં ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા ખેડૂતોને 1900 રૂપિયાના ભાવે વેચી શકાતી હતી. હવે આજના નિર્ણય બાદ ખેડૂતો 1200 રૂપિયા પ્રતિબેગ ડીએપી ખરીદી શકશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું  કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે વધતા જતાં ભાવો સામે ખેડૂતોને સહન કરવું પડે નહીં.

કેન્દ્ર સરકાર દર વર્ષે કેમિકલ ખાતર પરની સબસિડી પાછળ અંદાજે 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. હવે ડીએપી પરની સબસિડીમાં વધારો થતાં ભારત સરકાર ખરીફ સિઝનમાં સબસિડી પાછળ વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ખેડૂતોના હિતમાં આ બીજો સૌથી મોટો નિર્ણય છે. અગાઉ અખાત્રીજના દિવસે સરકારે પીએમ-કિસાન યોજના હેઠળ દેશા ખેડૂતોના બેંક ખાતામાં 20,667 કરોડ રૂપિયા સીધા જમા કરાવ્યા હતા.

SD/GP/JD
 



(Release ID: 1720078) Visitor Counter : 301