પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ
માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ ટેસ્ટિંગ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ ટેસ્ટ થાય છે
સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે : પ્રધાનમંત્રી
જે વિસ્તારમાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે ત્યાં ટેસ્ટિંગના માત્રા વધારવા પ્રધાનમંત્રીની સૂચના
પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવા પ્રધાનમંત્રીનો નિર્દેશ
ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગણવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરો : પ્રધાનમંત્રી
ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાનું યોગ્ય રીતે વિતરણ કરવું અગત્યનું છે : પ્રધાનમંત્રી
વેન્ટિલેટર તથા અન્ય સાધનોના યોગ્ય ઉપયોગ માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી તાલીમ આપવી જોઇએ : પ્રધાનમંત્રી
Posted On:
15 MAY 2021 2:28PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રીને એ બાબતે માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ પરિક્ષણ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ થઈ ગયા છે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને એ પણ માહિતી આપી હતી કે હાલમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો તથા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થઈ રહ્યો છે. એવી પણ ચર્ચા થઈ હતી કે દરરોજના કેસની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી જે હવે આરોગ્ય કર્મચારી, રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારના પ્રયાસોથી ઘટી ગઈ છે.
કોવિડ, પરિક્ષણ, ઓક્સિજનની ઉપલબ્ધતા, આરોગ્ય માળખું તથા વેક્સિનની વ્યવસ્થા અંગે રાજ્ય અને જિલ્લાની પરિસ્થિતિ અંગે અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જે જિલ્લામાં ટીપીઆર ઉંચો છે તેવા રાજ્યોમાં સ્થાનિક સ્તરે કન્ટેન્ટમેન્ટ રણનીતિ હાલના સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ સૂચના આપી હતી કે જ્યાં પોઝિટિવ કેસનો દર ઉંચો છે તેવા રાજ્યો સહિત તમામ રાજ્યમાં આરટી પીસીઆર અને રેપિડ ટેસ્ટ બંનેમાં ટેસ્ટિંગના પ્રમાણમાં વૃદ્ધિ કરવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પોઝિટિવ કેસની ઉંચી સંખ્યા તેમના પ્રયાસોને માઠી અસર પાડશે તેવા દબાણ વિના પરિક્ષણની સંખ્યા જાહેર કરવામાં પારદર્શકતા લાવવા રાજ્યોને પ્રોત્સાહિત કરવા જોઇએ. પ્રધાનમંત્રીએ સૂચના આપી હતી કે પ્રત્યેક નિવાસે ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના સંસાધનોમાં વૃદ્ધિ કરવી જોઇએ. તેમણે ગ્રામ્ય ક્ષેત્રોમાં કોરોના સામેની લડતને વેગ આપવા આશા અને આંગનવાડીના કાર્યકરોને જરૂરી સાધનો સાથે સજ્જ કરવાની પણ સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સારવાર અને ઘરે જ આઇસોલેશન માટે ઉદાહરણો સાથે સરળ ભાષામાં માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવવી જોઇએ.
પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યા હતા કે ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનના પુરવઠાના યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરાવવા માટે વિતરણ યોજના ઘડવી જોઇએ જેમાં ઓક્સિજન કોન્સેન્ટ્રેટરની જોગવાઈનો પણ સમાવેશ થવો જોઇએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે વેન્ટિલેટર તથા અન્ય સાધનોના યોગ્ય ઉપયોગ માટે આરોગ્ય કર્મચારીઓને જરૂરી તાલીમ આપવી જોઇએ અને આ પ્રકારના મેડિકલ સાધનો અવિરતપણે ચાલતા રહે તે માટે વિજ પુરવઠો જારી રહે તેની ખાતરી કરાવવી જોઇએ.
કેટલાક રાજ્યમાં વેન્ટિલેટર સ્ટોરેજમાં જ છે અને તેનો ઉપયોગ થતો નથી તેવા અહેવાલની પણ પ્રધાનમંત્રીઁએ ગંભીર નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારે પૂરા પાડેલા વેન્ટિલેટરના ઇન્સ્ટોલેશન અને તેના ઉપયોગ અંગે તાત્કાલિક ધોરણે ઓડીટ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે જરૂર પડે ત્યાં આરોગ્ય કર્મચારીઓને વેન્ટિલેટરના યોગ્ય રીતે ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સામેની ભારતની લડતમાં વૈજ્ઞાનિકો તથા આ વિષયના નિષ્ણાતોનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે અને તેઓ તેમનું માર્ગદર્શન આપતા રહેશે.
અધિકારીઓએ વેક્સિનેશનની પ્રક્રિયા અને રાજ્યવાર 45+ની વસતિ અંગે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. ભવિષ્યમાં વેક્સિનેશનની ઉપલબ્ધતા અંગે રોડમેપ માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી. વેક્સિનેશનમાં ઝડપ લાવવા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો સાથે મળીને કાર્ય કરવાનો આદેશ આપ્યો હતો.
SD/GP/JD
(Release ID: 1718799)
Visitor Counter : 354
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam