પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-નેધરલેન્ડ્સ વર્ચ્યુઅલ શિખર મંત્રણા
Posted On:
09 APR 2021 9:46PM by PIB Ahmedabad
ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી માર્ક રુટ્ટે આજે એક વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજી હતી. માર્ચ 2021માં યોજાયેલી ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી રુટ્ટે પહેલી વાર આ પ્રકારની ઉચ્ચ કક્ષાની મંત્રણા યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સની ચૂંટણી જીતવા બદલ અને સળંગ ચોથી ટર્મ માટે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી બનવા બદલ માર્ક રુટ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધો છે. લોકશાહીના મૂલ્યો, કાયદા કાનૂન અને માનવ અધિકારોના આદર જેવી બાબતોમાં બંને દેશનું વલણ સમાન હોવાને કારણે બંને દેશ વચ્ચે ઐતિહાસિક મિત્રતા છે.
આ શિખર મંત્રણા દરમિયાન બંને દેશના વડાપ્રધાને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને વેપાર અને આર્થિક બાબતો, જળ સંસાધન, કૃષિ ક્ષેત્ર. સ્માર્ટ સિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, આરોગ્ય અને અવકાશ ક્ષેત્રે સંબંધોમાં વિવિધતા લાવવા તથા વ્યાપ વધારવા એકબીજાના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
બંને પ્રધાનમંત્રીઓએ જળ સંસાધન આધારિત ક્ષેત્રમાં ભારત-ડચ વચ્ચેની સમજૂતી વધુ મજબૂત બનાવવા માટે જળ અંગે વ્યૂહાત્મક ભાગીદારી રચવા અંગે પણ સહમતિ સાધી હતી. આ ઉપરાંત મંત્રી કક્ષાએ જળ અંગે એક સંયુક્ત કાર્યકારી જૂથનો વ્યાપ વધારવા અંગે પણ સહમત થયા હતા.
ભારત અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રીઓએ જળવાયુ પરિવર્તન, આતંકવાદ અને કોરોનાની મહામારી સામેના વૈશ્વિક પડકારો અને પ્રાંતિય બાબતો અંગે પણ વિચારોની આપ-લે કરી હતી અને હિન્દ-પ્રશાંત મહાસાગર, પુરવઠા શ્રેણી અને વૈશ્વિક ડિજિટલ શાસન જેવા નવા ક્ષેત્રોમાં લચીલાપણા માટે સહમતિ સાધી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ સોલાર જોડાણ ( આઇએસએ) અને કુદરતી હોનારતના સમયે સ્થિતિસ્થાપક માળખા (સીડીઆરઆઈ) ક્ષેત્રે સહકાર માટે નેધરલેન્ડ્સનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ હિન્દ-પ્રશાંત નીતિ માટે અને 2023માં ભારતની જી20 પ્રેસિડેન્સીમાં સહકાર સાધવાની તેમની ઇચ્છા અંગે પણ નેધરલેન્ડ્સને આવકાર આપ્યો હતો.
બંને દેશના નેતાઓએ આંતરરાષ્ટ્રીય શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે પ્રતિબદ્ધતા અને વચનબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા મે 2021માં પોર્ટુગલના પોર્ટો ખાતે યોજાનારી ભારત-ઇયુ નેતાઓની બેઠકની સફળતા અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
SD/GP/JD
(Release ID: 1710835)
Visitor Counter : 270
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam