માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, આપણને આવતા 25 વર્ષમાં શું જોઇએ છે તેની કલ્પના કરવાનો અત્યારે સમય છે; દિલ્હી સહિત સાત સ્થળોએ પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 13 MAR 2021 3:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે હાથ ધરવામાં આવેલા વ્યાપક જાગૃતિ અભિયાનના ભાગરૂપે બ્યૂરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન દ્વારા ઉભું કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાને સંબોધન આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી આજદિન સુધીમાં આપણે કેટલી પ્રગતિ કરી છે તે પ્રતિત કરાવવાની અને આગામી પચીસ વર્ષમાં આપણે કયા લક્ષ્યો પ્રાપ્ત કરવા માંગીએ છીએ તેની પરિકલ્પના કરવા માટેની આ મહત્વપૂર્ણ ઘડી છે. આ એક પાયાની માન્યતા છે જે આપણાં પ્રદર્શકોને માહિતગાર કરે છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મોટી કિંમત ચુકવવી પડી છે અને આ પ્રદર્શન તે લોકોએ આપેલા બલિદાન પાછળની ગાથાનું વર્ણન કરવા માટે છે. શ્રી જાવડેકરે આ પ્રદર્શનો ઉભા કરવા બદલ BOCને અભિનંદન પાઠવ્યા હતા.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના સંગ્રામ માટે જેમણે યોગદાન આપ્યું હતું તેમના પ્રત્યેક પ્રયાસો વિશે લોકોને માહિતગાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિએ દરેક મંત્રાલયોને વિવિધ કાર્યો ફાળવ્યા છે. સચિવશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનોના ડિજિટલ સંસ્કરણો તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને આગામી 15 ઑગસ્ટ પહેલાં તેનું લોકર્પણ થવાની અપેક્ષા છે.

શ્રી પ્રકાશ જાવડેકરે વર્ચ્યુઅલ માધ્યમથી અન્ય છ સ્થળોએ પણ ફોટો પ્રદર્શનોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્થળો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે

 

  1. સામ્બા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર
  2. બેંગલુરુ, કર્ણાટક
  3. પુણે, મહારાષ્ટ્ર
  4. ભૂવનેશ્વર, ઓડિશા
  5. મોઇરંગ જિલ્લો, બિશ્નુપુર, મણીપુર
  6. પટણા, બિહાર

 

જમ્મુ ખાતે આવેલા સામ્બામાં શરૂ કરવામાં આવેલા પ્રદર્શનનું આયોજન બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ પુરા બગુના ખાતે કરવામાં આવ્યું છે જે બ્રિગેડિયર રાજેન્દ્રસિંહનું જન્મસ્થળ પણ છે. બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ 'કાશ્મીરના રક્ષક' તરીકે પણ ઓળખાય છે જેમણે ઓક્ટોબર 1947માં કાશ્મીરમાં પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા સામે એકલા હાથે સામનો કરીને કાશ્મીરની સુરક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. બ્રિગેડિયર રાજેન્દ્રસિંહ અને તેમના સાથી જવાનોએ જ્યાં સુધી ભારતીય સૈન્ય ના પહોંચે ત્યાં સુધી પાકિસ્તાની આદિવાસી હુમલાખોરોને શ્રીનગર તરફ આગળ વધતા સફળતાપૂર્વક અટકાવી રાખ્યા હતા. 30 ઓક્ટોબર 1949ના રોજ તેઓ સ્વતંત્ર ભારતમાં મહાવીર ચક્રથી સન્માનિત પ્રથમ સૈનિક બન્યા હતા.

બેંગલુરુના પ્રાદેશિક આઉટરીચ બ્યૂરો દ્વારા બેંગલુરુમાં કોરમંગલા ખાતે કેન્દ્રીય સાધનામાં આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. બેંગલુરુમાં સ્વતંત્રતાના સંગ્રામની ચળવળ સાથે સંકળાયેલા સંખ્યાબંધ સ્થળો જેમ કે, નેશનલ હાઇસ્કૂલ મેદાન, ગાંધી ભવન, બન્નપ્પા પાર્ક, ફ્રીડમ પાર્ક અને યશવંતપુરા રેલવે સ્ટેશન વગેરે છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉપરાંત સ્વતંત્રતાના સંગ્રામમાં ભાગ લેનારા સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પૂણે ખાતે આગા ખાન પેલેસમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ ભવ્ય ઇમારત છે અને ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલી છે કારણ કે આ સ્થળે મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબા તેમજ તેમના સચિવ મહાદેવ દેસાઇ અને સરજોની નાયડુને કેદ કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી અને અન્ય લોકોને ભારત છોડો ચળવળનો પ્રારંભ કરવા બદલ આ પેલેસમાં 9 ઑગસ્ટ 1942થી 6 મે 1944 દરમિયાન એકવીસ મહિના સુધી નજરકેદ રાખવામાં આવ્યા હતા. કસ્તુરબા ગાંધી અને મહાદેવ દેસાઇનું આ પેલેસમાં તેઓ કેદ હતા તે દરમિયાન નિધન થયું હતું અને તેમની સમાધિ પણ અહીંયા જ તૈયાર કરવામાં આવી છે. મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીના સ્મારકો આ સંકુલમાં જ મુલા નદી નજીક આવેલા છે.

ભૂવનેશ્વરમાં રિજનલ આઉટરીચ બ્યૂરો દ્વારા 12 થી 18 માર્ચ દરમિયાન ખોરડા જિલ્લામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ જિલ્લો ઐતિહાસિક રીતે ઘણું મહત્વ ધરાવે છે કારણ કે, સંખ્યાબંધ સ્વાતંત્ર્ય સેનાઓનો જન્મ આ જિલ્લામાં થયો હતો. પ્રદર્શનના આ પાંચ દિવસ દરમિયાન, પ્રદર્શનો, સેમીનારો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ઓડિશાના સ્વતંત્રતા સેનાઓના યોગદાન પર પ્રકાશ પાડતી પેનલો પણ અહીં પ્રદર્શન અર્થે રાખવામાં આવી છે.

ભારતની સ્વતંત્રતાના સંગ્રામમાં મોઇરંગનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે અને અહીંયા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ નોંધનીય છે. મોઇરંગ ખાતે જ 14 એપ્રિલ 1944ના રોજ સૌપ્રથમ વખત INAનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે મણીપુરના બિશ્નુપુર જિલ્લામાં મોઇરંગ ખાતે આવેલા INA મેમોરિયલ ઓડિટોરિયમમાં પાંચ દિવસનું ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં લોકસભાના સાંસદ ડૉ. આર.કે. રંજનસિંહ, રાજ્યના કળા અને સંસ્કૃતિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ બિશ્નુપુરના જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનની મુખ્ય વિશેષતામાં ભારતની સ્વતંત્રતાના સંગ્રામની મુખ્ય સીમાચિહ્નરૂપ ઘટનાઓ એટલે કે, અસહકારનું આંદોલન, સવિનય કાનુન ભંગની ચળવળ, ભારત છોડો આંદોલન વગેરે પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને ખાસ કરીને દાંડી કૂચ, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ તેમજ આ ચળવળના અન્ય નેતાઓ કે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે તેમના પર આ પ્રદર્શનમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદ પર થીમ સોંગ્સ, સ્થાનિક ડ્રમ નૃત્ય, ભારતના વિવિધ નૃત્યો અને સ્ટાફ અને રીજનલ આઉટરીચ બ્યૂરોના પેનલમાં સામવિષ્ટ કલાકારો દ્વારા માર્શલ આર્ટ્સ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રશ્નોત્તરી સ્પર્ધા અને વિદ્યાર્થીઓ માટે ત્વરિત (કોઇપણ પૂર્વતૈયારી વગર) વક્તૃત્વ સ્પર્ધા પણ આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો છે.

પટણા ખાતે અનુરાગ નારાયણ કોલેજમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોલેજનું નામ અનુરાગ નારાયણસિંહની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે જેઓ એક અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા અને ગાંધીજીએ કરેલા ચંપારણ સત્યાગ્રહ દરમિયાન તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ પ્રદર્શનમાં, બિહારના મહત્વપૂર્ણ સ્વાતંત્ર્ય સેનાનીઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય સેનાનીઓની કેટલીક દુર્લભ તસવીરોનું અહીં LED ટીવી સ્ક્રિન પર પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

BOC દ્વારા આયોજિત આ પ્રદર્શનોની તસવીરોના માધ્યમથી આપણા સ્વતંત્રતાના સંગ્રામની કેટલીક અવિસ્મરણીય ક્ષણોને ઝડપી લેવાનો તેમજ તે સંગ્રામમાં ભાગ લેનારા લોકો વિશે માહિતી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શનોમાં મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, શ્રીમતી સરોજિની નાયડુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, બાળ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ, લાલા લાજપત રાય જેવા વિવિધ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રામ પ્રસાદ બિસ્મિલ અને બીજા સંખ્યાબંધ ક્રાંતિકારીઓ કે જેમણે આ સંગ્રામમાં ભાગ લીધો અને બલિદાન આપ્યું તેમના જીવન વિશેની રસપ્રદ માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1704614) Visitor Counter : 335