પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ India@75ની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું


ભારત પોતાના સ્વતંત્રતા સેનાનીઓને હંમેશા યાદ રાખશેઃ પ્રધાનમંત્રી

છેલ્લાં છ વર્ષમાં ઇતિહાસમાં વિસરાઈ ગયેલા નાયકોની ગાથાને જાળવવા માટે સતત પ્રયાસ થયા છેઃ પ્રધાનમંત્રી

આપણને આપણા બંધારણ અને આપણી લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છેઃ પ્રધાનમંત્રી

Posted On: 12 MAR 2021 2:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી પદયાત્રા (આઝાદી કૂચ)નો શુભારંભ કરાવ્યો હતો અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત સ્વરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે India@75 ઉજવણી માટે અન્ય વિવિધ સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલો પણ શરૂ કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવાની છે. આ મહોત્સવની ઉજવણી જનભાગીદારીના જુસ્સા સ્વરૂપે જન-ઉત્સવ તરીકે થશે.

પ્રધાનમંત્રીએ સાબરમતી આશ્રમમાં એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ, 2022 અગાઉ 75 અઠવાડિયાનો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શરૂ થયો છે, જે 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. તેમણે મહાત્મા ગાંધી અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કરનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ પાંચ આધારસ્તંભો પર ભાર મૂક્યો હતો એટલે કે આઝાદીની લડાઈ, આઇડિયાસ @ 75 (75 વર્ષે વિચારો), એચિવમેન્ટ્સ @ 75 (75 વર્ષે ઉપલબ્ધિઓ), એક્શન્સ @ 75 (75 વર્ષે કાર્યો) અને રિઝોલ્વ્સ @ 75 (75 વર્ષે સંકલ્પ), જે સ્વપ્નો પૂર્ણ કરવા અને ફરજ અદા કરવા અગ્રેસર થવા માટે માર્ગદર્શક અને પ્રેરકબળ બનશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઊર્જાનું અમૃત. એનો અર્થ છે – આઝાદીની લડતાના યોદ્ધાઓની પ્રેરણાનું અમૃત; નવા વિચારો અને કટિબદ્ધતાઓનું અમૃત તથા આત્મનિર્ભરતાનું અમૃત.

સવિનય કાનૂનભંગ માટેના પ્રતીક તરીકે મીઠું વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મીઠાની કિંમત ફક્ત કિંમતને આધારે ક્યારેય આંકી ન શકાય. ભારતીયો માટે નમક કે મીઠું પ્રામાણિકતા, વિશ્વાસ, વફાદારી, સમાનતા અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે, એ સમયે મીઠું ભારતની આત્મનિર્ભરતાનું એક પ્રતીક હતું. ભારતના મૂલ્યોની સાથે બ્રિટિશ સરકારને આ આત્મનિર્ભરતાથી પણ આઘાત લાગ્યો હતો. ભારતીયોને ઇંગ્લેન્ડમાંથી નિકાસ થતા મીઠા પર નિર્ભર રાખવા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજી દેશની આ ગંભીર પીડાને સમજ્યાં હતાં, તેમણે લોકોની દુઃખતી નસને પકડી હતી અને એને જનઆંદોલન બનાવી દીધી હતી.

પ્રધાનમંત્રીએ 1857ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશમાંથી પુનરાગમન જેવી આઝાદીની લડતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને યાદ કરી હતી. તેમણે દેશવાસીઓને સત્યાગ્રહની ક્ષમતા, લોકમાન્ય તિલકની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની અપીલ, નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિંદ ફૌજની દિલ્હી તરફ કૂચ અને દિલ્હી ચલો જેવા સૂત્રની યાદ અપાવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, દરેક દિશામાં, દરેક પ્રાંતમાં આઝાદીની લડતની આ મશાલને આપણા દેશના દરેક ખૂણામાં સતત પ્રજ્જવલિત રાખવાનું કામ આપણા આચાર્યો, સંતો અને શિક્ષકોએ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક રીતે ભક્તિ આંદોલને રાષ્ટ્રવ્યાપી સ્વતંત્રતા સંગ્રામ માટેનો મંચ તૈયાર કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, શ્રીમંત શંકર દેવ જેવા સંતોએ રાષ્ટ્રવ્યાપી આઝાદીની લડતનો પાયો નાંખ્યો હતો. એ જ રીતે દેશના દરેક ખૂણાઓમાં સંતોએ દેશની ચેતના જગાવવા અને આઝાદીની લડત માટે દેશવાસીઓને એકતાંતણે જોડવામાં પ્રદાન કર્યું હતું. આ લડતમાં સંપૂર્ણ દેશમાંથી ઘણા દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનોએ અવિસ્મરણીય ત્યાગ અને બલિદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુના 32 વર્ષના કોડી કથા કુમારન જેવા ઇતિહાસમાં વિસરાઈ ગયેલા અનેક નાયકોએ આઝાદીની લડતમાં બલિદાન આપ્યું હતું, જેમણે બ્રિટિશરોની ગોળીઓ માથા પર ઝીલી હોવા છતાં રાષ્ટ્રધ્વજને ઝુકવા દીધો નહોતો. તમિલનાડુના વેલુ નાચિયાર પ્રથમ મહારાણી હતા, જેમણે બ્રિટન શાસન સામે લડાઈ લડી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આપણા દેશના આદિવાસી સમાજે પોતાના સાહસ અને શૌર્ય સાથે સતત આઝાદી માટે લડત ચલાવીને વિદેશી શાસકોનો પાયો હચમચાવી દીધો હતો. ઝારખંડમાં બિરસા મુંડાએ બ્રિટિશરોને પડકાર ફેંક્યો હતો અને મુર્મુ બંધુઓના નેતૃત્વમાં સંથાલ આંદોલન થયું હતું. ઓડિશામાં ચક્ર બિસોઈએ બ્રિટિશરો સામે લડાઈ લડી હતી અને લક્ષ્મણ નાયકે ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા જાગૃતિ લાવી હતી. પ્રધાનમંત્રીએ ઇતિહાસમાં બહુ પ્રકાશમાં ન આવેલા અન્ય નાયકો વિશે પણ જાણકારી આપી હતી, જેમણે અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તેમાં આંધ્રપ્રદેશમાં રમ્પા આંદોલનનું નેતૃત્વ કરનાર મન્યમ વિરુદુ એલુરી સીરારામ રાજુ તથા મિઝોરમના પર્વતોમાં બ્રિટિશરો સામે આઝાદીની લડત શરૂ કરનાર પાસલ્થા કુંગચેરા સામેલ છે. તેમણે ગોમધર કોંવર, લચિત બોર્પહુકન અને સેરાટ સિંગ જેવા આસામ અને પૂર્વોત્તરના અન્ય સ્વતંત્રતા સેનાનીઓ વિશે પણ વાત કરી હતી, જેમણે દેશની આઝાદીમાં પ્રદાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશ ગુજરાતમાં જાંબુઘોડામાં નાયક આદિવાસીઓના ત્યાગ અને માનગઢમાં સેંકડો આદિવાસીઓના જનસંહારને હંમેશા યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં છ વર્ષથી દેશ આ ઇતિહાસને દરેક રાજ્ય અને દરેક વિસ્તારમાં જાળવવા માટે સભાનતાપૂર્વક પ્રયાસ કરી રહ્યો છે. દાંડી યાત્રા સાથે સંબંધિત સ્થળનું નવીનીકરણ બે વર્ષ અગાઉ પૂર્ણ થયું હતું. દેશની પ્રથમ આઝાદ સરકારની રચના કર્યા પછી આંદમાનમાં નેતાજી સુભાષે જે સ્થળે તિરંગો લહેરાવ્યો હતો એનો પણ સરકારે જીર્ણોદ્ધાર કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આંદમાન અને નિકોબારના ટાપુઓને સ્વતંત્રતા સંગ્રામ પરથી નામ આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબ સાથે સંકળાયેલા સ્થળોને પણ પંચતીર્થ સ્વરૂપે વિકસાવવામાં આવે છે, જલિયાંવાલા બાગમાં સ્મારક અને પૈકા આંદોલનનું સ્મારક પણ વિકસાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે ભારત અને વિદેશ એમ બંનેમાં આપણી મહેનત સાથે આપણી ક્ષમતાને પુરવાર કરી છે. આપણને આપણા બંધારણ અને લોકતાંત્રિક પરંપરાઓ પર ગર્વ છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીની માતા ભારત હજુ પણ લોકશાહીને મજબૂત કરવા અગ્રેસર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની ઉપલબ્ધિઓ સંપૂર્ણ માનવજાત માટે આશાના કિરણ સમાન છે. તેમણે કહ્યું હતું કે, ભારતની વિકાસની સફર આત્મનિર્ભરતા સાથે સભર છે અને એ સંપૂર્ણ દુનિયાની વિકાસની સફરને વેગ આપશે.

પ્રધાનમંત્રીએ આપણા સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસના દસ્તાવેજીકરણમાં દેશના પ્રયાસોને પૂર્ણ કરવા માટે જવાબદારી લેવા યુવા પેઢી અને વિદ્વાનોને અપીલ કરી હતી. તેમણે દુનિયાને આઝાદીની લડતમાં ઉપલબ્ધિઓ દર્શાવવા અપીલ કરી હતી. તેમણે કળા, સાહિત્ય, રંગમંચની દુનિયા, ફિલ્મ ઉદ્યોગ અને ડિજિટલ મનોરંજન સાથે સંલગ્ન લોકોને આપણા ભૂતકાળમાં છૂટીછવાઈ વિશિષ્ટ ગાથાઓ પર સંશોધન કરવા અને તેમને નવજીવન આપવા પણ અપીલ કરી હતી.

SD/GP/BT

 

 


(Release ID: 1704360) Visitor Counter : 4119