પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની ટીકા સાથે પાંડુલિપીનું લોકાર્પણ કર્યું

Posted On: 09 MAR 2021 6:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની ટીકા સાથે પાંડુલિપીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના ધર્મનાથ ટ્રસ્ટની ચેરમેન ટ્રસ્ટી ડો. કરણસિંહ સાથે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતીય દર્શન પર ડો. કરણસિંહની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પ્રયાસોથી જમ્મુ અને કાશ્મીરની ઓળખ ફરી સ્થાપિત થઈ છે, જેણે સદીઓ સુધી સંપૂર્ણ ભારતની વૈચારિક પરંપરાનું નેતૃત્વ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, હજારો વિદ્વાનોએ ગીતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે તેમનું સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું છે, જે દરેક ધર્મગ્રંથના દરેક શ્લોક પર અલગ-અલગ અર્થઘટનના વિશ્લેષણમાં અને દરેક રહસ્યોની અલગ અભિવ્યક્તિમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ભારતીય વૈચારિક સ્વતંત્રતા અને સહિષ્ણુતાનું પ્રતીક પણ છે, જે દરેક વ્યક્તિને પોતાનો દ્રષ્ટિકોણ ધરાવવા પ્રેરિત કરે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતને આધ્યાત્મિક એકતાની ભેટ ધરનાર આદિ શંકરાચાર્યે ગીતાને આધ્યાત્મિક ચેતનાના ગ્રંથ સ્વરૂપે જોયો હતો. રામાનુજાચાર્ય જેવા સંતોએ ગીતાને આધ્યાત્મિક જ્ઞાનની અભિવ્યક્તિ ગણાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ માટે ગીતા કર્મયોગ અને અદમ્ય આત્મવિશ્વાસનો પ્રેરકગ્રંથ છે. શ્રી અરવિંદ માટે ગીતા જ્ઞાન અને માનવતાનું ખરું સ્વરૂપ હતું. મહાત્મા ગાંધી અતિ વિકટ સંજોગોમાં ગીતાને શરણે જતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝના રાષ્ટ્રવાદ અને સાહસને પ્રેરકબળ ગીતા હતો. બાળ ગંગાધર તિલકે ગીતાને પોતાના દ્રષ્ટિકોણ સાથે રજૂ કરી હતી અને આ ગ્રંથે જ તેમને સ્વતંત્રતા સંગ્રામને નવી ઊર્જા આપવા પ્રેરિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આપણી લોકશાહી આપણને વૈચારિક સ્વતંત્રતા, કામ કરવાની સ્વતંત્રતા, આપણા જીવનના દરેક ક્ષેત્રમાં સમાન અધિકારો આપે છે. આ સ્વતંત્રતા લોકતાંત્રિક સંસ્થાઓમાંથી મળી છે, જેનું રક્ષણ આપણું બંધારણ કરે છે. એટલે જ તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે આપણા અધિકારોની વાત કરીએ, ત્યારે આપણે આપણી લોકતાંત્રિક ફરજોને પણ યાદ રાખવી જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગીતા એક એવો ગ્રંથ છે, જે સંપૂર્ણ વિશ્વ અને દરેક સંસ્કૃતિ માટે છે. એનો અનુવાદ ઘણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં થયો છે. ઘણા દેશોમાં આંતરરાષ્ટ્રીય વિદ્વાનોએ ગીતા પર સંશોધન કાર્ય કર્યું છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતની સંસ્કૃતિમાં એના જ્ઞાનનો લાભ દુનિયાને આપવાની બાબત વણાયેલી છે. તેમણે કહ્યું હતું કે, ગણિત, કપડાં, ધાતુવિજ્ઞાન કે આયુર્વેદમાં આપણાં જ્ઞાનનો ઉપયોગ હંમેશા માનવજાતની મૂડી તરીકે થયો છે. ફરી એક વાર ભારત સંપૂર્ણ વિશ્વની પ્રગતિમાં પ્રદાન કરવા અને માનવજાતની સેવા કરવા ફરી સક્ષમ બની રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયાએ ભારતના પ્રદાનની નોંધ લીધી છે. તેમણે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના પ્રયાસોમાં આ પ્રદાન દુનિયાને વ્યાપક સ્તરે મદદરૂપ થશે.

SD/GP/JD


(Release ID: 1703607) Visitor Counter : 258