પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટેની રાષ્ટ્રીય સમિતિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 MAR 2021 6:15PM by PIB Ahmedabad

નમસ્કાર !

આઝાદીનાં 75 વર્ષની ઉજવણીનો અવસર હવે દૂર નથી. આપણે સૌ તેના સ્વાગત માટે તૈયાર છીએ. આ વર્ષ જેટલું ઐતિહાસિક છે, જેટલું ગૌરવશાળી છે, દેશના માટે જેટલું મહત્વપૂર્ણ છે, તેટલી જ ભવ્યતા અને ઉત્સાહ સાથે દેશ તેની ઉજવણી કરશે.

આપણું એ સૌભાગ્ય છે કે દેશે જે સમયે આ અમૃત મહોત્સવને સાકાર કરવાની જવાબદારી આપણને સૌને પૂરી પાડી છે. મને આનંદ છે કે આ સમિતિ પોતાનું કર્તવ્ય નિભાવવાની સાથે-સાથે, જે આશા અપેક્ષાઓ છે, જે સૂચનો મળ્યાં છે અને સૂચનો મળતાં રહેશે. જન જન સુધી પહોંચવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેમાં કોઈ ઉણપ આવવી જોઈએ નહી. સતત નવાં નવાં સૂચનો અને વિચારો મળી રહયા છે. દેશ માટે જીવવા માટે જન સમુદાયને આંદોલિત કરવાની તથા આ અવસર પ્રેરણા બનીને કઈ રીતે ઉભરી આવે તેનું માર્ગદર્શન આપ સૌ તરફથી નિરંતર મળતું રહ્યું છે. અહીંયા પણ હમણાં આપણા માનનીય સભ્યોનું માર્ગદર્શન મળ્યુ છે અને આપ સૌ તરફથી નિરંતર મળતુ રહેશે. આ એક શરૂઆત છે, આગળ જતાં આપણે વિસ્તારથી વાત કરીશું. આપણી પાસે 75 સપ્તાહ છે અને એ પછી પૂરૂ વર્ષ છે. તો આ બધાને લઈને આપણે આગળ ધપી રહ્યા છીએ ત્યારે એ સૂચનોનું પણ ઘણું મહત્વ બની રહે છે.

તમારા આ સૂચનોમાંથી અનુભવ પણ ઝળકી ઉઠે છે અને ભારતના વૈવિધ્ય ધરાવતા વિચારો સાથે તમારૂં જોડાણ પણ વર્તાઈ આવે છે. અહીં ભારતનાં 75 વર્ષ બાબતે આછી પાતળી રૂપરેખા અંગે તમારી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ છે. તેનું કામ એક પ્રકારે વિચાર પ્રવાહને ગતિ પૂરી પાડવાનું રહ્યું છે. આ કોઈ એવી યાદી નથી કે તેને લાગુ કરવા માટે આપણે વિચારોમાં બંધાઈ રહેવુ પડે. દરેક વિચારની શરૂઆત કરવાની જરૂર પડતી હોય છે. જેમ જેમ ચર્ચા આગળ ધપતી જશે તેમ તેમ આ કાર્યક્રમને આકાર મળશે. સમય નિર્ધારિત કરાશે, ટાઈમ ટેબલ પણ નક્કી થઈ જશે. કોણ કઈ જવાબદારી લેશે, કેવી રીતે કામ કરશે તે બધુ આપણે હવે પછી ઝીણવટપૂર્વક તપાસીશું. આ પ્રેઝન્ટેશનમાં પણ જે રૂપરેખા આપવામાં આવી છે, તેમાં છેલ્લા દિવસોમાં જે અલગ અલગ મંચમાંથી જે વાતો આવી તેનો સમાવેશ કરવાનો નાનો- મોટો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. એક રીતે કહીએ તો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે આઝાદીનાં 75 વર્ષનું આયોજન કરવું કે જેથી આઝાદીનો આ અમૃત મહોત્સવ ભારતની દરેક વ્યક્તિનું અને દરેક મનનું પર્વ બની રહે.

સાથીઓ,

આઝાદીના આ 75 વર્ષનું પર્વ, આઝાદીનો આ અમૃત મહોત્સવ એક એવું પર્વ બનવું જોઈએ કે જેમાં આઝાદીના સંગ્રામની ભાવના અને તેના ત્યાગનો સાક્ષાત અનુભવ થઈ શકે. એમાં દેશના શહિદોને શ્રધ્ધાંજલિ પણ હોય અને તેમનાં સપનાનું ભારત બનાવવાનો સંકલ્પ પણ હોય. તેમાં સનાતન ભારતના ગૌરવની ઝલક પણ હોય અને તેમાં આધુનિક ભારતની ઝલક પણ હોય. એમાં મનિષીઓના આધ્યાત્મનો પ્રકાશ પણ હોય અને આપણાં વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યનું દર્શન પણ હોય. આ આયોજન આપણી 75 વર્ષની સિદ્ધિઓને દુનિયાની સામે રાખવાનો તથા અને હવે પછીનાં 25 વર્ષ માટે આપણે એક રૂપરેખા અને સંકલ્પ પણ રજૂ કરીશું, કારણ કે વર્ષ 2047માં જ્યારે આપણે આઝાદીની શતાબ્દી મનાવીશું ત્યારે આપણે ક્યાં હોઈશું. દુનિયામાં આપણું સ્થાન કયાં હશે. ભારતને આપણે ક્યાં સુધી લઈ જઈ શકીશું. આઝાદી માટે વિતાવેલાં 75 વર્ષ અને આઝાદીની જંગ આપણને પ્રેરણા પૂરી પાડશે. એક ભૂમિકા તૈયાર કરશે અને એ ભૂમિકાના આધારે આપણે આઝાદીની શતાબ્દી માટે 75 વર્ષનું પર્વ એ દિશામાં મજબૂતી સાથે આગળ ધપવા આપણાં માટે એક દિશા દર્શક બની રહેશે, પ્રેરક બની રહેશે તથા પુરૂષાર્થની ભાવના જગાડનારૂ બની રહેશે.

સાથીઓ,

આપણા ત્યાં કહેવામાં આવે છે કે 'उत्सवेन बिना यस्मात् स्थापनम् निष्फलम् भवेत्' એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રયાસ, કોઈ પણ સંકલ્પ કે ઉત્સવ વગર પૂર્ણ થતો નથી. એક સંકલ્પ જ્યારે ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમાં લાખો કરોડો લોકોનો સંકલ્પ જોડાઈ જાય છે. લાખો કરોડો લોકોની ઉર્જા જોડાઈ જાય છે. અને આવી ભાવના સાથે જ આપણે 130 કરોડ દેશવાસીઓને સાથે લઈને, તેમની સાથે જોડાઈને, આઝાદીનો આ અમૃત મહોત્સવ અને આઝાદીનાં આ 75 વર્ષનું પર્વ મનાવવાનુ છે. આ ઉત્સવની મૂળભૂત ભાવના જનભાગીદારી છે અને આપણે જ્યારે જનભાગીદારીની વાત કરીએ છીએ ત્યારે તેમાં 130 કરોડ દેશવાસીઓની ભાવના પણ જોડાયેલી છે, તેમના વિચારો અને સૂચનો પણ છે અને તેમનાં સપનાં પણ છે.

સાથીઓ,

જે રીતે આપ સૌ જાણો છો તે મુજબ આઝાદીના આ અમૃત મહોત્સવ અંગે જે જે વિચારો આવ્યા હતા તેને એકત્ર કરતાં એક સામાન્ય માળખુ રચાઈ જાય છે. આપણે તેને પાંચ સ્તંભમાં વિભાજીત કરી શકીએ છીએ. એક તો, આઝાદીનો સંઘર્ષ, વિચારો એટ 75, 75મા વર્ષે સિધ્ધિઓ અને 75મા વર્ષે કરવાની કામગીરી તથા 75મા વર્ષે કરવાના સંકલ્પો. આપણે આ પાંચેય બાબતોને સાથે લઈને આગળ ધપવાનું છે. આ તમામ બાબતોમાં દેશના 130 કરોડ લોકોના વિચારો, તેમની ભાવનાઓનો પણ સમાવેશ થવો જોઈએ. આઝાદીની ચળવળના જે સેનાનીઓને આપણે જાણીએ છીએ તેમને આપણે શ્રધ્ધાંજલિ આપીશું, પરંતુ જે સેનાનીઓને ઈતિહાસમાં પૂરતી જગ્યા મળી નથી, પૂરતી ઓળખ મળી નથી તેમની જીવનગાથાને પણ આપણે લોકો સુધી પહોંચાડવાની છે. આપણાં દેશનું કોઈપણ સ્થળ એવું નહીં હોય કે જ્યાં ભારત માતાના કોઈ દિકરા- દિકરીએ યોગદાન આપ્યું ના હોય, બલિદાન આપ્યું ના હોય. આ સૌના બલિદાન અને આ સૌના બલિદાનની પ્રેરક વાતો જ્યારે દેશની સામે આવશે ત્યારે તે પણ સ્વયં ખૂબ મોટી પ્રેરણાનો સ્રોત બની રહેશે. આ રીતે આપણે દેશના દરેક ખૂણે ખૂણે, દરેક વર્ગનું યોગદાન પણ દેશની સામે લાવવાનું છે. ઘણાં એવા લોકો પણ હશે કે જે પેઢીઓથી કોઈને કોઈ મહાન કામ દેશ અને સમાજ માટે કરી રહ્યા હશે. તેમની વિચારધારાને, તેમના વિચારોને પણ આપણે આગળ લાવવાના છે. દેશને તેમના પ્રયાસો સાથે જોડવાનો છે. આ પણ, આ અમૃત મહોત્સવની મૂળભૂત ભાવના છે.

સાથીઓ,

આ ઐતિહાસિક પર્વ માટે દેશે રૂપરેખા પણ તૈયાર કરી છે અને તેને વધુ સમૃધ્ધ બનાવવાની દિશામાં આજે તેનો પ્રારંભ થયો છે. સમય જતાં આ તમામ યોજનાઓ વધુ ધારદાર બનશે, વધુ અસરકારક બનશે અને પ્રેરણાદાયક તો હશે જ કે જેના કારણે આપણી વર્તમાન પેઢી કે જેમને દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી અને આવનારી પેઢીઓમાં પણ આવી ભાવના પ્રબળ થાય તો આપણે વર્ષ 2047માં દેશની આઝાદીના જ્યારે 100 વર્ષ પૂરા થશે ત્યારે દેશને જ્યાં લઈ જવા માંગીએ છીએ તે સપનાં પૂરા કરવા માટે સમગ્ર દેશ આગળ આવશે. દેશમાં થઈ રહેલા નવા નવા નિર્ણયો, નવી નવી વિચારધારા, આત્મનિર્ભર ભારત જેવા સંકલ્પ આવા પ્રયાસોનું જ સાકાર રૂપ છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાંને પૂરાં કરવાનો પણ આ પ્રયાસ છે. ભારતને આપણે એવી ઉંચાઈ ઉપર પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે કે જેની ઈચ્છા રાખીને અનેક વિરલાઓએ ફાંસીના ફંદાને ગળે લગાવ્યો હતો અને પોતાનું જીવન જેલમાં વિતાવ્યું હતું.

સાથીઓ,

આજે ભારત જે કાંઈ કરી રહ્યું છે તેની થોડાંક વર્ષો પહેલાં કલ્પના પણ થઈ શકતી ન હતી. 75 વર્ષની આ મજલમાં એક એક કદમ ઉઠાવીને આજે દેશ અહીં સુધી પહોંચ્યો છે. 75 વર્ષમાં અનેક લોકોનું યોગદાન રહ્યું છે. દરેક પ્રકારના લોકોનું યોગદાન રહ્યું છે અને કોઈનું પણ યોગદાન નકારવાથી દેશ મહાન બની શકતો નથી. તમામ લોકોના યોગદાનનો સ્વીકાર કરીને, સ્વાગત કરીને, સન્માન કરીને આગળ ધપવાથી દેશ આગળ વધે છે અને આવા મંત્ર સાથે આપણું સંવર્ધન થયું છે. આપણે આ મંત્રને લઈને જ આગળ ધપવા માંગીએ છીએ. દેશ જ્યારે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે ત્યારે દેશ એવા લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધશે, જે ક્યારેક આપણને અશક્ય લાગતા હતા. મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌના સહયોગથી આ આયોજન ભારતના ઐતિહાસિક ગૌરવને સમગ્ર દુનિયા સમક્ષ મૂકશે, જેનાથી એક ઉર્જા મળશે, પ્રેરણા પ્રાપ્ત થશે અને દિશા મળશે. તમારૂં યોગદાન ખૂબ જ મૂલ્યવાન છે.

આ શબ્દો સાથે આવનારા દિવસોમાં આપ સૌના યોગદાન બદલ અને તમારી સક્રિય ભાગીદારી માટે આપ સૌને હું આમંત્રણ આપતાં મારી વાણીને વિરામ આપું છું. હું ફરી એક વખત આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !

SD/GP/BT(Release ID: 1703420) Visitor Counter : 6219