પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સેરાવીક કોન્ફરન્સ – 2021માં મુખ્ય સંબોધન કર્યું


પ્રધાનમંત્રીને સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ એનાયત થયો

પ્રધાનમંત્રીએ આ એવોર્ડ ભારતની પરંપરા અને લોકોને સમર્પિત કર્યો

મહાત્મા ગાંધી પર્યાવરણની ચિંતા કરનાર દુનિયાના સૌથી મહાન વ્યક્તિ હતાઃ પ્રધાનમંત્રી

આબોહવામાં પરિવર્તન સામે લડવાની સૌથી અસરકારક રીત છે – વ્યવહારમાં પરિવર્તનઃ પ્રધાનમંત્રી

હવે તર્કશક્તિ અને પારિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિચારવાનો સમય આવી ગયો છે. છેવટે આનો સંબંધ મારા કે તમારી સાથે નહીં, પણ આપણી પૃથ્વીના ઉજ્જવળ ભવિષ્ય માટે છેઃ પ્રધાનમંત્રી

Posted On: 05 MAR 2021 7:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેરાવીક 2021માં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્ય સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશિપ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું અતિ વિનમ્રતાપૂર્વક આ સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ એવોર્ડનો સ્વીકાર કરું છું. હું આ પુરસ્કારને અમારી મહાન ભારત માતાના લોકોને સમર્પિત કરું છું. હું આ પુરસ્કારને અમારી માતૃભૂમિની ગૌરવશાળી પરંપરાને સમર્પિત કરું છું, જેણે અમને પર્યાવરણની કાળજી અને એનું સંરક્ષણ કરવાનો માર્ગ દર્શાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ અને એની દેખભાળની વાતમાં ભારતના લોકોએ સદીઓથી આખી દુનિયાનું નેતૃત્વ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી સંસ્કૃતિમાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતા ગાઢ રીતે જોડાયેલી છે.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી પર્યાવરણની ચિંતા કરનાર દુનિયાના સૌથી મહાન વ્યક્તિ છે. જો આપણે તેમણે પ્રસ્તુત કરેલા માર્ગોને અનુસરીએ, તો અત્યારે આપણે જે પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, તેમાંથી આપણને મુક્તિ મળી જાય. તેમણે લોકોને મહાત્મા ગાંધીના વતન પોરબંદરની મુલાકાત લેવાની અપીલ કરી હતી. પોરબંદરમાં વર્ષો અગાઉ વરસાદના પાણીનો સંચય કરવા માટે ભૂર્ગભ ટાંકીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન અને કુદરતી આફતોનો સામનો કરવા માટે બે જ માર્ગો છે. એક, નીતિઓ, કાયદાઓ, નિયમો અને આદેશોના માધ્યમથી. પ્રધાનમંત્રીએ આ સંબંધમાં ઉદાહરણઓ પણ આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભારતની હાલની વીજ ઉત્પાદનક્ષમતામાં બિનઅશ્મિભૂત ઇંધણના સ્ત્રોતોનો હિસ્સો 38 ટકા સુધી વધી ગયો છે. ભારતે એપ્રિલ, 2020થી ભારત-6 ઉત્સર્જન માપદંડો અપનાવ્યાં છે, જે યુરો-6 ઇંધણને સમકક્ષ છે. ભારત વર્ષ 2030 સુધીમાં કુદરતી ગેસનો હિસ્સો હાલના 6 ટકાથી વધારીને 15 ટકા કરવાની દિશામાં કામ કરી રહ્યો છે. એલએનજીને પણ ઇંધણ સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે તાજેતરમાં શરૂ થયેલા રાષ્ટ્રીય હાઇડ્રોજન અભિયાન અને પીએમ કુસુમ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે સૌર ઊર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં એક તાર્કિક અને વિકેન્દ્રીકૃત મોડલને પ્રોત્સાહન આપે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, ઉચિત નિયમ અને યોજનાઓ ઉપરાંત આબોહવામાં પરિવર્તનની સમસ્યાનું સમાધાન કરવા માટે સૌથી મજબૂત માર્ગ છે – લોકોના વ્યવહારમાં કે અભિગમમાં પરિવર્તન. તેમણે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે અપીલ કરી હતી, જેથી આ દુનિયા જીવન જીવવા માટે એક શ્રેષ્ઠ સ્થાન બની શકે. તેમણે ઉમેર્યું હતું કે, લોકોના વ્યવહારમાં પરિવર્તનની ભાવના પરંપરાગત સ્તરે આપણી આદતોનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે આપણને દાન અને કરુણાની ભાવના સાથે પ્રકૃતિનો ઉપયોગ કરવાનું શીખવે છે. ટૂંકા ગાળાની, અવિચારી સંસ્કૃતિ અમારી જીવનશૈલીનો હિસ્સો ક્યારેય રહી નથી. તેમણે ભારતીય ખેડૂતો પર ગર્વની લાગણી વ્યક્ત કરીને કહ્યું હતું કે, અમારા ખેડૂતો સિંચાઈની આધુનિક ટેકનિકોનો સતત ઉપયોગ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા વધારવા અને જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવા ખેડૂતો વચ્ચે જાગૃતિ વધી રહી છે.

પ્રધાનમંત્રીએ દુનિયામાં હાલ ચાલતાં ટ્રેન્ડ વિશે કહ્યું હતું કે, અત્યારે દુનિયા ફિટનેસ અને વેલનેસ પર ધ્યાન આપી રહી છે. અત્યારે સ્વાસ્થ્ય માટે લાભદાયક અને ઓર્ગેનિક ખાદ્ય પદાર્થોની માગ સતત વધી રહી છે. ભારત પોતાના મરીમસાલા અને આયુર્વેદિક ઉત્પાદનો દ્વારા દુનિયાભરમાં આવી રહેલા આ પરિવર્તનોનું નેતૃત્વ કરી એનો લાભ મેળવી શકે છે. તેમણે જાહેરાત કરી હતી કે, સરકાર દેશમાં પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં 27 નગર અને શહેરોમાં મેટ્રો નેટવર્ક ઊભું કરવાની કામગીરી કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે મોટા પાયે લોકોના વ્યવહારમાં પરિવર્તન લાવવા માટે એ પ્રકારના સમાધાનો પર કામ કરવાની જરૂર છે, જે નવીન હોય અને વાજબી હોવાની સાથે જનભાગીદારીથી સંચાલિત હોય. આ સંદર્ભમાં તેમણે એલઇડી બલ્બનો મોટા પાયે લોકો દ્વારા સ્વીકાર, ગિવ ઇટ અપ મૂવમેન્ટ, એલપીજી કવરેજમાં વધારો, સસ્તી પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં લીધેલા પગલાં જેવા ઉદાહરણોની ચર્ચા કરી હતી. તેમણે સંપૂર્ણ ભારતમાં ઇથેનોલની વધતી સ્વીકાર્યતા પર ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લાં 7 વર્ષ દરમિયાન ભારતના વન ક્ષેત્રમાં ઘણો વધારો થયો છે. અહીં સિંહ, વાઘ, ચિતા, દીપડા અને જળચર પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમણે આને વ્યવહારમાં સકારાત્મક પરિવર્તનનું ઉદાહરણ ગણાવ્યું હતું.

શ્રી મોદીએ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંત વિશે પણ વાત કરી હતી. ટ્રસ્ટીશીપના મૂળમાં સામૂહિકતા, સંવેદના અને જવાબદારીની ભાવના રહેલી છે. ટ્રસ્ટીશિપ એટલે ઉપલબ્ધ સંસાધનોનો જવાબદારી સાથે ઉપયોગ કરવો.

શ્રી મોદીએ તેમની વાતને પૂરી કરતાં કહ્યું હતું કે, તાર્કિક શક્તિ અને પારિસ્થિતિકીને ધ્યાનમાં રાખીને વિચારવાનો સમય આવી ગયો છે. આ મારા કે તમારા માટે નથી, પણ સંપૂર્ણ પૃથ્વીના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે.

 

SD/GP/BT



(Release ID: 1702866) Visitor Counter : 151