પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કર્યું
ઇન્ડિયા ટોય ફેર 2021 આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં મોટું પગલું છે: પ્રધાનમંત્રી
એવા રમકડાં બનાવો જે પર્યાવરણ અને મનોવિજ્ઞાન બંને માટે બહેતર હોય: પ્રધાનમંત્રી
ભારતની પરંપરા, ટેકનોલજી, પરિકલ્પના અને યોગ્યતાના કારણે શ્રેષ્ઠ રમકડાં બનશે: પ્રધાનમંત્રી
Posted On:
27 FEB 2021 1:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ તેમજ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી શ્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 દરમિયાન ટોય ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં 1,000થી વધારે પ્રદર્શકો ભાગ લેશે.
પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચન્નાપટના, ઉત્તરપ્રદેશના વારાણસી અને રાજસ્થાનના જયપુરના રમકડાં ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો. આ ટોય ફેર દ્વારા, સરકાર અને ઉદ્યોગજગત કેવી રીતે ભારતને રમકડાંના ઉત્પાદન અને સ્રોત માટે આગામી વૈશ્વિક હબ બનાવી શકાય તેના વિશે ચર્ચા કરવા માટે એક થશે જેમાં કેવી રીતે આ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું અને નિકાસને પ્રોત્સાહન આપવું તેની વિવિધ રીતો પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાં ઉદ્યોગમાં છુપાયેલા કૌશલ્યને બહાર લાવવા માટે તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના એક મોટા હિસ્સા તરીકે તેમની ઓળખ ઉભી કરવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ સૌપ્રથમ ટોય ફેર માત્ર વ્યાવસાયિક અથવા આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની રમતગમત અને આનંદની પ્રાચીન સંસ્કૃતિ સાથે ફરી જોડાવાનો કાર્યક્રમ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ટોય ફેર એક એવો મંચ છે જ્યાં કોઇપણ વ્યક્તિ રમકડાંની ડિઝાઇન, આવિષ્કાર, ટેકનોલોજી, માર્કેટિંગ અને પેકેજિંગ વિશે વાત કરી શકે છે અને તેમના અનુભવોનું આદાનપ્રદાન પણ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાએ સિંધુ ખીણની સંસ્કૃતિના સમય તેમજ મોહંજો દડો અને હડપ્પાના સમયના રમકડાંઓ પર સંશોધનો કર્યાં છે.
પ્રધાનમંત્રીએ પ્રાચીનકાળની એ વાતો પણ યાદ કરી હતી કે, જ્યારે દુનિયાભરના પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા અને તેઓ ભારતમાં રમતો શીખ્યા હતા તેમજ પોતાના દેશમાં આ રમતોનું કૌશલ્ય લઇને ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ચેસ આજે દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રમત છે જે અગાઉ ભારતમાં રમાતી હતી અને 'ચતુરંગ અથવા ચદુરંગ' તરીકે પ્રચલિત હતી. આધુનિક સમયની લુડોની રમત જુના જમાનામાં આપણે ત્યાં 'પચીસી' તરીકે રમાતી હતી. તેમણે કહ્યું હતું કે, આપણા ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું હતું કે, બલરામ પાસેથી મોટી સંખ્યામાં રમકડાં હતા. ગોકુળમાં ગોપાલ કૃષ્ણ તેમના મિત્રો સાથે ઘરની બહાર ફુગ્ગામાં રમતા હતા. રમતો, રમકડાં અને કલાકૃતિઓને હંમેશા આપણા પ્રાચીન મંદિરોમાં પણ નક્શીકામ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અહીં ઉત્પાદિત રમકડાં બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે, ફરી ઉપયોગ અને રિસાઇકલિંગની પદ્ધતિ ભારતીય જીવનશૈલીનો એક હિસ્સો રહ્યાં છે અને આપણાં રમકડામાં પણ આ બાબત જોવા મળે છે. મોટાભાગના ભારતીય રમકડાં કુદરતી અને ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓમાં બનાવવામાં આવે છે અને તેમાં ઉપયોગમાં લેવામાં આવતા રંગો પણ કુદરતી અને સલામત હોય છે. તેમણે કહ્યું હતું કે, આ રમકડાં મગજને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડવાનું કામ પણ કરે છે અને ભારતીય દૃશ્ટિકોણ અનુસાર સામાજિક માનસિક વિકાસ અને ઉછેર માટે પણ મદદરૂપ છે. તેમણે દેશના રમકડાં ઉત્પાદનોને પર્યાવરણ અને મનોવિજ્ઞાન (ઇકોલોજી અને સાઇકોલોજી) બંને પ્રકારે બહેતર હોય તેવા રમકડાંનુ ઉત્પાદન કરવા માટે અનુરોધ કર્યો હતો! તેમણે તેમને કહ્યું હતું કે, રમકડાંમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો અને એવી વસ્તુઓનો ઉપયોગ વધારે કરો જેને રિસાઇકલ કરી શકાય.
પ્રધાનમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, આજે સમગ્ર દુનિયામાં દરેક ક્ષેત્રમાં ભારતીય દૃશ્ટિકોણ અને ભારતીય વિચારધારા વિશે ચર્ચા કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય રમતો અને રમકડાંની એ વિશેષતા છે કે, તેમાં જ્ઞાન, વિજ્ઞાન, મનોરંજન અને મનોવિજ્ઞાન બધાનો સંગમ જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે બાળકો લટ્ટુ, રમવાનું શીખે છે ત્યારે તેઓ લટ્ટુ રમતી વખતે ગુરુત્વાકર્ષણ અને સંતુલનનો પાઠ શીખે છે. એવી જ રીતે, બાળકો જ્યારે ગિલોલથી રમતા શીખે છે ત્યારે અજાણતા જ ચક્રીય ઉર્જાની સંભાવનાઓ વિશે પણ શીખે છે. તેમણે કહ્યું હતું કે, કોયડાની રમતોથી વ્યૂહાત્મક વિચારશૈલી અને સમસ્યાઓ ઉકેલવાનું કૌશલ્ય વિકસે છે. તેવી જ રીતે, નવજાત શીશુઓ હાથને ફેરવીને તેમજ હવામાં વિંઝીને ચક્રિય ગતિનો અનુભવ કરવાનું શરૂ કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સર્જનાત્મક રમકડાં બાળકોમાં સંવેદનાઓ વિકસાવે છે અને તેમની કલ્પનાશક્તિને પાંખો આપે છે. તેમની કલ્પનાઓની કોઇ જ મર્યાદા હોતી નથી. એક નાનકડું રમકડું તેમની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે અને તેમની સર્જનાત્મકતાને જાગૃત કરે તે જરૂરી છે. તેમણે માતાપિતાને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાના સંતાનો સાથે રમે કારણ કે, બાળકોની શીખવાની પ્રક્રિયામાં રમકડાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. તેમણે કહ્યું હતું કે, માતાપિતાએ રમકડાંનું વિજ્ઞાન સમજવું જોઇએ અને બાળકોના વિકાસમાં તેની ભૂમિકા વિશે જાણવું જોઇએ તેમજ શિક્ષકોને પણ અનુરોધ કર્યો હતો કે, તેઓ શાળાઓમાં બાળકોને ભણાવવા માટે રમકડાંનો ઉપયોગ કરે. તેમણે કહ્યું હતું કે, આ દિશામાં, સરકાર અસરકારક પગલાં લઇ રહી છે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા પરિવર્તનો લાવી રહી છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે રમત આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સમાવે છે. આ એવી શિક્ષણ પ્રણાલી છે જેમાં બાળકોની તાર્કિક અને સર્જનાત્મક વિચારશૈલીના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, રમકડાંના ક્ષેત્રમાં ભારત પરંપરા અને ટેકનોલોજી, ધરાવે છે, ભારત પાસે પરિકલ્પનાઓ અને યોગ્યતા છે જેમાં આપણા દુનિયાને ફરી ઇકો-ફ્રેન્ડલી રમકડાં તરફ લઇ જઇ શકીએ છીએ. આપણા સોફ્ટવેર એન્જિનિયરો કોમ્પ્યૂટર ગેમ્સમાં ભારતની ગાથાને દુનિયા સમક્ષ લાવી શકે છે. પરંતુ આ બધુ જ હોવા છતાં, આજે રમકડાંના 100 અબજ ડૉલરના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો ખૂબ જ નાનો છે. આપણા દેશમાં 85% રમકડાંઓની વિદેશથી આયાત કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આપણે આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે હવે રમકડાં ઉદ્યોગને 24 મુખ્ય ક્ષેત્રમાં ગ્રેડિંગ આપ્યું છે. રાષ્ટ્રીય રમકડાં એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 15 મંત્રાલયો અને વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે જેથી આ ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવી શકાય, દેશો રમકડાં બાબતે આત્મનિર્ભર બની શકે અને ભારતના રમકડાં આખી દુનિયામાં જાય. આ અભિયાન દ્વારા રાજ્ય સરકારોને રમકડાંના ક્લસ્ટરોનો વિકાસ કરવામાં સમાન ભાગીદાર બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસોની સાથે સાથે ટોય ટુરિઝમ એટલે કે રમકડાં આધારિત પર્યટનની સંભાવનાઓ મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. ટોયાથોન-2021નું આયોજન રમકડાં આધારિત ભારતીય રમતોને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું અને 7000થી વધુ આઇડિયા અંગે તેમાં મનોમંથન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો આજે મેડ ઇન ઇન્ડિયાની માંગ હોય તો, ભારતમાં હસ્તબનાવટની માંગ પણ એટલી જ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, લોકો રમકડાં માત્ર એક ઉત્પાદન તરીકે નથી ખરીદતા પણ તેના અનુભવ સાથે પણ તેઓ જોડવા માંગે છે. આથી, આપણે ભારતમાં હાથ બનાવટના રમકડાંને પણ પ્રોત્સાહન આપવાનું છે.
SD/GP/JD
(Release ID: 1701318)
Visitor Counter : 410
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam