પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિનિવેશ અને અસ્કયામત મુદ્રીકરણ માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું
Posted On:
24 FEB 2021 7:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી DIPAM માટે અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશેના વેબિનારમાં સંબોધન આપ્યું હતું.
વેબિનારને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અંદાજપત્રએ ભારતને ઊંચા વિકાસના માર્ગે ફરી આગળ લઇ જવા માટે સ્પષ્ટ રૂપરેખા આગળ ધરી આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, અંદાજપત્રમાં ભારતના વિકાસમાં ખાનગી ક્ષેત્રની પ્રબળ ભાગીદારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે વિનિવેશ અને અસ્કયામત મુદ્રીકરણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે જાહેર ક્ષેત્રના સાહસોની શરૂઆત કરવામાં આવી ત્યારે તે સમય અને દેશની જરૂરિયાતની માંગ હતી અને તે સ્થિતિ વર્તમાન કરતા જુદી હતી. તેમણે કહ્યું હતું કે, આ સુધારાઓનું સૌથી મોટું લક્ષ્ય જનતાના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. સંખ્યાબંધ જાહેર ક્ષેત્રના સાહસો ખોટ કરી રહ્યાં છે અને કરદાતાઓના નાણાંથી તેમને આધાર આપવામાં આવી રહ્યો છે અને તેના કારણે અર્થતંત્ર પર વધારાનું ભારણ આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જાહેર ક્ષેત્રના સાહસો માત્ર ઘણા વર્ષોથી ચલાવવામાં આવી રહ્યાં છે એટલા કારણથી ચલાવવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, દેશમાં ઉદ્યોગોને સંપૂર્ણ સહકાર આપવાની જવાબદારી સરકારની છે પરંતુ સાથે સાથે સરકારનું કામ વ્યવસાયોમાં હસ્તક્ષેપ કરવાનું નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનું ધ્યાન લોકોના કલ્યાણ પર અને વિકાસ સંબંધિત પરિયોજનાઓ પર કેન્દ્રિત હોવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર ઘણી મર્યાદાઓમાં રહીને કામ કરે છે અને તેથી વ્યાપારિક નિર્ણયો લેવાનું તેના માટે સહેલું નથી. તેમણે કહ્યું હતું કે, અમારી સરકારના પ્રયાસો લોકોનું જીવનધોરણ સુધારવા માટેના છે તેમજ લોકોના જીવનમાં સરકારના બિનજરૂરી હસ્તક્ષેપને ઘટાડવાની દિશામાં પણ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોના જીવનમાં સરકારનો અભાવ અને સરકારનો પ્રભાવ આ બંને સ્થિતિ વધુ પ્રમાણમાં ના હોવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, દેશમાં સંખ્યાબંધ અસ્કયામતો ઓછો ઉપયોગ થયેલી અથવા ઉપયોગ થયા વગરની જ છે અને રાષ્ટ્રીય અસ્કયામત મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત આ બાબતને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, સરકાર ‘મુદ્રીકરણ અને આધુનિકીકરણ’ના મંત્ર સાથે આગળ વધી રહી છે અને જ્યારે સરકાર મુદ્રીકરણ કરે ત્યારે, તે જગ્યા દેશના ખાનગી ક્ષેત્રો દ્વારા ભરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી ક્ષેત્ર રોકાણ લઇ આવે છે અને તેમની સાથે શ્રેષ્ઠ વૈશ્વિક પદ્ધતિઓ લઇને આવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાર્વજનિક અસ્કયામતોના મુદ્રીકરણમાંથી અને ખાનગીકરણમાંથી આવતા નાણાંનો ઉપયોગ જાહેર કલ્યાણ યોજનાઓમાં કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ખાનગીકરણથી રોજગારીની બહેતર તકો સાથે યુવાનોનું સશક્તિકરણ થશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર વ્યૂહાત્મક સિવાયના તમામ ક્ષેત્રોનું ખાનગીકરણ કરવા માટે કટિબદ્ધ છે. રોકાણ માટેની સ્પષ્ટ ભાવી રૂપરેખાનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. આનાથી રોકાણની નવી તકોનું સર્જન થશે અને દેશમાં પ્રત્યેક ક્ષેત્રમાં રોજગારીની અપાર તકો ઉભી થશે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર આ નીતિઓના અમલીકરણ માટે સમાન પ્રમાણમાં ઉચ્ચ પ્રાથમિકતા સાથે આ દિશામાં સંપૂર્ણ કટિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરવા માટે પારદર્શકતા અને આપણી પ્રક્રિયાઓ સાચી હોવાનું સુનિશ્ચિત કરવા માટે, સ્થિર નીતિ અસ્તિત્વમાં હોય તે ખૂબ જ મહત્વનું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રોકાણકારો સાથે જોડાણ કરવા માટે અને તેમને પડી રહેલી સમસ્યાઓના ઝડપથી નિરાકરણ માટે અધિકાર પ્રાપ્ત સચિવોના એક સમૂહની રચના કરવામાં આવી છે. તેવી જ રીતે, રોકાણકારો માટે સંપર્ક માટે એક જ જગ્યાની રચના કરવામાં આવી છે જેથી ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો લાવી શકાય. તેમણે કહ્યું હતું કે, વર્ષોવર્ષ, અમારી સરકારે ભારતને વ્યવસાય માટે મહત્વપૂર્ણ મુકામ બનાવવા માટે અને અવરિત સુધારાઓ કર્યાં છે અને આજે ભારત એક બજાર એક કરવેલા પ્રણાલીથી સજ્જ છે. તેમણે કહ્યું હતું કે, આ જે ભારતમાં કંપનીઓ પ્રવેશવાની અને નીકળવાની ઉત્કૃષ્ટ ચેનલો ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, કંપનીઓ સંબંધિત જટીલતાઓ સરળ બનાવવા માટે અને લોજિસ્ટિકલ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ માટે અમે સતત કામ કરી રહ્યાં છીએ અને આજે, ભારતની કરવેરા પ્રણાલી પણ સરળ કરવામાં આવી છે અને પારદર્શકતા વધુ મજબૂત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે FDI નીતિમાં અભૂતપૂર્વ સુધારા કર્યા છે અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહનનો પ્રારંભ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આના પરિણામ સ્વરૂપે છેલ્લા કેટલાક મહિનાઓમાં FDIની આવક વિક્રમી સ્તરે પહોંચી છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે, અમે આધુનિક માળખાગત સુવિધાઓ અને બહુવિધ મોડલ કનેક્ટિવિટી પર ઝડપી ગતિએ કામ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં અમે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન મારફતે આપણી માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂપિયા 111 ટ્રિલિયન ખર્ચ કરવાના છીએ. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયાના સૌથી મોટા યુવાન રાષ્ટ્રની આ અપેક્ષા માત્ર સરકાર પાસેથી નથી પરંતુ ખાનગી ક્ષેત્ર પાસેથી પણ છે અને આ મહત્વાકાંક્ષાઓ વ્યવસાયમાં ખૂબ જ વિપુલ તકો લઇને આવી છે જેથી ચાલો સૌ સાથે મળીને આ તકોનો ઉપયોગ કરીએ.
SD/GP/JD
****
(Release ID: 1700702)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam