પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉર્જા ક્ષેત્રમાં કેન્દ્રીય અંદાજપત્રની જોગવાઇઓના અસરકારક અમલીકરણની દિશામાં વિચારવિમર્શ માટેના વેબિનારમાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ
Posted On:
18 FEB 2021 6:14PM by PIB Ahmedabad
નમસ્કાર સાથીઓ,
ભારતની ગતિ અને પ્રગતિમાં દેશના ઉર્જા ક્ષેત્રની ઘણી મોટી ભૂમિકા રહી છે. આ એક એવું ક્ષેત્ર છે કે જે જીવન જીવવામાં સરળતા અને બિઝનેસ કરવામાં સરળતા બંને સાથે જોડાયેલું છે. આજે જ્યારે દેશ આત્મનિર્ભર ભારતના લક્ષ્ય સાથે આગળ ધપી રહ્યો છે ત્યારે તેમાં ઉર્જા ક્ષેત્ર, આપણા પાવર સેક્ટર અને રિન્યુએબલ એનર્જીની ઘણી મોટી ભૂમિકા છે. આ ક્ષેત્રોમાં ઝડપ લાવવા માટે તમારામાંથી ઘણાં મહાનુભાવોએ બજેટની પહેલાં ઘણો પરામર્શ કર્યો છે, ચર્ચા પણ થઈ છે. તમારા સૂચનોનો પણ આ બધા બાબતો સાથે જોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હવે જ્યારે બજેટ આવ્યાને 15 દિવસથી વધુ સમય વિતી ચૂક્યો છે ત્યારે બજેટ સાથે જોડાયેલી બારીકીઓ તમારા ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તમે તેનું ખૂબ જ ઝીણવટપૂર્વક વિશ્લેષણ પણ કરી ચૂક્યા છો. ક્યાં ક્યાં નુકસાન થવાનું છે અને ક્યાં ક્યાં ફાયદો થવાનો છે, વધુ ફાયદા મેળવવાના માર્ગ કયા છે તે બધુ તમે શોધી લીધુ હશે. તમારા સલાહકારોએ પણ ઘણી બધી મહેનત કરીને આ કામ કર્યું હશે. હવે આગળનો માર્ગ સરકાર અને તમે સાથે મળીને કેવી રીતે પાર કરશો, બજેટમાં કરાયેલી જાહેરાતોને કેવી રીતે ઝડપથી લાગુ કરી શકાય, સરકાર અને ખાનગી ક્ષેત્ર એક બીજા પર મૂકેલો વિશ્વાસ કેવી રીતે આગળ વધારી શકશે તે અંગે સંવાદ કરવો જરૂરી હતો.
સાથીઓ,
એનર્જી ક્ષેત્ર બાબતે આપણી સરકારનો અભિગમ ખૂબ જ સમગ્રલક્ષી રહ્યો છે. વર્ષ 2014માં જ્યારે અમારી સરકાર રચાઈ ત્યારે પાવર સેક્ટરમાં શું થઈ રહ્યું હતું તે તમે સારી રીતે જાણો છો. તેની સાથે જોડાયેલી વિતરણ કંપનીઓની કેવી સ્થિતિ હતી, હું માનું છું કે મારે આ બાબતે વર્ણન કરવાની જરૂર નથી. અમે આ ક્ષેત્રમાં ગ્રાહક અને ઉદ્યોગ, બંનેના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડવાનો અને નીતિઓમાં સુધારા કરવાનો લગાતાર પ્રયાસ કર્યો છે. પાવર સેક્ટરમાં આપણે જે 4 મંત્રો લઈને આગળ ધપી રહ્યા છીએ તેમાં રિસર્ચ, રિઈનફોર્સ, રિફોર્મ્સ અને રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે.
સાથીઓ,
જ્યાં સુધી પહોંચની બાબત છે, તો અમે અગાઉ દેશના દરેક ગામ સુધી અને દરેક ઘર સુધી વીજળી પહોંચાડવા ઉપર ભાર મૂક્યો છે અને તે માટે સમગ્ર તાકાત લગાડી દીધી છે. અમે સમગ્ર તાકાતને એ દિશામાં વાળી દીધી છે. 21 સદીમાં પણ જે લોકો વીજળીથી વંચિત રહ્યા છે તેવા ઘણાં લોકો માટે તો વીજળી પહોંચવાથી નવી દુનિયા મળી જવા જેવી સ્થિતિ ઉભી થશે.
અમે ક્ષમતાનું દ્રઢીકરણ કરવા અંગે વાત કરી રહ્યા છીએ ત્યારે વીજળીની ખાધ ધરાવતો દેશ, આજે સરપ્લસ વીજળી ધરાવતો દેશ બની ચૂક્યો છે. ભારત “વન નેશન, વન ગ્રીડ- વન ફ્રીકવન્સી” નું લક્ષ્ય પાર કરી ચૂક્યો છે. આ બધુ સુધારા કર્યા વગર શક્ય બની શક્યું ના હોત. ઉદય યોજના હેઠળ અમે 2 લાખ 32 હજાર કરોડ રૂપિયાના બોન્ડ ઈસ્યુ કર્યા, જેનાથી પાવર સેક્ટરમાં નાણાકીય અને સંચાલનની કાર્યક્ષમતાને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે. પાવર ગ્રીડની એસેટસને મોનિટાઈઝ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ- ઈનવીટની સ્થાપના થઈ ચૂકી છે અને રોકાણકારો માટે તેને ઝડપભેર ખૂલ્લુ મૂકવામાં આવશે.
સાથીઓ,
વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે રિન્યુએબલ એનર્જી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વિતેલા 6 વર્ષમાં અમે રિન્યુએબલ એનર્જીની ક્ષમતા અઢી ગણા કરતાં પણ વધુ વધારી છે. આ સમયગાળા દરમિયાન ભારતની સોલર એનર્જી ક્ષમતામાં આશરે 15 ગણી વૃધ્ધિ કરવામાં આવી છે. આજે ભારત ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના માધ્યમથી દુનિયાને નેતૃત્વ પણ પૂરૂ પાડી રહ્યું છે.
સાથીઓ,
21મી સદીની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે બજેટમાં ભારતે પોતાની માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ મૂડી રોકાણ કરવાની કટિબધ્ધતા બતાવી છે. મિશન હાઈડ્રોજનની શરૂઆત હોય કે પછી સોલાર સેલનું સ્થાનિક ઉત્પાદન હોય, કે પછી રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મોટા પાયે મૂડી રોકાણ લાવવાના પ્રયાસો હોય, ભારતે દરેક ક્ષેત્ર પર ભાર મૂક્યો છે. આપણાં દેશમાં અગાઉના 10 વર્ષ સુધી સોલર સેલ્સની જે માંગ રહેવાની છે તે આપણી હાલની ઉત્પાદન ક્ષમતા કરતાં બાર ગણી વધારે છે. કેટલું મોટું બજાર આપણી રાહ જોઈ રહ્યું છે. તમે સમજી શકો છો કે દેશની જરૂરિયાતો કેટલી મોટી છે અને તમારા માટે કેટલી મોટી તક છે.
આપણે આ ક્ષેત્રમાં, આપણી કંપનીઓને માત્ર દેશની જ જરૂરિયાતો પૂરી કરી શકીએ તેવું જોવા માંગતા નથી, પણ તેમને ગ્લોબલ મેન્યુફેક્ચરીંગના ચેમ્પિયન તરીકે રૂપાંતર પામેલી જોવા ઈચ્છીએ છીએ. સરકારે ‘હાઈ એફિશ્યન્સી સોલાર પીવી મોડ્યુલ્સ’ ને પીએલઆઈ યોજના સાથે જોડ્યું છે અને તે અંગે રૂ.45 કરોડથી વધુ મૂડી રોકાણ કરવાની કટિબધ્ધતા દાખવી છે. આ મૂડી રોકાણથી ભારતમાં ગીગા વોટ સ્તરની સોલાર પીવી મેન્યુફેક્ચરીંગ ક્ષમતાઓને વિકસિત કરવામાં સહાય મળશે. પીએલઆઈ સ્કીમની સફળતા દેશમાં એક હકારાત્મક ટ્રેક રેકોર્ડ બની રહી છે. હવે જે રીતે મોબાઈલ મેન્યુફેક્ચરીંગને આ યોજના સાથે જોડવાથી આપણને ખૂબ મોટો પ્રતિભાવ આપણને જોવા મળ્યો છે. હવે ‘હાઈ એફિશ્યન્સી સોલાર પીવી મોડ્યુલ્સ’ માટે પણ એવો જ પ્રતિભાવ મળવાની આશા છે.
પીએલઆઈ સ્કીમ હેઠળ 10 હજાર મેગાવોટ ક્ષમતા ધરાવતા ઈન્ટીગ્રેટેડ સોલાર પીવી મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટસ ઉભા કરવામાં આવશે અને તે માટે લગભગ રૂ.14 હજાર કરોડનું મૂડી રોકાણ કરવાની તૈયારી છે. સરકારનું અનુમાન છે કે તેનાથી આગામી પાંચ વર્ષમાં 17 હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુ માંગ ઉભી થશે. આ માંગ સોલાર પીવી મેન્યુફેક્ચરીંગની સમગ્ર વ્યવસ્થાના વિકાસમાં અને તેને ગતિ આપવામાં મોટી ભૂમિકા નિભાવશે.
સાથીઓ,
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં મૂડી રોકાણ વધારવા માટે સરકારે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડીયામાં એક હજાર કરોડ રૂપિયાથી વધુ મૂડી ઉમેરવા માટે કટિબધ્ધતા દર્શાવી છે. આ રીતે ઈન્ડીયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીમાં પણ રૂ.1500 કરોડથી વધુનું મૂડી રોકાણ કરવામાં આવશે અને આ પણ એક ખૂબ મોટુ કદમ છે.
સાથીઓ,
પાવર સેક્ટરમાં બિઝનેસ કરવામાં સરળતા વધુ સારી બનવવા માટે સરકારે નિયમનલક્ષી અને પ્રક્રિયાલક્ષી માળખામાં સુધારા કરવાનું અભિયાન શરૂ કર્યું છે. પાવર સેક્ટરને અગાઉ જે રીતે જોવામાં આવતું હતું તેની તુલનામાં એ તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ અલગ છે. હાલમાં જે પણ સુધારા કરવામાં આવી રહ્યા છે તે પાવરને ઉદ્યોગ ક્ષેત્રનો એક હિસ્સો માનવાના બદલે તેને ખુદને એક સેક્ટર તરીકે ગણવામાં આવી રહ્યુ છે.
પાવર સેક્ટરને ઘણી વખત ઔદ્યોગિક ક્ષેત્રની એક સપોર્ટ સિસ્ટમ તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે વીજળી પોતે પણ એક મહત્વની બાબત છે અને આ મહત્વ માત્ર ઉદ્યોગોના કારણે નથી અને એ જ કારણે સામાન્ય માણસ માટે વીજળીની ઉપલબ્ધિ અંગે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યે છે.
સરકારની નીતિઓની એવી અસર થઈ છે કે આજે ભારતમાં વીજળીની માંગ વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. આપણે સમગ્ર દેશમાં વીજળીના પૂરવઠા અને વિતરણ ક્ષેત્રની તકલીફો દૂર કરવામાં લાગી ગયા છીએ. તેના માટે વીજ વિતરણ કંપનીઓ સાથે જોડાયેલી આવશ્યક નીતિ અને નિયમનલક્ષી માળખુ ઘડવામાં આવી રહ્યું છે. અમારૂં માનવું છે કે જે રીતે રિટેઈલની અન્ય ચીજો મળી રહે છે તે રીતે ગ્રાહકને વીજળી પણ મળવી જોઈએ.
વિતરણ ક્ષેત્રમાં પ્રવેશ કરતી વખતે જે અવરોધો નડે તેને ઓછા કરીને અમે માંગને લાયસન્સ મુક્ત કરવા માટે કામ કરી રહયા છીએ. સરકાર તરફથી પ્રિપેઈડ સ્માર્ટ મીટર અને ફીડર સેપરેશન સિસ્ટમનું અપગ્રેડેશન કરવા સાથે જોડાયેલી માળખાગત સુવિધાઓથી માંડીને વીજ વિતરણ કરતી કંપનીઓને મદદ કરવા માટેની યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે.
સાથીઓ,
ભારતમાં સોલાર એનર્જીની કિંમત ઘણી ઓછી હોવાના કારણે લોકો સોલાર એનર્જીને આસાનીથી સ્વીકારી પણ રહ્યા છે. પીએમ કુસમ યોજના, અન્નદાતાને ઉર્જાદાતા બનાવી રહી છે. આ યોજનાના માધ્યમથી ખેડૂતોના જ ખેતરમાં નાના પાવર પ્લાન્ટ લગાવી 30 ગીગા વોટ સોલર ક્ષમતા ઉભી કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આજ સુધીમાં આપણે લગભગ 4 ગીગા વોટ રૂફટોપ સોલર એનર્જીની ક્ષમતા સ્થાપિત કરી ચૂક્યા છીએ અને આશરે અઢી ગીગા વોટ ક્ષમતા જલ્દીથી જોડાઈ જશે. દોઢ વર્ષમાં 40 ગીગા વોટ સોલર એનર્જી માત્ર રૂફટોપ સોલાર પ્રોજેક્ટસ દ્વારા તૈયાર કરવાનું લક્ષ્ય છે.
સાથીઓ,
આગામી દિવસોમાં પાવર સેક્ટરમાં સુધારા અને તેને સશક્ત બનાવવાનું અભિયાન વધુ તેજ બનશે. અમારા પ્રયત્નોને તમારા સૂચનો દ્વારા તાકાત મળે છે. આજે દેશનો પાવર સેક્ટર, નવી ઉર્જા સાથે, નવી યાત્રા પર નીકળી રહ્યું છે. તમે પણ આ યાત્રામાં ભાગીદાર બનો. તમે તેનું નેતૃત્વ કરો.
મને આશા છે કે આજે આ વેબીનારમાં તમામ નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થશે. મને એવો પણ વિશ્વાસ છે કે તમારા મૂલ્યવાન સૂચનોના કારણે સરકારને બજેટ સાથે જોડાયેલી જાહેરાતોને લાગુ કરવામાં ખૂબ મદદ મળશે અને જે સમયે સમગ્ર સરકારની ટીમ બજેટની પહેલાં ઘણી મહેનત કરતી હોય છે તેમાં ઘણાં પાસાં જોવાના હોય છે. ઘણો બધો પરામર્શ કરવો પડતો હોય છે. તે પછી બજેટ આવતુ હોય છે, પરંતુ બજેટ પછી તુરંત જ આટલી મોટી કવાયત, હું સમજુ છું કે તે વધુ પરિણામલક્ષી બનશે, વધુ મહત્વપૂર્ણ બનશે અને એટલા જ માટે આવું થયું હોત તો સારૂ થયું હોત, આવું થયું હોત તો સારૂં થયું હોત તેવું કહેવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે. જે છે તેને ઝડપી ગતિથી લાગુ કરવાનો છે. અમે બજેટ એક મહિના પહેલાં રજૂ કર્યું છે. એક મહિનો વહેલુ કરવાનો અર્થ મારે દેશની આર્થિક વ્યવસ્થાઓને એક માસ પહેલાં દોડાવવાનો હતો.
આપણે જોઈએ છીએ કે ખાસ કરીને માળખાગત સુવિધાઓના ક્ષેત્ર માટે આ સમય ખૂબ જ મૂલ્યવાન છે, કારણ કે આપણે ત્યાં એપ્રિલમાં બજેટ લાગુ થતું હોય છે અને આપણે તે પછી ચર્ચા શરૂ કરીએ તો તેમાં એક મહિનો નીકળી જતો હોય છે. મે માસના અંતથી આપણે ત્યાં વરસાદ શરૂ થઈ જાય છે અને માળખાગત સુવિધાઓના તમામ કામકાજ ત્રણ માસ સુધી અટકી જતા હોય છે. આવી સ્થિતિમાં 1 એપ્રિલથી કામ શરૂ થઈ જાય તો આપણને એપ્રિલ, મે અને જૂન માસમાં કામ કરવા માટે ઘણો સમય મળી રહે છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર વરસાદના દિવસો હોય છે, ફરી આપણે ઝડપભેર આગળ વધી શકીએ છીએ. સમયનો ઉત્તમ ઉપયોગ કરવા માટે આપણે આ બજેટને એક મહિના પહેલા રજૂ કરીને આગળ વધી રહ્યા છીએ.
આપ સૌ સાથીઓ કે જે મે માસના લાભાર્થી છે તે જેટલો ઉઠાવી શકે તેટલો ફાયદો ઉઠાવે. સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે ચાલવા માંગે છે, એક પગલું આગળ વધવા માંગે છે. તમે આગળ આવો, તમે નક્કર અમલીકરણના, નક્કર સૂચનો લઈને આગળ આવો, મારી સમગ્ર ટીમ તમારી સાથે ચર્ચા કરશે, વિસ્તારપૂર્વક ચર્ચા કરશે અને આપણે સૌ સાથે મળીને દેશની સામે જે સપનાં છે તે પૂરાં કરવા માટે આગળ વધીશું. આવી શુભેચ્છાઓની સાથે હું આશા રાખું છું કે વેબીનાર ખૂબ જ સફળ બની રહે, ખૂબ જ કેન્દ્રિત બની રહે. અમલીકરણ મારો કેન્દ્રિત વિષય છે અને તેની ઉપર તમે ભાર મૂકજો.
ખૂબ ખૂબ ધન્યવાદ!
SD/GP/BT
(Release ID: 1699326)
Visitor Counter : 331
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam