પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામમાં ‘મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નો શુભારંભ કર્યો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો


આસામ, પૂર્વોત્તરની વૃદ્ધિ, વિકાસ અને જોડાણ સરકારની પ્રાથમિકતા છેઃ પ્રધાનમંત્રી

રો-પેક્સ સેવાથી અંતરમાં મોટો ઘટાડો થશેઃ પ્રધાનમંત્રી

Posted On: 18 FEB 2021 2:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામમાં મહાબાહુ-બ્રહ્મપુત્રનો શુભારંભ કર્યો હતો અને બે પુલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, કેન્દ્રીય કાયદા અને ન્યાય, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી, રાજ્ય કક્ષાના કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આસામ અને મેઘાલયના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાબાહુ-બ્રહ્મપુત્ર’ નાં શુભારંભના પ્રતીક સ્વરૂપે પ્રધાનમંત્રીએ નીમાટી-મજુલી ટાપુ, ઉત્તર ગુવાહાટી-દક્ષિણ ગુવાહાટી અને ધુબરી-હાટસિંગીમારી વચ્ચે રો-પેક્સ જહાજ સેવાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જોગીઘોપા પર આંતરિક જળ પરિવહન (આઇડબલ્યુટી) તથા બ્રહ્મપુત્ર નદી પર વિવિધ પ્રવાસી જેટીઓનો શિલાન્યાસ કર્યો હતો તેમજ વેપારવાણિજ્યને સરળ કરવા વિવિધ ડિજિટલ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કૃષિ સાથે જોડાયેલા આલી-આયે-લિગાંગ તહેવાર બદલ મિસિંજ સમુદાયને શુભેચ્છા પાઠવી હતી. આ તહેવારની ઉજવણી ગઇકાલે થઈ હતી. તેમણે કહ્યું હતું કે, સદીઓથી પવિત્ર નદી સામાજિક મેળાવડા અને જોડાણનો પર્યાય હતી. તેમણે અગાઉની સરકારોની ટીકા કરતાં કહ્યું હતું કે, અગાઉ બ્રહ્મપુત્ર નદી પર જોડાણ સંબંધિત બહુ કામગીરી થઈ નહોતી. તેમણે કહ્યું હતું કે, આ કારણે આસામ અને પૂર્વોત્તરના અન્ય વિસ્તારોમાં જોડાણ હંમેશા મુખ્ય પડકાર રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંપૂર્ણ વિસ્તારનું ભૌગોલિક અંતર ઘટાડવા અને સાંસ્કૃતિક જોડાણ વધારવા હવે વિવિધ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યાં છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આસામ સહિત પૂર્વોત્તરના તમામ રાજ્યો વચ્ચે ભૌતિક અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત થયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ આસામમાં ડો. ભૂપેન હઝારિકા સેતુ, બોગિબીલ સેતુ, સરાઈઘાટ સેતુ જેવા ઘણા પુલોએ રાજ્યના નાગરિકોનું જીવન સરળ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પુલો દેશની સુરક્ષા વધારશે અને આપણા સૈનિકો માટે મોટી સુવિધા ઊભી કરશે. આજે આસામ અને પૂર્વોત્તરના અન્ય રાજ્યો વચ્ચે જોડાણ કરવાના અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી અને તેમની સરકારની આ કામગીરી કરવા માટે પ્રશંસા કરી હતી. મજુલીને આસામનું પ્રથમ હેલિપેડ મળ્યું છે તથા ઝડપી અને સલામત માર્ગનો વિકલ્પ મળ્યો છે, કારણ કે જોરહાટ સાથે કાલિબારીને જોડતા 8 કિલોમીટર લાંબા પુલનું ભૂમિપૂજન થવાથી લાંબા સમયની માંગણી પૂર્ણ થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સુવિધા અને સંભવિતતાનો સેતુ બની જશે.

એ જ રીતે ધુબરીથી મેઘાલયમાં ફુલબારી સુધીનો 19 કિલોમીટરની લંબાઈ ધરાવતો પુલ બરાક ઘાટીમાં જોડાણમાં સુધારો કરશે અને મેઘાલય, મણિપુર, મિઝોરમ અને આસામ વચ્ચેનું અંતર ઘટાડશે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આજથી મેઘાલય અને આસામ વચ્ચે બાય રોડ અંતર આશરે 250 કિલોમીટર ઘટીને ફક્ત 19થી 20 કિલોમીટર થઈ જશે.

મહાબાહુ-બ્રહ્મપુત્રા પ્રોગ્રામ વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, એનાથી બંદર-સંચાલિત વિકાસ મારફતે બ્રહ્મપુત્ર નદી દ્વારા જળમાર્ગીય જોડાણ મજબૂત થશે. આજે શરૂ થયેલી ત્રણ રો-પેક્સ સેવાઓ આસામને આ સ્કેલ પર રો-પેક્સ સેવાઓ સાથે જોડાયેલ મોખરાનું રાજ્ય બનાવશે. ચાર પ્રવાસી જેટીઓ સાથે આ સેવા પૂર્વોત્તરના અન્ય રાજ્યો સાથે આસામના જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે.

પ્રધાનમંત્રીએ ટીકા કરી હતી કે, વર્ષોથી આ પ્રકારના જોડાણની ઉપેક્ષા કરવાથી રાજ્ય એની સંભવિતતા હાંસલ કરી શક્યું નથી. તેમણે કહ્યું હતું કે, પરિણામે આસામ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં માળખાગત સુવિધાઓમાં ઘટાડો થયો હતો અને જળમાર્ગો લગભગ બંધ થઈ ગયા હતા, જેના પગલે અસંતોષ ફેલાયો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ સ્થિતિમાં સુધારો કરવાની પ્રક્રિયા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના શાસનકાળમાં શરૂ થઇ હતી. છેલ્લાં થોડાં વર્ષોમાં આસામમાં એકથી વધારે માધ્યમો થકી જોડાણને પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં હતાં. આસામ અને પૂર્વોત્તર રાજ્યોને આપણી સંસ્કૃતિનું કેન્દ્ર બનાવવા તથા પૂર્વ એશિયાના અન્ય દેશો સાથે વ્યાવસાયિક સંબંધો વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આંતરિક જળમાર્ગ અહીં મોટી અસર લાવશે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં બાંગ્લાદેશ સાથે જળમાર્ગે જોડાણ વધારવા માટે એક સમજૂતી થઈ છે. બ્રહ્મપુત્ર નદી અને બરાક નદીને જોડવા હુગલી નદીમાં ઇન્ડો-બાંગ્લાદેશ પ્રોટોકોલ રુટ પર કામગીરી ચાલી રહી છે. પૂર્વોત્તરના રાજ્યોને બાકીના ભારત સાથે જોડવાથી મુખ્ય ભારત અને પૂર્વોત્તર ભારતને જોડતા સાંકડા ભાગ પરની આ વિસ્તારની નિર્ભરતામાં ઘટાડો થશે. તેમણે ઉમેર્યું હતું કે, જોગીઘોપા આઇડબલ્યુટી ટર્મિનલ જળમાર્ગ મારફતે હલ્દિયા બંદર અને કોલકાતા સાથે આસામને જોડવાના એક વૈકલ્પિક રુટને મજબૂત કરશે. આ ટર્મિનલ પર ભૂટાન અને બાંગ્લાદેશના કાર્ગો તથા જોગીઘોપા મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક પર કાર્ગોને બ્રહ્મપુત્ર નદીના કિનારાઓ પર સ્થિત વિવિધ સ્થળો સુધી અવરજવર કરવાની સુવિધા મળશે.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા રુટો સામાન્ય નાગરિકની સુવિધા વધારવા અને પ્રદેશનો વિકાસ કરવા માટે બનાવવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, મજુલી અને નીમાટી વચ્ચે રો-પેક્સ સેવા આ પ્રકારનો એક રુટ છે, જેના પગલે આશરે 425 કિલોમીટરનું અંતર ઘટીને ફક્ત 12 કિલોમીટર થશે. આ માર્ગ પર બે જહાજો કાર્યરત થયા છે, જે એકસાથે આશરે 1600 પેસેન્જર અને મોટી સંખ્યામાં વાહનોનું પરિવહન કરવાની સુવિધા આપશે. તેમણે ગુવાહાટીમાં પણ આ જ પ્રકારની સુવિધાનો શુભારંભ થવાનું જણાવ્યું હતું, જેનાથી ઉત્તર અને દક્ષિણ ગુવાહાટી વચ્ચેનું અંતર 40 કિલોમીટરથી ઘટીને ફક્ત 3 કિલોમીટર થઈ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે શુભારંભ થયેલી ઇ-પોર્ટલ્સ વપરાશકર્તાઓને સચોટ માહિતી આપશે. કાર-ડી પોર્ટલ રાષ્ટ્રીય જળમાર્ગોના તમામ કાર્ગો અને ક્રૂઝ ટ્રાફિક ડેટા પર સંયુક્તપણે રિયલ-ટાઇમ માહિતી મેળવવામાં મદદરૂપ થશે. આ જળમાર્ગોની માળખાગત સુવિધા સાથે સંબંધિત માહિતી પણ પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, જીઆઇએસ આધારિત ઇન્ડિયા મેપ પોર્ટલ અહીં વ્યવસાય માટે આવવા ઇચ્છતાં લોકોને મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આસામ અને પૂર્વોત્તરના રાજ્યોમાં જળમાર્ગ, રેલવે, રાજમાર્ગ જોડાણની સાથે ઇન્ટરનેટ જોડાણ પણ સમાન મહત્વ ધરાવે છે તથા આ માટે સતત કામ ચાલી રહ્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે, સેંકડો કરોડો રૂપિયાના રોકાણ સાથે ગુવાહાટીમાં ઉત્તર પૂર્વનું પ્રથમ ડેટા કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. આ ડેટા કેન્દ્ર 8 રાજ્યો માટે ડેટા સેન્ટર હબ તરીકે કામ કરશે તથા આસામ સહિત પૂર્વોત્તરમાં આઇટી સેવા આધારિત ઉદ્યોગ, બીપીઓ ઇકોસિસ્ટમ અને સ્ટાર્ટઅપ્સને ઇ-ગવર્ન્સ દ્વારા નવી તાકાત અને વેગ મળશે.  

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વોત્તર ભારત સહિત દેશમાં સરકાર સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના વિઝન સાથે કામ કરી રહી છે. તેમણે મજુલી વિસ્તારના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા આસામની સંસ્કૃતિ અને સ્થાનિક જૈવવિવિધતા વિશે પણ વાત કરી હતી. તેમણે કલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના, મજુલીમાં બાયોડાઇવર્સિટી હેરિટેજ સાઇટનો દરજ્જો આપવા, તેજપુર-મજુલી-શિવસાગરમાં હેરિટેજ સર્કિટ, નમામી બ્રહ્મપુત્ર, નમામી બરાક જેવી ઉજવણી શરૂ કરવા જેવા પગલાં વિશે પણ જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તમામ પગલાં આસામની વિશિષ્ટ ઓળખને વધારે સમૃદ્ધ બનાવશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે, આજે જોડાણ સાથે સંબંધિત શરૂ થયેલા પ્રોજેક્ટ પ્રવાસન ક્ષેત્ર માટે નવા વિકલ્પો ઊભા કરશે અને આસામ ક્રૂઝ ટૂરિઝમ માટે મુખ્ય કેન્દ્ર તરીકે બહાર આવી શકશે. તેમણે તેમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, આપણે આસામને, પૂર્વોત્તરના રાજ્યોને આત્મનિર્ભર ભારતનો મજબૂત આધારસ્તંભ બનાવવા ખભેખભો મિલાવીને કામ કરવું પડશે.

 

SD/GP/BT/JD


(Release ID: 1699070) Visitor Counter : 239