પ્રધાનમંત્રીનું કાર્યાલય

NASSCOM ટેકનોલોજી અને નેતૃત્ત્વ મંચમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 FEB 2021 5:17PM by PIB Ahmedabad

નમસ્કાર !

આ વખતે નાસકોમ ટેકનોલોજી અને લીડરશીપ ફોરમ મારી દૃષ્ટિએ ઘણું વિશેષ છે. આ એક એવો સમય છે કે જ્યારે દુનિયા ભારત તરફ અગાઉ કરતાં ઘણી વધુ આશા અને ભરોસા સાથે નજર માંડી રહી છે.

આપણે ત્યાં કહેવામાં આવે છે કે ના દૈન્યમ્, ના પલાયનમ્ ! આનો અર્થ એવો થાય છે કે પડકાર ગમે તેટલો પણ મુશ્કેલ હોય, આપણે પોતાની જાતને કમજોર સમજવી ન જોઈએ કે પછી પડકારના ડરથી પલાયન વૃત્તિ દાખવવી જોઈએ નહીં. કોરોનાના કાળ દરમ્યાન ભારતમાં જ્ઞાન- વિજ્ઞાન ક્ષેત્રે આપણી ટેકનોલોજીએ પોતાને પૂરવાર તો કરી જ છે, પરંતુ પોતાનું નવસર્જન પણ કર્યું છે. એક એવો સમય હતો કે જ્યારે આપણે શીતળાની રસી માટે પણ બીજા દેશો ઉપર આધાર રાખવો પડતો હતો અને આજે એક સમય એવો છે કે જ્યારે દુનિયાના અનેક દેશને આપણે ભારતમાં બનેલી કોરોના રસી આપી રહ્યા છીએ. કોરોના કાળ દરમ્યાન ભારતે જે ઉપાયો આપ્યા, તે આજે સમગ્ર દુનિયા માટે પ્રેરણારૂપ બન્યા છે અને આપ સૌ સાથીઓને સાંભળવાનો મને જે મોકો મળ્યો છે તથા કેટલા સીઈઓએ મને જણાવ્યું છે તે મુજબ ભારતના આઈટી ઉદ્યોગે કમાલ કરી દેખાડી છે. જ્યારે તમારી ટીપ્સ કામ કરતી હોય છે ત્યારે તમારો કોડ વસ્તુઓને ચાલુ રાખે છે. જ્યારે સમગ્ર દેશના ઘર ચાર દિવાલો વચ્ચે અટવાઈ પડ્યા હતા ત્યારે ઉદ્યોગને સરળતાથી ચલાવવામાં આવી રહ્યા હતા. વિતેલા વર્ષના આંકડા ભલે, દુનિયાને આશ્ચર્યચક્તિ કરી રહ્યા હોય. તમારી ક્ષમતાઓને જોતાં ભારતના લોકોને આ બધુ ઘણું સ્વાભાવિક લાગે છે.

સાથીઓ,

એક એવી સ્થિતિ હતી કે જ્યારે દરેક ક્ષેત્રે કોરોનાની અસર થઈ હતી. એવા સમયમાં પણ આશરે બે ટકાનો વૃધ્ધિ દર હાંસલ કરવામાં આવ્યો હતો. જ્યારે નકારાત્મક વૃધ્ધિની શંકા સેવવામાં આવી રહી હતી ત્યારે ભારતના આઈટી ઉદ્યોગે પોતાની આવકમાં 4 અબજ ડોલરનો ઉમેરો કર્યો તે ખરેખર પ્રશંસનિય બાબત છે. અને તમારી સમગ્ર ટીમ આ માટે અભિનંદનને પાત્ર છે. આ ગાળા દરમ્યાન આઈટી ઉદ્યોગે લાખો લોકોને નવી રોજગારી પૂરી પાડીને પોતાની ક્ષમતા સિધ્ધ કરી બતાવી છે કે તેને શા માટે ભારતના વિકાસ માટેનો મજબૂત સ્તંભ ગણવામાં આવે છે. આજે તમામ ડેટા, તમામ સંકેતકો એવું દર્શાવી રહ્યા છે કે આઈટી ઉદ્યોગની વૃધ્ધિની ગતિશીલતા આ રીતે નવી ઉંચાઈઓને સ્પર્શી જવાની છે.

સાથીઓ,

નૂતન ભારતના દરેક ભારતવાસી પ્રગતિ માટે આતુર છે. અમારી સરકાર નૂતન ભારતને, ભારતના યુવાનોની આ ભાવનાને સમજે છે. 130 કરોડ કરતાં વધુ ભારતીયોની આકાંક્ષાઓ આપણને ઝડપભેર આગળ ધપવા માટે પ્રેરણા આપી રહી છે. નૂતન ભારત સાથે જોડાયેલી અપેક્ષાઓ જેટલી સરકાર માટે છે તેટલી તમારા માટે પણ છે, દેશના ખાનગી ક્ષેત્ર પાસે પણ છે.

સાથીઓ,

ભારતના આઈટી ઉદ્યોગે પોતાની કામગીરીનો વ્યાપ વૈશ્વિક ફલક ઉપર વર્ષો પહેલાં વિસ્તાર્યો હતો. આપણાં ભારતીય નિષ્ણાંતો સમગ્ર દુનિયાને સર્વિસ અને ઉપાયો પૂરાં પાડવામાં નેતૃત્વ દાખવી રહ્યા હતા, યોગદાન આપી રહ્યા હતા, પરંતુ કેટલાક કારણોથી ભારતનું જે વિશાળ સ્થાનિક બજાર છે તેનો લાભ આઈટી ઉદ્યોગને મળી શક્યો ન હતો. આ કારણે ભારતમાં ડિજિટલ ડીવાઈડ વધતું  ગયું. એક રીતે આપણે કહી શકીએ કે આપણી સામે દીવા તળે અંધારા જેવી વાત હતી. અમારી સરકારની નીતિઓ અને નિર્ણય એ બાબતનો સાક્ષી છે કે કેવી રીતે વિતેલા વર્ષોમાં અમારી સરકારે આ અભિગમ બદલી નાંખ્યો હતો.

સાથીઓ,

અમારી સરકાર એ બાબત સારી રીતે જાણે છે કે બંધનો વચ્ચે ભવિષ્યનું નેતૃત્વ વિકસિત નહીં થઈ શકે. એટલા માટે સરકારે ટેક ઈન્ડસ્ટ્રીને બિનજરૂરી નિયમનોથી, બંધનોમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નેશનલ ડિજિટલ કોમ્યનિકેશન પોલિસી એ એક આવો જ મોટો પ્રયાસ હતો. ભારતને ગ્લોબલ સોફ્ટવેર પ્રોડક્ટસ હબ બનાવવા માટે નેશનલ પોલિસી પણ બનાવવામાં આવી હતી. સુધારાનો આ સિલસીલો કોરોના કાળ દરમ્યાન પણ ચાલુ રહ્યો હતો. કોરોના કાળમાં જ “અધર સર્વિસ પ્રોવાઈડર” (ઓએસપી) માર્ગરેખાઓ જારી કરવામાં આવી હતી. હજુ હમણાં જ તમારી ચર્ચા દરમ્યાન તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી નવી પરિસ્થિતિઓમાં કામ કરવાનું તમારા માટે આસાન બન્યું છે. તમારા કામમાં ઓછામાં ઓછી ખલેલનો સામનો કરવો પડે છે. જે રીતે મને કેટલાક મિત્રોએ કહ્યું તે મુજબ આજે પણ 90 ટકા કરતાં વધુ લોકો પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા છે. અને આટલું જ નહીં, કેટલાક લોકો તો પોતાના મૂળ ગામમાંથી કામ કરી રહ્યા છે. જુઓ, આ પરિસ્થિતિ ખુદ એક ઘણી મોટી તાકાત બની રહેવાની છે. 12 ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સમાં માહિતી ટેકનોલોજીનો પણ સમાવેશ કરવાનો લાભ મળવાનો શરૂ થયો છે.

સાથીઓ,

હજુ બે દિવસ પહેલાં જ વધુ એક મહત્વનો નીતિ વિષયક સુધારો કરવામાં આવ્યો છે, જેનું આપ સૌએ સ્વાગત કર્યું છે. મેપ અને જીઓ સ્પેટિઅલ ડેટાને નિયંત્રણમાંથી મુક્ત કરીને તેને ઉદ્યોગ માટે ખૂલ્લું મૂકવામાં આવ્યું તે એક મહત્વનુ કદમ છે. આ એક એવું કદમ છે કે જે આ ફોરમનો થીમ પણ છે- ‘શેપીંગ ધ ફ્યુચર ટુવર્ડઝ એ બેટર નોર્મલ’. હું સમજું છું કે એક પ્રકારે કહીએ તો તમારી શિખર પરિષદનું જે કામ છે તે સરકારે કરી દીધું છે. આ એક એવું કદમ છે કે જે આપણી ટેક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને સશક્ત બનાવનારૂં બની રહેશે. આ એક એવું કદમ છે કે જે માત્ર આઈટી ઉદ્યોગને જ નહીં, પરંતુ આત્મનિર્ભર  ભારતના વ્યાપક મિશનને પણ મજબૂત બનાવનારૂં બની રહેશે. મને યાદ છે કે તમારામાંથી અનેક ઉદ્યોગસાહસિકો નકશા અને જીઓ-સ્પેશ્યલ ડેટા સાથે જોડાયેલા નિયંત્રણો અને તુમારશાહી સાથે જોડાયેલી બાબતો અલગ અલગ મંચ ઉપર રજૂ કરો છો. હવે એક વાત એ કહીશ કે આ બધા વિષયોમાંથી સૌથી મોટો જો કોઈ ખતરો જણાતો હોય તો તે સુરક્ષા સંબંધિત હતો. જો આ બાબતો ખૂલ્લી પડી જશે તો સુરક્ષા માટે સંકટ ઉભું થશે તેવી વાત વારંવાર કહેવામાં આવતી હતી, પરંતુ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ હલ કરવા માટે આત્મવિશ્વાસ એ એક મોટી તાકાત બની રહે છે અને આજે ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. સરહદ ઉપર આપણે આ જોઈ રહ્યા છીએ અને આ પ્રકારના નિર્ણયો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે તે માત્ર ટેકનોલોજીના વ્યાપમાં હોતા નથી. આ નિર્ણય માત્ર વહિવટી સુધારો છે અને એટલું જ નહીં, આ નિર્ણયથી સરકાર એક નીતિનિયમથી દૂર રહી છે તેવું પણ નથી. આ નિર્ણય ભારતના  સામર્થ્યનો પરિચય આપે છે. ભારતને વિશ્વાસ છે કે કોઈપણ સમયે આ નિર્ણય કર્યા પછી પણ આપણે દેશને સુરક્ષિત રાખી શકીશું અને દેશના નવયુવાનો દુનિયામાં પોતાનું ધાર્યું કરી શકવાની તક પણ પ્રાપ્ત કરી શકશે. જ્યારે જ્યારે તમારા જેવા સાથીઓ સાથે મારી ચર્ચા થતી હતી ત્યારે એક સમસ્યાનો મને અહેસાસ થતો હતો કે આપણાં યુવા ઉદ્યોગસાહસિકોને, આપણાં સ્ટાર્ટઅપ્સને દુનિયામાં ઉભી થતી નવી તકોનો લાભ ઉઠાવવા માટે પૂરતી સ્વતંત્રતા મળવી જોઈએ એવી વિચારધારા સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારને દેશના નાગરિકો ઉપર, આપણાં સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ ઉપર પૂરો ભરોસો છે. આ ભરોસા સાથે સેલ્ફ સર્ટિફિકેશનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

વિતેલા 6 વર્ષમાં ભારતના આઈટી ઉદ્યોગે જે પ્રોડક્ટસ અને ઉપાયો તૈયાર કર્યા છે તે બધાંને અમે શાસનનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવ્યા છે. ખાસ કરીને ડિજિટલ ઈન્ડીયાએ, ડિજિટલ ટેકનોલોજીએ સામાન્યમાં સામાન્ય ભારતીયને સશક્ત બનાવ્યો છે. સરકાર સાથે જોડ્યો છે. આજે ડેટાનું પણ લોકશાહીકરણ કરવામાં આવ્યું છે અને લાસ્ટ માઈલ સર્વિસ ડિલીવરી પણ અસરકારક બની છે. આજે સેંકડો સરકારી સર્વિસીસની ડીલીવરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. શાસનમાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગને સુવિધા મળવાની સાથે સાથે ભ્રષ્ટાચારમાંથી પણ મોટી રાહત મળી છે. સમગ્ર દુનિયામાં આપણી થીંક ટેન્ક પ્રોડક્ટસ અને યુપીઆઈ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સની ચર્ચા આજે પણ થઈ રહી છે. વિશ્વ બેંક સહિતની સંસ્થાઓ તેના સામર્થ્યની ચર્ચા કરી રહી છે. માત્ર ત્રણથી ચાર વર્ષની અંદર જ રોકડ વ્યવહારો ઉપર અતિશય આધાર રાખતા સમાજ તરફથી આપણે રોકડનો ઓછો ઉપયોગ કરતા સમાજ તરફ આગળ ધપી રહ્યા છીએ તે બાબત આપણી સામે છે. જેટલા ડિજિટલ વ્યવહારો વધતા જાય છે તેમ તેમ કાળા નાણાંનો સ્રોત પણ ઓછો થઈ રહ્યો છે. JAM ટ્રિનિટી અને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફરને કારણે આજે ગરીબના હક્કનો એક- એક પૈસો કોઈપણ પ્રકારના લીકેજ વગર તેમના સુધી પહોંચી રહ્યો છે.

સાથીઓ,

ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા સારા શાસનની સૌથી મુખ્ય શરત હોય છે. આવો જ ફેરફાર હવે દેશની શાસન વ્યવસ્થામાં થઈ રહ્યો છે અને આવા કારણોથી જ દરેક સર્વેક્ષણમાં જનતાનો ભારત સરકાર તરફનો ભરોંસો સતત વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે. હવે સરકારી કામકાજને સરકારી રજીસ્ટરોમાંથી બહાર લાવીને ડેશબોર્ડ પર લાવવામાં આવ્યા છે. પ્રયાસ તો એવો પણ થઈ રહ્યો છે કે સરકાર અને સરકારી વિભાગની દરેક ગતિવિધી દેશનો સામાન્ય નાગરિક પોતાના ફોન ઉપર જોઈ શકે. જે કોઈ પણ કામ થાય તે દેશની સમક્ષ જ થાય.

સાથીઓ,

સરકારી ખરીદી બાબતે અગાઉ કેવા કેવા સવાલો ઉભા થતા હતા તે બાબતે આપણામાંથી કોણ અજાણ છે. આપણે પણ આ બધુ ચર્ચામાં બોલી રહ્યા હતા, સાંભળી રહ્યા હતા, આપણે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા  હતા, પરંતુ આજે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ પારદર્શકતા સાથે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ. એટલે કે GeM   મારફતે ખરીદી કરવામા આવી રહી છે. આજે વધુમાં વધુ સરકારી ટેન્ડર ઓનલાઈન મંગાવવામાં આવી રહ્યા છે. આપણી માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટસ હોય કે પછી ગરીબો માટેના ઘર હોય. દરેક પ્રોજેક્ટનું જીઓ ટેગીંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી તેને સમયસર પૂરો કરી શકાય. અને એ પણ એટલે સુધી કે આજે ગામના ઘરોનું મેપીંગ ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યું છે. કરવેરા સાથે જોડાયેલી બાબતોમાં પણ હ્યુમન ઈન્ટરફેસ ઓછો કરવામાં આવી રહ્યો છે. ફેસલેસ વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે. મારા માટે ટેકનોલોજીના માધ્યમથી સામાન્યમાં સામાન્ય લોકોને ઝડપી, સચોટ અને પારદર્શક વ્યવસ્થા પૂરી પાડવી તેનો અર્થ મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ છે.

સાથીઓ,

આજે વિશ્વમાં ભારતીય ટેકનોલોજીની જે છબી છે, જે ઓળખ છે તે જોતાં  દેશને તમારી પાસે અનેક આશાઓ છે, ઘણી બધી અપેક્ષાઓ છે. તમે એ બાબત સુનિશ્ચિત કરી છે કે આપણી ટેકનોલોજી વધુમાં વધુ મેઈડ ઈન ઈન્ડીયા  હોય. મારો તમને એ આગ્રહ છે કે તમારા ઉપાયોમાં હવે મેક ફોર ઈન્ડીયાની છાપ હોવી જોઈએ. જો આપણે એકથી વધુ ડોમેઈનમાં ભારતીય ટેકનોલોજીના નેતૃત્વને આગળ ધપાવવા માંગતા હોઈએ અને આપણે આ ગતિશીલતા જાળવી રાખવી હોય તો આપણે સ્પર્ધાત્મકતાના નવા માપદંડ બનાવવા પડશે. વૈશ્વિક ટેકનોલોજીમાં નેતૃત્વ હાંસલ કરવા માટે ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની સાથે સાથે ભારતીય આઈટી ઉદ્યોગે ઉત્કૃષ્ટતા અને ઈન્સ્ટીટ્યુશન બિલ્ડીંગની સંસ્કૃતિ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર રહેશે તેવો મારો સ્ટાર્ટઅપના સ્થાપકો માટે એક વિશેષ સંદેશ છે. પોતાની જાતને માત્ર વેલ્યુએશન અને એક્ઝીટની વ્યૂહરચનાઓ સુધી જ સિમીત રાખશો નહીં. એ પ્રકારે વિચાર કરો કે તમે વિશ્વસ્તરની એવી પ્રોડક્ટસનું નિર્માણ કરી શકો કે જે વૈશ્વિક સિમાચિહ્ન તરીકે ઉત્કૃષ્ઠ સ્થાન ધરાવતા હોય. આ બંને ધ્યેય બાબતે કોઈ સમાધાન કરવાની જરૂર નથી, તેની ગેરહાજરીમાં આપણે હંમેશા ગ્લોબલ લીડર નહીં, માત્ર ફોલોઅર્સ (અનુસરનાર) બની રહીશું.

સાથીઓ,

આ વર્ષે આપણે આઝાદીના 75મા વર્ષમા પ્રવેશ કરી રહ્યા છીએ. આ એવો સમય છે કે જ્યારે આપણે નવા લક્ષ્ય નક્કી કરવા માટે અને તેને પ્રાપ્ત કરવા માટે સમગ્ર તાકાત લગાવી દેવાની છે. આજથી 25-26 વર્ષ પછી જ્યારે ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે આપણે કેટલી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટસ આપી શક્યા હોઈશું. આપણે કેટલા ગ્લોબલ લીડરનું નિર્માણ કરી શક્યા હોઈશું. આ  બધું વિચારીને આપણે કામ કરવાનું રહેશે. તમે ધ્યેય નક્કી કરો, દેશ તમારી સાથે છે. ભારતની આટલી મોટી વસતિ તમારી ખૂબ મોટી તાકાત બની રહેવાની છે. વિતેલા મહિનાઓમાં આપણે જોયું છે કે કેવી રીતે ભારતના લોકોમાં ટેકનોલોજીકલ સોલ્યુશન્સ માટે અધિરાઈ વધતી જાય છે. લોકો નવા ટેકનોલોજીકલ ઉપાયોની પ્રતિક્ષા કરી રહ્યા છે. લોકો નવી બાબતો અજમાવી જોવા માંગે છે અને ખાસ કરીને ભારતીય એપ્લિકેશન્સ માટે તેમનામાં એક ઉત્સાહ જોવા મળે છે. દેશ નક્કી કરી ચૂક્યો છે અને તમે પણ પોતાનો નિશ્ચય દ્રઢ કરો.

સાથીઓ,

21મી સદીમાં ભારત સામેના પડકારોના ઉકેલ માટે સક્રિય ટેકનોલોજીકલ સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે આઈટી ઈન્ડસ્ટ્રી, ટેક ઈન્ડસ્ટ્રી, ઈનોવેટર્સ, સંશોધકો અને યુવા માનસ ઉપર ખૂબ મોટી જવાબદારી છે. હવે આપણી ખેતીમાં જે રીતે પાણી અને ફર્ટિલાઈઝરનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કરવા અંગે ઘણી મોટી સમસ્યા ઉભી થઈ છે. શું ઉદ્યોગે એવી સ્માર્ટ ટેકનોલોજી માટે કામ નહીં કરવું જોઈએ કે જેથી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દરેક પાક માટે પાણી અને ફર્ટિલાઈઝરની જરૂરિયાત અંગે ખેડૂતને તે જાણ કરી શકે? માત્ર ટેકનોલોજી બનાવવાથી કામ નહીં ચાલે, તેને ભારતમાં વ્યાપક સ્તરે અપનાવી શકાય તેવા ઉપાયો પણ આપણે શોધવાના છે. આ રીતે હેલ્થ અને વેલનેસના ડેટાની તાકાતનો ગરીબમાં ગરીબ વ્યક્તિને લાભ કેવી રીતે મળે તેના માટે પણ આજે ભારત તમારી તરફ નજર માંડી રહ્યું છે. ટેલિમેડીસીનને અસરકારક બનાવવા માટે દેશ તમારી પાસે અત્યંત બહેતર ઉપાયોની અપેક્ષા રાખી  રહ્યો છે.

સાથીઓ,

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ બાબતે પણ ટેક ઈન્ડસ્ટ્રીએ દેશને એવા ઉપાયો આપવાના રહે છે કે જે દેશની વધુને વધુ વસતિ માટે સુલભ બને. આજે દેશમાં અટલ ટીન્કરીંગ લેબથી માંડીને અટલ ઈન્ક્યુબેશન સેન્ટર સુધી ટેકનોલોજી બાબતે શાળા અને કોલેજોમાં જ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં શિક્ષણની સાથે સાથે કૌશલ્ય ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રયાસ ઉદ્યોગના સહયોગ વગર સફળ થઈ શકે તેમ નથી. એક બાબત હું એ પણ કહેવા માંગુ છું કે તમારે પોતાની સીએસઆર પ્રવૃત્તિઓના પરિણામો ઉપર પણ ધ્યાન આપવાનું રહેશે. જો તમારી સીએસઆર પ્રવૃત્તિઓનું ધ્યાન દેશના પછાત વિસ્તારોના બાળકો પર કેન્દ્રિત થશે તો તમે તેમને વધુને વધુ પ્રમાણમાં ડિજિટલ શિક્ષણ સાથે જોડી શકશો, તેમનામાં વિશ્લેષણાત્મક વિચારધારા, વિચારના નવા ફણગા વિકસીત કરી શકશો તો તે પરિસ્થિતિ બદલનારૂં ખૂબ મોટું પરિબળ બની રહેશે. સરકાર પોતોના તરફથી પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમાં તમારો સાથ મળશે તો વાત ક્યાંથી ક્યાં સુધી જઈ શકે છે. ભારતમાં વિચારોની કોઈ અછત નથી, પરંતુ તેના માટે વિચારનું વાસ્તવિકતામાં રૂપાંતર કરી શકે તેવા માર્ગદર્શકની જરૂર છે.

સાથીઓ,

હાલમાં ભારતના બીજા અને ત્રીજા વર્ગના શહેરો આત્મનિર્ભર ભારતના મોટા કેન્દ્રો બની રહ્યા છે. આજે નાના શહેરો માહિતી ટેકનોલોજી (આઈટી), આધારિત ટેકનોલોજીની માંગ અને વૃધ્ધિ માટે મોટા કેન્દ્રો બની રહ્યા છે. દેશના નાના શહેરોના આ યુવાનો અદ્દભૂત ઈનોવેટર્સ તરીકે સામે આવી રહ્યા છે. સરકારનું ધ્યાન પણ આ નાના શહેરોમાં માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવા તરફ છે કે જેથી ત્યાં રહેનારા દેશવાસીઓની સાથે સાથે તમારા જેવા ઉદ્યોગસાહસિકોને કોઈ અગવડ ઉભી થાય નહીં. તમે જેટલા વધુ પ્રમાણમાં આવા નાના શહેરો અને કસબાઓ તરફ જશો તેટલો તેમનો વધુ વિકાસ થશે.

સાથીઓ,

મને વિશ્વાસ છે કે આગામી ત્રણ દિવસમાં તમે વર્તમાન અને ભવિષ્યના આ પ્રકારના ઉપાયો અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરશો. સરકાર હંમેશાની જેમ જ તમે સૂચવેલા ઉપાયો ઉપર ગંભીરતાથી વિચારણા કરશે. હું તમને ચોક્કસપણે એક વાત કહેવા માંગુ છું કે ગઈ વખતે 15 ઓગસ્ટે જ્યારે હું લાલકિલ્લા પરથી વાત કરી રહ્યો હતો ત્યારે તમે સાંભળ્યું હશે કે મેં દેશની સામે એક લક્ષ્ય મૂક્યું હતું કે એક હજાર દિવસમાં ભારતના 6 લાખ ગામમાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કનું કામ પૂરૂ કરવાનું છે. હવે ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક તો એક માળખું (skeleton) બની રહેશે, અને હું પાછળ પડ્યો છું તો આપણે કદાચ આ કામ પૂરૂ પણ કરી શકીશું. રાજ્યો પણ આપણી સાથે જોડાઈ જશે, પરંતુ તે પછીનું જે કામ છે તે તમારા દિમાગ સાથે જોડાયેલું છે. ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કની માળખાગત સુવિધાનો ભારતનો ગરીબમાં ગરીબ માણસ કેવી રીતે ઉપયોગ કરી શકશે, ઉપયોગ કરનાર માટે સુલભ (યુઝર ફ્રેન્ડલી), નવી નવી પ્રોડક્ટસ કેવી રીતે બનશે, ગામનો માણસ પણ સરકાર સાથે, બજાર સાથે, શિક્ષણ સાથે, આરોગ્ય સાથે કેવી રીતે જોડાશે. આ માળખું તેની જીંદગી બદલવા માટેનો ખૂબ મોટો માર્ગ કેવી રીતે બની શકે તેમ છે તે કામ અત્યારથી તમારા નાના નાના સ્ટાર્ટઅપ એવી પ્રોડક્ટસ લઈને આવે કે જેના કારણે ગામડાંઓમાં પહોંચેલું ઓપ્ટીકલ ફાઈબર અને ગામડાંઓની 10 જરૂરિયાતો પૂરી થઈ શકે. ગામડાંઓમાં ઓપ્ટીકલ ફાઈબર પહોંચશે અને ગામડાંઓના બાળકોના જીવનમાં પરિવર્તન લાવવા માટેની સજ્જતા ઉભી થશે.

તમે જુઓ, કેટલી મોટી તક છે, અને એટલા માટે જ હું તમને આમંત્રણ આપું છું. સરકાર આ કામ કરી રહી છે. નક્કી કરો કે તમારે લાંબા સમય સુધી નેતૃત્વ લેવાનું છે. દરેક ક્ષેત્રમાં નેતૃત્વ લેવાનું છે. પૂરા સામર્થ્ય સાથે લેવાનું છે અને આ નેતૃત્વ અંગેનું ચિંતનમનન કરવાથી જે અમૃત નીકળશે તે સમગ્ર દેશ માટે કામમાં આવશે.

આવી અપેક્ષા સાથે ફરી એક વખત આપ સૌને શુભેચ્છા પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!!

 



(Release ID: 1698888) Visitor Counter : 294