પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદીએ કોચી, કેરાલામાં વિવિધ યોજનાઓની શિલાન્યાસ વિધિ અને ઉદ્દઘાટન કર્યા


આજે જે કામોનો પ્રારંભ થયો તેમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવાયા છે, તેના કારણે ભારતની વૃધ્ધિની ગતિને ઉર્જા પ્રાપ્ત થશેઃ પ્રધાનમંત્રી

ભારત સરકાર કેરાલામાં પ્રવાસન સંબંધી માળખાગત સુવિધાઓ સુધારવા ઘણાં પ્રયાસો હાથ ધરી રહી છેઃ પ્રધાનમંત્રી

અખાતી દેશોમાં જે ભારતીયો કામ કરે છે તેમને સરકારનો સંપૂર્ણ સહયોગ છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ અખાતી દેશોમાં વસતા ભારતીય સમુદાયોની વિશેષ કાળજી લેવાના તેમના અનુરોધનો પ્રતિભાવ આપવા બદલ અખાતી દેશોનો આભાર માન્યો

Posted On: 14 FEB 2021 6:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાલામાં કોચી ખાતે વિવિધ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન વિધિ કરી હતી. આ પ્રસંગે કેરાલાના ગવર્નર, કેરાલાના મુખ્યમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને શ્રી મુરલીધરન હાજર રહ્યા હતા.

આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે જે કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમાં વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. તેનાથી ભારતની વૃધ્ધિની ગતિને ઉર્જા મળશે. તેમણે જણાવ્યું હતું કે આજે જે પ્રોપાયલીન ડેરીવેટીવ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ (પીડીપીપી)નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે તેના કારણે ભારતની આત્મનિર્ભરતાની મજલ મજબૂત થશે, કારણ કે તેનાથી વિદેશી હુંડિયામણની બચત થશે. વિવિધ પ્રકારના ઉદ્યોગોને લાભ થશે તથા રોજગારીની તકો ઉભી થશે. સમાન પ્રકારે રો-રો વેસલ્સને કારણે અંદાજે રોડ માર્ગે 30 કી.મી.નું અંતર જળમાર્ગ દ્વારા 3.5 કી.મી.નું થઈ જશે. તેનાથી ટ્રાફિકની ગીચતા ઘટશે અને વાણિજ્ય તથા ક્ષમતા નિર્માણમાં સુગમતા પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સરકાર કેરાલામાં પ્રવાસન સંબંધિ માળખાગત સુવિધાઓ સુધારવા માટે ઘણાં પ્રયાસો કરી રહી છે. કોચીમાં ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ સાગરિકાનો પ્રારંભ એ આનું એક ઉદાહરણ છે. સાગરિકા ક્રૂઝ ટર્મિનલ એક લાખ કરતાં વધુ ક્રૂઝના મહેમાનોને સેવા પૂરી પાડશે. પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં નિયંત્રણોથી સ્થાનિક પ્રવાસન પ્રવૃત્તિમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને આજીવિકાની મોટી તકો પ્રાપ્ત થશે અને આપણી સંસ્કૃતિ તથા આપણાં યુવાનો વચ્ચેનું જોડાણ ગાઢ બનશે. તેમણે વિવિધ સ્ટાર્ટ-અપને પ્રવાસન સંબંધિ નવતર પ્રોડક્ટસ વિકસાવવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ એ બાબતની નોંધ લીધી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં પ્રવાસન સંબંધિત ક્ષેત્રનો સારો વિકાસ થયો છે. વર્લ્ડ ટુરિઝમ ઈન્ડેક્સ રેન્કીંગમાં ભારત 65મા સ્થાનેથી આગળ ધપીને 34મા સ્થાને આવ્યું છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય વિકાસ માટે ક્ષમતા નિર્માણ અને ભવિષ્યલક્ષી માળખાગત સુવિધાઓ એ બે મહત્વના પરિબળો છે. આજના વિજ્ઞાન સાગર ના વિકાસ કામો અને સાઉથ કોલ બર્થના પુનઃનિર્માણથી આ બંને પરિબળોને યોગદાન પ્રાપ્ત થશે. કોચીન શીપયાર્ડનું નવું નૉલેજ કેમ્પસ વિજ્ઞાન સાગર ખાસ કરીને જે લોકો મરીન એન્જીનિયરીંગનો અભ્યાસ કરવા માંગે છે તેમને સહાય થશે. સાઉથ કોલ બર્થને કારણે લોજીસ્ટીક્સ ખર્ચમાં ઘટાડો થશે અને કાર્ગો ક્ષમતાઓ સુધરશે. પ્રધાનમંત્રીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓની વ્યાખ્યા અને વ્યાપમાં પરિવર્તન આવ્યું છે. તે સારા રસ્તા, વિકાસના કામો અને કેટલાક શહેરી કેન્દ્રો વચ્ચે કનેક્ટીવિટી કરતાં પણ વિશેષ છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનમાં રૂ.110 લાખ કરોડનો ખર્ચ કરીને માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.

બ્લૂ ઈકોનોમીના વિકાસ અંગે દેશની યોજનાની રૂપરેખા આપતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં અમારા વિઝન અને કામગીરીમાં વધુ બંદરો, હાલના બંદરોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો, ઓફશોર એનર્જી, સાગરકાંઠાઓનો પર્યાવરણલક્ષી વિકાસ અને પોસ્ટલ કનેક્ટીવિટીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે વાત કરતાં, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે આ યોજના માછીમાર સમુદાયોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરે છે. તેમાં વધુ ધિરાણ માટેની જોગવાઈઓ છે. માછીમારોને કિસાન કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. સમાન પ્રકારે ભારતને સી-ફૂડના નિકાસનું હબ બનાવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ વર્ષના બજેટમાં ઘણાં નોંધપાત્ર સ્રોતો અને યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે કેરાલાને લાભ થશે. એમાં કોચી મેટ્રોના હવે પછીના તબક્કાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોનાના પડકારને ભારતે જે મિજાજથી પ્રતિભાવ આપ્યો તેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ વિવિધ દેશોમાં અને ખાસ કરીને અખાતી દેશોમાં વસતા ભારતીય સમુદાયને સહાય માટે કરેલા પ્રયાસો જણાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારત અખાતી દેશોમાં વસતા ભારતીય સમુદાય માટે ગૌરવ અનુભવે છે. વંદે ભારત મિશનના ભાગ તરીકે 50 લાખ કરતાં વધુ ભારતીયો સ્વદેશ આવી શક્યા છે. તેમાંના ઘણાં બધા કેરાલાના હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિવિધ અખાતી દેશોની જેલમાં રહેલા ભારતીયોને મુક્ત કરવા માટે જે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો તે બદલ અખાતી દેશોનો આભાર માન્યો હતો. અખાતી દેશોએ મારા વ્યક્તિગત અનુરોધનો પ્રતિભાવ આપીને આપણાં સમુદાયની વિશેષ કાળજી લીધી છે. તેમણે આ વિસ્તારોના ભારતીયો પરત ફરી શકે તે માટે તેને અગ્રતા આપી છે. આ પ્રક્રિયાને સુગમ બનાવવા માટે આપણે એર બબલ્સની સુવિધા પૂરી પાડી હતી. અખાતી દેશોમાં કામ કરતા ભારતીયોએ જાણવું જોઈએ કે તેમને મારી સરકારનો સંપૂર્ણ સહયોગ છે અને તેમના કલ્યાણની ખાત્રી રાખવામાં આવશે તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

 

SD/GP



(Release ID: 1697986) Visitor Counter : 243