આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, આસામને રૂ. 100 કરોડની અનુદાન સહાયની મંજૂરી આપી

Posted On: 10 FEB 2021 3:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિની બેઠક યોજાઈ હતી. એમાં આસામના નામરુપમાં બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન લિમિટેડ (બીવીએફસીએલ)ને એના યુરિયા ઉત્પાદન એકમોની કામગીરી જાળવી રાખવા માટે રૂ. 100 કરોડની અનુદાન સહાય આપવાની ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

નામરુપમાં સ્થિત બીવીએફસીએલ કંપની કાયદા મુજબ રચાયેલી જાહેર ક્ષેત્રનું સાહસ છે, જેનું વહીવટી નિયંત્રણ ભારત સરકારના ખાતર વિભાગ (ડીઓએફ)ના હાથમાં છે. અત્યારે કંપની આસામના નામરુપમાં બીવીએફસીએલના સંકુલોમાં નામરુપ-2 અને નામરુપ-3 એમ બે વિન્ટેજ પ્લાન્ટનું સંચાલન કરે છે. ભારતમાં પ્રથમ ગેસ આધારિત યુરિયા ઉત્પાદન એકમ તથા માળખાગત સુવિધા અને પુરવઠાની ઉપલબ્ધતા ધરાવવા છતાં આ પ્લાન્ટની જૂની અને બિનઉપયોગી ટેકનોલોજીને કારણે વાજબી ખર્ચે એના હાલના એકમોમાંથી વાજબી ધોરણે ઉત્પાદન જાળવવું મુશ્કેલ બની ગયું છે. પ્લાન્ટની સલામતી, ટકાઉક્ષમતા અને વાજબી કામગીરી સુનિશ્ચિત કરવા ચોક્કસ ઉપકરણ અને મશીનરીઓને બદલવાની/એને સંપૂર્ણપણે સુધારવાની જરૂર છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સાધનસામગ્રી અને અન્ય ઉત્પ્રેરક ચીજવસ્તુઓની ખરીદી સાથે પ્લાન્ટની સરળ કામગીરી માટે લઘુતમ કાર્યલક્ષી સમારકામ માટે અંદાજે રૂ. 100 કરોડનો ખર્ચ કરવો પડશે. એટલે ભારત સરકારે બીવીએફસીએલએ રૂ. 100 કરોડની અનુદાન સહાય કરવાની મંજૂરી આપી છે.

બીવીએફસીએલ ભારતના ઉત્તર-પૂર્વમાં સ્થિત છે, જે આ વિસ્તારની આર્થિક વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીવીએફસીએલને રૂ. 100 કરોડની અનુદાન સહાયથી દર વર્ષે યુરિયાની 3.90 લાખ એમટી ઉત્પાદન ક્ષમતા પુનઃસ્થાપિત થશે તથા સંપૂર્ણ ઉત્તર પૂર્વ વિસ્તાર, ખાસ કરીને આસામમાં ચા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને યુરિયાની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. વળી આ પ્લાન્ટમાં આશરે 580 કર્મચારીઓની રોજગારી કાયમી ધોરણે જળવાઈ રહેશે અને અન્ય 1500 વ્યક્તિઓની કામચલાઉ ધોરણે રોજગારી જળવાશે. ઉપરાંત આ પ્લાન્ટથી પરોક્ષ રીતે 28000 લોકોને ફાયદો થશે. એનાથી ભારત સરકારનું આત્મનિર્ભર ભારત અભિયાન પણ મજબૂત થશે.

 

SD/GP/JD



(Release ID: 1696805) Visitor Counter : 239