માહિતી અને પ્રસારણ મંત્રાલય

શ્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મ સ્ક્રીનિંગ માટે SOP જાહેર કરી, સિનેમા હોલને 100 ટકા બેઠક ક્ષમતા સાથે ચાલુ કરવાની મંજૂરી આપી

Posted On: 31 JAN 2021 12:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં રાખવા નિવારણાત્મક પગલાં લેવા માટે આજે સિનેમા હોલ અને થિયેટરો માટે પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા (SOP) જાહેર કરી હતી. આ અંગેનો નિર્ણય જાહેર કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, હવે સિનેમા હોલ સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલી શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે, સેનિટાઇઝેશન અને કોવિડ સંબંધિત આચારસંહિતાનું પાલન કરવું પડશે તેમજ લોકો થિયેટરની અંદર સ્થિત સ્ટોલમાંથી ફૂડની ખરીદી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, કોવિડને કારણે મૂકવામાં આવેલા નિયંત્રણો સંપૂર્ણપણે દૂર થવાની અણી પર છે.

 

 

ભારત સરકારનાં ગૃહ મંત્રાલયે 27 જાન્યુઆરી, 2021ના રોજ એના આદેશ નંબર 40-3/2020-DM-I(A)માં સિનેમા હોલ અને થિયેટરો ખોલવાની મંજૂરી આપ્યા પછી આ SOP જાહેર થઈ છે.

SOP શરૂઆતમાં જણાવે છે કે, નિયંત્રણ લાગુ હોય એવા ઝોનમાં ફિલ્મનું પ્રદર્શન કરવાની મંજૂરી નહીં આપવામાં આવે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમના પ્રદેશોની વાસ્તવિક સ્થિતિસંજોગોનું મૂલ્યાંકન કરીને વધારાના પગલાં લેવા વિચાર કરી શકે છે. SOP જણાવે છે કે, સિનેમા હોલની અંદર 100 ટકા બેઠકક્ષમતાનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે.

SOPમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સંકુલોની અંદર કોવિડ સાથે સંબંધિત સલામતીના તમામ પગલાંનું પાલન કરવું પડશે. સાધારણ માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શ્વાસોશ્વાસ લેવાની પ્રક્રિયા સાથે સંબંધિત તમામ નીતિનિયમોનું પાલન કરવું પડશે, જેમાં ફેસ માસ્કનો ઉપયોગ કરવો, ઓડિટોરિયમની બહાર, કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં હંમેશા ઓછામાં ઓછા 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે તેમજ કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં થૂંકી શકશે નહીં. વળી આરોગ્યસેતુ એપના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે.

ભીડ ટળે એ રીતે તબક્કાવાર રીતે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ પર મુલાકાતીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવું પડશે. મલ્ટિપ્લેક્સમાં વિવિધ સ્ક્રીન પર તેમજ સિંગલ સ્ક્રીન ધરાવતા થિયેટરમાં સ્ક્રીનિંગ્સ વચ્ચે પર્યાપ્ત સમયગાળો રાખવો પડશે, જેથી દર્શકો તબક્કાવાર રીતે પ્રવેશ કરી શકે અને બહાર નીકળી શકે, જેના પરિણામો કોવિડ આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત થશે. ભીડ ટાળવા માટે મલ્ટિપ્લેક્સ સ્ક્રીનો માટે એકસાથે એકથી વધારે શૉના ટાઇમ ટાળવા પડશે.

SOP ટિકિટો, ફૂડ અને બેવરેજીસ વગેરે માટે પેમેન્ટ કરવા કોન્ટેક્ટલેસ ડિજિટલ નાણાકીય વ્યવહારોના વપરાશને પ્રોત્સાહન આપવાનું સૂચન પણ કરે છે. પર્યાપ્ત સંખ્યામાં બોક્ષ ઓફિસ કાઉન્ટરો પર્યાપ્ત સંખ્યામાં ખોલવા પડશે અને બોક્ષ ઓફિસ પર ટિકિટોનું વેચાણ આખો દિવસ કરવું પડશે તેમજ એડવાન્સ બુકિંગની સુવિધા આપવી પડશે, જેથી સેલ કાઉન્ટર્સ પર ભીડ ન થાય.

સંપૂર્ણ સંકુલનું સેનિટાઇઝેશન કરવા પર ભાર મૂકીને SOPમાં સંપૂર્ણ સંકુલ, સામાન્ય સુવિધાઓ તેમજ માનવીય સંપર્કમાં આવતા એટલે કે હેન્ડલ્સ, રેલિંગ્સ વગેરે તમામ પોઇન્ટનું અવારનવાર સેનિટાઇઝેશન સુનિશ્ચિત કરવું પડશે અને દરેક સ્ક્રીનિંગ પછી ઓડિટોરિયમનું સેનિટાઇઝેશન કરવું પડશે.

SOPમાં કોવિડ સામે જાહેર જાગૃતિ લાવવા માટે ચોક્ક્સ પગલાં જણાવવામાં આવ્યાં છે, જેમાં જાહેરાતો, સ્ટેન્ડીઝ, પોસ્ટર્સ વગેરે રીતે સંપૂર્ણ સંકુલમાં શું કરવું અને શું ન કરવું એ વિશે જાણકારી આપવાની સલાહ આપવામાં આવી છે.

વિગતવાર SOP નીચેની લિન્ક પર ક્લિક કરીને વાંચી શકાશેઃ

https://mib.gov.in/sites/default/files/FINAL%20SOP%20for%20Exhibition%20of%20Films%20%281%29.pdf

***

 

 



(Release ID: 1693706) Visitor Counter : 247