પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અબુ ધાબીના રાજવી પ્રિન્સ અને UAEના સશસ્ત્ર દળોના નાયબ સર્વોચ્ચ કમાન્ડર મહામહિમ શેખ મહંમદ બિન ઝાયેદ અલ ન્હાયન સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 28 JAN 2021 8:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક માધ્યમથી અબુ ધાબીના રાજવી પ્રિન્સ અને UAEના સશસ્ત્ર દળોના નાયબ સર્વોચ્ચ કમાન્ડર મહામહિમ શેખ મહંમદ બિન ઝાયેદ અલ ન્હાયન સાથે વાર્તાલાપ કર્યો હતો.

બંને નેતાઓએ પોતાના પ્રદેશમાં કોવિડ મહામારીના કારણે જોવા મળેલા પ્રભાવો અંગે ચર્ચા કરી હતી અને ભારત તેમજ UAE વચ્ચે આરોગ્ય કટોકટીના સમયમાં પણ પારસ્પરિક સહકાર ક્યાંય અટક્યો નહીં તે બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેઓ કોવિડ પછીની દુનિયામાં ભારત અને UAE વચ્ચે નીકટતાથી વિચારવિમર્શ અને પારસ્પરિક સહકાર ચાલુ રાખવા માટે સંમત થયા હતા. આ સંદર્ભમાં તેમણે વૈવિધ્યપૂર્ણ વ્યાપાર અને રોકાણની લિંક્સ અંગેની તકો વિશે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ UAEમાં વસતા ભારતીય સમુદાયની સુખાકારી માટે હંમેશા મહામહિમે અંગતરૂપે આપેલા ધ્યાન અને સંભાળ બદલ વિશેષ પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ સાથે મળીને વિશ્વાસ વ્યક્ત કર્યો હોતો કે કોવિડ કટોકટીમાંથી ટૂંક સમયમાં બહાર આવી શકાશે અને નજીકના ભવિષ્યમાં તેઓ રૂબરૂ મળી શકશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો.

SD/GP(Release ID: 1693099) Visitor Counter : 100