રાષ્ટ્રપતિ સચિવાલય
72મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ
Posted On:
25 JAN 2021 7:41PM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર.
વિશ્વના સૌથી મોટા અને જીવંત લોકતંત્રના આપ સૌ નાગરિકોને દેશના 72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હાર્દિક અભિનંદન. વિવિધતાઓથી સમૃદ્ધ આપણા દેશમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે, પરંતુ આપણા રાષ્ટ્રીય તહેવારોને સૌ દેશવાસીઓ, રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ઊજવે છે. પ્રજાસત્તાક દિવસનું રાષ્ટ્રીય પર્વ પણ, આપણે સંપૂર્ણ ઉત્સાહપૂર્વક ઊજવીને, આપણા રાષ્ટ્ર ધ્વજ અને બંધારણ પ્રત્યે સન્માન અને શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ.
આજનો દિવસ, દેશ-વિદેશમાં રહેતા સૌ ભારતીયો માટે અત્યંત મહત્ત્વનો છે. આજના જ દિવસે 71 વર્ષ પહેલાં, આપણે ભારતના લોકોએ, આપણા અદ્વિતીય બંધારણને અંગીકૃત, અધિનિયમિત અને આત્માર્પિત કર્યું હતું. તેથી આજે આપણા સૌના માટે, બંધારણના આધારભૂત જીવનમૂલ્યો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો અવસર છે. બંધારણની ઉદ્દેશિકામાં રેખાંકિત ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાના જીવનમૂલ્યો આપણા સૌના માટે પુનિત આદર્શ છે. એવી આશા રાખવામાં આવે છે કે માત્ર શાસનની જવાબદારી સંભાળતા લોકો જ નહિ, પરંતુ આપણે સૌ સામાન્ય નાગરિકો પણ આ આદર્શોનું, દૃઢતા અને નિષ્ઠાપૂર્વક પાલન કરીએ.
લોકતંત્રને આધાર આપતી આ ચારેય અવધારણાઓને, બંધારણના આરંભમાં જ પ્રમુખ રૂપે મૂકવાનો નિર્ણય, આપણા બંધારણના પ્રબુદ્ધ ઘડવૈયાઓએ બહુ જ સમજી-વિચારીને લીધો હતો. આ જ આદર્શોએ, આપણા સ્વતંત્રતા સંગ્રામને પણ દિશા આપી હતી. બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક મહાન જનનાયકો અને વિચારકોએ, આપણા સ્વતંત્રતા સંગ્રામને પ્રેરિત કર્યો હતો. માતૃભૂમિના સ્વર્ણિમ ભવિષ્યની તેમની પરિકલ્પનાઓ અલગ-અલગ હતી. પરંતુ ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતાના મૂલ્યોએ તેમના સપનાંને એકસૂત્રમાં પરોવવાનું કામ કર્યું.
હું વિચારું છું કે આપણે સૌએ, ભૂતકાળમાં વધુ પાછા જઈને એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ કે આ જ મૂલ્યો આપણા
રાષ્ટ્ર-નિર્માતાઓ માટે આદર્શ કેમ બન્યા?
આનો જવાબ સ્પષ્ટ છે, કે અનાદિ કાળથી આ ધરતી અને અહીંની સભ્યતા, આ જીવન-મૂલ્યોને ઉજાગર કરતી આવી છે. ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતા - આપણા જીવન-દર્શનના શાશ્વત સિદ્ધાંતો છે. આનો અવિરત પ્રવાહ આપણી સભ્યતાના આરંભકાળથી જ, આપણા સૌના જીવનને સમૃદ્ધ કરતો આવ્યો છે. દરેક નવી પેઢીનું એ દાયિત્વ છે, કે સમયને અનુરૂપ, આ મૂલ્યોની સાર્થકતા સ્થાપિત કરે. આપણા સ્વતંત્રતા સેનાનીઓએ આ દાયિત્વ, પોતાના સમયમાં ખૂબ સરસ રીતે નિભાવ્યું હતું. એ જ રીતે, આજના સંદર્ભમાં આપણે પણ એ મૂલ્યોને સાર્થક અને ઉપયોગી બનાવવાનું છે. આ જ સિદ્ધાંતોથી આલોકિત પથ પર, આપણી વિકાસ યાત્રાએ નિરંતર આગળ વધતાં રહેવું જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ,
આટલી મોટી વસ્તી ધરાવતા આપણા દેશને, અનાજ અને ડેરી ઉત્પાદનોમાં આત્મનિર્ભર બનાવનાર આપણા ખેડૂત ભાઈ-બહેનોને, સૌ દેશવાસીઓ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. વિપરિત પ્રાકૃતિક પરિસ્થિતિઓ, અનેક પડકારો અને કોવિડની આપત્તિ છતાં પણ, આપણા ખેડૂત ભાઈ-બહેનોએ કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી આવવા ન દીધી. આ કૃતજ્ઞ દેશ આપણા અન્નદાતા કિસાનોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
જે રીતે આપણા પરિશ્રમી ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા છે, એ જ રીતે આપણી સેનાઓના બહાદુર જવાનો, અત્યંત કઠોર પરિસ્થિતિઓમાં દેશની સરહદોની સુરક્ષા કરતા રહે છે.
લદ્દાખ સ્થિત સિયાચિન અને ગલવાન ઘાટીમાં, માઇનસ 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં, બધું જ થિજાવી દે તેવી ઠંડીથી લઈને, જેસલમેરમાં 50 ડિગ્રીથી પણ વધુ તાપમાનમાં, આગઝરતી ગરમીમાં - ધરતી, આકાશ અને વિશાળ તટીય ક્ષેત્રોમાં – આપણા સૈનિકો ભારતની સુરક્ષાનું દાયિત્વ હર પળ નિભાવે છે. આપણા સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર, સૌ દેશવાસીઓને ગર્વ છે.
ખાદ્ય સુરક્ષા, સૈન્ય સુરક્ષા, આપત્તિઓ અને બીમારીઓથી, સુરક્ષા તેમ જ વિકાસના વિવિધ ક્ષેત્રોમાં આપણા વૈજ્ઞાનિકોએ પોતાના યોગદાનથી રાષ્ટ્રીય પ્રયાસોને શક્તિ પ્રદાન કરી છે. અંતરિક્ષથી લઈને ખેતરો સુધી, શિક્ષણ સંસ્થાઓથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણા જીવન અને કામકાજને બહેતર બનાવ્યા છે.
દિવસ-રાત પરિશ્રમ કરીને, કોરોના વાયરસને ડી-કોડ કરીને, અને બહુ ઓછા સમયમાં જ વેક્સિન તૈયાર કરીને, આપણા વૈજ્ઞાનિકોએ સમગ્ર માનવતાના કલ્યાણ માટે એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશમાં આ મહામારી પર કાબૂ મેળવવામાં, તથા વિકસિત દેશોની સરખામણીએ મૃત્યુ દરને સીમિત રાખી શકવામાં પણ, આપણા વૈજ્ઞાનિકોએ ડોક્ટરો, વહીવટી તંત્ર અને અન્ય લોકોની સાથે મળીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ રીતે, આપણા બધા ખેડૂતો, જવાનો અને વૈજ્ઞાનિકો વિશેષ અભિનંદનને પાત્ર છે. કૃતજ્ઞ રાષ્ટ્ર પ્રજાસત્તાક દિવસના શુભ અવસર પર આ સર્વેને અભિનંદન પાઠવે છે.
પ્રિય દેશવાસીઓ,
ગયા વર્ષે જ્યારે સમગ્ર માનવતા એક વિકરાળ આપત્તિનો સામનો કરતાં લગભગ થંભી ગઈ હતી, તે દરમ્યાન હું ભારતીય બંધારણના મૂળ તત્ત્વો પર મનન કરતો રહ્યો.
મારું માનવું છે કે બંધુતાના આપણા બંધારણીય આદર્શના બળ પર જ, આ સંકટનો અસરકારક રીતે સામનો કરવો શક્ય બન્યો છે. કોરોના વાયરસ રૂપી શત્રુની સન્મુખ દેશવાસીઓએ પરિવારની જેમ એકજુટ થઈને, અનુકરણીય ત્યાગ, સેવા અને બલિદાનનો પરિચય આપતાં, એકબીજાની રક્ષા કરી છે. હું અહીં એ ડોક્ટરો, નર્સો, આરોગ્યકર્મીઓ, આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા પ્રશાસકો અને સફાઈકર્મીઓનો ઉલ્લેખ કરવા માગું છું, જેમણે પોતાનો જીવ જોખમમાં નાખીને પીડિતોની સારસંભાળ કરી છે. અનેકોએ તો પોતાના પ્રાણ પણ ગુમાવ્યા. તેમની સાથોસાથ આ મહામારીએ દેશના લગભગ દોઢ લાખ નાગરિકોને પોતાની ઝપેટમાં લઈ લીધા. તે સૌના શોક સંતપ્ત પરિવારો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું. કોરોનાના મોરચે અગ્ર હરોળના યોદ્ધાઓ રૂપે, આપણા સાધારણ નાગરિકોએ અસાધારણ યોગદાન આપ્યું છે. આવનારી પેઢીઓના લોકો જ્યારે આ દોરનો ઈતિહાસ જાણશે, તો આ આકસ્મિક સંકટનો જે સાહસપૂર્વક આપ સૌએ સામનો કર્યો છે, તે પ્રત્યે તેઓ શ્રદ્ધાથી નતમસ્તક થઈ જશે.
ભારતની વિશાળ વસ્તી, સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા તથા પ્રાકૃતિક અને ભૌગોલિક પડકારોને કારણે, કોવિડથી બચવાના ઉપાય કરવા એ આપણા સૌ માટે ઘણું વધારે પડકારજનક કામ હતું. પડકારો હોવા છતાં, આ વાયરસના પ્રકોપ પર કાબૂ મેળવવામાં આપણે ઘણી હદે સફળ રહ્યા છીએ.
આ ગંભીર આપત્તિ હોવા છતાં, આપણે અનેક ક્ષેત્રોમાં આપણી ગતિવિધિઓને સફળતાપૂર્વક આગળ વધારી છે. આ મહામારીને કારણે, આપણાં બાળકો અને યુવા પેઢીના શિક્ષણની પ્રક્રિયામાં અડચણ આવી જવાનું જોખમ ઊભું થઈ ગયું હતું.
પરંતુ આપણાં સંસ્થાનો અને શિક્ષકોએ નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવીને એ સુનિશ્ચિત કર્યું, કે વિદ્યાર્થીઓનું શિક્ષણ નિરંતર ચાલતું રહે. બિહાર જેવા વધુ વસ્તી ધરાવતા રાજ્ય તથા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા દુર્ગમ અને પડકારભર્યા વિસ્તારોમાં, સ્વતંત્ર, નિષ્પક્ષ અને સુરક્ષિત ચૂંટણી કરાવવી, આપણા લોકતંત્ર અને ચૂંટણી પંચની પ્રશંસનીય સિદ્ધિ રહી છે. ટેકનોલોજીની મદદથી ન્યાયપાલિકાએ ન્યાય ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ રાખી. આવી સિદ્ધિઓની યાદી બહુ લાંબી છે.
આર્થિક ગતિવિધિઓને સુનિશ્ચિત કરવા માટે, અનલોકિંગની પ્રક્રિયાને સાવધાનીપૂર્વક, તબક્કાવાર લાગુ કરવામાં આવી. આ રીત કારગર સાબિત થઈ અને હવે ફરી અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત જોવા મળી રહ્યા છે.
હાલમાં જ નોંધાયેલી જી.એસ.ટી.ની રેકોર્ડ વૃદ્ધિ અને વિદેશી રોકાણ માટે આકર્ષક અર્થવ્યવસ્થા રૂપે ભારતનું ઊભરવું, એ ઝડપભેર થઈ રહેલી આપણી ઈકોનોમિક રિકવરીના સૂચક છે. સરકારે મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા છે, આસાન ઋણ પ્રદાન કરીને ઉદ્યમશીલતાને ઉત્તેજન આપ્યું છે અને વેપારમાં ઇનોવેશનને પ્રેરિત કરવા માટે અનેક પગલાં ભર્યાં છે.
મારા પ્રિય દેશવાસીઓ,
વીતેલા વર્ષની વિપરિત પરિસ્થિતિઓએ આપણા એ સંસ્કારોને જગાવ્યા છે, જે આપણા હૃદયમાં હંમેશાં જીવંત રહ્યા છે. સમયની માગને અનુરૂપ, આપણા દેશવાસીઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ બતાવી, અને પોતાની પહેલાં બીજાઓના હિતને પ્રાથમિકતા આપી.
સમગ્ર માનવતા માટે સહાનુભૂતિ, સેવા અને બંધુતાની આ ઊંડી ભાવનાઓએ જ, હજારો વર્ષોથી આપણને એકજૂટ રાખ્યા છે. આપણે ભારતવાસીઓ, માનવતા માટે જીવીએ પણ છીએ અને મરીએ પણ છીએ. આ જ ભારતીય આદર્શને મહાન કવિ મૈથિલી શરણ ગુપ્તે આ શબ્દોમાં વ્યક્ત કર્યો છેઃ
ઉસી ઉદાર કી સદા, સજીવ કીર્તિ કૂજતી,
તથા ઉસી ઉદાર કો, સમસ્ત સૃષ્ટિ પૂજતી.
અખંડ આત્મભાવ જો, અસીમ વિશ્વ મેં ભરે,
વહી મનુષ્ય હૈ કિ જો, મનુષ્ય કે લિયે મરે.
મને વિશ્વાસ છે, કે માનવમાત્ર માટે અસીમ પ્રેમ અને બલિદાનની આ ભાવના આપણા દેશને ઉન્નતિના શિખર સુધી લઈ જશે.
મારા માનવા પ્રમાણે, વર્ષ 2020ને શીખ આપનારું વર્ષ માનવું જોઈએ. ગયા વર્ષ દરમ્યાન પ્રકૃતિએ બહુ ઓછા સમયમાં જ પોતાનું સ્વચ્છ અને નિર્મળ સ્વરૂપ ફરી પ્રાપ્ત કરી લીધું હતું. આવું સાફ-સૂથરું પ્રાકૃતિક સૌંદર્ય, બહુ સમય પછી જોવા મળ્યું. આ રીતે પ્રકૃતિએ બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો, કે નાના-નાના પ્રયાસ માત્ર મજબૂરી નહિ, પરંતુ મોટા પ્રયાસોના પૂરક હોય છે. મને વિશ્વાસ છે, કે ભવિષ્યમાં આ પ્રકારની મહામારીઓના જોખમને ઓછું કરવાના ઉદ્દેશ્યથી, જળવાયુ પરિવર્તનના મુદ્દાને વિશ્વ સ્તર પર પ્રાથમિકતા આપવામાં આવશે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપત્તિને અવસરમાં બદલતાં, પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનનું આહ્વાન કર્યું.
આપણું જીવંત લોકતંત્ર, આપણા કર્મઠ અને પ્રતિભાશાળી દેશવાસીઓ, ખાસ કરીને આપણો યુવા વર્ગ, આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા પ્રયાસોને ઊર્જા પ્રદાન કરી રહ્યા છે. વસ્તુઓ અને સેવાઓ માટે આપણા દેશવાસીઓની માગને પૂરી કરવાના આપણા ઘરેલુ પ્રયાસો દ્વારા, તથા આ પ્રયાસોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પણ, આ અભિયાનને શક્તિ મળી રહી છે. આ અભિયાન અંતર્ગત, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને, તેમ જ સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમને વધુ મજબૂત બનાવીને, આર્થિક વિકાસની સાથેસાથે રોજગારી ઉત્પન્ન કરવાના પણ પગલાં લેવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારત અભિયાન એક જનઆંદોલનનું રૂપ લઈ રહ્યું છે.
આ અભિયાન આપણા એ રાષ્ટ્રીય સંકલ્પોને પૂરા કરવામાં પણ સહાયક બનશે, જેને આપણે નવલા ભારતની પરિકલ્પના અંતર્ગત, દેશની આઝાદીના 75મા વર્ષ સુધી, એટલે કે વર્ષ 2022 સુધી હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દરેક પરિવારને પાયાની સગવડો સહિતનું પાકું મકાન અપાવવાથી લઈને, ખેડૂતોની આવક બમણી કરવા સુધી, આવા મહત્ત્વપૂર્ણ લક્ષ્યો તરફ આગળ વધતાં, આપણે આપણી આઝાદીની 75મી વર્ષગાંઠના ઐતિહાસિક પડાવ સુધી પહોંચીશું. નવા ભારતના સમાવેશી સમાજનું નિર્માણ કરવા માટે આપણે શિક્ષણ, આરોગ્ય, પોષક આહાર, વંચિત વર્ગોનું ઉત્થાન અને મહિલાઓના કલ્યાણ પર વિશેષ ભાર આપી રહ્યા છીએ.
આપણે માનીએ છીએ કે વિપરિત પરિસ્થિતિઓમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે. તેનો સામનો કરવાથી આપણી શક્તિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. આ આત્મવિશ્વાસ સાથે, ભારતે અનેક ક્ષેત્રોમાં મોટા પગલાં ભર્યાં છે. પૂરી ગતિથી આગળ વધી રહેલા આપણા આર્થિક સુધારાઓના પૂરક રૂપે, નવા કાયદા ઘડીને કૃષિ અને શ્રમના ક્ષેત્રોમાં એવા સુધારા કરવામાં આવ્યા છે, જે લાંબા સમયથી અપેક્ષિત હતા. શરૂઆતમાં આ સુધારાઓ વિશે આશંકાઓ ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ એમાં કોઈ સંદેહ નથી કે ખેડૂતોના હિત માટે સરકાર સંપૂર્ણપણે સમર્પિત છે.
સુધારાઓ બાબતે, શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલા વ્યાપક સુધારા ઉલ્લેખનીય છે. આ સુધારા પણ લાંબા સમયથી અપેક્ષિત છે. આ પણ, કૃષિ અને શ્રમ સુધારાઓની જેમ જ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ઘણી વધુ મોટી સંખ્યામાં લોકોના જીવનને સીધી અસર કરનારા છે. 2020માં ઘોષિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, ટેકનોલોજીની સાથોસાથ પરંપરા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેના દ્વારા એક એવા નૂતન ભારતની આધારશિલા મૂકવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય મંચ પર જ્ઞાન-કેન્દ્ર રૂપે ઊભરવાની આકાંક્ષા ધરાવે છે. નવી શિક્ષણ પદ્ધતિ, વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને વિકસિત કરશે અને તેમને જીવનના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવશે.
બધાં ક્ષેત્રોમાં સંકલ્પ અને દ્રઢતા સાથે આગળ વધતા જવાના સારા પરિણામ સામે આવી રહ્યા છે. કોરોનાની લગભગ એક વર્ષની અભૂતપૂર્વ અગ્નિ-પરીક્ષા છતાં પણ, ભારત હતાશ નથી થયું, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર બનીને ઊભરી આવ્યું છે. આપણા દેશમાં આર્થિક મંદી થોડા સમય માટે જ રહી. હવે આપણી અર્થવ્યવસ્થા ફરી ગતિશીલ બની ગઈ છે. આત્મનિર્ભર ભારતે કોરોના વાયરસથી બચાવ માટે તેની પોતાની વેક્સિન પણ બનાવી લીધી છે.
હવે મોટા સ્તર પર રસીકરણનું જે અભિયાન ચાલી રહ્યું છે, તે ઈતિહાસમાં આ પ્રકારનો સૌથી મોટો પ્રકલ્પ હશે. આ પ્રકલ્પને સફળ બનાવવામાં વહીવટી તંત્ર અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકો પૂરી તત્પરતાથી કાર્યરત છે. હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે આપ સૌ, દિશાનિર્દેશોને અનુરૂપ, પોતાના સ્વાસ્થ્યના હિતમાં આ વેક્સિન રૂપી સંજીવનીનો લાભ અવશ્ય લેજો અને વેક્સિન જરૂરથી લેજો. આપનું આરોગ્ય જ આપની ઉન્નતિના દ્વાર ખોલે છે.
આજે ભારતને ખરા અર્થમાં “ફાર્મસી ઓફ ધ વર્લ્ડ” કહેવામાં આવે છે, કારણ કે આપણે અનેક દેશોની પીડાને ઓછી કરવા અને મહામારી પર કાબૂ મેળવવા, દવાઓ અને આરોગ્ય સેવાઓના અન્ય ઉપકરણો, વિશ્વના ખૂણે-ખૂણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. હવે આપણે વેક્સિન પણ અન્ય દેશોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
ગયા વર્ષે અનેક મોરચે અનેક પડકારો આપણી સામે આવ્યા. આપણે આપણી સરહદો પર વિસ્તારવાદી હિલચાલનો સામનો કરવો પડ્યો. પરંતુ આપણા બહાદુર સૈનિકોએ તેને નાકામ કરી દીધી. આવું કરવામાં આપણા 20 જવાનો વીરગતિને પ્રાપ્ત થયા. બધા દેશવાસીઓ એ અમર જવાનો પ્રત્યે કૃતજ્ઞ છે. જોકે આપણે શાંતિ માટેની આપણી પ્રતિબદ્ધતા પર અટલ છીએ, છતાં આપણું ભૂમિ દળ, વાયુ દળ અને નૌકા દળ આપણી સુરક્ષા વિરુદ્ધ કોઈ પણ દુઃસાહસને વિફળ બનાવવા માટે પૂરી તૈયારી સાથે તૈનાત છે. દરેક પરિસ્થિતિમાં આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે આપણે સંપૂર્ણપણે સક્ષમ છીએ. ભારતના સુદ્રઢ અને સિદ્ધાંતમૂલક વલણ બાબતે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સારી રીતે અવગત છે.
ભારત પ્રગતિના પથ પર આગળ વધતાં, વિશ્વ સમુદાયમાં પોતાનું યોગ્ય સ્થાન બનાવી રહ્યું છે. છેલ્લાં થોડાક વર્ષોમાં ભારતનું પ્રભાવ-ક્ષેત્ર વધુ વિસ્તૃત બન્યું છે અને તેમાં વિશ્વના વ્યાપક ક્ષેત્રો સામેલ થયા છે. જે અસાધારણ સમર્થન મેળવીને આ વર્ષે ભારતે અસ્થાયી સભ્ય રૂપે સુરક્ષા પરિષદમાં પ્રવેશ કર્યો છે, તે આ વધી રહેલા પ્રભાવનું સૂચક છે. વિશ્વ સ્તર પર રાજનેતાઓ સાથે આપણા સંબંધોનું ઊંડાણ અનેક ગણું વધ્યું છે. પોતાના જીવંત લોકતંત્રના બળ પર ભારતે, એક જવાબદાર અને વિશ્વસનીય રાષ્ટ્ર રૂપે પોતાની સાખ વધારી છે.
આ સંદર્ભમાં, એ આપણા સૌના હિતમાં છે, કે આપણે આપણા બંધારણમાં સ્થાપિત આદર્શોને, સૂત્ર-વાક્યની જેમ, હંમેશાં યાદ રાખીશું.
મેં અગાઉ પણ આ કહ્યું છે, અને હું આજે ફરી એ વાત કહીશ, કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વિચારો પર મનન કરવું, એ આપણી દિનચર્યાનો ભાગ હોવો જોઈએ. આપણે હર સંભવ પ્રયાસ કરવાનો છે, કે સમાજનો એક પણ સભ્ય દુઃખી કે અભાવગ્રસ્ત ન રહી જાય. સમતા એ આપણા ગણતંત્રના મહાન યજ્ઞનો બીજમંત્ર છે. સામાજિક સમતાનો આદર્શ દરેક વ્યક્તિની ગરિમા સુનિશ્ચિત કરે છે, જેમાં આપણા ગ્રામવાસીઓ, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત આર્થિક રીતે નબળા વર્ગના લોકો, દિવ્યાંગજનો અને વૃદ્ધો, સૌનો સમાવેશ થાય છે. આર્થિક સમતાનો આદર્શ, સૌના માટે અવસરની સમાનતા અને પાછળ રહી ગયેલા લોકોને મદદ સુનિશ્ચિત કરવાની આપણી બંધારણીય જવાબદારીને સ્પષ્ટ કરે છે. સહાનુભૂતિની ભાવના પરોપકારના કાર્યો કરતાં ઘણી વધુ મજબૂત હોય છે.
પરસ્પર ભાઈચારાનો નૈતિક આદર્શ જ, આપણા પથ પ્રદર્શક રૂપે, આપણી ભાવિ સામૂહિક યાત્રાનો માર્ગ પ્રશસ્ત કરશે. આપણે સૌએ બંધારણીય નૈતિકતાના એ પથ પર નિરંતર ચાલતા રહેવાનું છે, જેનો ઉલ્લેખ બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરે 4 નવેમ્બર, 1948ના રોજ બંધારણનું પ્રારૂપ પ્રસ્તુત કરતી વખતે, સંવિધાન સભાના પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું, કે બંધારણીય નૈતિકતાનો અર્થ છે – બંધારણમાં સ્થાપિત મૂલ્યોને સર્વોપરિ માનવા.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણા ગણતંત્રની સ્થાપનાનો ઉત્સવ ઊજવવાના આ અવસરે મારું ધ્યાન, વિદેશોમાં વસતા આપણા ભાઈ-બહેનો તરફ પણ જાય છે. પ્રવાસી ભારતીયો, આપણા દેશનું ગૌરવ છે. બીજા દેશોમાં વસેલા ભારતીયોએ વિવિધ ક્ષેત્રોમાં કામયાબી હાંસલ કરી છે.
તેમાંથી અમુક લોકો રાજનૈતિક નેતૃત્વના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા છે, અને અનેક લોકો વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા અને વેપારના ક્ષેત્રોમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આપ સૌ પ્રવાસી ભારતીયો, પોતાની વર્તમાન કર્મભૂમિનું પણ ગૌરવ વધારી રહ્યા છો. આપ સૌના પૂર્વજોની ભૂમિ ભારતથી, હું આપને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણા સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો અને પોલીસના જવાનો પોતાના પરિવારજનોથી દૂર રહીને તહેવાર ઊજવે છે. એ સૌ જવાનોને હું વિશેષ અભિનંદન પાઠવું છું.
હું ફરી એક વાર, આપ સૌ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું.
ધન્યવાદ.
જય હિંદ.
(Release ID: 1692291)
Visitor Counter : 509
Read this release in:
Marathi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Malayalam