પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજકોટ ખાતે એઈમ્સની શિલારોપણ વિધિ કરી


એઈમ્સ રાજકોટ મારફતે આરોગ્ય ક્ષેત્રની માળખાગત સુવિધાઓને વેગ મળશે અને ગુજરાતમાં રોજગારીની તકો ઉભી થશેઃ પ્રધાનમંત્રી

ગુજરાતે કોરોના સામે લડતનો માર્ગ દર્શાવ્યો છેઃ પ્રધાનમંત્રી

10 નવા એઈમ્સ અને સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યુ છેઃ પ્રધાનમંત્રી

વર્ષ 2020 આરોગ્યના પડકારોનું વર્ષ હતું 2021 આરોગ્યના ઉપાયોનુ વર્ષ બની રહેશેઃ પ્રધાનમંત્રી

વર્ષ 2021માં ભારત વૈશ્વિક આરોગ્યનું નર્વ સેન્ટર બની રહેશેઃ પ્રધાનમંત્રી

વર્ષના આખરી દિવસે ફ્રન્ટલાઈન વૉરિયર્સને યાદ કર્યા

Posted On: 31 DEC 2020 12:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઈમ્સ રાજકોટની શિલારોપણ વિધિ કરી છે.  કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત અને  ગુજરાતના મુખ્યમંત્રી  શ્રી વિજય રૂપાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ માનવજાતની સુરક્ષા માટે પોતાના જીવને સતત જોખમમાં મૂકનાર 90 લાખ ડૉકટરો, હેલ્થ વર્કર્સ, સફાઈ કામદાર અને અન્ય ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સને યાદ કર્યા હતા. તેમણે વૈજ્ઞાનિકોના પ્રયાસો તથા  જે બધાએ સંપૂર્ણ સમર્પણ ભાવથી ગરીબોને આહાર પૂરો પાડયો હતો તે સૌના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે આ વર્ષે દર્શાવ્યું છે કે જ્યારે ભારત સંગઠિત થાય છે ત્યારે  તે કપરામાં કપરી પરિસ્થિતિને અસરકારક રીતે હલ કરી શકે છે. તેમણે કહ્યું કે અસરકારક પગલાંને પરિણામે તથા ભારત વધુ બહેતર સ્થિતિમાં છે અને  રોગનો ભોગ બનેલા લોકોને બચાવવામાં  દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતે સારી કામગીરી બજાવી છે. તેમણે કહ્યું કે ભારતમાં હાલમાં રસીની જરૂરિયાત અંગે તમામ આવશ્યક કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં રસી બનાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે અને તે ઝડપથી દેશના ખૂણે ખૂણે પહોંચી જશે. તેમણે કહ્યું કે ભારતે  વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝૂંબેશ હાથ ધરવા માટે  પૂરજોશથી તૈયારીઓ કરી છે. તેમણે  કહ્યું કે ગયા વર્ષે આપણે જે રીતે ચેપને ફેલાતો રોકવા પ્રયાસ કર્યો હતો તે રીતે સાથે મળીને  આગળ આવી રસીકરણને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.

શ્રી મોદીએ જણાવ્યું કે એઈમ્સ રાજકોટથી આરોગ્ય ક્ષેત્રની માળખાગત સુવિધાઓ અને  તબીબી શિક્ષણને વેગ મળશે તથા  ગુજરાતમાં રોજગારીની તકો ઉભી થશે. તેમણે કહ્યું કે આશરે પાંચ હજારને સીધી રોજગારી અને ઘણી આડકતરી રોજગારીનું  નિર્માણ  થશે.  કોરોના સામે લડત આપવામાં ગુજરાતના પ્રયાસોની કદર કરતાં  પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે કોરોનાને લડત આપવાનો માર્ગ દર્શાવ્યો છે. તેમણે  કોરોનાની સ્થિતિને સારી રીતે હલ કરવા બદલ કહ્યું કે ગુજરાતમાં તબીબી ક્ષેત્રની સફળતામાં  અનેક  દાયકાના  અથાગ પ્રયાસો, સમર્પણ ભાવના અને ગુજરાતમાં  તબીબી  ક્ષેત્રના મજબૂત માળખાની સરાહના કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની  આઝાદી પછીના   અનેક દાયકા પછી દેશમાં માત્ર 6 એઈમ્સ સ્થાપી શકાયાં હતાં. વર્ષ 2003માં અટલજીની સરકાર વખતે વધુ  6 એઈમ્સની સ્થાપના માટે પગલાં લેવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે વિતેલા  છેલ્લા 6 વર્ષમાં 10 નવાં એઈમ્સ સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને એમાંથી ઘણાંનું ઉદ્દઘાટન થઈ ચૂક્યુ છે. તેમણે કહ્યું કે એઈમ્સની સાથે સાથે 20 સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલના નિર્માણનું કામ પણ ચાલી રહ્યુ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે  વર્ષ 2014 પહેલાં  આપણા આરોગ્ય ક્ષેત્રના વિવિધ પાસાં અંગે  અલગ અલગ દિશા અને અલગ અલગ અભિગમથી કામ ચાલી રહ્યુ હતું. તેમણે કહ્યું કે વર્ષ  2014 પછી આરોગ્ય ક્ષેત્ર સમગ્રલક્ષી અભિગમ અપનાવવા ઉપરાંત આધુનિક સારવાર સુવિધાઓને અગ્રતા આપીને  રોગ રોકવા અંગેની વ્યવસ્થા માટે  કામગીરી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકારે ગરીબો માટે સારવાર ખર્ચ ઓછો કર્યો છે અને સાથે સાથે ડોકટરોની સંખ્યામાં  ઝડપભેર વધારો કરવા ઉપર ભાર મૂક્યો  છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ, દૂર દૂરના વિસ્તારોમાં આશરે 1.5 લાખ  હેલ્થ અને વેલનેસ સેન્ટર સ્થાપવાની કામગીરી ચાલી રહી છે અને તેમાંથી આશરે 50,000 સેન્ટરમાં કામગીરી ચાલુ થઈ ગઈ છે. આમાંથી 5,000 કેન્દ્રો માત્ર ગુજરાતમાં આવેલા છે. તેમણે કહ્યું કે આશરે 7,000 જન ઔષધિ કેન્દ્રોમાં 3.5 લાખ ગરીબ દર્દીઓને ઓછા દરથી દવાઓ પૂરી પાડવામાં આવી છે. તેમણે લોકોનું આરોગ્ય સુધારવા માટે સરકારે હાથ ધરેલી વિવિધ પહેલ અંગે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે જો વર્ષ 2020ને આપણે આરોગ્ય અંગેના પડકારોનું વર્ષ ગણીએ તો વર્ષ 2021ને આરોગ્યના ઉપાયો અંગેનું વર્ષ ગણવું જોઈએ. વિશ્વ હવે  બહેતર જાગૃતિ સાથે આરોગ્યના ઉપાયો તરફ આગળ ધપશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે જે રીતે વર્ષ 2020ના પડકારોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા બજાવી છે તે રીતે આરોગ્યના ઉપાયો શોધવામાં પણ મહત્વની ભૂમિકા બજાવશે. તેમણે કહ્યું કે વર્ષ 2021માં આરોગ્યના ઉપાયો વિસ્તારવા માટે ભારતનું યોગદાન મહત્વનું બની રહેશે. ભારતના તબીબી વ્યવસાયની ક્ષમતા અને સેવા માટેની પ્રેરણાની  સાથે સાથે બહોળા સમુદાયને રસીકરણના વ્યાપક અનુભવને ધ્યાનમાં લેતાં તે દુનિયાને સ્માર્ટ અને પોસાય તેવા ઉપાયો પૂરાં પાડી શકશે. હેલ્થ સ્ટાર્ટઅપ્સ આરોગ્યના ઉપાયો અને ટેકનોલોજીનું સંકલન કરીને આરોગ્યની સંભાળને સહજ બનાવી રહ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું કે ભારત આરોગ્યના ભવિષ્ય અંગે  અને ભવિષ્યમાં આરોગ્ય અંગે મહત્વની ભૂમિકા બજાવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રોગો વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે અને એ સમય પાકી ગયો છે કે દુનિયા વૈશ્વિક આરોગ્યના ઉપાયો માટે સંકલિત અભિગમ અપનાવે. ભારતે આ ક્ષેત્રે વૈશ્વિક કામગીરી બજાવી છે. ભારતે માગ મુજબ સાનુકૂળતા દાખવીને, સ્થિતિમાં સુધારો કરી વિસ્તરણ માટે પોતાનું કૌવત દર્શાવ્યું છે. ભારતે દુનિયાની સાથે સાથે આગળ ધપીને સામૂહિક પ્રયાસો દ્વારા મૂલ્યવૃધ્ધિ કરી છે. ભારત વૈશ્વિક આરોગ્યનુ નર્વ સેન્ટર  (મહત્વનુ કેન્દ્ર ) બન્યું છે અને વર્ષ 2021માં આપણે આ ભૂમિકાને મજબૂત બનાવવાની છે તેવું પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

SD/GP



(Release ID: 1685080) Visitor Counter : 260