પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 1 જાન્યુઆરીએ GHTC-ભારત હેઠળ લાઇટ હાઉસ પરિયોજનાનો શિલાન્યાસ કરશે


પ્રધાનમંત્રી PMAY (શહેરી) અને ASHA-ભારત પુરસ્કારો એનાયત કરશે

Posted On: 30 DEC 2020 7:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી 2021ના રોજ સવારે 11 વાગે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી છ શહેરોમાં છ જગ્યાએ વૈશ્વિક આવાસ ટેકેનોલોજી પડકાર- ભારત (GHTC-ભારત) હેઠળ લાઇટ હાઉસ પરિયોજના (LHP)નો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી પરવડે તેવા ટકાઉક્ષમ આવાસ પ્રવેગકો – ભારત (ASHA-ભારત)ના વિજેતાઓની પણ જાહેરાત કરશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) મિશનના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ વાર્ષિક વિજેતાઓને પુરસ્કારો એનાયત કરશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી NAVARITIH (ભારતીય આવાસ માટે નવી, પરવડે તેવી, માન્યતા પ્રાપ્ત, સંશોધન આવિષ્કાર ટેકનોલોજી) નામથી નવીનતમ બાંધકામ ટેકનોલોજી માટેના પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પણ પ્રારંભ કરાવશે અને GHTC-ભારત દ્વારા ઓળખી કાઢવામાં આવેલી 54 નવીનતમ આવાસ બાંધકામ ટેકનોલોજીઓનો સારસંગ્રહ બહાર પાડશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તેમજ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

લાઇટ હાઉસ પરિયોજનાઓ

લાઇટ હાઉસ પરિયોજના (LHP) બાંધકામ ક્ષેત્ર માટે નવા જમાનાની વૈકલ્પિક વૈશ્વિક ટેકનોલોજીઓ, સામગ્રીઓ અને પ્રક્રિયાઓ દર્શાવે છે અને દેશમાં આટલા મોટાપાયે પહેલી જ વખત તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનું બાંધકામ GHTC-ભારત હેઠળ કરવામાં આવી રહ્યું છે જેનો ઉદ્દેશ આવાસ બાંધકામ ક્ષેત્રમાં સર્વગ્રાહી રીતે આવિષ્કારી ટેકનોલોજીઓને અપનાવવા માટે ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો છે. ઇન્દોર (મધ્યપ્રદેશ), રાજકોટ (ગુજરાત), ચેન્નઇ (તમિલનાડુ), રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા) અને લખનઉ (ઉત્તરપ્રદેશ) ખાસે LHPનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં દરેક સ્થળે અંદાજે 1000 ઘરો અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓને સમાવી લેવામાં આવી છે. આ પરિયોજનાઓ પરંપરાગત ઇંટો અને મોર્ટારના બાંધકામની સરખામણીએ વધુ ઝડપ સાથે બાર મહિનામાં રહેવા માટે તૈયાર એવા ઘરો રજૂ કરશે અને સોંપણી કરશે અને તે ઓછા ખર્ચાળ, ટકાઉક્ષમ તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળા અને લાંબો સમય ટકી શકે તેવા હશે.

આવા LHPમાં વિવિધ પ્રકારની ટેકનોલોજીઓ દર્શાવાશે જેમાં ઇન્દોર ખાતે LHPમાં પૂર્વનિર્મિત સેન્ડવીચ પેનલ પ્રણાલી, રાજકોટ ખાતે LHPમાં સુરંગ ફોર્મવર્કનો ઉપયોગ કરીને મોનોલિથિક કોંક્રિટ બાંધકામ, ચેન્નઇ ખાતે LHPમાં અગાઉથી ઢાળવામાં આવેલા કોંક્રિટના બાંધકામની પ્રણાલી, રાંચી ખાતે LHPમાં 3D વોલ્યૂમેટ્રિક અગાઉથી ઢાળવામાં આવેલા કોંક્રિટના બાંધકામની પ્રણાલી, અગરતલા ખાતે LHPમાં લાઇટ ગેજ સ્ટીલ ઇનફિલ પેનલ સાથે સ્ટ્રક્ચરલ સ્ટીલ ફ્રેમ અને લખનઉ ખાતેના LHPમાં PVC સ્ટે ઇન પ્લેસ ફોર્મવર્ક પ્રણાલી પણ સામેલ કરવામાં આવી છે. આ LHP જે-તે જગ્યા પર અને તેની આગળની પ્રતિકૃતિઓ માટે ટેકનોલોજીના ટ્રાન્સફરની સુવિધા માટે જીવંત પ્રયોગશાળા તરીકે સવલત પૂરી પાડશે. આમાં IIT તેમજ NIT, અન્ય એન્જિનિયરિંગ કોલેજો, આયોજન અને આર્કિટેક્ચર કોલેજોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી બંને માટે, બિલ્ડરો, ખાનગી અને જાહેર ક્ષેત્રના પ્રોફેશનલો અને અન્ય હિતધારકો માટે આયોજન, ડિઝાઇન, ભાગોનું ઉત્પાદન, બાંધકામની રીતો અને પરીક્ષણ સામેલ છે.

ASHA-ભારત

ટકાઉક્ષમ પરવડે તેવા આવાસ પ્રવેગક – ભારત (ASHA-ભારત)નો ઉદ્દેશ સંભવિત ભાવિ ટેકનોલોજીઓને ઇન્ક્યુબેશન અને પ્રવેગ સહકાર પૂરો પાડીને ઘરેલુ સંશોધન અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. ASHA-ભારત પહેલ હેઠળ, ઇન્ક્યુબેશન અને પ્રવેગ સહકાર પૂરો પાડવા માટે પાંચ ASHA-ભારત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. પ્રવેગ સહકાર હેઠળ સંભવિત ટેકનોલોજી વિજેતાઓના નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પહેલ દ્વારા ઓળખી કાઢવામાં આવેલી ટેકનોલોજી, પ્રક્રિયાઓ અને સામગ્રીથી સર્જનાત્મક પ્રતિભાશાળી યુવાનો, સ્ટાર્ટઅપ, આવિષ્કારકર્તાઓ અને ઉદ્યોગ સાહિસકોને મોટાપાયે ઉત્સાહ પૂરો પાડશે.

PMAY-U મિશન

પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) મિશન 2022 સુધીમાં સૌને ઘર દૂરંદેશીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, શહેરી સ્થાનિક સંગઠનો અને લાભાર્થીઓએ આપેલા અસાધારણ યોગદાનને બિરદાવવા માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા PMAY- શહેરી મિશનના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ વાર્ષિક પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. PMAY (શહેરી) પુરસ્કાર- 2019ના વિજેતાઓની જાહેરાત આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.



(Release ID: 1684883) Visitor Counter : 219