સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ માટે ચાર રાજ્યોમાં પૂર્વાભ્યાસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો

Posted On: 29 DEC 2020 3:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 28 અને 29 ડિસેમ્બર, 2020ના રોજ ચાર રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં કોવિડ-19 રસીકરણ સાથે સંલગ્ન કામગીરી માટે બે દિવસીય પૂર્વાભ્યાસ હાથ ધર્યો હતો.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (યુઆઇપી) અને ઓરી-અછબડા (મીસલ્સ-રુબેલા (એમઆર)) અને પુખ્તો માટે જાપાનીઝ એન્સેફેલાઇટિસ અભિયાન જેવા રાષ્ટ્રીય સ્તરનાં વિવિધ ઇન્જેક્ટેબ્લ રસીકરણ અભિયાન હાથ ધરવાના બહોળા અનુભવ સાથે કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે. આ રસીકરણ અભિયાનમાં સૌપ્રથમ સ્વાસ્થ્ય સેવા પ્રદાન કરવામાં સંકળાયેલા કાર્યકર્તાઓ, કોવિડ-19 સામે મોખરે રહીને કામગીરી કરતાં કાર્યકર્તાઓ અને 50 વર્ષથી વધુ વય ધરાવતા લોકોનું રસીકરણ કરવામાં આવશે.

આ પૂર્વાભ્યાસનો ઉદ્દેશ કોવિડ-19 રસીકરણ પ્રક્રિયાનું સંપૂર્ણ પરીક્ષણ કરવાનો હતો અને એમાં કાર્યકારી માર્ગદર્શિકા મુજબ આયોજન અને પૂર્વતૈયારીઓ, સુવિધાઓનું સર્જન અને કો-વિન એપ્લિકેશન પર યુઝર્સની નોંધણી, સાઇટ ઊભી કરવાનું સેશન અને સાઇટનું મેપિંગ, સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરતાં કાર્યકર્તાઓ (એચસીડબલ્યુ)નો ડેટા અપલોડ કરવો, રસીઓની રસીદ અને જિલ્લામુજબ રસીની ફાળવણી, સેશનનું આયોજન, રસીકરણ ટીમ તૈયાર કરવી, સેશનની સાઇટ પર લોજિસ્ટિક સુવિધાઓનું સર્જન, રસીકરણ પ્રક્રિયા હાથ ધરવા મોક ડ્રિલ તેમજ તાલુકા, જિલ્લા અને પ્રાદેશિક સ્તરે રિપોર્ટિંગ અને સમીક્ષા બેઠકોનું આયોજન સામેલ છે. આ પૂર્વાભ્યાસનો ઉદ્દેશ આઇટી પ્લેટફોર્મ કો-વિનને ફિલ્ડ સ્તરે અજમાવવાનો અને એની પુષ્ટિ કરવાનો તેમજ વાસ્તવિક અમલીકરણ અગાઉ એને આગળ વધારવા માર્ગદર્શન આપવાનો પણ છે.

આ પૂર્વાભ્યાસ હાથ ધરવા માટે જિલ્લા અને તાલુકા સ્તરની ટાસ્ક ફોર્સ સાથે જિલ્લા કલેક્ટર જવાબદાર હતા અને તેઓ રસીકરણના વાસ્તવિક અમલ દરમિયાન કોઈ પણ ગેપ કે અવરોધ પર ઉપયોગી માહિતીઓ પ્રદાન કરશે એવી અપેક્ષા હતી.

આ બે-દિવસીય પૂર્વાભ્યાસ આંધ્રપ્રદેશમાં ક્રિષ્ના જિલ્લા, ગુજરાતમાં રાજકોટ અને ગાંધીનગર જિલ્લા, પંજાબમાં લુધિયાણા અને શહીદ ભગતસિંહ નગર (નવાંશહર) અને આસામમાં સોનિતપુર અને નાલ્બારી જિલ્લાઓ હાથ ધરવામાં આવ્યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કામગીરીઓ માટે ચોક્કસ ટુકડીઓ બનાવવામાં આવી હતી તથા ડમી લાભાર્થીઓનો ડેટા અપલોડ કરવો, સેશન સાઇટ ઊભી કરવી, રસીની ફાળવણી, વેક્સિનેટર્સ અને લાભાર્થીઓને રસીકરણની વિગતો આપવી, લાભાર્થીઓને ભેગા કરવા જેવી કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.

પૂર્વાભ્યાસના પ્રથમ દિવસે સંયુક્ત સચિવ (જાહેર આરોગ્ય) દ્વારા પ્રાદેશિક અને જિલ્લા પ્રોગ્રામ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ફિલ્ડમાંથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવની 29 ડિસેમ્બર, 2020ના રોજ સમીક્ષા કરવામાં આવી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને આવરી લેનાર રસીકરણની પ્રક્રિયાની પારદર્શકતા અને અસરકારક નિરીક્ષણ સુનિશ્ચિત કરવા કાર્યકારી અભિગમ અને આઇટી પ્લેટફોર્મના ઉપયોગની દ્રષ્ટિએ તમામ રાજ્યોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કો-વિન પ્લેટફોર્મના ઉપયોગને વધારવા આઇટી પ્લેટફોર્મ્સ પર વધારાના સૂચનો પણ ધ્યાનમાં લેવાયા હતા.

એટલે પ્રાપ્ત થયેલા વિગતવાર ઉપયોગી જાણકારી અને પ્રતિભાવ કાર્યકારી માર્ગદર્શિકા અને આઇટી પ્લેટફોર્મની અસરકારકતા વધારવામાં મદદરૂપ થશે તેમજ કોવિડ-19 રસીકરણની યોજનાને વધારે મજબૂત કરશે.(Release ID: 1684398) Visitor Counter : 20