પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ નાણાકીય સહાયનો આગામી હપતો રિલિઝ કર્યો


પશ્ચિમ બંગાળના ખેડૂતોને આ લાભ ના મળી રહ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો

9 કરોડ ખેડૂતો પરિવારોને લાભ મળ્યો, 18000 કરોડ રૂપિયા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યા

સરકાર ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવાનું અને તેમને યોગ્ય ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખે છે: પ્રધાનમંત્રી

બ્રાન્ડ ઇન્ડિયાને દુનિયાના કૃષિ બજારમાં પ્રસ્થાપિત કરવાનો સમય આવી ગયો છે: પ્રધાનમંત્રી

Posted On: 25 DEC 2020 2:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને નાણાકીય સહાયનો આગામી હપતો રિલિઝ કર્યો હતો.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં નવ કરોડથી વધારે ખેડૂતો પરિવારોને આજે માત્ર એક બટન પર ક્લિક કરીને રૂપિયા 18000 કરોડ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી આજદિન સુધીમાં 1 લાખ 10 હજાર કરોડથી વધારે રૂપિયા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા છે.

પશ્ચિમ બંગાળમાં વસતા 70 લાખથી વધારે ખેડૂતોને આ યોજનાનો લાભ ના મળી રહ્યો હોવાનો તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બંગાળના 23 લાખથી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઑનલાઇન અરજી કરી હતી. પરંતુ રાજ્ય સરકારે તેમની ચકાસણીની પ્રક્રિયા બહુ લાંબા સમયથી અટકાવી રાખી છે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જે પક્ષો ખેડૂતોના હિતમાં એક શબ્દ પણ ઉચ્ચારતા નથી તેઓ દિલ્હી આવે છે અને ખેડૂતો વિશે વાતો કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ પક્ષોને અત્યારે APMC બજારોની ખોટ વર્તાઇ રહી છે પરંતુ આ એ જ પક્ષો છે જેઓ વારંવાર ભૂલી રહ્યાં છે કે, કેરળમાં APMC બજારો છે જ નહીં અને આ લોકોએ ક્યારેય કેરળમાં વિરોધ પણ કર્યો નથી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે કામ કર્યું છે. તેમણે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી જમીન આરોગ્ય કાર્ડ, નીમ કોટિંગ યુરિયા, સોલર પંપના વિતરણની યોજનાઓ જેવી કેટલીક ખેડૂતલક્ષી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો જેનાથી ખેડૂતોના ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળી શકી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે, ખેડૂતો પાસે પાક વીમાનું બહેતર કવચ ઉપલબ્ધ હોય. આજે, કરોડો ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકારે દેશમાં ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે લાંબા સમયથી પડતર સ્વામીનાથન સમિતિના અહેવાલોની ભલામણોનું પાલન કરીને ખેડૂતોની પડતર કિંમતના દોઢ ગણા લઘુતમ ટેકાના ભાવ નિર્ધારિત કર્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, MSP ધરાવતી ઉપજોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમની ઉપજો વેચવા માટે વિકલ્પો મળી રહે તે માટે સરકાર નવા બજારો ખોલવાનું લક્ષ્ય રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે એક હજારથી વધારે કૃષિ બજારોને ઑનલાઇન ઉમેર્યા છે. આમાં, રૂપિયા એક લાખ કરોડથી વધારે વેપાર થઇ ચુક્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે નાના ખેડૂતોના સમૂહો બનાવવા માટે પણ કામ કર્યું છે જેથી તેઓ પોતાના પ્રદેશ માટે સહિયારા બળ તરીકે કામ કરી શકે. આજે, 10000થી વધારે ખેડૂત ઉત્પાદક સંઘ – FPOની રચના કરવાનું એક અભિયાન દેશમાં ચાલી રહ્યું છે અને તેમને નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પાકા ઘર, શૌચાલયો અને પાઇપ દ્વારા સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમને વિનામૂલ્યે વીજળીના જોડાણ, વિનામૂલ્યે ગેસના જોડાણથી પણ ખૂબ મોટો લાભ મળી રહ્યો છે. આયુષમાન ભારત યોજના અંતર્ગત રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવતી હોવાથી ખેડૂતોના જીવનની એક મોટી ચિંતા હળવી જઇ ગઇ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કૃષિ સુધારાઓ દ્વારા ખેડૂતોને બહેતર વિકલ્પો પૂરાં પાડવામાં આવ્યા છે. આ કાયદા પછી ખેડૂતો તેમની ઉપજ દેશમાં તેઓ ઇચ્છા ત્યાં કોઇપણ જગ્યાએ વેચી શકશે. તેઓ જ્યારે તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળે ત્યારે તેને વેચી શકે છે. તેમણે કહ્યું હતું કે, નવા કાયદાના અમલ પછી પણ ખેડૂતો તેમની ઉપજ MSP ભાવે બજારમાં વેચી શકે છે અથવા બજારમાં વેચી શકે છે અથવા તેની નિકાસ કરી શકે છે અથવા કોઇપણ વેપારીને વેચી શકે છે અથવા કોઇ અન્ય રાજ્યમાં જઇને અથવા તેને FPO દ્વારા વેચી શકે છે અથવા બિસ્કિટ, ચિપ્સ, જામ અથવા અન્ય કન્ઝ્યુમર ઉત્પાદનો જેવી મૂલ્ય શ્રૃંખલાનો હિસ્સો બનીને પણ વેચી શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય ક્ષેત્રોમાં રોકાણ અને નવાચારમાં સુધારો આવ્યો છે, આવકમાં વધારો થયો છે અને તે ક્ષેત્રોમાં બ્રાન્ડ ઇન્ડિયા સ્થાપિત થઇ છે. તેમણે કહ્યું હતું કે, હવે બ્રાન્ડ ઇન્ડિયાને સમાન પ્રતિષ્ઠા સાથે દુનિયાના કૃષિ બજારોમાં સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે.

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશના એ તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે કૃષિ સુધારાઓને આવકાર્યા છે અને તેને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમજ તેમણે ખાતરી આપી હતી કે, તેઓ તેમને ક્યારેય ઝુકવા દેશે નહીં. તેમણે કહ્યું હતું કે, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારના લોકોએ તાજેતરમાં આસામ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાગ લીધો હતો અને આ પ્રકારે તેમણે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહેલા પક્ષોને નકારી કાઢ્યા હતા.

 

SD/GP/BT


(Release ID: 1683636) Visitor Counter : 298