પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ –ભારતી યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 DEC 2020 2:06PM by PIB Ahmedabad

નમસ્કાર,

હે વિધાતા દાઓ -દાઓ મોદેર ગૌરવ દાઓ, ગુરૂદેવે ક્યારેક આવી કામના છાત્ર છાત્રાઓનાં ઉજ્જવળ ભવિષ્ય માટે કરી હતી. આજે વિશ્વ ભારતીનાં ગૌરવમય 100 વર્ષ પ્રસંગે મારી જેમ જ સમગ્ર દેશ આ મહાન સંસ્થા માટે આવી જ કામના કરી રહયો છે.

હે વિધાતા દાઓ –દાઓ મોદેર ગૌરવ દાઓ, પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રી જગદીપ ધનખડજી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકજી, વાઈસ ચાન્સેલર પ્રો. વિદ્યુત ચક્રવર્તીજી, પ્રોફેસર રજીસ્ટ્રાર, વિશ્વ ભારતીના તમામ શિક્ષકગણ, છાત્ર- છાત્રાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દેવીઓ અને સજજનો. વિશ્વ ભારતી વિદ્યાલયને 100 વર્ષ થવાં તે દરેક ભારતવાસી માટે ખૂબ જ ગૌરવની વાત છે. મારા માટે પણ એ ખૂબ જ સુખદ બાબત છે કે આજના દિવસે આ તપોભૂમિનું પુણ્ય સ્મરણ કરવાની મને તક મળી છે.

સાથીઓ, વિશ્વભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. વિશ્વભારતી મા ભારતી માટે ગુરૂદેવનું ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. ભારત માટે ગુરૂદેવે જે સપનું જોયુ હતું. એ સપનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે, દેશને નિરંતર ઉર્જા પૂરી પાડનાર અને એક રીતે કહીએ તો આરાધ્ય સ્થળ છે. અનેક વિશ્વ પ્રસિધ્ધ, ગીતકાર, સંગીતકાર કલાકાર, સાહિત્યકાર, અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, વૈજ્ઞાનિક અને આર્થિક પ્રતિભાઓ આપનાર આ વિશ્વભારતી નૂતન ભારતના નિર્માણ માટે નિત્ય નવિન પ્રયાસો કરતી રહે છે. આ સંસ્થાને આટલી ઉંચાઈ પર પહોંચાડનાર દરેક વ્યક્તિને હું નમન કરૂ છું, તેમનું અભિવાદન કરૂ છું. મને એ બાબતની ખુશી છે કે વિશ્વભારતી, શ્રી નિકેતન અને શાંતિ નિકેતન નિરંતર ગુરૂ દેવે જે હાંસલ કરવાનુ નક્કી કર્યું હતું એ લક્ષ્યની પ્રાપ્તિનો પ્રયાસ કરી રહ્યાં છે. વિશ્નભારતી તરફથી અનેક ગામમાં થતાં વિકાસનાં કામ એક પ્રકારે ગ્રામોદયનાં કામ કહી શકાય તેવાં છે અને તે હંમેશને માટે પ્રશંસનીય બનતાં રહ્યાં છે. આ સંસ્થાને આટલી ઊંચાઈ ઉપર પહોંચાડનાર દરેક વ્યક્તિને હું અભિનંદન પાઠવુ છું. તમે વર્ષ 2015માં આ વિભાગ તૈયાર કર્યો હતો તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. પ્રકૃત્તિની સાથે મળીને અભ્યાસ અને જીવન બંનેનુ સાક્ષાત ઉદાહરણ તમારા વિશ્વ વિદ્યાલયનું સંકુલ છે. તમને પણ એ જોઈને આનંદ થતો હશે કે આપણો દેશ વિશ્વભારતીમાંથી નીકળેલા સંદેશને સમગ્ર વિશ્વમાં પહોંચાડી રહ્યો છે. ભારત હાલમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણના વિષયમાં વિશ્વમાં એક ખૂબ જ મોટી અને મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે. ભારત આજે સમગ્ર વિશ્વમાં એવો એક માત્ર દેશ છે કે જે પેરિસ કરારનાં પર્યાવરણનાં ધ્યેય હાંસલ કરવા માટે સાચા માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.

સાથીઓ,

આજે જ્યારે આપણે વિશ્વભારતી વિદ્યાલયનાં 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એ પરિસ્થિતિઓને પણ યાદ કરવી આવશ્યક છે જે તેની સ્થાપનાનો આધાર બની હતી. આવી પરિસ્થિતિ માત્ર અંગ્રેજોની ગુલામીને કારણે જ ઉભી થઈ હતી તેવુ નથી. તેની પાછળ સેંકડો વર્ષોનો અનુભવ પણ હતો. સેંકડો વર્ષો સુધી ચાલેલાં આંદોલનોની પશ્ચાદ્દભૂમિકા હતી. આજે આપ સૌ વિદ્વાનોની વચ્ચે હું એની વિશેષ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું, કારણ કે એ અંગે ખૂબ જ ઓછી વાત થઈ છે. તેની ઉપર ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યુ છે. તેની ચર્ચા એટલા માટે પણ આવશ્યક છે કે આ બધી બાબતો સીધે સીધી ભારતના સ્વતંત્રતા આંદોલન અને વિશ્વભારતીનાં ધ્યેય સાથે જોડાયેલી છે.

સાથીઓ,

આપણે જ્યારે આઝાદીની લડતની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં વીસમી અને એકવીસમી સદીનો વિચાર આવે છે, પરંતુ એ પણ એક તથ્ય છે કે આ આંદોલનોનો પાયો ઘણો વહેલો નાંખવામાં આવ્યો હતો. ભારતની આઝાદીનાં આંદોલનોને સદીઓ પહેલાંથી ચાલતાં આવતાં આંદોલનોમાંથી ઉર્જા મળી છે. ભારતની આદ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતાને પણ ભક્તિ આંદોલને મજબૂત કરવાનું કામ કર્યું છે. ભક્તિ યુગમાં ભારતના દરેક ક્ષેત્રમાં, દરેક વિસ્તાર- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક દિશામાં આપણાં સંતોએ ચેતનાને જાગૃત રાખવાનો પ્રયાસ કર્યો છે. જો દક્ષિણની વાત કરીએ તો નિમ્બાર્કાચાર્ય, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય જેવા સંતો થઈ ગયા. પશ્ચિમ તરફ નજર નાંખીએ તો મીરાંબાઈ, એકનાથ, તુકારામ, રામદાસ અને નરસિંહ મહેતા. જો ઉત્તર તરફ નજર નાંખીએ તો સંત રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરૂ નાનક દેવ, સંત રઈદાસ જેવા સંતો હતા. પૂર્વ તરફ અનેક અગણિત મહાપુરૂષો જોવા મળ્યા. કેટલાં બધાં નામ છે- ચૈતન્ય મહાપ્રભુ અને શ્રીમંત શંકરદેવ જેવા સંતોના વિચારોથી સમાજને ઉર્જા મળતી રહી હતી. ભક્તિકાળના એ સમયમાં રસખાન, સૂરદાસ, મલિક મોહંમદ જાયસી, કેશવદાસ વિદ્યાપતિ, ન જાણે કેટલાં બધાં મહાન વ્યક્તિત્વો થઈ ગયા કે જેમણે પોતાની રચનાઓથી, સમાજને સુધારવાનું અને તેને આગળ ધપાવવાનું કામ કર્યું છે અને પ્રગતિનો માર્ગ પણ બતાવ્યો છે. ભક્તિકાળમાં આ પૂણ્યાત્માઓએ દરેક લોકો વચ્ચે એકતા સાથે ઉભા રહેવાનું જોમ ઉભુ કર્યું. આના કારણે આ આંદોલનો દરેક પ્રાદેશિક સીમાઓની બહાર નીકળીને ભારતના દરેક ખૂણે ખૂણે પહોંચ્યાં હતાં. દરેક પંથ, દરેક વર્ગ, દરેક જાતિના લોકો, ભક્તિના પાયા ઉપર સ્વાભિમાન અને સાંસ્કૃતિ વારસા સાથે અડગ ઉભા રહ્યા. ભક્તિ આંદોલનનો એ દોર હતો કે જેણે સદીઓથી સંઘર્ષ કરી રહેલા ભારતમાં સામૂહિક ચેતના અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો.

સાથીઓ,

ભક્તિનો વિષય ત્યાં સુધી આગળ વધી શકતો નથી કે જ્યાં સુધી મહાન કાલિ ભક્ત રામ કૃષ્ણ પરમહંસની ચર્ચા ના કરવામાં આવે. એ મહાન સંત કે જેમના કારણે ભારતને સ્વામી વિવેકાનંદ મળ્યા. સ્વામી વિવેકાનંદે ભક્તિ, જ્ઞાન અને કર્મ ત્રણેયને પોતાનામાં સમાવ્યા હતા. તેમણે ભક્તિનો વ્યાપ વધારતા રહીને દરેક વ્યક્તિમાં દિવ્યતા જોવાનું શરૂ કર્યુ. તેમણે વ્યક્તિ અને સંસ્થાના નિર્માણ ઉપર ભાર મૂકતા રહીને કર્મની પણ અભિવ્યક્તિ કરી અને પ્રેરણા પણ આપી હતી.

સાથીઓ,

ભક્તિ આંદોલનના સેંકડો વર્ષના કાલ ખંડની સાથે-સાથે દેશમાં કર્મ આંદોલન પણ ચાલ્યું. સદીઓથી ભારતના લોકો ગુલામી અને સામ્રાજ્યવાદ સામે લડત આપી રહ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ હોય કે પછી મહારાણા પ્રતાપ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી કિત્તૂરની રાણી ચેનમ્મા હોય કે પછી ભગવાન બીરસા મુંડાનો સશસ્ત્ર સંગ્રામ હોય, અન્યાય અને શોષણ સામે સામાન્ય નાગરિકોના તપ અને ત્યાગ તર્પણની કર્મ કઠોર સાધના એ સમયે પોતાની ચરમસીમાએ હતી. તે આપણાં આઝાદીની લડતની ખૂબ મોટી પ્રેરણા બની રહી.

સાથીઓ,

જ્યારે ભક્તિ અને કર્મની ધારાઓ પૂર બહારમાં હતી તે સમયે તેની સાથે સાથે જ્ઞાનની સરિતાનો આ નૂતન ત્રિવેણી સંગમ આઝાદીના આંદોલનની ચેતના બની ગયો હતો. આઝાદીની ધગશમાં ભાવ-ભક્તિની ભરપૂર પ્રેરણા હતી. સમયની એ માંગ હતી કે જ્ઞાનના પાયા પર આઝાદીનો જંગ જીતવા માટે વૈચારિક આંદોલન પણ હાથ ધરવામાં આવે અને સાથે સાથે ઉજ્જવળ ભાવિ અને ભારતના નવા નિર્માણ માટે નવી પેઢીને પણ તૈયાર કરવામાં આવે અને તેમાં ખૂબ મોટી ભૂમિકા નિભાવીને તે સમયે સ્થાપિત થયેલી અનેક પ્રતિષ્ઠીત શિક્ષણ સંસ્થાઓએ, વિશ્વ વિદ્યાલયો, વિશ્વભારતી યુનિવર્સિટી હોય, બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય હોય, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હોય, નેશનલ કોલેજ હોય કે જે અત્યારે લાહોરમાં છે. મૈસૂર યુનિવર્સિટી હોય, ત્રિચી નેશનલ કોલેજ હોય, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ હોય કે ગુજરાત વિદ્યાપીઠ હોય, વિલીંગ્ટન કોલેજ હોય, જામિયા મિલિયા ઈસ્માઈલિયા હોય, લખનઉ યુનિવર્સિટી હોય, પટના યુનિવર્સિટી હોય, દિલ્હી વિશ્વ વિદ્યાલય હોય, આંધ્ર યુનિવર્સિટી હોય, અન્નામલાઈ યુનિવર્સિટી જેવી અનેક સંસ્થાઓ તે સમયે દેશમાં સ્થાપિત થઈ હતી. આ યુનિવર્સિટીઓમાં ભારતની એક બિલકુલ નવી વિદ્વતાનો વિકાસ થયો. આ શિક્ષણ સંસ્થાઓએ ભારતની આઝાદી માટે ચાલી રહેલા વૈચારિક આંદોલનને નવી ઉર્જા આપી, નવી દિશા આપી, નવી ઉંચાઈ આપી. ભક્તિ આંદોલનને કારણે આપણે સંગઠીત થયા, જ્ઞાન આંદોલને બૌધ્ધિક મજબૂતી આપી અને કર્મ આંદોલને આપણને પોતાનો હક્ક મેળવવા માટે લડાઈ લડવાનો ઉત્સાહ પૂરો પાડ્યો અને સાહસ આપ્યું. સેંકડો વર્ષના આ કાલખંડમાં ચાલેલા આંદોલન, ત્યાગ, તપસ્યા અને તર્પણનું અનોખું ઉદાહરણ બની ગયા હતા. આ આંદોલનોથી પ્રેરણા મેળવીને હજારો લોકો આઝાદીની લડાઈમાં બલિદાન આપવા માટે એક પછી એક આગળ આવતા હતા.

સાથીઓ,

જ્ઞાનના આ આંદોલનને ગુરૂદેવ દ્વારા સ્થાપિત વિશ્વ વિદ્યાલયે નવી ઉર્જા આપી હતી. ગુરૂદેવે જે રીતે ભારતની સંસ્કૃતિને જોડવાની સાથે સાથે પોતાની પરંપરાઓને જોડીને વિશ્વ ભારતીને જે સ્વરૂપ આપ્યું તેના કારણે દેશ સામે રાષ્ટ્રવાદની એક મજબૂત ઓળખ સામે આવી. સાથે સાથે તેમણે વિશ્વ બંધુત્વ ઉપર પણ એટલો જ ભાર મૂક્યો હતો.

સાથીઓ,

વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનનો આ પ્રવાહ ગુરૂદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ ઉભરી આવતો હતો અને એ પ્રવાહ અંતર્મુખી ન હતો, તે ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ રાખનારો પણ ન હતો. તેમનું એવું વિઝન હતું કે જે ભારતમાં સર્વશ્રેષ્ઠ છે તેનો લાભ દુનિયાને પણ મળવો જ જોઈએ અને દુનિયામાં જે સારી બાબતો છે તેમાંથી ભારતે પણ શીખવું જોઈએ. તમારા વિશ્વ વિદ્યાલયનું નામ જ જુઓ- વિશ્વ ભારતી. મા ભારતી અને વિશ્વની સાથે સમન્વય કરવામાં આવ્યો છે. ગુરૂદેવ સર્વ સમાવેશી અને સર્વ સ્પર્શી સહઅસ્તિત્વ અને સહયોગના માધ્યમથી માનવ કલ્યાણના વ્યાપક લક્ષ્યને આગળ ધપાવી રહ્યા હતા. વિશ્વ ભારતી માટે ગુરૂદેવનું આ વિઝન આત્મનિર્ભર ભારતનો જ સાર છે.

આત્મનિર્ભર ભારત અભિયાન પણ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો જ માર્ગ છે. તે અભિયાન ભારતને સશક્ત કરવાનું અભિયાન છે. ભારતની સમૃધ્ધિની સાથે સાથે વિશ્વમાં સમૃધ્ધિ લાવવાનું અભિયાન છે. ઈતિહાસ સાક્ષી છે કે એક સશક્ત અને આત્મનિર્ભર ભારતે હંમેશા સમગ્ર વિશ્વ સમુદાયનું ભલું કર્યું છે. આપણો વિકાસ એકાંકી નહીં, પણ વૈશ્વિક, સમગ્ર અને એટલું જ નહીં આપણી રગેરગમાં જે ભરેલું છે તે સર્વે ભવન્તુ સુખિનઃ નું છે. ભારતી અને વિશ્વનો આ સંબંધ તમારા કરતાં વધુ સારી રીતે કોણ જાણ શકે તેમ છે ? ગુરૂદેવે આપણને ‘સ્વદેશી સમાજ’ નો સંકલ્પ આપ્યો હતો. તે આપણાં ગામડાંને, આપણ ખેતીને આત્મનિર્ભર જોવા માંગતા હતા. તે વાણિજ્ય અને વ્યાપારને પણ આત્મનિર્ભર જોવા માંગતા હતા. તે કલા અને સાહિત્યને પણ આત્મનિર્ભર જોવા માંગતા હતા. તેમણે આત્મિનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ‘આત્મશક્તિ’ ની વાત કરી હતી. આત્મશક્તિની ઉર્જાથી રાષ્ટ્ર નિર્માણ સુધીની જે વાતો તેમણે કરી હતી તે આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્રનું નિર્માણ એક રીતે જોઈએ તો પોતાના આત્માની પ્રાપ્તિનો જ વિસ્તાર છે. જ્યારે આપણે પોતાના વિચારોથી અને પોતાના કાર્યોથી આપણાં કર્તવ્યને નિભાવીને દેશનું નિર્માણ કરીએ છીએ ત્યારે તમને દેશના આત્મામાં પણ પોતાનો આત્મા નજરે પડતો હોય.’

સાથીઓ,

ભારતનો આત્મા, ભારતની આત્મનિર્ભરતા અને ભારતનું આત્મસન્માન એક બીજા સાથે જોડાયેલા છે. ભારતના આત્મ સન્માનના રક્ષણ માટે તો બંગાળની અનેક પેઢીઓએ પોતાની જાત ખપાવી દીધી છે. યાદ કરો, ખુદારીમ બોઝને કે જે માત્ર 18 વર્ષની ઉંમરે ફાંસી પર ચઢી ગયા, પ્રફુલ્લ ચાકી કે જે 19 વર્ષની ઉંમરે શહિદ થઈ ગયા, બીના દાસ કે જેમને બંગાળની અગ્નિ કન્યા તરીકે ઓળખવામાં આવતા હતા તેમને માત્ર 21 વર્ષની વયે જેલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રીતિ લતા વડ્ડેદારે માત્ર 21 વર્ષની ઉંમરે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું હતું. આવા તો અગણિત લોકો કદાચ, તેમના નામ ઈતિહાસમાં પણ અંકિત નહીં થયા હોય. આ બધાંએ દેશના આત્મ સન્માન માટે હસતાં હસતાં મોતને ગળે લગાવી દીધું હતું. આજે તેમનામાંથી પ્રેરણા લઈને આપણે આત્મનિર્ભર ભારત માટે જીવવાનું છે અને એ સંકલ્પને પૂરો કરવાનો છે.

સાથીઓ, ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવામાં તમારૂં દરેક યોગદાન સમગ્ર વિશ્વને એક બહેતર સ્થાન બનાવશે. વર્ષ 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના છે. વિશ્વ ભારતીની સ્થાપનાના 27 વર્ષ પછી ભારત આઝાદ થયું હતું. આજથી 27 વર્ષ પછી ભારત પોતાની આઝાદીની 100 વર્ષનું પર્વ મનાવશે. આપણે નવા લક્ષ્ય ઘડવા પડશે, નવી ઉર્જા મેળવવી પડશે. નવી પધ્ધતિથી પોતાની મજલ શરૂ કરવી પડશે અને એ પ્રવાસમાં આપણું માર્ગદર્શન બીજું કોઈ નહીં પણ ગુરૂદેવની વાતો જ પૂરૂં પાડશે. તેમનો વિચાર કરીએ અને જે પ્રેરણા મળે છે, જે સંકલ્પ પ્રાપ્ત થાય છે તેના કારણે લક્ષ્ય પણ આપોઆપ મળી જાય છે.

વિશ્વ ભારતીની જ વાત કરૂં તો આ વર્ષે અહીંયા ઐતિહાસિક પૌષ મેળાનું આયોજન થઈ શક્યું નથી. 100 વર્ષની મજલમાં ત્રીજી વખત આવુ થયું છે. આ મહામારીએ આપણને તેનું મૂલ્ય સમજાવ્યું છે. વોકલ ફોર લોકલ, પૌષ મેળાની સાથે આ મંત્ર હંમેશાથી જોડાયેલો રહ્યો છે. મહામારીને કારણે આ મેળામાં જે કલાકારો આવતા હતા, જે હસ્તકળા ધરાવતા સાથીદારો આવતા હતા તે આવી શક્યા નથી. આપણે જ્યારે આત્મસન્માનની વાત કરી રહ્યા છીએ ત્યારે, આત્મ નિર્ભરતાની વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં એક આગ્રહ બાબતે આપ સૌ મારી મદદ કરો, મારૂં કામ કરો. વિશ્વ ભારતીના છાત્ર- છાત્રાઓ પૌષ મેળામાં આવનારા કલાકારનોનો સંપર્ક કરે અને તેમના ઉત્પાદનો બાબતે જાણકારી મેળવે અને આ ગરીબ કલાકારોની કલા-કૃતિઓને ઓનલાઈન કેવી રીતે વેચી શકાય, સોશ્યલ મીડિયાની તેમાં શું મદદ મળી શકે તે બધું જુએ, તેની ઉપર કામ કરે અને એટલું જ નહીં, ભવિષ્યમાં પણ સ્થાનિક કલાકારો અને હસ્તકલાના કસબીઓને આ પ્રકારે જે સાથી પોતાના વિશ્વના બજાર સુધી લઈ જઈ શકે તે માટે તેમને શીખવો. તેમના માટે રસ્તો બનાવી આપો. આ પ્રકારના અનેક પ્રયાસોથી જ દેશ આત્મનિર્ભર બનશે. આપણે ગુરૂદેવના સપનાં પૂરાં કરી શકીશું. તમને ગુરૂદેવનો સૌથી પ્રેરણાદાયી મંત્ર તો યાદ જ છે. जॉदि तोर डाक शुने केऊ न आशे तोबे एकला चलो रे।”, -કોઈપણ સાથે ના આવે તો પણ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે એકલા ચાલવું પડે તો જરૂર ચાલો.

સાથીઓ,

ગુરૂદેવ કહેતા હતા કે ‘સંગીત અને કલાની અભિવ્યક્તિ વગર રાષ્ટ્ર પોતાની વાસ્તવિક શક્તિ ગૂમાવી દે છે અને તેમના નાગરિકોની ઉત્કૃષ્ટતા બહાર આવી શકતી નથી.’ ગુરૂદેવે આપણાં સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાની સુરક્ષા, પોષણ અને વિસ્તારને ખૂબ જ મહત્વપૂર્ણ માન્યો છે. જો આપણે એ સમયના બંગાળને જોઈએ તો એક અદ્દભૂત બાબત નજરે પડે છે. જ્યારે ચારે તરફ આઝાદીના આંદોલનનું પૂર ચાલી રહ્યું હતું ત્યારે બંગાળ તે આંદોલનને દિશા આપવાની સાથે સાથે સાંસ્કૃતિક પોષક પણ બનીને ઉભુ હતું. બંગાળમાં ચારે તરફ સંસ્કૃતિ, સાહિત્ય, સંગીતની અનુભૂતિ પણ એક રીત કહીએ તો આઝાદીના આંદોલનને શક્તિ પૂરી પાડી રહી હતી.

સાથીઓ,

ગુરૂદેવે દાયકાઓ પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી. અને આ ભવિષ્યવાણી શું હતી, તેમણે કહ્યું હતું કે ओरे नोतून जुगेर भोरे, दीश ने शोमोय कारिये ब्रिथा, शोमोय बिचार कोरे, ओरे नोतून जुगेर भोरे, ऐशो ज्ञानी एशो कोर्मि नाशो भारोतो-लाज हे, बीरो धोरमे पुन्नोकोर्मे बिश्वे हृदय राजो हे। ગુરૂદેવના આ ઉપદેશને, આ ઉદ્દઘોષને સાકાર કરવાની જવાબદારી આપણાં સૌની છે.

સાથીઓ,

ગુરૂદેવે વિશ્વ ભારતીની સ્થાપના માત્ર શિક્ષણને કેન્દ્રમાં રાખીને કરી ન હતી. તે તેને ‘સીટ ઓફ લર્નીંગ’ શીખવાના એક પવિત્ર સ્થાન તરીકે જોતા હતા. ભણવું અને શીખવું બંને વચ્ચેનો જે તફાવત છે તેને ગુરૂદેવ માત્ર એક જ વાક્યથી સમજાવી શકતા હતા. તેમણે કહ્યું હતું કે ‘મને યાદ નથી કે મને, શું ભણાવવામાં આવ્યું હતું. મને માત્ર એટલું જ યાદ છે કે હું શીખ્યો છું.’ આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરતાં ગુરૂદેવ ટાગોરે કહ્યું હતું કે ‘સૌથી મોટું શિક્ષણ એ છે કે જે આપણને માત્ર જાણકારી જ આપે નહીં, પણ સૌની સાથે જીવવાનું શીખવે. તેમનો સમગ્ર દુનિયા માટે એ સંદેશો હતો કે જ્ઞાનને વિસ્તારની મર્યાદામાં બાંધવાની કોશિશ નહીં કરવી જોઈએ.’ તેમણે યજુર્વેદના મંત્રને વિશ્વનો મંત્ર બનાવ્યો. ‘यत्र विश्वम भवत्येक नीड़म’ જ્યાં સમગ્ર વિશ્વ એક નીડ બની જાય, માળો બની જાય, તે સ્થળ કે જ્યાં નિત્ય નવા સંશોધન થાય. એવુ સ્થળ કે જ્યાં તમામ લોકો સાથે મળીને આગળ ધપે અને જે રીતે હમણાં આપણાં શિક્ષણ મંત્રી વિસ્તારપૂર્વક કહી રહ્યા હતા તેમ ગુરૂદેવ કહેતા હતા કે ‘चित्तो जेथा भय शुन्नो, उच्चो जेथा शिर, ज्ञान जेथा मुक्तो’ નો અર્થ એ થાય છે કે આપણે એવી વ્યવસ્થા ઉભી કરીએ કે જ્યાં આપણાં મનમાં કોઈ ડર ના હોય, આપણું મસ્તક ઉંચુ રહે અને જ્ઞાનના બંધનોથી મુક્ત થાય. આજે દેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી આ ઉદ્દેશને પણ પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ શિક્ષણ નીતિને લાગુ કરવામાં વિશ્વ ભારતીની મોટી ભૂમિકા છે. તમારી પાસે 100 વર્ષનો અનુભવ છે, વિધ્વતા છે, દિશા છે, દર્શન છે અને ગુરૂદેવના આશીર્વાદ તો છે જ. જેટલી વધુ શિક્ષણ સંસ્થાઓ સાથે વિશ્વ ભારતીનો આ બાબતે સંવાદ થશે તો અન્ય સંસ્થાઓની પણ સમજમાં વધારો અને આસાની થશે.

સાથીઓ,

હું જ્યારે ગુરૂદેવ અંગે વાત કરતો હોઉં છું ત્યારે એક મોહથી પોતાની જાતને રોકી શકતો નથી. ગઈ વખતે જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે પણ મેં એ બાબતનો થોડોક ઉલ્લેખ કર્યો હતો. હું ફરીથી ગુરૂદેવ અને ગુજરાતની આત્મીયતાને યાદ કરૂં છું. આ બાબત વારંવાર યાદ કરવી એટલા માટે જરૂરી બને છે, કારણ કે તે આપણને એક ભારત- શ્રેષ્ઠ ભારતની ભાવનાથી ભરી દે છે. અલગ ખાન- પાન અને પહેરવેશ ધરાવતો આપણો દેશ એક બીજા સાથે એટલો જ જોડાયેલો છે અને તે બતાવે છે કે આપણો દેશ કેવી કેવી વિવિધતાઓથી ભરેલો છે. આપણો દેશ એક છે અને એક બીજા પાસેથી ઘણું બધું શીખતો રહેતો હોય છે.

સાથીઓ, ગુરૂદેવના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર જ્યારે આઈસીએસમાં હતા ત્યારે તેમની નિમણુંક ગુજરાતમાં અમદાવાદમાં થઈ હતી. રવિન્દ્રનાથ ટાગોર પણ ઘણી વખત ગુજરાત આવતા હતા અને તેમણે ત્યાં ઘણો લાંબો સમય પણ વિતાવ્યો હતો. અમદાવાદમાં રહીને જ તેમણે પોતાની બે લોકપ્રિય બંગાળી કવિતાઓ ‘બંદી ઓ અમાર’ અને ‘નીરોબ રજની દેખો’ આ બંને કૃતિઓ રચી હતી. પોતાની પ્રસિધ્ધ રચના ‘ક્ષુદિત પાશાન’ નો એક હિસ્સો પણ તેમણે ગુજરાતના પ્રવાસ દરમિયાન જ લખ્યો હતો અને એટલું જ નહીં, ગુજરાતની જ એક દિકરી શ્રીમતી હઠીસીંગ ગુરૂદેવના ઘરે વહુ બનીને આવી હતી. આ ઉપરાંત પણ અનેક એવી હકિકતો છે કે જે બાબતે આપણે મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલા સંગઠનોનો અભ્યાસ કરવો જોઈએ. સત્યેન્દ્રનાથ ટાગોરજીની પત્ની જ્ઞાનંદિની દેવીજી જ્યારે અમદાવાદમાં રહેતા હતા ત્યારે તેમણે જોયું કે સ્થાનિક મહિલાઓ પોતાની સાડીનો પાલવ જમણા ખભે રાખે છે. જો પાલવ જમણા ખભા પર રાખવામાં આવે તો મહિલાઓને કામ કરવામાં પણ તકલીફ પડતી હતી. આ જોઈને જ્ઞાનંદિની દેવીએ એવો વિચાર કર્યો કે સાડીના પાલવને શા માટે ડાબી તરફ બાંધીને રાખવામાં ના આવે. હવે મને ઠીક ઠીક યાદ તો નથી, પણ એટલી ખબર છે કે સાડીનો પાલવ ડાબા ખભા પર રાખવાની બાબત તેમની જ દેણ છે. એક બીજા પાસેથી શીખીને, એક બીજાની સાથે આનંદથી રહીને, એક જ પરિવારની જેમ સાથે રહીને પોતાનાં સપનાં સાકાર કરી શકાય છે તેવું આ મહાન વિભૂતિઓએ ભાખ્યું હતું. આ જ સંસ્કાર ગુરૂદેવે પણ વિશ્વ ભારતીને આપ્યા છે અને આ સંસ્કારોને આપણે સાથે મળીને નિરંતર મજબૂત કરતાં રહેવાનું છે.

સાથીઓ, આપ સૌ જ્યાં પણ જશો, જે કોઈ પણ ક્ષેત્રમાં જશો ત્યાં તમારા જ પરિશ્રમથી એક નવા ભારતનું નિર્માણ થશે. હું ગુરૂદેવની પંક્તિઓ સાથે પોતાની વાત અહીં પૂરી કરીશ. તેમણે કહ્યુ હતું ओरे गृहो-बाशी खोल दार खोल, लागलो जे दोल, स्थोले, जोले, मोबोतोले लागलो जे दोल, दार खोल, दार खोल! દેશમાં નવી સંભાવનાઓના દ્વાર તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમે સફળ થાવ, આગળ ધપો અને દેશના સપનાં પણ પૂરાં કરો. આવી શુભેચ્છા સાથે ફરી એક વખત આપ સૌને ખૂબ-ખૂબ ધન્યવાદ અને આ શતાબ્દી વર્ષમાં આપણી આગળની યાત્રા માટે એક મજબૂત માઈલ સ્ટોન બનો. નવી ઉંચાઈઓ પર લઈ જાવ અને વિશ્વ ભારતી જે સપનાંઓ સાથે જન્મી હતી તે સપનાંઓને સાકાર કરતાં કરતાં વિશ્વ કલ્યાણનો માર્ગ ઉજ્જવળ બનાવવા માટે અને ભારતના કલ્યાણનો માર્ગ મજબૂત કરવા માટે આગળ ધપો તેવી મારી આપ સૌને શુભકામના છે.

ખૂબ ખૂબ ધન્યવાદ !

SD/GP/BT



(Release ID: 1683632) Visitor Counter : 348