આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને મેટ્રિક પછી અભ્યાસ કરવા શિષ્યવૃત્તિ યોજનામાં પરિવર્તનકારક ફેરફારોને મંજૂરી આપી


સરકારે અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસને મોટું પ્રોત્સાહન આપ્યું. 5 વર્ષમાં અનુસૂચિત જાતિઓના 4 કરોડથી વધારે વિદ્યાર્થીઓને મેટ્રિક પછી ઉચ્ચ અભ્યાસ કરવા માટે રૂ. 59,000 કરોડની શિષ્યવૃત્તિની યોજનાને મંજૂરી આપી

Posted On: 23 DEC 2020 4:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના ‘અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસ કરવાની શિષ્યવૃત્તિ (પીએમએસ-એસસી)માં મુખ્ય અને પરિવર્તનકારક ફેરફારો કરવાની મંજૂરી આપી હતી, જેથી આગામી 5 વર્ષમાં અનુસૂચિત જાતિઓના 4 કરોડથી વધારે વિદ્યાર્થીઓને લાભ થશે અને તેઓ તેમનું ઉચ્ચ શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે.

મંત્રીમંડળે કુલ રૂ. 59,048 કરોડના રોકાણની મંજૂરી આપી છે, જેમાંથી કેન્દ્ર સરકાર રૂ. 35,534 કરોડ (60 ટકા)નો ખર્ચ કરશે અને બાકીની રકમનો ખર્ચ રાજ્ય સરકારો કરશે. આ હાલની પ્રતિબદ્ધ જવાબદારીની વ્યવસ્થાનું સ્થાન લેશે અને આ મહત્ત્વપૂર્ણ યોજનામાં કેન્દ્ર સરકારના ખર્ચનો હિસ્સો વધશે.

અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિની યોજના વિદ્યાર્થીઓને ધોરણ 11થી શરૂ થતા મેટ્રિક પછીના કોઈ પણ અભ્યાસક્રમ હાથ ધરવા શિષ્યવૃત્તિ આપે છે, જેમાં સરકાર શિક્ષણના ખર્ચનું વહન કરે છે.

કેન્દ્ર સરકાર આ પ્રયાસને મોટું પ્રોત્સાહન અને વધુ વેગ આપવા પ્રતિબદ્ધ છે, જેથી અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓનો જીઇઆર (ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણીનો રેશિયો) 5 વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય માપદંડને હાંસલ કરશે.

આ સુધારાવધારાની વિગતો નીચે મુજબ છેઃ

યોજનામાં મુખ્યત્વે અતિ ગરીબ વિદ્યાર્થીઓની ભરતી કરવા, શિષ્યવૃત્તિની સમયસર ચુકવણી કરવા, વિસ્તૃત જવાબદારી, સતત નિરીક્ષણ અને સંપૂર્ણ પારદર્શકતા લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

  1. અતિ ગરીબ કુટુંબોમાંથી ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની શાખામાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહન આપવા એક અભિયાન શરૂ કરવામાં આવશે. એક અંદાજ મુજબ, આ પ્રકારના 1.36 અતિ ગરીબ વિદ્યાર્થીઓને આગામી 5 વર્ષમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં લાવવામાં આવશે, જેઓ હાલ ધોરણ 10 પછી વધારે અભ્યાસ કરી શકતા નથી.
  2. આ યોજના મજબૂત સાયબર સુરક્ષાના પગલાં સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાલશે, જે પારદર્શકતા, જવાબદારી, કાર્યદક્ષતા અને કોઈ પણ પ્રકારના વિલંબ વિના સમયસર સહાય આપવાની સુનિશ્ચિતતા કરશે.
  3. રાજ્યો ઓનલાઇન પોર્ટલ પર લાયકાત, જાતિનો દરજ્જો, આધાર ઓળખ અને બેંક ખાતાની વિગતોની વિગતોનું ફૂલ-પ્રૂફ વેરિફિકેશન કરશે.
  4. આ યોજના અંતર્ગક વિદ્યાર્થીઓને નાણાકીય સહાયનું હસ્તાંતરણ ડીબીટી (સહાયનું બેંક ખાતામાં સીધું હસ્તાંતરણ) પદ્ધતિ દ્વારા કરવામાં આવશે અને આધાર સક્ષમ ચુકવણી વ્યવસ્થાનો ઉપયોગ વધારે પસંદ કરવામાં આવશે. વર્ષ 2021-22થી શરૂ થનારી આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો (60 ટકા) નિયમિત સમયે ડીબીટી પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં સીધો હસ્તાંતરિત કરવામાં આવશે. આ માટે અગાઉથી સંબંધિત રાજ્ય સરકારો તેમનો હિસ્સો આપે એ સુનિશ્ચિત કરવામાં આવશે.
  5. સામાજિક ચકાસણી, વર્ષ ત્રીજા પક્ષ દ્વારા આકારણી અને દરેક સંસ્થા પાસેથી અર્ધવાર્ષિક સેલ્ફ-ઓડિટેડ રિપોર્ટ દ્વારા નિરીક્ષણની વ્યવસ્થાને વધારે મજબૂત કરવામાં આવશે.

વર્ષ 2017-18થી વર્ષ 2019-20 દરમિયાન વર્ષે આશરે રૂ. 1100 કરોડનો કેન્દ્ર સરકારનો હિસ્સો વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન પાંચ ગણો વધીને વર્ષે આશરે રૂ. 6000 કરોડ થશે.

 

SD/GP/BT



(Release ID: 1683037) Visitor Counter : 259