પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું


મહામારી દરમિયાન AMUએ આપેલા યોગદાનની પ્રશંસા કરી

દેશના સંસાધનો પ્રત્યેક નાગરિક સાથે સંકળાયેલા છે અને તેનો લાભ સૌને મળવો જોઇએ: પ્રધાનમંત્રી

ધર્મના કારણે કોઇપણ વ્યક્તિને પાછળ રાખવામાં આવશે નહીં: પ્રધાનમંત્રી

Posted On: 22 DEC 2020 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના શતાબ્દી મહોત્સવમાં સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગની સ્મૃતિ રૂપે એક ટપાલ ટિકિટનું પણ વિમોચન કર્યું હતું.

પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ સર સૈયદની ટિપ્પણી "પોતાના દેશ માટે ચિંતિત પ્રત્યેક વ્યક્તિની સૌપ્રથમ અને સર્વોપરી ફરજ છે કે, તે તમામ લોકોના કલ્યાણ અર્થે કામ કરે. આમાં કોઇપણ જાતિ, વંશ કે ધર્મને ધ્યાનમાં રાખવા જોઇએ નહીં”, યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ એવા માર્ગે આગળ વધી રહ્યો છે જ્યાં દરેક નાગરિક તેને અથવા તેણીને બંધારણમાં આપવામાં આવેલા અધિકારોથી ખાતરીબદ્ધ છે અને કોઇપણ વ્યક્તિને તેમના ધર્મના આધારે પાછળ છોડવી જોઇએ નહીં અને 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' મંત્રનો પણ મૂળાધાર છે. શ્રી મોદીએ સરકારની કેટલીક એવી યોજનાઓના ઉદાહરણ આપ્યાં હતાં જે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર પ્રત્યેક વ્યક્તિને લાભ આપે છે. કોઇપણ ભેદભાવ રાખ્યા વગર 40 કરોડ ગરીબ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા. કોઇપણ ભેદભાવ રાખ્યા વગર, 2 કરોડથી વધુ ગરીબ લોકો માટે પક્કા ઘર (પાકુ ઘર). કોઇપણ ભેદભાવ રાખ્યા વગર, 8 કરોડથી વધુ મહિલાઓને રાંધણગેસના જોડાણો આપવામાં આવ્યા. કોઇપણ ભેદભાવ રાખ્યા વગર, આયુષમાન યોજના હેઠળ અંદાજે 50 કરોડ લોકોને રૂપિયા 5 લાખ સુધીની સારવારનો લાભ વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશના સંસાધનો પ્રત્યેક નાગરિક સાથે સંકળાયેલા છે અને તેનાથી તમામ લોકોને લાભ મળવો જોઇએ. અમારી સરકાર આ સમજ સાથે કામ કરી રહી છે.”

નવા ભારતની દૂરંદેશીમાં જે રાષ્ટ્ર અને સમાજના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે તેને કોઇ રાજકીય દૃશ્ટિકોણથી ના જોવી જોઇએ. શ્રી મોદીએ લોકોને ગેરમાર્ગે દોરતા અપપ્રચાર સામે સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો અને પોતાના દિલમાં રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા માટે કહ્યું હતું. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, રાજનીતિ પ્રતિક્ષા કરી શકે છે પરંતુ સમાજ ના કરી શકે, તેવી જ રીતે કોઇપણ વર્ગ સાથે સંકળાયેલી ગરીબ વ્યક્તિ પણ પ્રતિક્ષા ના કરી શકે. આપણે સમય વેડફી ના શકીએ અને આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઇએ. રાષ્ટ્રીય લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે, તમામ મતભેદો એકબાજુએ રાખીને કામ કરવું જોઇએ.

કોરોના મહામારીના સમય દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ સમાજ માટે આપેલા અભૂતપૂર્વ યોગદાનની પ્રધાનમંત્રીએ ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હજારો લોકોના વિનામૂલ્યે પરીક્ષણ, આઇસોલેશન વૉર્ડ્સનું નિર્માણ, પ્લાઝ્મા બેન્કો ઉભી કરવી અને PM કૅર ભંડોળમાં ખૂબ જ મોટાપાયે આર્થિક દાન આપવું, આ બધી જ બાબતો સમાજનું ઋણ અદા કરવા માટે પોતાની જવાબદારીઓ પૂરી કરવાની ગંભીરતા દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આજે, સુનિયોજિત પ્રયાસોની મદદથી ભારત સફળતાપૂર્વક કોરોના જેવી વૈશ્વિક મહામારીને પણ અંકુશમાં લઇ શક્યો છે અને દેશને સર્વોપરી મહત્વ આપવાનું શક્ય બન્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 100 વર્ષમાં AMUએ દુનિયામાં અન્ય સંખ્યાબંધ દેશો સાથે ભારતના સંબંધો ઘનિષ્ઠ બનાવવા માટે પણ કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉર્દૂ, અરેબિક અને પર્શિયન ભાષમાં થયેલા સંશોધનો, ઇસ્લામિક સાહિત્ય પર થયેલા સંશોધનો સમગ્ર ઇસ્લામિક વિશ્વ સાથે ભારતના સાંસ્કૃતિક સંબંધોને નવી ઉર્જા પૂરી પાડે છે. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોતાના સોફ્ટપાવર (જ્ઞાનની શક્તિ)માં હજુ વધારો કરવાની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાની જવાબદારીઓ પરિપૂર્ણ કરવાની બેવડી જવાબદારી ધરાવે છે.

પ્રધાનમંત્રીએ જ્યારે શૌચાલયોની સુવિધાના અભાવના કારણે મુસ્લિમ દીકરીઓનો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાનો દર 70 ટકાથી પણ વધારે હતો તે સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારે પોતાના સ્વચ્છ ભારત મિશન હેઠળ, શાળાએ જતી દીકરીઓ માટે મિશન મોડના આધારે અલગ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. હવે, મુસ્લિમ દીકરીઓ દ્વારા અધવચ્ચેથી અભ્યાસ છોડી દેવાનો દર ઘટીને 30 ટકાથી પણ ઓછો થઇ ગયો છે. શાળા છોડી દેનારા વિદ્યાર્થીઓ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા "સેતૂરૂપ અભ્યાસક્રમોની પણ તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર મુસ્લિમ દીકરીઓના અભ્યાસ પર અને તેમના સશક્તિકરણ પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં, લગભગ એક કરોડ મુસ્લિમ દીકરીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવી છે. તેમણે વધુમાં એ બાબત પર ભાર મૂક્યો હતો કે, જાતિ આધારિત કોઈપણ પ્રકારનો ભેદભાવ ના હોવો જોઇએ, દરેકને સમાન અધિકારો મળવા જોઇએ, દરેકને દેશમાં થતા વિકાસનો લાભ મળવો જોઇએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશે આધુનિક મુસ્લિમ સમાજનું નિર્માણ કરવા માટે પોતાના પ્રયાસો આગળ ધપાવીને ત્રિપલ તલાક જેવી કુપ્રથાનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ કહેવાતું હતું કે જો એક મહિલા ભણી જાય તો આખો પરિવાર શિક્ષિત થઇ જાય છે. શિક્ષણની સાથે સાથે રોજગારી પણ આવે છે અને ઉદ્યમશીલતા પણ આવે છે. રોજગારી અને ઉદ્યમશીલતાની સાથે આર્થિક સ્વતંત્રતા પણ આવે છે. આર્થિક સ્વતંત્રતામાંથી જ સશક્તિકરણ આવે છે. એક સશક્ત મહિલા દરેક સ્તરે લેવાતા પ્રત્યેક નિર્ણયોમાં અન્ય કોઇપણ વ્યક્તિની જેમ જ સમાન પ્રમાણમાં યોગદાન આપે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, AMUએ પોતાના ઉચ્ચ અભ્યાસમાં પોતાના સમકાલીન અભ્યાસક્રમ દ્વારા સંખ્યાબંધ લોકોને આકર્ષિત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં આંતરશાખીય વિષયો છે જે આ યુનિવર્સિટીમાં પહેલાંથી જ શીખવવામાં આવે છે તેની જેવા જ છે. તેમણે કહ્યું હતું કે, આપણા દેશના યુવાનો 'સૌથી પહેલા રાષ્ટ્ર'ના આહ્વાન સાથે દેશને આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે. ભારતના યુવાનોની આ મહત્વાકાંક્ષાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બહુવિધ પ્રવેશ અને નિકાસના પોઇન્ટ્સની મદદથી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ સંબંધિત નિર્ણયો લેવાનું વધુ સરળ બની જશે. આનાથી વિદ્યાર્થીઓને સમગ્ર અભ્યાસક્રમની ફીની ચિંતા કર્યા વગર તેમના નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ મળી રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓના પ્રવેશની સંખ્યા અને બેઠકો વધારવાની દિશામાં પણ સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, શિક્ષણ ઑનલાઇન આપવાનું હોય કે પછી ઑફલાઇન, દરેક સ્થિતિમાં સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રયાસશીલ છે કે દરેક સુધી શિક્ષણ પહોંચે અને દરેકના જીવનમાં પરિવર્તનો આવે. તેમણે AMUની 100 હોસ્ટેલને યુનિવર્સિટીની 100 વર્ષના આ પ્રસંગે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુરૂપ ઇતરપ્રવૃત્તિઓ કરવા માટે, બહુ ઓછા જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે સંશોધન કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

 

SD/GP/BT



(Release ID: 1682675) Visitor Counter : 251