પ્રધાનમંત્રીનું કાર્યાલય

એસોચેમ ફાઉન્ડેશન વીક 2020માં પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ

Posted On: 19 DEC 2020 1:45PM by PIB Ahmedabad

નમસ્કારજી,

એસોચેમન અધ્યક્ષ શ્રીમાન નિરંજન હીરાનંદાનીજી, આ દેશના વરિષ્ઠ ઉદ્યોગ જગતના પ્રેરણા પુરુષ શ્રીમાન રતન ટાટાજી, દેશના ઉદ્યોગ જગતને લીડરશિપ આપનારા તમામ સાથીઓ, દેવીઓ અને સજ્જનો!

આપણે ત્યાં કહેવાય છે કે “ कुर्वन्नेह कर्माणि जिजी-विषेत् शतं समा:! અર્થાત કર્મ કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા રાખો. આ વાત એસોચેમની માટે એકદમ સાચી પુરવાર થાય છે. વિતેલા 100 વર્ષોમાં આપ સૌ દેશના અર્થતંત્રને, કરોડો ભારતીયોના જીવનને વધુ સારું બનાવવા માટે લાગેલા છો. આ જ વાત શ્રીમાન રતન ટાટાજી માટે, સંપૂર્ણ ટાટા સમૂહ માટે પણ એટલી જ સાચી છે. ભારતના વિકાસમાં ટાટા પરિવારનું, ટાટા સમુહનું તેમના યોગદાન માટે તેમને આજે અહિયાં સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ટાટા જુથની દેશના વિકાસમાં બહુ મોટી ભૂમિકા રહી છે.

સાથીઓ,

વિતેલા 100 વર્ષોમાં તમે આઝાદીની લડાઈથી લઈને દેશના વિકાસની યાત્રા સુધીના પ્રત્યેક ઉતાર ચઢાવમાં ભાગીદાર રહ્યા છો. એસોચેમની સ્થાપનાના શરૂઆતના 27 વર્ષ ગુલામીના કાલખંડમાં વિત્યા. તે સમયે દેશની આઝાદી, સૌથી મોટું લક્ષ્ય હતું. તે સમયે તમારા સપનાઓની ઉડાન બેડીઓમાં જકડાયેલી હતી. હવે એસોચેમના જીવનમાં જે આગળના 27 વર્ષ આવી રહ્યા છે, તે બહુ મહત્વપૂર્ણ છે. 27 વર્ષ પછી 2047માં દેશ પોતાની આઝાદીના 100 વર્ષ પૂર્ણ કરશે. તમારી પાસે બેડીઓ નથી, આકાશને આંબવાની પૂરે પૂરી આઝાદી છે અને તમારે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવવાનો છે. હવે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતની માટે તમારે સંપૂર્ણ તાકાત લગાવી દેવી જોઈએ. આ સમયે દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. નવી ટેકનોલોજીના રૂપમાં પડકારો પણ આવશે અને અનેક નવા સરળ ઉપાયો પણ આવશે અને એટલા માટે આજે તે સમય છે, જ્યારે આપણે આયોજન પણ કરવાનું છે અને કાર્ય પણ કરવાનું છે. આપણે દરેક વર્ષના, દરેક લક્ષ્યને રાષ્ટ્ર નિર્માણના એક બૃહદ લક્ષ્યાંક સાથે જોડવાનું છે.

સાથીઓ,

આવનારા 27 વર્ષો ભારતની વૈશ્વિક ભૂમિકાને જ નક્કી કરવાના છે એટલું જ નથી પરંતુ તે આપણાં ભારતીયોના સપનાઓ અને સમર્પણ બંનેની પરીક્ષા પણ લેનારા છે. આ સમય ભારતીય ઉદ્યોગના રૂપમાં તમારી ક્ષમતા, પ્રતિબદ્ધતા અને હિંમતને આખી દુનિયાને આપણે એક વાર વિશ્વાસ સાથે દેખાડવાના છે. અને આપણો પડકાર માત્ર આત્મનિર્ભરતા જ નથી. પરંતુ આપણે આ લક્ષ્યને કેટલી જલ્દી પ્રાપ્ત કરી શકીએ છીએ, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

ભારતની સફળતાને લઈને આજે દુનિયામાં જેટલી હકારાત્મકતા છે, કદાચ એટલી પહેલા ક્યારેય નથી રહી. આ હકારાત્મકતા આવી છે 130 કરોડથી વધુ ભારતીયોના અભૂતપૂર્વ આત્મવિશ્વાસ વડે. હવે આગળ વધવા માટે ભારત નવા રસ્તા બનાવી રહ્યું છે, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

દરેક ક્ષેત્રની માટે સરકારની નીતિ શું છે, રણનીતિ શું છે, પહેલા અને હવે શું પરિવર્તન આવ્યું છે, તેને લઈને વિતેલા સત્રોમાં સરકારના મંત્રીઓ અને અન્ય સાથીઓએ તમારા બધાની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. એક જમાનામાં આપણે ત્યાં જે પરિસ્થિતિઓ હતી, તે પછી એવું કહેવાતું હતું કે – શા માટે ભારત? હવે જે સુધારાઓ દેશમાં થયા છે, તેમની જે અસર જોવા મળી છે તે પછી હવે એવું કહેવાઈ રહ્યું છે –‘શા માટે ભારત નહિ?’ હવે જેમ કે પહેલા કહેવાતું હતું કે જ્યારે કરના દરો આટલા ઊંચા છે તો ‘ભારત શા માટે?’ આજે એ જ લોકો કહેવા લાગ્યા છે કે જ્યાં સૌથી વધુ સ્પર્ધાત્મક કર છે તો ‘ભારત શા માટે નહિ?’ પહેલા નિયમો અને કાયદાઓની જાળ હતી તો સ્વાભાવિક રીતે ચિંતા સાથે રોકાણકારો પૂછતાં હતા, ભારત શા માટે? આજે એ જ લોકો કહી રહ્યા છે કે શ્રમ કાયદાઓમાં અનુપાલનની સરળતા છે તો ભારત શા માટે નહિ? પહેલા પ્રશ્ન ઊઠતો હતો કે આટલી રેડ ટેપ છે, તો શા માટે ભારત? હવે તે જ લોકો જ્યારે રેડ કાર્પેટ પાથરેલી જુએ છે તો કહે છે, શા માટે ભારત નહિ? પહેલા ફરિયાદ રહેતી હતી કે ઇનોવેશનનું કલ્ચર એટલું નથી તો શા માટે ભારત? આજે ભારતના સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમની શક્તિ જોઈને દુનિયા વિશ્વાસ સાથે કહી રહી છે, શા માટે ભારત નહિ? પહેલા પૂછવામાં આવતું હતું કે દરેક કામમાં આટલી સરકારી દખલગીરી છે, તો શા માટે ભારત? આજે જ્યારે ખાનગી ભાગીદારી પર ભરોસો કરવામાં આવી રહ્યો છે, વિદેશી રોકાણકારોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તો તે જ લોકો પૂછી રહ્યા છે, શા માટે ભારત નહિ? પહેલા ફરિયાદ હતી કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવમાં કામ શક્ય જ નથી તો શા માટે ભારત? આજે જ્યારે આટલી આધુનિક ડિજિટલ ઇકો સિસ્ટમ આપણે ત્યાં છે તો લાગણી એવી છે કે શા માટે ભારત નહિ?

સાથીઓ,

નવું ભારત, પોતાના સામર્થ્ય પર ભરોસો કરીને, પોતાના સંસાધનો પર ભરોસો કરીને આત્મનિર્ભર ભારતને આગળ વધારી રહ્યું છે. અને આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉત્પાદન પર અમારું વિશેષ ધ્યાન છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત સુધારા કરી રહ્યા છીએ. સુધારાની સાથે સાથે પ્રોત્સાહનોને આજે દેશની નીતિનું મહત્વનું માધ્યમ બનાવવામાં આવ્યા છે. પહેલી વાર 10થી વધુ ક્ષેત્રોને ચોકસાઇ અને ઉત્પાદકતા આધારિત પ્રોત્સાહનોની સીમા રેખામાં લાવવામાં આવ્યા છે. મને ખુશી છે કે બહુ થોડા સમયમાં જ તેના હકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે. એ જ રીતે વધુ સારી સંપર્ક વ્યવસ્થા, વધુ સારી સુવિધાઓ અને માલવહનને સ્પર્ધાત્મક બનાવવા માટે ચાલી રહેલા બધા જ પ્રયાસો પણ ઉદ્યોગો માટે પ્રોત્સાહકો જ છે. આપણાં લાખો એમએસએમઇ માટે, પછી તેની પરિભાષા બદલવાની હોય, માપદંડ બદલવાનો હોય, સરકારી કોન્ટ્રાક્ટમાં પ્રાથમિકતા હોય કે પછી પ્રવાહિતા સાથે જોડાયેલ સમસ્યાઓ ઉકેલવાની હોય, તે પણ એક બહુ મોટું પ્રોત્સાહન જ છે.

સાથીઓ,

દેશ આજે કરોડો યુવાનોને અવસર આપનારા ઉદ્યોગો અને સંપત્તિ નિર્માતાઓની સાથે છે. આજે ભારતના યુવાનોના ઇનોવેશનના સ્ટાર્ટ અપ્સ દુનિયામાં પોતાનું નામ બનાવી રહ્યા છે. સરકારનો એક ચોક્સાઈપૂર્ણ અને મૈત્રીપૂર્ણ ઇકો સિસ્ટમ બનાવવા માટે સતત પ્રયાસ રહ્યો છે. હવે એસોચેમ જેવા સંગઠનને, તમારા દરેક સભ્યએ પણ એ બાબતની ખાતરી કરવી પડશે કે તેનો લાભ છેલ્લા માઈલ સુધી પહોંચે. તેની માટે ઉદ્યોગની અંદર પણ તમારે સુધારાઓને પ્રોત્સાહિત કરવા પડશે.

જે પરિવર્તન આપણે આપણી પોતાની માટે જોવા માંગીએ છીએ, તે જ પરિવર્તન આપણે આપણાં સંસ્થાનોમાં પણ કરવા પડશે. જેટલી સ્વતંત્રતા, જેટલી સમાવેશિતા, જેટલી સહકાર ભાવના, જેટલી પારદર્શકતા, તમે સરકાર પાસેથી, સમાજ પાસેથી અપેક્ષા રાખો છો, તેટલી જ ઉદ્યોગોમાં અંદર મહિલાઓ માટે, યુવા પ્રતિભાઓ માટે, નાના ઉદ્યોગો માટે આપણે બધાએ ખાતરી કરવાની જ છે. આપણે કોર્પોરેટ ગવર્નન્સથી લઈને નફા વહેંચણી સુધી, દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિને જલ્દીથી જલ્દી અપનાવવી પડશે. નફા કેન્દ્રી અભિગમની સાથે સાથે આપણે તેને ઉદ્દેશ્ય કેન્દ્રી પણ બનાવીશું તો સમાજ સાથે વધુ સંકલિતતા શક્ય બની શકશે.

સાથીઓ,

તમારાથી વધુ સારી રીતે એ કોણ સમજી શકે તેમ છે કે પ્રામાણિક મંતવ્યની નિર્ણય પ્રક્રિયામાં કેટલી મોટી ભૂમિકા હોય છે. ઘણી વાર આપણને લોકો મળે છે, કહે છે કે શેર સરસ છે, આ ક્ષેત્ર બહુ સરસ છે, તેમાં રોકાણ કરી દો. પરંતુ આપણે પહેલા એ જોઈએ છીએ કે તે સલાહ આપનારો, પ્રશંસા કરનારો પોતે પણ તેમાં રોકાણ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો? આ જ વાત અર્થતંત્રો ઉપર પણ લાગુ થાય છે. આજે ભારતીય અર્થતંત્ર પર દુનિયાનો ભરોસો છે, તેનું પ્રમાણ છે. મહામારી દરમિયાન જ્યારે આખી દુનિયા રોકાણ માટે મુશ્કેલીમાં છે, ત્યારે ભારતમાં રેકોર્ડ બ્રેક સીધું વિદેશી મૂડી રોકાણ અને પીએફઆઈ આવ્યું છે. દુનિયાનો આ ભરોસો નવા સ્તર પ્રપહોંચે તેની માટે સ્થાનિક રીતે પણ આપણે આપણાં રોકાણોને અનેક ગણા વધારવાના છે. આજે તમારી પાસે દરેક ક્ષેત્રમાં રોકાણ માટે સંભાવનાઓ પણ છે અને નવા અવસરો પણ છે.

સાથીઓ,

રોકાણનું એક બીજું પાસું પણ છે જેની ચર્ચા જરૂરી છે. તે છે સંશોધન અને વિકાસ R&D – પર થનારું રોકાણ. ભારતમાં R&D પર રોકાણ વધારવાની ખૂબ જરૂર છે. અમેરિકા જેવા દેશોમાં જ્યાં R&D પર 70% રોકાણ ખાનગી ક્ષેત્રનું હોય છે, આપણે ત્યાં તેટલું જ જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. તેમાં એક મોટો હિસ્સો આઈટી, ફાર્મા, અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં છે. એટલે કે આજે જરૂરિયાત એ છે કે R&D માં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધે. કૃષિ, સંરક્ષણ, અવકાશ, ઉર્જા, બાંધકામ, એટલે કે દરેક ક્ષેત્રમાં, દરેક નાની મોટી કંપનીને R&D માટે એક નિશ્ચિત રકમ નક્કી કરવી જોઈએ.

સાથીઓ,

આજે જ્યારે સ્થાનિકને વૈશ્વિક બનાવવા માટે આપણે મિશન મોડ પર આગળ વધી રહ્યા છીએ, તો આપણે દરેક જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ પર ઝડપથી પ્રતિભાવ આપવો પડશે. વૈશ્વિક પુરવઠા માળખામાં આવનાર કોઈપણ અચાનક આવેલી માંગને ભારત કઈ રીતે પૂરી કરશે, તેની માટે એક અસરકારક વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. તેમાં તમે વિદેશ મંત્રાલયની મદદ લઈ શકો છો. કોવિડના આ સંકટ કાળમાં આપણે જોયું છે કે વિદેશ મંત્રાલયના સંપૂર્ણ નેટવર્કનો વધુ સારો ઉપયોગ થવાથી કઈ રીતે આપણે ઝડપથી આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદેશ મંત્રાલય, કોમર્સ એન્ડ ટ્રેડ તેમજ એસોચેમ જેવા ઉદ્યોગોના સંગઠનોની વચ્ચે વધુ સારો તાલમેલ આજે સમયની માંગ છે. હું તમને આગ્રહ કરીશ કે વૈશ્વિક પરિવર્તન પર ઝડપથી પ્રતિભાવ આપવા માટે વ્યવસ્થા તંત્ર કઈ રીતે વધુ સારું હોય, તેની માટે તમે મને જરૂરથી ભલામણો આપજો. તમારી ભલામણો મારી માટે ઘણી મૂલ્યવાન છે.

સાથીઓ,

ભારત પોતાની જરૂરિયાતોને પૂરી કરીને દુનિયાની મદદ કરવામાં માટે પણ સક્ષમ છે. ખેડૂતોથી લઈને ફાર્મા સુધી, ભારતે આ કરીને બતાવ્યું છે. કોરોના કાળમાં પણ તમામ મુશ્કેલીઓ હોવા છતાં ભારતે વિશ્વની ઔષધશાળાની જવાબદારી નિભાવીને દુનિયા ભરમાં જરૂરી દવાઓ પહોંચાડી છે. હવે રસીના મામલે પણ ભારત પોતાની જરૂરિયાત તો પૂરી કરશે જ પરંતુ સાથે સાથે દુનિયાના અનેક દેશોની આશાઓ ઉપર પણ ખરું ઉતરશે.

સાથીઓ,

ગ્રામીણ અને શહેરી વિભાજનને ઓછું કરવા માટે જે પ્રયાસો સરકાર વિતેલા 6 વર્ષોથી કરી રહી છે, ઉદ્યોગો તે પ્રયાસોને બમણા કરી શકે છે. એસોચેમના સભ્યો, આપણાં ગામના ઉત્પાદનોને વૈશ્વિક મંચ પૂરું પાડવામાં ઘણી મદદ કરી શકે છે. આજકાલ તમે જોતાં સાંભળતા હશો કે કોઈ અભ્યાસ આવી ગયો કે આ વસ્તુમાં બહુ પ્રોટીન છે, આ બહુ પ્રોટીન રીચ છે, તો લોકો તેને ખાવાનું ચાલુ કરી દે છે. આપણે તેને આયાત કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણને ખબર સુદ્ધાં નથી હોતી કે આપણાં ઘરમાં આપણાં ટેબલ પર આપણી થાળીમાં કઈ રીતે વિદેશી ચીજવસ્તુઓને ઘૂસી જાય છે. આપણે ત્યાં દેશમાં એવી જ વસ્તુઓનો કેટલો મોટો સંગ્રહ છે અને આ સંગ્રહ, દેશના ખેડૂતોની પાસે છે, દેશના ગામડાઓ પાસે છે. આપણી ઓર્ગેનિક ખેતી, હર્બલ ઉત્પાદનો, એવી ઘણી બધી વસ્તુઓ છે જેને એસોચેમ દ્વારા પ્રોત્સાહિત કરવી જોઈએ, દુનિયાના બજારોમાં ભારતની પેદાશોનો ડંકો વાગવો જોઈએ. તેની સાથે જોડાયેલ સ્પર્ધાઓ અને તેની માટે સતત સ્પર્ધા થતી રહે, સ્પર્ધાઓ કરાવીને તેનો પ્રચાર પ્રસાર કરીને, તેમના સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપીને, તમે આમ કરી શકો છો. ભારત સરકાર હોય, રાજ્ય સરકારો હોય, કૃષિ સંસ્થાઓ હોય, બધાએ સાથે મળીને આ દિશામાં કામ કરવાની જરૂરિયાત છે. જો આપણાં ક્ષેત્રને વધુ સારું પ્રમોશન મળે, વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રકચર મળે, વધુ સારા બજારો મળે, તો આપણી આખી ગ્રામીણ અર્થવ્યવસ્થા શિખર પર પહોંચી શકે તેમ છે.

સાથીઓ,

21 મી સદીની શરૂઆતમાં અટલજીએ ભારતને હાઇવે સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું હતું. આજે દેશમાં ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગામના ખેડૂતની પહોંચ પણ ડિજિટલી વૈશ્વિક બજારો સુધી હોય, તેની માટે દેશના દરેક ગામ સુધી બ્રોડબેન્ડ જોડાણ પહોંચાડવામાં અમે લાગેલા છીએ. એ જ રીતે આપણાં આઈટી ક્ષેત્રને વધુ શક્તિ આપવા માટે આઈટી અને બીપીઓ ક્ષેત્રની અડચણો પણ દૂર કરવામાં આવી છે. ડિજિટલ સ્પેસની સુરક્ષા માટે એક પછી એક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.

સાથીઓ,

વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણ માટે ભંડોળ સાથે જોડાયેલ દરેક એવન્યુનો ઉપયોગ કરી શકાય તેમ છે. જાહેર ક્ષેત્રની બેન્કોને મજબૂત કરવી, બોન્ડ માર્કેટની સંભાવનાઓને વધારવી, તે આ જ દિશામાં કરવામાં આવનાર પ્રયાસ છે. એ જ રીતે સોવરેન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડને કરમાં છૂટ આપવામાં આવી રહી છે. REITs અને INVITs ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલ સંપત્તિને પણ મોનેટાઈઝ કરવામાં આવી રહી છે.

સાથીઓ,

જરૂરી સુવિધાઓ આપવી, યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સરકાર કરી શકે છે. સરકાર પ્રોત્સાહન આપી શકે છે, સરકાર નીતિઓમાં ફેરફાર કરી શકે છે. પરંતુ તે તમારા જેવા ઉદ્યોગો સાથે જોડાયેલ સાથીઓ છે, જેઓ આ સપોર્ટને સફળતામાં બદલશે. આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરશે તેની માટે નિયમ કાયદાઓમાં જરૂરી પરિવર્તન માટે દેશ મનમાં ગાંઠ વાળી ચૂક્યો છે, દેશ પ્રતિબદ્ધ છે. વિતેલા 6 વર્ષોમાં અમે 1500 થી વધુ જૂના કાયદાઓ ખતમ કરી ચૂક્યા છીએ. દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા કાયદા બનાવવાનું કામ પણ સતત ચાલુ છે. 6 મહિના પહેલા જે કૃષિ સુધારાઓ કરવામાં આવ્યા, તેના લાભ પણ હવે ખેડૂતોને મળવાના ચાલુ થઈ ગયા છે. આપણે સૌને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એકનિષ્ઠ બનીને, સંકલ્પિત થઈને આગળ વધવાનું છે. એસોચેમના આપ સૌ સાથીઓને આવનાર વર્ષો માટે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, શ્રીમાન રતન ટાટાજીને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને એસોચેમ નવી ઊંચાઈઓને પાર કરે અને 2047 આઝાદીના સો વર્ષ તમારી માટે આગામી 27 વર્ષના તે લક્ષ્યને લઈને આજનો તમારો આ શતાબ્દી સમારોહ સંપન્ન થશે એવો મને પૂરો વિશ્વાસ છે. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર!

તમારો આભાર!

 

SD/GP/BT


(Release ID: 1682064) Visitor Counter : 206