પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનંત્રીએ એસોચેમ ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કર્યું


દેશ ઉદ્યોગસાહસી અને સંપત્તિના સર્જકો સાથે છેઃ પ્રધાનમંત્રી

સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે – અગાઉ લોકો ‘શા માટે ભારતમાં રોકાણ કરવું’ એમ પૂછતાં હતાં, હવે ‘શા માટે ભારત રોકાણ ન કરવું’ એમ પૂછે છે

સંશોધન અને વિકાસમાં વધારે રોકાણ કરવાની અપીલ કરી

Posted On: 19 DEC 2020 1:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એસોચેમ ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રી રતન ટાટાને એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચુરી એવોર્ડપણ એનાયત કર્યો હતો. શ્રી રતન ટાટાએ ટાટા ગ્રૂપ તરફથી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વેપારવાણિજ્ય સાથે સંકળાયેલા સમુદાયની રાષ્ટ્રનિર્માણમાં તેમના પ્રદાન બદલ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે ઉદ્યોગ આકાશને આંબવા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમણે ઉદ્યોગોને વેપારવાણિજ્યના વિસ્તરણ માટે ઉદારીકરણનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી વર્ષોમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા તમારી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ઉદ્યોગસાહસ અને સંપત્તિના સર્જકો સાથે દેશ કરોડો યુવાનોને તક આપી રહ્યો છે. સરકાર અસરકારક અને અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા સતત પ્રયાસરત છે. તેમણે ઔધ્યોગિક સાહસોને એ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી કે, ઉદ્યોગની અંદર એવા સુધારાઓ કરો, જેથી એનો લાભ છેવાડાના માનવીને મળે, જેમ કે મહિલાઓ અને યુવા પ્રતિભાઓની સર્વસમાવેશકતા, શક્ય એટલી ઝડપથી દુનિયાની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સ્વીકાર, કોર્પોરેટ શાસન અને નફામાં વહેંચણી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રોગચાળા દરમિયાન પણ જ્યારે દુનિયા રોકાણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરતી હતી, ત્યારે ભારતને રેકોર્ડ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) અને પીએફઆઈ મળ્યું છે, કારણ કે દુનિયાને હવે ભારતીય અર્થતંત્રમાં વિશ્વાસ છે. તેમણે દુનિયાના ભારતમાં વધી રહેલા વિશ્વાસ સાથે સ્થાનિક રોકાણમાં નોંધપાત્ર વધારો કરવા માટે ઉદ્યોગજગતને અપીલ કરી હતી.

તેમણે ભારતીય ઉદ્યોગ દ્વારા સંશોધન અને વિકાસમાં ઓછું રોકાણ કરવા બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. અમેરિકામાં ખાનગી ક્ષેત્ર સંશોધન અને વિકાસ પર 70 ટકા રોકાણ કરે છે. તેમણે ભારતીય ઉદ્યોગજગતને ખાસ કરીને કૃષિ, સંરક્ષણ, અંતરિક્ષ, ઊર્જા, નિર્માણ, ફાર્મા અને પરિવહન જેવા ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસમાં તેમનું રોકાણ વધારવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ક્ષેત્રમાં તમામ કંપનીઓએ સંશોધન અને વિકાસ માટે ચોક્કસ રકમ ફાળવવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયા ઝડપથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ અગ્રેસર છે, નવી ટેકનોલોજી સ્વરૂપે અનેક પડકારો ઊભા થશે અને ઘણા નિરાકરણ પણ મળશે. તેમણે કહ્યું હતું કે, અત્યારે આયોજન કરવાનો અને એના પર કામ કરવાનો સમય છે. તેમણે વિવિધ વ્યવસાયના આગેવાનોને દર વર્ષે એકમંચ પર આવવા અને રાષ્ટ્રનિર્માણના એક મોટા લક્ષ્યાંક સાથે દરેક લક્ષ્યાંકને જોડવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આગામી 27 વર્ષમાં ભારતને સ્વતંત્રતા હાંસલ કર્યાને 100 વર્ષ થશે, જે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂમિકાને નિર્ધારિત કરવાની સાથે ભારતીયોના સ્વપ્નો અને પ્રતિબદ્ધતાની કસોટી પણ કરશે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દુનિયાને ભારતીય ઉદ્યોગની ક્ષમતા, પ્રતિબદ્ધતા અને સાહસ પ્રદર્શિત કરવાનો સમય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આત્મનિર્ભરતા હાંસલ કરવી જ મહત્ત્વપૂર્ણ નથી, પણ સાથે સાથે આપણે કેટલાંક સમયમાં આ લક્ષ્યાંકને પાર પાડી શકીએ છીએ એનો સમયગાળો પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની સફળતા વિશે અત્યારે દુનિયામાં જેટલી સકારાત્મક છે એટલી અગાઉ ક્યારેય નહોતી. તેમણે આ સકારાત્મકતાનો શ્રેય 130 કરોડથી વધારે ભારતીયોના અભૂતપૂર્વ આત્મવિશ્વાસને આપ્યો હતો. અત્યારે ભારત આગેકૂચ કરવા નવા વિકલ્પો ઊભા કરી રહ્યો છે, નવી ઊર્જા સાથે અગ્રેસર થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં વિવિધ ક્ષેત્રોમાં સુધારાથી ઉદ્યોગજગતનું વલણ બદલાઈ ગયું છે. અગાઉ ‘ભારતમાં શા માટે રોકાણ કરવું’ એમ પૂછવામાં આવતું હતું, હવે ‘ભારતમાં શા માટે રોકાણ ન કરવું જોઈએ’ એવું પૂછવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવું ભારત એની ક્ષમતા થકી એના સંસાધનોને બળે, આત્મનિર્ભર ભારત બનવા અગ્રેસર છે અને આપણે આ લક્ષ્યાંક હાંસલ કરવા ઉત્પાદન ક્ષેત્ર પર વિશેષપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સુધારાઓ સતત હાથ ધરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે આપણે યુદ્ધના ધોરણે સ્થાનિકમાંથી આંતરરાષ્ટ્રીય બનવા આગેકૂચ કરી રહ્યાં છીએ, ત્યારે આપણે દરેક ભૂરાજકીય વિકાસનો ઝડપથી પ્રતિસાદ આપવો પડશે. તેમણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં એકાએક માગને પૂર્ણ કરવા ભારતમાં અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ લક્ષ્યાંક પાર પાડવા અત્યારે એસોચેમ જેવા ઉદ્યોગ સંગઠનોએ વિદેશ મંત્રાલય, વેપારવાણિજ્ય મંત્રાલય સાથે વધારે સારી રીતે સમન્વય સ્થાપિત કરવાની જરૂર છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહેલા પરિવર્તનો પર ઝડપથી પ્રતિસાદ આપવા અને આ માટે શ્રેષ્ઠ વ્યવસ્થાઓ સ્થાપિત કરવા ઉદ્યોગજગત પાસેથી સૂચનો અને વિચારો માંગ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત જરૂરિયાતના સમયમાં દુનિયાને મદદ કરવા પણ સક્ષમ છે. કોરોનાવાયરસના રોગચાળાના સમયગાળા દરમિયાન પણ ભારતે દુનિયાની ફાર્મસીની જવાબદારી સપેરે અદા કરી છે અને દુનિયાભરમાં આવશ્યક દવાઓનો પુરવઠો પહોંચાડ્યો છે. હવે રસીઓ વિકસાવવાના કેસમાં પણ ભારત ઘણા દેશોની જરૂરિયાતો અને અપેક્ષાઓ એમ બંને પૂર્ણ કરશે. તેમણે એસોચેમના સભ્યોને ગ્રામીણ કલાકારોના ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઊભું કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, એનાથી ગ્રામીણ અને શહેરી જીવનધોરણ વચ્ચે રહેલી અસમાનતા દૂર કરવામાં મદદ મળશે. તેમણે આપણા ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા, શ્રેષ્ઠ માળખાગત સુવિધા ઊભી કરવા અને વધારે સારી રીતે વેચાણ કરવા રાજ્ય સરકારો, ખેડૂત સંગઠનો અને ઉદ્યોગ સંગઠનોએ ભારત સરકાર સાથે કામ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. એનાથી આપણું સંપૂર્ણ ગ્રામીણ અર્થતંત્રને નવી ઊંચાઈ સર કરવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીની શરૂઆતમાં અટલજીનો ઉદ્દેશ ભારતમાં મોટા પાયે રાજમાર્ગોનું નિર્માણ કરીને સમગ્ર દેશને જોડવાનો હતો. અત્યારે દેશમાં ભૌતિક અને ડિજિટલ માળખાગત સુવિધા વિકસાવવા વિશેષપણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે દેશમાં દરેક ગામડામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાની કામગીરી કરી રહ્યાં છીએ, જેથી ગામડાનો ખેડૂત પણ ડિજિટલ માધ્યમો થકી વૈશ્વિક બજારો સુધી પહોંચ્યો છે. તેમણે વધારે સારી માળખાગત સુવિધાઓ ઊભી કરવા એની સાથે સંકળાયેલા દરેક માધ્યમનો ઉપયોગ કરવા અપીલ કરી હતી એટલે કે એ દિશામાં સરકારી બેંકોને મજબૂત કરવા, બોન્ડ બજારોની સંભવિતતા વધારવા જેવા પ્રયાસો કરવાની અપીલ કરી હતી. એ જ રીતે સોવરીન વેલ્થ ફંડ અને પેન્શન ફંડને કરમુક્તિ આપવામાં આવી છે. REITs અને INVITsને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તથા માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત અસ્કયામતોનું મુદ્રીકરણ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર જરૂરી સુવિધાઓ પ્રદાન કરી શકે છે, યોગ્ય વાતાવરણ ઊભું કરી શકે છે, પ્રોત્સાહન આપી શકે છે અને નીતિનિયમોમાં ફેરફારો કરી શકે છે. પણ આ પ્રકારના સાથસહકારને સફળતામાં પરિવર્તન કરવા ઉદ્યોગના ભાગીદારોએ આગળ આવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા દેશે એના નીતિનિયમો અને નિયમનોમાં જરૂરી પરિવર્તનો કરવા મન બનાવી લીધું છે અને દેશ એના પ્રત્યે કટિબદ્ધ છે.

 

SD/GP/BT


(Release ID: 1681988) Visitor Counter : 292