પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો


નવી સંસદ દેશની 21મી સદીની આકાંક્ષાઓ પૂર્ણ કરશેઃ પ્રધાનમંત્રી

લોકશાહી આપણી સંસ્કૃતિ છેઃ પ્રધાનમંત્રી

સંસદની નવી ઇમારત આત્મનિર્ભર ભારતના નિર્માણની સાક્ષી બનશેઃ પ્રધાનમંત્રી

દેશના નાગરિકોને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ મહત્ત્વ આપવા અપીલ કરી

Posted On: 10 DEC 2020 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કાર્યો હતો. નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારતના વિઝનનું અભિન્ન અંગ છે અને સ્વતંત્રતા પછી પહેલી વાર લોકોની જનતાની સંસદનું નિર્માણ કરવાની સીમાચિહ્નરૂપ તક બની જશે, જે વર્ષ 2022માં સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠમાં ‘નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અનુરૂપ હશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારતના લોકશાહી ઇતિહાસનો સીમાચિહ્નરૂપ દિવસ છે, જેમાં ભારતીયતાનો વિચાર રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના સંસદભવનના નિર્માણ કાર્યની શરૂઆત આપણી લોકશાહી પરંપરાઓના સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કાઓ પૈકીનો એક છે. તેમણે ભારતની જનતાને સંસદની નવી ઇમારતનું નિર્માણ ખભેખભો મિલાવીને કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે ભારત એની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે, ત્યારે આપણી સંસદની નવી ઇમારતથી વધારે સુંદર કે વધારે શુદ્ધ અન્ય કોઈ વિચાર ન હોઈ શકે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં સાંસદ તરીકે પહેલી વાર સંસદભવનમાં પ્રવેશ કર્યો હતો એ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમણે સંસદભવનમાં પહેલી વાર પ્રવેશ કર્યો હતો, ત્યારે તેમણે લોકશાહીના આ મંદિરમાં પ્રવેશ કરતા અગાઉ મસ્તક નમાવીને વંદન કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સંસદની નવી ઇમારતમાં ઘણી બાબતો નવી હશે, જેનાથી સાંસદોની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમની કાર્યશૈલી વધારે આધુનિક બનશે. તેમણે જણાવ્યું હતું કે જો સંસદનાં જૂનાં ભવને આઝાદી પછીના ભારતને દિશા આપી હતી, તો નવી ઇમારત ‘આત્મનિર્ભર ભારતનું નિર્માણ થવાનું સાક્ષી બનશે. તેમણે ઉમેર્યું હતું કે જો સંસદના જૂનાં મકાનમાં દેશની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કામ થયું હતું, તો નવા મકાનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે કાર્ય થશે.

પ્રધાનમંત્રીએ ભારતની લોકશાહી વ્યવસ્થા જીવનના મૂલ્યો સાથે સંકળાયેલી છે એવો અભિપ્રાય વ્યક્ત કરીને કહ્યું હતું કે, દુનિયાના અન્ય દેશોમાં લોકશાહી ચૂંટણીની પ્રક્રિયા, વહીવટી અને શાસન સાથે સંબંધિત છે. પણ ભારતમાં લોકશાહીનો સંબંધ જીવનના મૂલ્યો સાથે છે, આપણા દેશમાં લોકશાહી જીવન જીવવાની રીત છે અને દેશનો આત્મા છે, દેશનું હાર્દ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતની લોકશાહી સદીઓના અનુભવમાંથી વિકસેલી એક વ્યવસ્થા છે. આ જીવન જીવવાનો એક મંત્ર છે, જીવનનું એક પાસું છે તેમજ ભારતમાં લોકશાહીમાં એક સુનિશ્ચિત વ્યવસ્થા છે. તેમણે કહ્યું હતું કે ભારતની લોકશાહીની તાકાત દેશના વિકાસને નવી ઊર્જા આપે છે અને એના દેશવાસીઓને નવો વિશ્વાસ આપે છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી દર વર્ષે સતત વિકસી રહી છે અને દરેક ચૂંટણીમાં મતદારોનું પ્રમાણ વધી રહ્યું છે એવું જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ લોકશાહીને મતભેદોનું સમાધાન કરવાની વ્યવસ્થા ગણાવીને કહ્યું હતું કે, ભારતમાં લોકશાહી સુશાસન માટેની વ્યવસ્થા હોવા ઉપરાંત વિવિધ પ્રકારના મતભેદોનું સમાધાન કરવાની વ્યવસ્થા છે. વિવિધ અભિપ્રાયો, વિવિધ પરિપ્રેક્ષ્યો જીવંત લોકશાહીનું નિર્માણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, આપણી લોકશાહી એ લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી રહી છે કે દેશમાં વિવિધ વિચારો કે અભિપ્રાયો માટે હંમેશા અવકાશ રહે. જ્યાં સુધી આ પ્રકારના વિચારો કે અભિપ્રાયો લોકશાહી પ્રક્રિયાઓને સુસંગત હોય, ત્યાં સુધી એમના માટે અવકાશ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, નીતિઓ અને રાજકારણ અલગ હોઈ શકે છે, પણ આપણો મૂળ ઉદ્દેશ જનતાની સેવા કરવાનો છે અને આ જ અંતિમ ઉદ્દેશ છે. આ ઉદ્દેશ સાથે કોઈ સમાધાન ન કરી શકાય અને ન થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ચર્ચા સંસદની અંદર થાય કે બહાર, પણ રાષ્ટ્રની સેવા કરવા માટેની દ્રઢતા અને રાષ્ટ્રીય હિત પ્રત્યે સમર્પણની ભાવના સતત પ્રતિબિંબિત થવી જોઈએ.

પ્રધાનમંત્રીએ લોકોને એ યાદ રાખવાની વિનંતી કરી હતી કે, લોકશાહી પ્રત્યે આશાવાદ રાખવાની જવાબદારી જનતાની છે, જે સંસદભવનના અસ્તિત્વનો પાયો છે. આ પ્રસંગે તેમણે એ બાબત યાદ અપાવી હતી કે, સંસદમાં પ્રવેશ કરનાર દરેક સાંસદ જનતા અને બંધારણ પ્રત્યે જવાબદાર છે. તેમણે કહ્યું હતું કે, લોકશાહીનું આ એક એવું મંદિર છે, જેમાં કોઈ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો રીતિરિવાજ નથી. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જનપ્રતિનિધિઓ કે સાંસદના સમર્પણની ભાવના, આચારવિચાર કરશે અને એ જ લોકશાહીના આ મંદિરનું જીવન હશે. ભારતતની એકતા અને અખંડિતતા માટેના તેમના પ્રયાસો આ મંદિરની જીવંતતા માટેની ઊર્જા બની જશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દરેક સાંસદ અહીં પોતાની જાણકારી, બુદ્ધિક્ષમતા, શિક્ષણ અને અનુભવનો સંપૂર્ણ ઉપયોગ કરશે, ત્યારે આ નવું સંસદભવન પવિત્રતા હાંસલ કરશે.

પ્રધાનમંત્રીએ લોકોને ભારતને સર્વોપરી જાળવવાની પ્રતિજ્ઞા લેવા, ભારતની પ્રગતિ અને ભારતના વિકાસ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક નિર્ણય દેશની ક્ષમતા વધારવો જોઈએ અને એમાં દેશનું હિત, રાષ્ટ્રહિતત સર્વોપરી હોવું જોઈએ. તેમણે દરેકને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની અપીલ કરતાં કહ્યું હતું કે, દેશના હિતથી મોટું હિત બીજું કોઈ નથી. પોતાના અંગત  હિત કરતા દેશના હિતને હંમેશા પ્રાથમિકતા આપવી પડશે. દેશની એકતા, અખંડિતતાથી વધારે મહત્ત્વપૂર્ણ બીજું કશું ન હોઈ શકે. દેશના બંધારણની ગરિમા અને એનું પાલન આપણા જીવનનો સૌથી મોટો લક્ષ્યાંક બની જશે.

SD/GP/BT(Release ID: 1679699) Visitor Counter : 317