પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2020માં સંબોધન કર્યું

ચાલો સૌ સાથે કામ કરીને ટેલિકોમ ઉપકરણો, ડિઝાઇન, વિકાસ અને વિનિર્માણ માટે ભારતને વૈશ્વિક હબ બનાવીએ: પ્રધાનમંત્રી

આપણે ભવિષ્યમાં છલાંગ મારવા માટે સમયસર 5Gનો પ્રારંભ સુનિશ્ચિત કરવો જોઇએ: પ્રધાનમંત્રી

ઇલેક્ટ્રોનિક વેસ્ટનું વધુ સારું વ્યવસ્થાપન અને વલયાકાર અર્થતંત્રનું નિર્માણ કરવા માટે કાર્યદળની રચનાનું આહ્વાન કર્યું

Posted On: 08 DEC 2020 11:45AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2020ના ઉદ્ઘટન પ્રસંગે સંબોધન કર્યું હતું. IMC 2020ની થીમ “સહિયારા નવાચાર – સ્માર્ટ, સુરક્ષિત, ટકાઉક્ષમ” રાખવામાં આવી છે. તેનો ઉદ્દેશ ‘આત્મનિર્ભર ભારત’, ‘ડિજિટલ સમાવેશીતા’ અને ‘ટકાઉક્ષમ વિકાસ, ઉદ્યમશીલતા અને નવાચાર’ની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સંરેખિત કરવાનો છે. તેનો ઉદ્દેશ વિદેશી અને સ્થાનિક રોકાણોને લાવવાનો અને ટેલિકોમ ક્ષેત્ર અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં R&Dને પ્રોત્સાહન આપવાનો પણ છે.

આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતને ટેલિકોમ ઉપકરણો, ડિઝાઇન, વિકાસ અને વિનિર્માણ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે સૌને સાથે મળીને કામ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું. તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, ટેકનોલોજીકલ અપગ્રેડેશનના કારણે, આપણે ત્યાં હેન્ડસેટ્સ અને ગેઝેટ્સ સમયાંતરે બદલવાની સંસ્કૃતિ છે. તેમણે પ્રતિનિધિમંડળોને કહ્યું કે, ઇલેક્ટ્રોનિક વેસ્ટનું વધુ સારા વ્યવસ્થાપન માટે અને વલયાકાર અર્થતંત્રનું નિર્માણ માટે કોઇ કાર્યદળની રચના થઇ શકે કે નહીં તેની સંભાવનાઓ પર તેઓ મંથન કરે. તેમણે સૌને અનુરોધ કર્યો હતો કે, ભવિષ્યમાં મોટી છલાંગ લગાવવા માટે સમયસર 5Gનો પ્રારંભ થાય તે સુનિશ્ચિત કરવા માટે સૌ સાથે મળીને કામ કરે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીમાં આવી રહેલી ક્રાંતિ દ્વારા કેવી રીતે લોકોના જીવનમાં સુધારો લાવી શકાય તે અંગે વિચાર કરવામાં આવે તે ખૂબ મહત્વનું છે. તેમણે ઉમેર્યુ હતું કે, શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ, શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ માહિતી અને ખેડૂતો માટે શ્રેષ્ઠ તકો, તમામ નાના વ્યવસાયો માટે બજારો સુધી બહેતર પહોંચ વગેરે એવા કેટલાક લક્ષ્યો છે જેના પર કામ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ટેલિકોમ ક્ષેત્રમાંથી આવેલા પ્રતિનિધિમંડળોની પ્રસંશા કરતા કહ્યું હતું કે, તેમના આવિષ્કાર અને પ્રયાસોના કારણે મહામારીની સ્થિતિમાં પણ દુનિયા સતત કામ કરતી રહી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમના પ્રયાસોના કારણે એક શહેરમાં વસતો દીકરો બીજા શહેરમાં વસતી તેની માતા સાથે જોડાઇ શક્યો, વિદ્યાર્થીઓ વર્ગખંડ વગર જ શિક્ષકો પાસેથી અભ્યાસ કરી શક્યા અને માતાપિતા ઘરે બેઠા જ ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કરી શક્યા અને અલગ અલગ ભૌગોલિક પ્રદેશોમાં વસતા વેપારીઓ તેમના ગ્રાહકો સાથે જોડાઇ શક્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંખ્યાબંધ યુવા ટેકનિકલ નિષ્ણાતો માટે કોડિંગના કારણે ઉત્પાદનો વિશેષ બને છે, કેટલાક ઉદ્યોગ સાહસિકો માટે તે એવી પરિકલ્પના છે જે વધુ મહત્વ ધરાવે છે, રોકાણકારો સૂચવે છે કે, ઉત્પાદનને વેગ આપવા માટે મૂડી વધુ મહત્વની છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સૌથી વધુ મહત્વની વાત એ છે કે, યુવાનોને તેમના ઉત્પાદનોની પ્રતીતિ થાય. કેટલીક વખત પ્રતીતિ એક એવી બાબત બની જાય છે કે, નફાકારક નિર્ગમન અને દુર્લભ્ય સર્જન વચ્ચે અવરોધ બની જાય છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોબાઇલ ટેકનોલોજીના કારણે જ અમે લાખો ભારતીયોને અબજો ડૉલરના મૂલ્યના લાભો પહોંચાડી શક્યા છીએ, અમે ગરીબો અને નિઃસહાય લોકોને મહામારીના સમય દરમિયાન તાત્કાલિક સહાય પહોંચાડી શક્યા છીએ અને આપણે અબજો કૅશલેસ વ્યવહારો જોઇ રહ્યાં છીએ જે ઔપચારિકરણ અને પારદર્શકતાને વેગ આપે છે અને આપણે ટોલ બુથ પર સરળ સંપર્કરહિત ઇન્ટરફેસ બનાવવા સમર્થ થઇશું.

પ્રધાનમંત્રીએ ભારતમાં મોબાઇલ વિનિર્માણ મામલે મળેલી સફળતા અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત, મોબાઇલ વિનિર્માણ માટે સૌથી પ્રાધાન્યતા ધરાવતા ગંતવ્ય તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજના ભારતમાં ટેલિકોમ ઉપકરણોના વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર આગામી ત્રણ વર્ષમાં દેશના દરેક ગામડાંઓમાં હાઇ સ્પીડ ફાઇબર ઓપ્ટિક કનેક્ટિવિટી લાવવાનો ઉદ્દેશ રાખે છે. તેમણે કહ્યું હતું કે, આ બાબતે ખાસ કરીને એવા સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે આવી કનેક્ટિવિટીમાંથી શ્રેષ્ઠ પરિણામો આપી શકે – એટલે કે મહત્વાકાંક્ષી જિલ્લાઓ, ડાબેરી કટ્ટરવાદીઓથી અસરગ્રસ્ત જિલ્લાઓ, પૂર્વોત્તરના રાજ્યો, લક્ષદ્વીપ ટાપુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ કનેક્ટિવિટીની બહેતર ઝડપ અને સાર્વજનિક વાઇ-ફાઇ હોટસ્પોટ્સ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

SD/GP/BT(Release ID: 1679042) Visitor Counter : 46