પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ NH-19ના વારાણસી- પ્રયાગરાજ વિભાગની સિક્સ લેન સુધી વિસ્તરણ કરાયેલી ધોરી માર્ગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું


દાયકાઓ સુધી થયેલા કપટે ખેડૂતોને ભયભીત બનાવી દીધા છે પરંતુ હવે તેમની સાથે કોઇ જ કપટ નહીં થાય, ગંગાજળ જેટલા જ શુદ્ધ ઇરાદા સાથે કામ કરવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી

નવા કૃષિ સુધારાઓએ ખેડૂતોને નવા વિકલ્પો અને નવા કાયદાકીય રક્ષણો આપ્યા છે અને સાથે-સાથે જો કોઇ ખેડૂતો જુની પ્રણાલી અપનાવવા માંગતા હોય તો તે પણ ચાલુ જ છે: પ્રધાનમંત્રી

લઘુતમ ટેકાના ભાવ અને મંડીને સરકાર દ્વારા વધુ મજબૂત કરવામાં આવ્યા છે: પ્રધાનમંત્રી

Posted On: 30 NOV 2020 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં NH-19ના વારાણસી- પ્રયાગરાજ વિભાગમાં સિક્સ લેન ધોરી માર્ગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં કાશીમાં કનેક્ટિવિટીની સાથે-સાથે સૌંદર્યકરણ માટે હાથ ધરવામાં આવેલા કાર્યોનાં પરિણામો હવે આપણી સમક્ષ આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે વારાણસીની અંદર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ હળવી કરવા માટે નવા ધોરીમાર્ગો, પૂલ-ફ્લાયઓવર્સ, માર્ગો પહોળા કરવાના કાર્યો અભૂતપૂર્વ રીતે પાર પાડવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી રહી કે જ્યારે આ વિસ્તારમાં અદ્યતન કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે ત્યારે આપણા ખેડૂતોને તેનાથી ઘણો મોટો લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષોથી, કોલ્ડ સ્ટોરેજ ઉપરાંત ગામડાઓમાં અદ્યતન માર્ગો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. આ માટે રૂપિયા 1 લાખ કરોડનું ભંડોળ પણ ઉભું કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કેવી રીતે સરકારના પ્રયાસો અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતોને લાભ થશે તે અંગે એક ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે બે વર્ષ પહેલાં ચંદૌલીમાં કાળા ચોખાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે, એક ખેડૂત સમિતિની પણ રચના કરવામાં આવી હતી અને અંદાજે 400 ખેડૂતોને આ ચોખા ખરીફ સીઝન દરમિયાન વાવેતર કરવા માટે આપવામાં આવ્યા હતા. સામાન્ય ચોખા રૂપિયા 35-40 પ્રતિ કિલોના ભાવે વેચાય છે જ્યારે આ કાળા ચોખા રૂપિયા 300 પ્રતિ કિલો સુધીના ઉંચા ભાવે વેચાયા હતા. પ્રથમ વખત, આ ચોખાની ઑસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવી હતી, એ પણ રૂપિયા 800 પ્રતિ કિલોના ભાવે થઇ હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના કૃષિ ઉત્પાદનો સમગ્ર દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. શા માટે ખેડૂતોની પહોંચ આ મોટા બજારો સુધી નથી અને ઊંચા ભાવ શા માટે તેમને નથી મળતા તે અંગે પણ તેમણે સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવા કૃષિ સુધારાઓએ ખેડૂતોને નવા વિકલ્પો અને નવા કાયદાકીય રક્ષણો આપ્યા છે અને સાથે સાથે જુની પ્રણાલી પણ ચાલુ રાખવામાં આવી છે જેથી કોઇ ખેડૂત જુની પ્રણાલી અનુસરવા માંગતા હોય તો તેને પસંદ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ, મંડી બહાર થતા વ્યવહારોને ગેરકાયદે માનવામાં આવતા હતા પરંતુ હવે નાના ખેડૂતો મંડી બહાર થતા વ્યવહારો પર પણ કાયદાકીય પગલાં લઇ શકે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર નીતિઓ, કાયદા અને નિયમનો બનાવે છે. વિપક્ષની આકરી ટીકા કરતા તેમણે કહ્યું હતું કે, અગાઉ સરકારના નિર્ણયોનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હાલની ટીકા અને વિરોધ માત્ર આશંકાઓના આધારે કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, જે બન્યું જ નથી અને જે ભવિષ્યમાં ક્યારેય બનવાનું જ નથી, તે અંગે સમાજમાં ગુંચવણો ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ અમુક ચોક્કસ એવા લોકો છો જેઓ દાયકાઓથી ખેડૂતો સાથે કપટ કરી રહ્યાં છે.

ભૂતકાળમાં થયેલી છળકપટો પર વધુ આગળ કહેતા પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે, લઘુતમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવતા હતા પરંતુ ખૂબ જ અલ્પ પ્રમાણમાં લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હતી. આ છેતરપિંડી વર્ષો સુધી ચાલતી રહી. ખેડૂતોના નામે ધિરાણ માફીના ખૂબ જ મોટા પેકેજોની જાહેરાતો કરવામાં આવતી હતી પરંતુ નાના અને સિમાંત ખેડૂતો સુધી તેનો લાભ ક્યારેય પહોંચતો જ નહોતો. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોના નામે મોટી યોજનાઓ તો જાહેર કરવામાં આવતી હતી પરંતુ અગાઉના શાસકો પોતે જ એવું માનતા હતા કે, 1 રૂપિયામાંથી ફક્ત 15 પૈસા જ ખેડૂત સુધી પહોંચતા હતા, જે યોજનાઓના નામે ચાલતી મોટી છેતરપિંડીનું જ પરિણામ હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ઇતિહાસ જ સંપૂર્ણ છળકપટથી ભરેલો હોય ત્યારે બે બાબતો બહુ સ્વાભાવિક છે. એક તો, સરકાર વચન પાળશે કે નહીં તે અંગે ખેડૂતોના મનમાં દાયકાઓથી ભય હોવાનો ઇતિહાસ છે. બીજું કે, જેમણે અત્યાર સુધી આપેલા વચનો તોડ્યાં તેમના માટે હવે કંઇપણ બને તે પહેલાં જ, જે બનવાનું હોય તેના વિશે જુઠ્ઠાણું ફેલાવવાનું જરૂરી બની ગયું છે. તેમણે કહ્યું હતું કે, જો તમે સરકારના ભૂતકાળના ટ્રેક રેકોર્ડ પર નજર કરશો તો, આપોઆપ સત્ય બહાર આવી જશે. તેમણે કહ્યું હતું કે, સરકારે યુરિયાની કાળાબજારી રોકવા માટે આપેલું વચન પૂરું કરી બતાવ્યું છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા મળી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે સ્વામીનાથન પંચની ભલામણો અનુસાર પડતર કિંમતના 1.5 ગણા લઘુતમ ટેકાના ભાવે કૃષિ ઉપજો ખરીદવાનું વચન આપ્યું હતું અને તે પૂરું કરી બતાવ્યું છે. આ વચનો માત્ર કાગળ પર પૂરાં નથી થયા પરંતુ, ખેડૂતોના બેંક ખાતા સુધી તેના લાભના નાણાં પહોંચ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2014 પહેલાંના પાંચ વર્ષમાં, ખેડૂતો પાસેથી અંદાજે રૂપિયા 65 કરોડના કઠોળની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ તે પછીના 5 વર્ષમાં, ખેડૂતો પાસેથી અંદાજે રૂપિયા 49000 કરોડના કઠોળથી ખરીદી કરવામાં આવી છે જે લગભગ 75 ગણો વધારો છે. 2014 પહેલાંના પાંચ વર્ષમાં, રૂપિયા 2 લાખ કરોડની ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. જોકે, તે પછીના પાંચ વર્ષમાં રૂપિયા પાંચ લાખ કરોડની ડાંગર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. આ આંકડો પણ અગાઉની તુલનાએ અઢી ગણો છે જે ખેડૂતો સુધી વધુ નાણાં પહોંચ્યા હોવાનું બતાવે છે. તેમણે ઉમેર્યું હતું કે 2014 પહેલાંના પાંચ વર્ષમાં, ખેડૂતોને ઘઉંની ખરીદીમાંથી લગભગ રૂપિયા 1.5 લાખ કરોડ મળ્યાં હતા. જોકે, તે પછીના 5 વર્ષમાં ઘઉંના ખેડૂતોને રૂપિયા 3 લાખ કરોડ મળ્યાં છે જે લગભગ બે ગણો વધારો છે. જો લઘુતમ ટેકાના ભાવ અને મંડી નાબૂદ કરવામાં આવે તો શા માટે સરકારે ઘણો વધુ ખર્ચ કરવો પડશે તે અંગે પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકાર મંડીના આધુનિકીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે.

વિપક્ષની ટીકા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ એવા લોકો છે જેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને એવી પણ અફવાઓ ફેલાવી હતી કે, આ નાણાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે અને ચૂંટણી પૂરી થઇ ગયા પછી ખેડૂતો પાસેથી આ જ નાણાં વ્યાજ સાથે પાછા વસુલવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ પોતાના રાજકીય હિતોના કારણે, ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા દેતા નથી. તેમણે કહ્યું હતું કે, દેશમાં 10 કરોડથી વધુ ખેડૂતોને સીધા જ તેમના બેંક ખાતામાં આર્થિક સહાયતા જમા કરીને તેમને મદદ કરવામાં આવી છે. આજદિન સુધીમાં, અંદાજે 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતો સુધી પહોંચી ગયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દાયકાઓ સુધી ખેડૂત સાથે થયેલી કપટના કારણે તેઓ ભયભીત થઇ ગયા છે પરંતુ હવે તેમની સાથે કોઇ જ કપટ નહીં થાય, ગંગાજળ જેટલા જ શુદ્ધ ઇરાદાઓ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે ખાસ જણાવ્યું હતું કે માત્ર આશંકાઓના આધારે જેઓ ખોટી ભ્રમણાઓ ફેલાવી રહ્યાં છે તેવા લોકોનું સત્ય દેશ સમક્ષ સતત ઉઘાડું પડી રહ્યું છે. જ્યારે ખેડૂતો તેમના એક જુઠ્ઠાણાને સમજી જાય છે ત્યારે, તેઓ બીજા કોઇ વિષય પર જુઠ્ઠાણું ફેલાવવાનું શરૂ કરી દે છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પણ સતત એવા ખેડૂત પરિવારોને જવાબ આપી રહી છે જેમના મનમાં હજુ પણ કોઇ ચિંતા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જે ખેડૂતોના મનમાં કૃષિ સુધારાઓ અંગે આજે કોઇપણ શંકા છે તેઓ, ભવિષ્યમાં આ જ કૃષિ સુધારાઓથી ફાયદો મેળવી શકશે અને તેમની આવકમાં પણ વધારો થશે.

 

SD/GP/BT



(Release ID: 1677182) Visitor Counter : 178