રાષ્ટ્રપતિ સચિવાલય

લોકશાહી વ્યવસ્થામાં કોઈ પણ ચર્ચા વિવાદ ન બની જાય એ માટે સંવાદનું માધ્યમ શ્રેષ્ઠ માધ્યમ છેઃ રાષ્ટ્રપતિ કોવિંદ

રાષ્ટ્રપતિએ કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 25 NOV 2020 1:58PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (25 નવેમ્બર, 2020) ગુજરાતના કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં કહ્યું હતું કે, લોકશાહી વ્યવસ્થામાં કોઈ પણ ચર્ચા વિવાદ ન બની જાય એ માટે સંવાદનું માધ્યમ શ્રેષ્ઠ માધ્યમ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સંસદીય લોકશાહી વ્યવસ્થામાં શાસક પક્ષની સાથે સાથે વિરોધ પક્ષ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. એટલે બંને પક્ષ વચ્ચે સંવાદ, સહકાર અને અર્થપૂર્ણ ચર્ચા જરૂરી છે. ગૃહમાં જનતાના પ્રતિનિધિઓને સ્વસ્થ ચર્ચા માટે સાનુકૂળ વાતાવરણ પ્રદાન કરવાની જવાબદારી પ્રિસાઇડીંગ અધિકારીઓની છે. તેઓ સૌજન્યશીલ સંવાદ અને ચર્ચાને પ્રોત્સાહન આપવા પણ જવાબદાર હોય છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, પારદર્શકતા અને ન્યાય એ આપણી સંસદીય લોકશાહી વ્યવસ્થાનો આધાર છે. ગૃહના અધ્યક્ષની ખુરશી ગરિમા અને ફરજ એમ બંનેનું પ્રતીક છે. આ માટે ગંભીરતા અને ન્યાયની ભાવના જરૂરી છે. વળી આ પૂર્વગ્રહ કે ભેદભાવમુક્ત, પ્રામાણિકતા અને નિષ્પક્ષતાનું પણ પ્રતીક છે. પ્રિસાઇડીંગ અધિકારીઓ આ આદર્શોથી પ્રેરિત થઈને કામ કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, લોકશાહી વ્યવસ્થા જનકલ્યાણનું સૌથી અસરકારક માધ્યમ પુરવાર થઈ છે. એટલે સાંસદ અને ધારાસભ્ય હોવું ગર્વની બાબત છે. સાંસદો અને પ્રિસાઇડીંગ અધિકારીઓએ દેશની પ્રગતિ અને લોકોના ઉત્થાન માટે એકબીજાની ગરિમા જાળવવી જોઈએ. પ્રિસાઇડીંગ અધિકારીઓની ગરિમા જાળવીને સાંસદો અને ધારાસભ્યો તેમના માટે આદર મેળવી શકે છે અને આ રીતે સંસદીય લોકશાહી વ્યવસ્થા માટે પણ માન વધી શકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણી લોકશાહી વ્યવસ્થાનો પાયો સંસદ અને ધારાસભાઓ છે. તેઓ આપણા દેશવાસીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી ધરાવે છે. છેલ્લાં થોડાં દાયકાઓમાં સામાન્ય જનતાની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને જાગૃતિમાં વધારો થયો છે. એટલે સંસદ અને ધારાસભાઓની ભૂમિકા અને જવાબદારીઓ વધારે મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. જનતાના પ્રતિનિધિઓ લોકશાહીના સિદ્ધાંતો પર ખરાં ઉતરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. લોકશાહી સંસ્થાઓ અને જનતાના પ્રતિનિધિઓ સામે સૌથી મોટો પડકાર લોકોની અપેક્ષાઓ પર ખરાં ઉતરવાનો છે.

કોન્ફરન્સની ચાલુ વર્ષની થીમ છે – જીવંત લોકશાહીની ચાવી – ધારાસભા, કાર્યકારિણી અને ન્યાયતંત્ર વચ્ચે સાનુકૂળ અને સંવાદી સંકલન. આ થીમ પર ખુશી વ્યક્ત કરીને રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ત્રણ અંગો – ધારાસભા, કાર્યકારિણી અને ન્યાયતંત્ર એકબીજા સાથે સમન્વય સ્થાપિત કરીને કામ કરે છે અને ભારતમાં આ પરંપરાના મૂળિયા બહુ મજબૂત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આપણી લોકશાહી વ્યવસ્થા કોન્ફરન્સ દરમિયાન ચર્ચાવિચારણામાંથી પ્રાપ્ત તારણો સ્વીકારીને વધારે મજબૂત થશે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, છેવટે લોકશાહી વ્યવસ્થા જનતાના કલ્યાણના સર્વોચ્ચ લક્ષ્યાંક માટે કામ કરે છે, ખાસ કરીને ગરીબો, પછાત અને આપણા સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે તથા દેશની પ્રગતિ માટે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વહીવટના ત્રણ અંગો સંયુક્તપણે આ લક્ષ્યાંક હાંસલ કરવા કામ કરવાનું જાળવી રાખશે.

 

રાષ્ટ્રપતિના સંબોધન માટે અહીં ક્લિક કરો.....

 

SD/GP/BT(Release ID: 1675638) Visitor Counter : 48