પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા
યુનિવર્સિટીમાં વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
આપણો ઉદ્દેશ ભારતમાંથી કાર્બનનું ઉત્સર્જન 30થી 35 ટકા ઘટાડવાનું અને કુદરતી ગેસનો વપરાશ 4 ગણો વધારવાનો છેઃ પ્રધાનમંત્રી
21મી સદીની યુવા પેઢીને પૂર્વગ્રહમુક્ત થઈને અગ્રેસર થવાની અપીલ કરી
Posted On:
21 NOV 2020 12:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભમાં સહભાગી થયા. તેમણે ‘45 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્લાઇન સોલર ફોટોવોલ્ટેઇક પેનલ’ અને ‘સેન્ટર ઓફ એક્સલન્સ ઓન વોટર ટેકનોલોજી’ નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીમાં ‘ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર – ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશન’, ‘ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટર’ અને ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’નું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા આટલી મોટી કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે ગ્રેજ્યુએટ થવું સરળ બાબત નથી, પણ તમે આ પડકારોથી ઘણી વધારે ક્ષમતાઓ ધરાવો છો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દુનિયા રોગચાળાનો સામનો કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહ્યાં છે અને દુનિયાભરમાં ઊર્જા ક્ષેત્રમાં મોટા ફેરફારો આકાર લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ રીતે ભારતમાં સંપૂર્ણ ઊર્જા ક્ષેત્ર વૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારી માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે. તેમણે જાહેરાત કરી હતી કે, અત્યારે દેશ કાર્બનના ઉત્સર્જનમાં 30થી 35 ટકા ઘટાડો કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે અને આ દાયકામાં આપણી ઊર્જાની જરૂરિયાતમાં કુદરતી ગેસનો હિસ્સો 4 ગણો વધારવાના પ્રયાસો થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આગામી પાંચ વર્ષમાં ઓઇલ રિફાઇનિંગ ક્ષમતા બમણી કરવા પર કામ ચાલી રહ્યું છે, ઊર્જાસુરક્ષા સાથે સંબંધિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવી છે તથા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે ફંડ ઊભું કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉદ્દેશ ધરાવવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે એવું નથી કે સફળ લોકોને જીવનમાં કોઈ સમસ્યાઓ હોતી નથી, પણ જે લોકો પડકારો ઝીલે છે, એનો સામનો કરે છે, તેને હંફાવે છે, સમસ્યાઓનું સમાધાન કરે છે, એમને જ સફળતા મળે છે. તેમણે ઉમેર્યુ હતું કે જે લોકોએ પડકારો ઝીલ્યાં છે, તેમને જીવનના પાછળના વર્ષોમાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 1922થી વર્ષ 1947 સુધી દેશની આઝાદી કાજે યુવાનોને સર્વસ્વનો ત્યાગ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને દેશ માટે જીવવા અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સામેલ થવા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે સફળતાના બીજ જવાબદારીની ભાવનામાં રહેલા હોય છે અને જવાબદારીની ભાવના જીવનનો ઉદ્દેશ બની જવો જોઈએ. તેમણે ધ્યાન દોર્યું હતું કે જે લોકો જવાબદારીની ભાવના સાથે કશું કરે છે, તેમને જીવનમાં સફળતા મળે છે. જે લોકોને નિષ્ફળતા મળે છે, તેઓ કામને બોજ માનીને જીવે છે. તેમણે ઉમેર્યું હતું કે જવાબદારની ભાવના વ્યક્તિના જીવનમાં તકો ઝડપવા માટે સૂઝ પેદા કરે છે. તેમણે કહ્યું હતું કે ભારત ઘણા ક્ષેત્રોમાં સતત અગ્રેસર છે અને યુવાન ગ્રેજ્યુએટ્સે પણ કટિબદ્ધતા સાથે આગળ વધવું પડશે. તેમણે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ હાલની પેઢીને, 21મી સદીની યુવા પેઢીને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના (ક્લીન સ્લેટ) સાથે આગળ વધવા અપીલ કરી હતી. ક્લીન સ્લેટ અને ક્લીન હાર્ટ (પૂર્વગ્રહમુક્ત અને સ્વચ્છ હૃદય) એટલે સ્પષ્ટ ઇરાદા. તેમણે ટીપ્પણી કરી હતી કે, 21મી સદીમાં ભારત પાસેથી દુનિયાને આશા અને અપેક્ષાઓ વધારે છે તથા ભારતની આશા અને અપેક્ષા વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો સાથે સંકળાયેલી છે.
SD/GP/BT
(Release ID: 1674668)
Visitor Counter : 324
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam