સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રએ હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણીપુરમાં ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલી


કેન્દ્રીય ટીમો ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, સંક્રમણ નિવારણ અને કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપનમાં મદદ કરશે

Posted On: 19 NOV 2020 3:08PM by PIB Ahmedabad

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણીપુરમાં ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીમાં દૈનિક ધોરણે નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાથી NCR પ્રદેશમાં હરિયાણા અને રાજસ્થાનમાં સંક્રમણની અસરોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે કારણ કે અહીં કોવિડના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

 

નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા હરિયાણામાં મોકલવામાં આવેલી ત્રણ સભ્યોની કેન્દ્રીય ટીમનું નેતૃત્ત્વ સંભાળી રહ્યાં છે અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલ રાજસ્થાનની ટીમનું જ્યારે NCDCના નિદેશક ડૉ. એસ.કે.સિંહ ગુજરાતમાં મોકલવામાં આવેલી ટીમનું અને DHGSના અધિક DDG ડૉ. એલ. સ્વસ્તીચરણ મણીપુર મોકલવામાં આવેલી ટીમનું નેતૃત્ત્વ સંભાળી રહ્યાં છે.

 

આ ટીમો મોટી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝિટીવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા માટે સહાયતા કરશે.

 

કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે.

 

વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં કેન્દ્ર સરકાર 'સંપૂર્ણ સરકાર' અને 'સંપૂર્ણ સમાજ'ના અભિગમ સાથે 'સહકારી સંઘવાદ'ના છત્રની વ્યૂહનીતિ અંતર્ગત મોરચો સંભાળી રહી છે. વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કોવિડના વ્યવસ્થાપન માટે હાલમાં ચાલી રહેલા પ્રયાસો વધુ મજબૂત કરવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત માટે કેન્દ્રીય ટીમો નિયુક્ત કરવામાં આવે છે. ટીમો જે-તે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તાધિકારીઓ સાથે પરામર્શ કરે છે અને તેઓ જે પડકારો તેમજ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હોય તેને સમજીને તેમની વર્તમાન ચાલી રહેલી પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરવા માટે તેમજ જો કોઇ ઉણપો કે અવરોધો હોય તો તેને દૂર કરવા માટે માર્ગદર્શન આપે છે.

 

SD/GP/BT

 


(Release ID: 1674028) Visitor Counter : 215