પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું


આધ્યાત્મિક આગેવાનોને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપી આત્મનિર્ભરતાના અભિયાનને વેગ આપવા અપીલ કરી

Posted On: 16 NOV 2020 1:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે ‘સ્ટેચ્યૂ ઓફ પીસ’નું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાનું અનાવરણ જૈન આચાર્યના જીવન અને કવનના સન્માનમાં કરવામાં આવ્યું છે અને એને બિરદાવવા પ્રતિમાનું નામ ‘સ્ટેચ્યૂ ઓફ પીસ રાખવામાં આવ્યું છે. 151 ઇંચ ઊંચી આ પ્રતિમાનું નિર્માણ અષ્ટધાતુ એટલે કે આઠ ધાતુઓમાંથી થયું છે, જેમાં મુખ્ય ધાતુ સ્વરૂપે તાંબાનો ઉપયોગ થયો છે. આ પ્રતિમાને રાજસ્થાનના પાલીના જેતપુરામાં વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જૈનાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિવિધ આધ્યાત્મિક આગેવાનો ઉપસ્થિત હતા. બે ‘વલ્લભ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ અને જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા પછી તેમને જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભની ‘સ્ટેચ્યૂ ઓફ પીસનું અનાવરણ કરવાની તક મળી છે. તેમણે આ તક મળવા બદલ પોતે ધન્યતા અનુભવી રહ્યાં છે એવું જણાવ્યું હતું.

વોકલ ફોર લોકલ’ એટલે કે ‘સ્થાનિક ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના અભિયાન પર ભાર મૂકીને શ્રી મોદીએ વિનંતી કરી હતી કે, જેમ આઝાદીના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય નેતાઓએ સ્વદેશી આંદોલનને મજબૂત કર્યું હતું, તેમ અત્યારે તમામ આધ્યાત્મિક આગેવાનોએ આત્મનિર્ભરતાના સંદેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડવો પડશે અને ‘વોકલ ફોર લોકલના ફાયદા લોકોને સમજાવવા પડશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન દેશની જનતાએ જે રીતે સ્થાનિક ચીજવસ્તુઓને ટેકો આપ્યો છે એ જોતા તેઓ ઊર્જાની લાગણી અનુભવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે દુનિયાને હંમેશા શાંતિ, અહિંસા અને મૈત્રીપૂર્ણ સંબંધોનો માર્ગ દર્શાવ્યો છે. અત્યારે દુનિયા એવું જ માર્ગદર્શન ભારત પાસેથી મેળવવા આતુર છે. જો તમે ભારતનાં ઇતિહાસ પર નજર નાંખશો, તો જણાશે કે, જ્યારે જરૂર પડી છે, ત્યારે કોઈને કોઈ સંત-મહાત્માનો પ્રાદુર્ભાવ સમાજને માર્ગદર્શન આપવા માટે થયો છે. આચાર્ય વિજય વલ્લભ આ પ્રકારના એક સંત હતા. જૈનાચાર્ય દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ દેશને શિક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના એમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. જૈનાચાર્યે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા વિવિધ રાજ્યોમાં ભારતીય મૂલ્યો ધરાવતા ઘણી સંસ્થાઓ સ્થાપિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાઓએ ઘણા ઉદ્યોગપતિઓ, ન્યાયાધીશો, ડૉક્ટરો અને ઇજનેરોની ભેટ ધરી છે, જેઓ દેશને નિઃસ્વાર્થ અને શ્રેષ્ઠ સેવા આપી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ મહિલાઓના શિક્ષણનાં ક્ષેત્રમાં આ સંસ્થાઓના પ્રયાસોનું દેશ પર રહેલા ઋણ પર ભાર મૂક્યો હતો. આ સંસ્થાઓએ હાલના મુશ્કેલ સ્થિતિ સંજોગોમાં મહિલા શિક્ષણની જ્યોત પ્રજ્જવલિત રાખી છે. જૈનાચાર્યે કન્યાઓ માટે ઘણી સંસ્થાઓની સ્થાપના કરી છે અને મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આચાર્ય વિજય વલ્લભજી દરેક જીવ માટે પ્રેમ, કરુણા અને સંવેદનાથી સભર હતા. એમના આશીર્વાદથી બર્ડ હોસ્પિટલ અને અનેક ગૌશાળાઓ દેશમાં અત્યારે ચાલી રહી છે. આ સાધારણ સંસ્થાઓ નથી. એમાં ભારત અને ભારતીય મૂલ્યોના દર્શન થાય છે.

 

SD/GP/BT  

 

 


(Release ID: 1673147) Visitor Counter : 263