પ્રધાનમંત્રીનું કાર્યાલય

SCO પરિષદના સદસ્ય દેશોના વડાઓની 20મી બેઠક યોજાઇ

Posted On: 10 NOV 2020 6:33PM by PIB Ahmedabad

SCO પરિષદના સદસ્ય દેશોના વડાઓની 20મી બેઠકનું 10 નવેમ્બર 2020ના રોજ (વીડિયો કોન્ફરન્સિંગ ફોર્મેટથી) આયોજન કરવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખ શ્રી વ્લાદીમીર પુતિનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું. અન્ય SCO સભ્ય દેશો વતી તેમના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે ભારત અને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ પ્રધાનમંત્રી સ્તરે કરવામાં આવ્યું હતું. અન્ય સહભાગીઓમાં SCO સચિવાલયના મહાસચિવ, SCO પ્રાદેશિક ત્રાસવાદ વિરોધી માળખાના કાર્યકારી નિદેશક, SCOના ચાર અવલોકનકર્તા (અફઘાનિસ્તાન, બેલારુસ, ઇરાન, મોંગોલિયા)ના રાષ્ટ્રપતિ સામેલ હતા.

વર્ચ્યુઅલ માધ્યમથી SCOની આ પ્રથમ બેઠક યોજવામાં આવી હતી અને 2017માં ભારતે પૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કર્યા પછી આ બેઠકમાં ત્રીજી વખત ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SCO નેતાઓને આપેલા સંબોધન દરમિયાન અધ્યક્ષ વ્લાદીમીર પુતિનને કોવિડ-19 મહામારીના કારણે સર્જાયેલા પડકારો અને અવરોધો વચ્ચે પણ આ બેઠકનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં, મહામારી પછીની સામાજિક અને આર્થિક અસરોથી પીડાઇ રહેલી દુનિયાની અપેક્ષાઓ સંતોષવા માટે સુધારેલા બહુપક્ષવાદની ખાસ જરૂરિયાત ઉભી થઇ હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ભારત 1 જાન્યુઆરી 2021થી UNSCના એક અસ્થાયી સભ્ય તરીકે શરૂઆત કરીને, વૈશ્વિક સુશાસનમાં ઇચ્છિત પરિવર્તનો લાવવા માટે ‘સુધારેલા બહુપક્ષવાદ’ની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો કે ભારત પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિમાં તેમજ ત્રાસવાદ, દાણચોરી અથવા ગેરકાયદે હથિયારો, ડ્રગ્સ અને નાણાં ઉચાપત સામે અવાજ ઉઠાવવામાં દૃઢતાપૂર્વક માને છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતના બહાદુર જવાનોએ 50 UN શાંતિ મિશનોમાં ભાગ લીધો છે અને ભારતનો દવા ઉદ્યોગ મહામારીના સમય દરમિયાન 150થી વધુ દેશોમાં આવશ્યક દવાઓનો પૂરવઠો પહોંચાડી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ SCO પ્રદેશ સાથે ભારતના પ્રબળ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય ઉત્તર- દક્ષિણ પરિવહન કોરિડોર, ચાબહાર બંદર અને અશ્ગાબત કરાર જેવી પહેલો દ્વારા ભારત આ પ્રદેશમાં કનેક્ટિવિટી પ્રબળ કરવા માટે કટિબદ્ધ હોવાની વાતનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે 2021માં SCOની 20મી વર્ષગાંઠને “SCO સંસ્કૃતિનું વર્ષ” તરીકે ઉજવવા માટે પૂર્ણ સમર્થન આપ્યું હતું અને આગામી વર્ષે ભારતીય રાષ્ટ્રીય સંગ્રહાલયના ઉપક્રમે ભારતમાં સહિયારા બૌદ્ધ હેરીટેજ પર પ્રથમ SCO પ્રદર્શન, SCO ફુડ ફેસ્ટિવલના આયોજન તેમજ દસ પ્રાદેશિક ભાષાઓના સાહિત્યના રશિયન અને ચીની ભાષામાં અનુવાદ જેવી ભારત દ્વારા પોતાની રીતે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ 30 નવેમ્બર 2020ના રોજ SCO પરિષદના દેશોની સરકારોના વડાઓની યોજાનારી આગામી નિયમિત બેઠકના યજમાન થવા માટે પણ ભારતની તૈયારી દર્શાવી હતી. ભારતે SCOમાં આવિષ્કાર અને સ્ટાર્ટઅપ માટે એક વિશેષ કામગીરી સમૂહની રચના કરવા માટે અને પરંપરાગત ચિકિત્સા પર એક પેટા સમૂહ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે મહામારી પછીના સમયમાં “આત્મનિર્ભર ભારત” અંગે ભારતની દૂરંદેશી અંગે સમજાવ્યું હતું જે વૈશ્વિક અર્થતંત્રને અનેકગણો વેગ આપશે અને SCO પ્રદેશમાં આર્થિક પ્રગતિને આગળ વધારશે.

પ્રધાનમંત્રીએ તાઝિકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમોમલી રહમોનને આગામી વર્ષે SCOનું અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.

 

SD/GP/BT 



(Release ID: 1671828) Visitor Counter : 250