પ્રધાનમંત્રીનું કાર્યાલય

વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 09 NOV 2020 2:00PM by PIB Ahmedabad

હમણાં આપ સૌ સાથીદારો સાથે મને વાત કરવાની તક મળી, મને થોડુંક સારૂં લાગ્યુ અને શહેરમાં વિકાસનાં જે કામ થઈ રહ્યાં છે, સરકારે જે નિર્ણયો કર્યા છે તેનો લાભ બનારસના લોકોને પણ થઈ રહ્યો છે. અને આ જે કાંઈ થઈ રહ્યું છે તેની પાછળ બાબા વિશ્વનાથના જ આશીર્વાદ છે. અને એ માટે આજે હું ભલે વર્ચ્યુઅલી અહીં આવ્યો છું, પણ આપણા કાશીની જે પરંપરા છે, તે પરંપરાને નિભાવ્યા વગર આપણે આગળ જઈ શકતા નથી. એટલા માટે હાલ તમે જે કોઈ મારા કાર્યક્રમ સાથે જોડાયા છો. તે બધા એક સાથે બોલશે- હર હર મહાદેવ ! ધનતેરસ, દિવાળી, અન્નકૂટ, ગોવર્ધન પૂજા અને ડાલા છઠની આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું! માતા અન્નપૂર્ણા આપ સૌને ધન ધાન્યથી સમૃધ્ધ કરે ! અમારી આશા છે કે બજારોની રોનકમાં વધારો થાય, મારા કાશીની ગલીઓ ચમકતી રહે અને બનારસી સાડીઓનો કારોબાર પણ ચમકે. કોરોના સાથે લડતાં લડતાં પણ આપણાં ખેડૂત ભાઈઓએ ખેતી તરફ ઘણું ધ્યાન આપ્યુ છે. માત્ર બનારસમાં જ નહીં સમગ્ર પૂર્વાંચલમાં એક વખત ખૂબ સારો પાક થયો છે તેવા સમાચાર મળ્યા છે. ખેડૂતનો પરિશ્રમ માત્ર પોતાના માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે કામ આવવાનો છે. આપ સૌની ઉપર અન્ન દેવતાની ખૂબ ખૂબ કૃપા વરસી તે માટે અભિનંદન પાઠવું છું.

કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉપ-મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ગણ, ધારાસભ્યો, બનારસના તમામ પસંદ કરાયેલા લોક પ્રતિનિધિઓ અને બનારસના મારા વહાલા ભાઈઓ અને બહેનો!

મહાદેવના આશીર્વાદથી કાશી કદી અટકતી નથી. મા ગંગાની જેમ જ તે સદા આગળ ધપતી જાય છે. કોરોના સામે અડગ રહીને બનારસે જે લડાઈ લડી છે, આ મુશ્કેલ સમયમાં જે સામાજિક એકતાનો પરિચય આપ્યો છે. તે બાબત ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. હવે આજે આ કડીમાં બનારસના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાની યોજનાઓંનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. એક રીતે કહીએ તો એ પણ ભગવાન મહાદેવના જ આશીર્વાદ છે કે જ્યારે કાશી માટે કોઈ નવા કામની શરૂઆત થાય છે, ત્યારે જૂના અનેક સંકલ્પ સિધ્ધ થઈ ચૂક્યા હોય છે. એનો અર્થ એ કે એક તરફ શિલાન્યાસ થાય છે તો બીજી તરફ લોકાર્પણ થાય છે. આજે પણ આશરે 220 કરોડ રૂપિયાની 16 યોજનાઓના લોકાર્પણની સાથે સાથે આશરે રૂ.400 કરોડની 14 યોજનાઓનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. હું તમામ વિકાસકાર્યો માટે બનારસના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કાશીમાં, ઉત્તર પ્રદેશમાં, રોકાયા વગર કે થાક્યા વગર ચાલી રહેલાં આ વિકાસ કાર્યોનો યશ શ્રીમાન યોગી આદિત્યનાથજીને અને તેમની પૂરી ટીમને, મંત્રી પરિષદના સભ્યોને, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને અને તમામ લોકોને આ સફળતાનો શ્રેય મળે છે.  યોગીજી અને તેમની ટીમ તરફથી લોક સેવા માટે કરવામાં આવેલા એકનિષ્ઠ પ્રયાસો માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છુ અને શુભેચ્છા પણ પાઠવુ છું.

સાથીઓ,

બનારસ શહેર અને ગામની ઈ-વિકાસ યોજનાઓમાં પર્યટન પણ હોય, સંસ્કૃતિ હોય અને સડક પણ હોય, વીજળી અને પાણી પણ હોય. હંમેશાં એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે દરેક વ્યક્તિની ભાવનાને અનુરૂપ જ વિકાસનુ ચક્ર આગળ ધપતુ રહે. અને એટલા માટે ખુદ વિકાસ એ બાબતનુ ઉદાહરણ પૂરૂ પાડે છે કે બનારસ એક સાથે દરેક ક્ષેત્રમાં, દરેક દિશામાં ઝડપથી આગળ ધપતુ રહે. મા ગંગાની સ્વચ્છતાથી માંડીને આરોગ્ય સેવાઓ સુધી, માળખાગત સુવિધાઓથી માંડીને પર્યટન સુધી, વીજળીથી માંડીને યુવાનો માટે ખેલ કૂદ સુધી અને ખેડૂતોથી માંડીને ગામના ગરીબ સુધી, દરેક ક્ષેત્રમાં બનારસના વિકાસને નવી ગતિ પ્રાપ્ત થઈ છે. આજે ગંગા એકશન પ્લાન પ્રોજેકટ હેઠળ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નવિનીકરણનુ કામ પૂરૂ થઈ ચૂક્યુ છે. સાથે-સાથે શાહી નાળાથી વધારાનુ સુએઝ ગંગામાં પડતુ રોકવા માટે ડાયવર્ઝન લાઈનનો શિલાન્યાસ પણ કરી દેવામાં આવ્યો છે. રૂ. 35 કરોડથી વધુ રકમ મારફતે ખિડકીયા ઘાટના સાજ-શણગાર પણ કરવામાં આવ્યા છે. અહીં સીએનજીથી હોડીઓ પણ ચાલશે, તેનાથી ગંગામાં પ્રદૂષણ ઓછુ થશે. એક તરફ દશાશ્વમેઘ ઘાટ ઉપર ટુરિસ્ટ પ્લાઝા પણ આગામી દિવસોમાં પ્રવાસીઓની સુવિધાઓના આકર્ષણનુ કેન્દ્ર બની રહેવાનો છે. આ ઘાટની સુંદરતા પણ વધશે. વ્યવસ્થાઓ પણ વધશે. જે સ્થાનિક નાના-નાના વેપાર છે, આ પ્લાઝા બનવાથી તેમના વેપારમાં પણ વધારો થશે.

સાથીઓ,

મા ગંગા માટે થઈ રહેલા આ પ્રયાસો, આ કટિબધ્ધતા, કાશીનો સંકલ્પ પણ છે, અને કાશી માટે નવી સંભાવનાઓનો તે માર્ગ પણ છે. ધીમે-ધીમે અહીંના ઘાટોની તસવીર બદલાઈ રહી છે. કોરોનાની અસર ઓછી થવાથી જ્યારે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે ત્યારે તે લોકો બનારસની સુંદર છબી લઈને અહીંથી જશે. ગંગા ઘાટની સ્વચ્છતા અને સૌંદર્યીકરણની સાથે-સાથે સારનાથ પણ નવા રૂપમાં નિખરી રહ્યુ છે. આજે જે લાઈટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યુ છે. તેનાથી સારનાથની ભવ્યતામાં ઘણો વધારો થવાનો છે.

ભાઈઓ અને બહેનો,

કાશીની મોટી સમસ્યા અહીં લટકતા વીજળીના તારની રહી છે. આજે કાશીનો ખૂબ મોટો વિસ્તાર વીજળીના લટકતા તારથી મુક્ત થઈ રહ્યો છે. વાયરોને ભૂગર્ભમાં પાથરવાનુ વધુ એક ચરણ આજે પૂરૂ થઈ ચૂક્યુ છે. કેંટ સ્ટેશનથી લહૂરાબીર, ભોજુબીરથી મહાવીર મંદિર, કચેરી ચોરાહાથી ભોજુબીર તીરાહા, એવા 7 રૂટ ઉપર વીજળીના તારથી મુક્તિ મળી ગઈ છે, અને એટલુ જ નહી, સ્માર્ટ એલઈડી લાઈટથી કાશીની ગલીઓમાં રોશની અને સુંદરતા પણ છવાઈ જશે.

સાથીઓ,

બનાસરની કનેક્ટિવિટી હંમેશાં અમારી સર્વોચ્ચ અગ્રતા રહી છે. કાશીવાસીઓ અને કાશીમાં આવનાર દરેક પ્રવાસીને તેમજ દરેક શ્રધ્ધાળુનો સમય ટ્રાફિક જામમાં બગડે નહી તે માટે નવી માળખાગત સુવિધાઓનુ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજે બનારસમાં એરપોર્ટ ઉપર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. બાબતપુરથી શહેરને જોડનારી સડકને પણ આજે નવી ઓળખ મળી છે. આજે એરપોર્ટ પર બે પેસેન્જર બોર્ડીંગ બ્રીજનુ લોકાર્પણ થયા પછી, આ સુવિધાઓમાં વધારે ઉમેરો થશે. આ વિસ્તાર એટલા માટે પણ જરૂરી છે કે 6 વર્ષ પહેલાં એટલે કે તમે મને તમારી સેવા કરવાની તક પૂરી પાડી તે પહેલાં બનારસમાં દૈનિક 12 ફલાઈટ ચાલતી હતી. આજે તેની ચાર ગણી એટલે કે 48 ફલાઈટ ચાલી રહી છે. એટલેકે બનારસમાં વધતી સુવિધાઓ જોઈને, અહી આવનારા લોકીની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

બનારસમાં તૈયાર થઈ રહેલી આધુનિક માળખાગત સુવિધાઓ, અહીં રહેનારા અને અહીં આવનારા લોકોનુ જીવન સરળ બનાવી રહી છે. એરપોર્ટ સાથે જોડાયેલી કનેક્ટિવિટીની સાથે-સાથે રિંગ રોડ હોય, મહમૂરગંજ-મળ્ડુવાહિક ફલાય ઓવર હોય, એનએચ-56 માર્ગને પહોળો કરવાની વાત હોય આ તમામ બાબતે બનારસની માળખાગત સુવિધાઓનો હાલમાં કાયાકલ્પ થઈ રહ્યો તેવુ દેખાઈ રહ્યુ છે. શહેરની અંદર અને આસપાસના વિસ્તારોની સડકોની તસવીર બદલાઈ ગઈ છે. આજે પણ વારાણસીના અલગ અલગ વિસ્તારોમાં સડક નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈવે, ફૂલવરીયા – લહરતારા માર્ગ, વરૂણા નદી અને 3 પુલ અને અનેક સડકોનુ નિર્માણ, આવાં અનેક કામ આવનારા સમયમાં ખૂબ ઝડપથી પૂરાં થઈ જવાનાં છે. સડક માર્ગોના આ નેટવર્કની સાથે-સાથે બનારસ હવે જળ માર્ગોની કનેક્ટિવિટીમાં પણ એક મોડેલ પૂરવાર થઈ રહ્યુ છે. આપણા બનારસમાં આજે દેશનો પહેલો ઈનલેન્ડ વૉટર પાર્ક બની ચૂક્યો છે.

ભાઈઓ અને બહેનો,

વિતેલાં 6 વર્ષમાં બનારસમાં આરોગ્ય ક્ષેત્રની માળખાગત સુવિધાઓ માટે પણ ઘણુ કામ થયુ છે. કાશી આજે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ એક રીતે કહીએ તો સમગ્ર પૂર્વાંચલ માટે આરોગ્ય સેવાઓ માટેનુ હબ બની રહ્યું છે. આજે રામનગરમાં લાલ બહાદૂર શાસ્ત્રી હૉસ્પિટલના આધુનિકીકરણ સાથે જોડાયેલા કામોનું લોકાર્પણ થવાથી કાશીની આ ભૂમિકાનું વિસ્તરણ થયું છે. રામનગરની હોસ્પિટલમાં હવે મિકેનાઈઝ્ડ લોન્ડ્રી, વ્યવસ્થિત રજીસ્ટ્રેશન કાઉન્ટર અને આવાસ સંકુલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હોમી ભાભા કેન્સર હોસ્પિટલ અને પંડિત મહામના માલવીય કેન્સર હોસ્પિટલ જેવા મોટા કેન્સર ઈન્સ્ટીટ્યુટ અહીંયા પહેલાથી જ સેવા આપી રહ્યા છે. આ રીતે કામદાર વીમા યોજનાની હોસ્પિટલ અને બનારસ હિંદુ યુનિવર્સિટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ પણ અહીં ગરીબમાં ગરીબ સાથીઓથી માંડીને ગર્ભવતી મહિલાઓને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી રહી છે.

સાથીઓ,

બનારસમાં આજે જે પ્રકારે ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે, દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. પૂર્વાંચલ સહિત તેનો સમગ્ર પૂર્વ ભારતને લાભ મળવાનો છે. હવે પૂર્વાંચલના લોકોને નાની નાની જરૂરિયાતો માટે દિલ્હી અથવા મુંબઈના ચક્કર લગાવવા નહીં પડે. બનારસ અને પૂર્વાંચલના ખેડૂતો માટે તો સંગ્રહથી માંડીને પરિવહન સુધીની અનેક સુવિધાઓ વિતેલા વર્ષોમાં તૈયાર કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ રાઈસ ઈન્સ્ટીટ્યુટનું સેન્ટર હોય કે પછી મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ હોય. પેરિશેબલ કાર્ગો સેન્ટરનું નિર્માણ હોય, આવી અનેક સુવિધાઓના કારણે અહીંના ખેડૂતોને ઘણો લાભ થઈ રહ્યો છે તે પણ અમારા માટે ગર્વની બાબત છે કે આ વર્ષે વારાણસી વિસ્તારમાંથી પ્રથમ વખત ફળ, શાકભાજી અને અનાજની વિદેશમાં નિકાસ કરવામાં આવી રહી છે. ખેડૂતો માટે બનાવેલી સંગ્રહ સુવિધાઓનું વિસ્તરણ કરીને આજે કપસેઠીમાં 100 મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતા ધરાવતા ગોદામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જનસામાં પણ બહુ હેતુક બીજ ગોદામ અને ડિસેમિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો,

ગામ, ગરીબ અને કિસાન આત્મનિર્ભર ભારત અભિયાનના સૌથી મોટા સ્તંભ પણ છે અને સૌથી મોટા લાભાર્થી પણ છે. હાલમાં જે ખેત સુધારા કરવામાં આવ્યા છે તેના કારણે ખેડૂતોને સીધો લાભ થવાનો છે. બજાર સાથે તેમની સીધી કનેક્ટીવિટી નિશ્ચિત થવાની છે. ખેડૂતોના નામ પર ખેડૂતની મહેનતને હડપ કરી જતા વચેટીયા અને દલાલોને હવે સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તેનો સીધો લાભ ઉત્તર પ્રદેશના, પૂર્વાંચલના, બનારસના દરેક ખેડૂતેને થવાનો છે.

સાથીઓ,

ખેડૂતની જેમ જ લારી-ફેરીવાળા અને ઠેલા ચલાવનારા સાથીઓ માટે પણ એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે. આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના માધ્યમથી લારી-ફેરીવાળા ભાઈ-બહેનોને આસાનીથી લોન મળી રહી છે. કોરોનાના કારણે તેમને જે તકલીફો પડી છે તે દૂર થઈ શકે, તેમનું કામ ફરી શરૂ થઈ શકે તે માટે તેમને રૂ.10 હજારની લોનની સહાય આપવામાં આવી રહી છે. આવી રીતે ગામડાંમાં રહેનારા લોકોને ગામની જમીનના, ગામના ઘરના, કાનૂની અધિકારો આપવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. ગામડાંમાં ઘરથી માંડીને મકાન અંગેના જે વિવાદ થાય છે તેના કારણે ક્યારેક તો મારામારી પણ થઈ જાય છે. કોઈ વખત ગામમાં સગાઈ, લગ્ન વગેરેમાં જઈને પાછા આવીએ ત્યારે કોઈએ કબજો લીધેલો જણાય છે. આવી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે સ્વામિત્વ યોજના હેઠળ પ્રાપ્ત થયેલા પ્રોપર્ટી કાર્ડ પછી આ પ્રકારની મુશ્કેલીની શક્યતા પણ રહેશે નહીં. હવે ગામનું ઘર હોય કે જમીનનું પ્રોપર્ટી કાર્ડ તમારી પાસે હશે તો તેનાથી બેંકોનું ધિરાણ મળવાનું પણ આસાન થઈ જશે અને સાથે સાથે જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવવાનો ખેલ પણ ખતમ થઈ જશે. પૂર્વાંચલ અને બનારસને આ યોજનાઓનો ઘણો મોટો લાભ મળવાનો છે.

સાથીઓ, આપણે ત્યાં શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે 'काश्याम् हि काशते काशी, काशी सर्व प्रकाशिका' નો અર્થ એ થાય છે કે કાશી જ કાશીને પ્રકાશિત કરે છે અને કાશી તમામને પ્રકાશિત કરે છે. એટલા માટે આજે કાશીના વિકાસનો જે પ્રકાશ ફેલાઈ રહ્યો છે, જે બદલાવ આવી રહ્યો છે તે કાશી અને તમામ કાશીવાસી લોકોના જ આશીર્વાદનું પરિણામ છે. કાશીના આશીર્વાદને કારણે સાક્ષાત મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જ્યારે મહાદેવના આશીર્વાદ હોય ત્યારે મોટા મોટા કામ પણ સરળ બની જતા હોય છે. મને વિશ્વાસ છે કે કાશીના આશીર્વાદની આ વિકાસ ગંગા આવી જ રીતે કલ કલ વહેતી રહેશે, અવિરત વહેતી રહેશે. આવી શુભેચ્છાઓની સાથે ફરી એક વખત આપ સૌને દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મારો આપ સૌને એક આગ્રહ પણ છે. આજકાલ તમે જોઈ રહ્યા છો કે ‘લોકલ માટે, વોકલ, વોકલ માટે લોકલની સાથે લોકલ ફોર દિવાળીના મંત્ર ચારે તરફ સંભળાવા લાગ્યો છે. મારા બનારસના લોકોને અને દેશવાસીઓને પણ મારે જણાવવાનું છે કે લોકલ ફોર દિવાળીને ખૂબ જ પ્રોત્સાહિત કરે, તેનો ખૂબ જ પ્રચાર કરે. કેટલા શાનદાર છે, કેવી રીતે આપણી ઓળખ છે તે બધુ કહેશો તો વાત દૂર દૂર સુધી જશે અને તેના કારણે સ્થાનિક ઓળખને પણ મજબૂતી પ્રાપ્ત થશે અને જે લોકો આ સામાન બનાવે છે તેમની દિવાળી પણ ઝળહળી ઉઠશે. એટલા માટે જ હું દેશવાસીઓને દિવાળી પહેલાં, વારંવાર આગ્રહ કરૂં છું કે આપણે લોકલ માટે આગ્રહ રાખીએ. દરેક વ્યક્તિ લોકલ માટે વોકલ બને અને લોકલની સાથે દિવાળી મનાવે. તમે જુઓ, સમગ્ર અર્થતંત્રમાં એક નવી ચેતના આવી જશે, નવો જીવ પેદા થશે. આ ચીજો કે જેમાં મારા દેશવાસીઓના પરસેવાની સુગંધ હોય, જે ચીજો મારા દેશના નવયુવાનોની બુધ્ધિ શક્તિનો પરિચય આપતી હોય તે ચીજો મારા દેશના અનેક પરિવારોને નવા ઉમંગ અને ઉત્સાહની સાથે સંકલ્પ લઈને પોતાના કાર્યનો વિસ્તાર કરવાની તાકાત પણ આપે છે. આ બધા માટે એક ભારતીય હોવાના નાતે, મારા દેશવાસીઓ હોવાના નાતે મારૂં કર્તવ્ય બની રહે છે. મારા દેશની દરેક ચીજ માટે મારી કટિબધ્ધતા ઉભી થાય છે. આવો, આ ભાવના સાથે લોકલ માટે વોકલ બનીએ. દિવાળી લોકલથી મનાવીએ અને માત્ર દીવા જ નહીં, કેટલાક લોકોને તો લાગતું હોય છે કે લોકલનો અર્થ દીવા જ થાય છે, પરંતુ એવું નથી ભાઈ, દરેક ચીજ હોય, કોઈપણ ચીજ હોય કે જે આપણાં દેશમાં બનાવવાનું શક્ય જ ના હોય તો તેને ચોક્કસ બહારથી લાવવી પડશે. હું એવું પણ કહીશ કે જો તમારા ઘરમાં બહારથી કોઈ ચીજ લાવેલી હોય તો તેને ફેંક દો, ગંગાજીમાં વહાવી દો. જી નહીં, હું આવું કહેતો નથી. હું એવુ જ ઈચ્છું છું કે મારા દેશના જે લોકો પસીનો વહાવી રહ્યા છે, મારા દેશના નવયુવાનો જે પોતાની બુધ્ધિ, શક્તિ અને સામર્થ્યથી કશુંને કશું નવી કરવાની કોશિશ કરી રહ્યા છે તેમની આંગળી પકડવી તે આપણાં સૌની જવાબદારી બની રહે છે. તેમનો હાથ પકડવો તે આપણાં સૌની જવાબદારી બની રહે છે. તેમની ચીજો ખરીદીએ તો તેમના ઉત્સાહમાં વધારો થાય છે. તમે જુઓ, જોત-જોતામાં જ વિશ્વાસથી ભરેલો એક પૂરો વર્ગ તૈયાર થઈ રહ્યો છે, જે ભારતને નવી ઉંચાઈ પર લઈ જવા માટે એક નવી શક્તિ સ્વરૂપે જોડાઈ જશે. અને એટલા માટે જ હું આજે ફરી એક વખત મારા કાશીવાસીઓને જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે દિવાળીની શુભકામનાઓની સાથે-સાથે કાશી પાસે જ્યારે મેં કશું માંગ્યું, જ્યારે માંગ્યું, કાશીએ મને અનેકગણું આપ્યું છે, ખૂલ્લા મનથી આપ્યું છે. પરંતુ મેં મારા માટે ક્યારેય કશું માંગ્યું નથી. મને જરૂર પડે તેવું તમે કશું બાકી રાખ્યું નથી, પરંતુ કાશીની દરેક જરૂરિયાત માટે હું કાશીમાં તૈયાર થનારી દરેક ચીજ માટે ગીત ગાઉં છું, ગૌરવ કરૂં છું. ઘરે-ઘરે વાત પહોંચાડવાનો પ્રયાસ કરૂં છું. મારા દેશની દરેક ચીજને આવો મોકો મળે તેવો મારો આગ્રહ છે. ફરી એક વખત કાશીવાસીઓને પ્રણામ કરીને, કાશી વિશ્વનાથના ચરણોમાં મસ્તક ઝૂકાવીને, કાળ ભૈરવને પ્રણામ કરતાં રહીને, માતા અન્નપૂર્ણાને પ્રણામ કરીને આપ સૌને હવે પછી આવનારા તમામ તહેવારો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT

 

 


(Release ID: 1671445) Visitor Counter : 278