પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ IIT દિલ્હી ખાતે 51મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું
સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને દેશની જરૂરિયાતો પારખવાનો અને પરિવર્તનો સાથે પાયાના સ્તરેથી જોડાવાનો અનુરોધ કર્યો
ભારત પોતાના યુવાનોને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો માહોલ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે, જેથી તેઓ દેશવાસીઓ માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ની સ્થિતિનું નિર્માણ કરવા પર ધ્યાન આપી શકે: પ્રધાનમંત્રી
IITના વિદ્યાર્થીઓને ગુણવત્તા, વ્યાપકતા, વિશ્વસનીયતા અને અનુરૂપક્ષમતાનો મંત્ર આપ્યો
Posted On:
07 NOV 2020 2:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IITમાંથી આજે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને દેશની જરૂરિયાતો પારખવા અને પરિવર્તનો સાથે પાયાના સ્તરેથી જોડાવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે આ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં સામાન્ય લોકોની મહત્વાકાંક્ષાઓ ઓળખવા માટે પણ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આજે IIT દિલ્હી ખાતે યોજાયેલા 51મા પદવીદાન સમારંભ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપેલા સંબોધન દરમિયાન વિદ્યાર્થીઓને આ વાતો જણાવી હતી.
IITના 2000થી વધુ વિદ્યાર્થીઓને તેમનો સ્નાતકનો અભ્યાસ પૂરો કરવા બદલ તેમને અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર અભિયાન એક મિશન છે અને તે દેશમાં યુવાનો, ટેકનોક્રેટ્સ તેમજ ટેક-એન્ટરપ્રાઇઝ અગ્રણીઓને તકો પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે, ટેકનોક્રેટ્સ મુક્ત રીતે પોતાના વિચારો અને નવાચારનો અમલ કરી શકે અને સરળતાથી તે બજારમાં ઉપલબ્ધ થાય તે માટે મોટાપાયે વ્યાપક બનાવી શકે તેના માટે એક અનુકૂળ માહોલ ઉભો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત પોતાના યુવાનોને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો માહોલ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે જેથી તેઓ પોતાના નવાચાર દ્વારા કરોડો દેશવાસીઓના જીવનમાં સરળતા લાવવા માટે પરિવર્તન લાવી શકે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે “દેશ તમને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો માહોલ આપશે, તમે બસ ‘ઇઝ ઓફ લિવિંગ’ પર કામ કરો.” તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં લગભગ બધા જ ક્ષેત્રોમાં કરવામાં આવેલા મોટા સુધારાઓ પાછળ આ વિચારધારાને જ અનુસરવામાં આવી છે. તેમણે એવા ક્ષેત્રો પણ ગણાવ્યા હતા જ્યાં સુધારાઓના કારણે પહેલી જ વખત નવાચાર માટે તકોનું સર્જન કરવામાં આવ્યું છે અને નવા સ્ટાર્ટઅપ માટે તકો ઉપલબ્ધ થઇ શકી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં અન્ય સેવા પ્રદાતાઓ (OSP) માર્ગદર્શિકાને વધુ સરળ બનાવવામાં આવી છે અને પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે જેનાથી BPO ઉદ્યોગો પર આવતું વધારાનું ભારણ હળવું થઇ શકશે. તેમણે કહ્યું કે, BPO ઉદ્યોગને પણ બેંક બાંહેધરી સહિત વિવિધ જરૂરિયાતોમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટેક ઉદ્યોગને વર્ક ફ્રોમ હોમ (ઘરે બેઠાં કામ) અથવા વર્ક ફ્રોમ એનીવેર (ગમે ત્યાંથી કામ) જેવી સુવિધાઓથી વંચિત રાખતી જોગવાઇઓને પણ દૂર કરવામાં આવી છે. આનાથી દેશમાં IT ક્ષેત્ર વૈશ્વિક સ્પર્ધામાં વધુ સારી રીતે આગળ વધી શકશે અને તેનાથી યુવા કૌશલ્યને વધુ તકો પ્રદાન થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે ભારત એવા દેશોમાંથી છે જ્યાં કોર્પોરેટ ટેક્સ સૌથી નીચલા સ્તરે છે. ભારતમાં જ્યારથી સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારથી 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના પરિણામો ગણાવ્યા હતા જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પેટન્ટની સંખ્યામાં 4 ગણી વૃદ્ધિ, ટ્રેડમાર્ક નોંધણીમાં પાંચ ગણી વૃદ્ધિ સહિત અન્ય સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષોના સમયમાં 20થી વધુ ભારતીય યુનિકોર્ન કંપનીઓ સ્થાપિત થઇ પરંતુ આવનાર એક કે બે વર્ષમાં જ આ સંખ્યામાં વધીને બમણી થઇ જશે.
પ્રધાનમંત્રીએ ખાસ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે, આજે ઇન્ક્યુબેશનથી માંડીને ફંડિંગ માટે સ્ટાર્ટઅપ્સને મદદ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટાર્ટઅપ માટે ફંડિંગ પૂરું પાડવાના ઉદ્દેશથી રૂ. 10 હજાર કરોડની મૂડી સાથે ફંડ્સનું ભંડોળ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ત્રણ વર્ષના સમયગાળામાં, સ્ટાર્ટઅપ્સને કરવેરામાં મુક્તિ, સ્વપ્રમાણન અને સરળતાથી એક્ઝિટ જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંતર્ગત, રૂપિયા 1 લાખ કરોડનું રોકાણ કરવાનું આયોજન છે આનાથી સમગ્ર દેશમાં પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે અને તેના ફળસ્વરૂપે વર્તમાન તેમજ ભવિષ્યની જરૂરિયાતો સંતોષી શકાશે. તેમણે જણાવ્યું હતું કે આજે દેશ તમામ ક્ષેત્રોમાં મહત્તમ સંભાવ્યતા પ્રાપ્ત કરવા માટે નવી પદ્ધતિઓ પર કામ કરી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના કાર્યસ્થળ માટે ચાર મંત્રો આપ્યા હતા, જે નીચે પ્રમાણે છે:
- ગુણવત્તા પર ધ્યાન આપવું: ક્યારેય ગુણવત્તા સાથે બાંધછોડ કરવી નહીં
- વ્યાપકતા સુનિશ્ચિત કરવી: તમારા નવાચારના કાર્યને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડો.
- વિશ્વસનિયતા સુનિશ્ચિત કરવી: બજારમાં લાંબાગાળાનો વિશ્વાસ સ્થાપિત કરો
- અનુકૂલનક્ષમતા લાવવી: પરિવર્તન માટે તૈયાર રહો અને જીવનના માર્ગમાં અનિશ્ચિતતાઓની અપેક્ષા રાખો
તેમણે જણાવ્યું હતું કે આ પાયાના મંત્રો દરેકની ઓળખમાં એક નવી ચમક લાવશે તેમજ બ્રાન્ડ ઇન્ડિયાને પણ વધુ ચમકાવશે કારણ કે વિદ્યાર્થીઓ તો દેશના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર્સ હોય છે. તેમણે ટાંક્યું હતું કે વિદ્યાર્થીઓનું કાર્ય દેશના ઉત્પાદનને વૈશ્વિક સ્વીકૃતિ અપાવશે અને તેનાથી દેશના પ્રયાસોમાં ઉન્નતિ આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ પછીની દુનિયા ખૂબ જ અલગ રહેશે અને ટેકનોલોજી તેમાં સૌથી મોટી ભૂમિકા નિભાવશે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ચ્યુઅલ રિયાલિટી અંગે ક્યારેય કોઇએ વિચાર સુદ્ધા નહોતો કર્યો પરંતુ હવે વર્ચ્યુઅલ રિયાલિટી અને વધારેલી વાસ્તવિકતા વર્કિંગ રિયાલિટી એટલે કામની વાસ્તવિકતા બની ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની વર્તમાન બેચ કાર્યસ્થળે ઉભરી રહેલા નવા માપદંડો શીખવા અને અપનાવવા માટેનો લાભ મેળવનારી પ્રથમ બેચ છે અને તેમણે સૌને અનુરોધ કર્યો હતો કે તેઓ આમાંથી શક્ય હોય એટલો વધારે લાભ ઉઠાવે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 મહામારીએ શીખવ્યું છે કે વૈશ્વિકરણ મહત્વનું છે પરંતુ આત્મનિર્ભરતા પણ એટલું જ મહત્વ ધરાવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં દેશે બતાવી દીધું છે કે, દેશમાં સૌથી ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પ્રશાસનને પહોંચવા માટે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ સૌથી શક્તિશાળી માધ્યમ તરીકે થઇ શકે છે. તેમણે સરકારની એવી યોજનાઓ ગણાવી હતી જેના થકી ટેકનોલોજીના માધ્યમથી સરકાર દેશના ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચી શકી છે જેમાં શૌચાલયોનું નિર્માણ, ગેસ જોડાણો વગેરે પણ છે. તેમણે કહ્યું હતું કે, સેવાઓની ડિજિટલ ડિલિવરી માટે અને સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બનાવવાની દિશામાં દેશ હરણફાળ ભરીને આગળ વધી રહ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, ટેકનોલોજીએ કાર્યદક્ષ રીતે છેવટના લોકો સુધી ડિલિવરી કરવાનું અને ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટાડવાનું શક્ય બનાવ્યું છે. ડિજિટલ વ્યવહારોના કિસ્સામાં પણ ભારત દુનિયાના સંખ્યાબંધ દેશોની સરખામણીએ આગળ નીકળી ગયો છે અને વિકસિત દેશો પણ UPI જેવા ભારતીય પ્લેટફોર્મ અપનાવવાનો વિચાર કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી સ્વામિત્વ યોજનામાં ટેકનોલોજી ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી રહી છે. આ યોજના અંતર્ગત, પ્રથમ વખત રહેણાંક અને જમીનની મિલકતોનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અગાઉ આ કામ માણસો દ્વારા જાતે કરવામાં આવતું હતું અને તેના કારણે શંકાઓ રહેતી હતી અને આંશકાઓ આવે તે એક સ્વાભાવિક વાત છે. આજે, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ મેપિંગનું કામ કરવામાં આવી રહ્યું છે અને ગામવાસીઓ પણ તેનાથી સંપૂર્ણ સંતુષ્ટ છે. આ બતાવે છે કે, કેવી રીતે ભારતમાં સામાન્ય લોકો પણ ટેકનોલોજી પર વિશ્વાસ કરી રહ્યાં છે. તેમણે એવા પડકારો ગણાવ્યા હતા જેના માટે ટેકનોલોજીએ સારા ઉકેલો આપ્યા છે જેમાં કુદરતી આપત્તિ પછીનું વ્યવસ્થાપન, ભૂગર્ભજળનું સ્તર જાળવવું, ટેલિ-મિડિસિનની ટેકનોલોજી અને રીમોટ સર્જરી, બિગ ડેટા વિશ્લેષણ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે વિદ્યાર્થીઓની અપવાદરૂપ ક્ષમતાઓની પ્રશંસા કરી હતી કારણે તેઓ ખૂબ નાની વયે સૌથી અઘરી કહેવાય તેવી પરીક્ષા પાસ કરીને આગળ વધી રહ્યાં છે અને સાથે-સાથે તેમને સલાહ પણ આપી હતી કે, તેઓ પોતાની આ ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પરિસ્થિતિને અનુકૂળ અને વિનમ્ર રહે. સુગમતા મતલબ તેમણે કહ્યું હતું કે, ક્યારેય પણ કોઇપણ તબક્કે ટીમનો હિસ્સો બનવામાં અચકાશો નહીં અને પોતાની ઓળખ છુપાવશો નહીં. વિનમ્રતા મતલબ તેમણે કહ્યું કે, હંમેશા નિરાભિમાની રહો અને પોતાની સફળતા તેમજ સિદ્ધિઓનું અભિમાન ના કરશો.
પ્રધાનમંત્રીએ મોદીએ તમામ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા, માર્ગદર્શકો અને ફેકલ્ટીઓને આ પદવીદાન સમારંભ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે IIT દિલ્હીને તેની હિરક જયંતિની ઉજવણી નિમિત્તે પણ શુભેચ્છા પાઠવી હતી અન સંસ્થાને આ દાયકામાં તેમણે નિર્ધારિત કરેલા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
SD/GP/BT
(Release ID: 1670976)
Visitor Counter : 245
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam