પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે


રો-પેક્સ ફેરી સેવાથી મુસાફરીનો સમય તેમજ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટી જશે અને પર્યાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે

આનાથી નોકરીઓ અને ઉદ્યોગો માટે નવા ક્ષેત્રોનું સર્જન થશે અને આ પ્રદેશમાં પર્યટનને વેગ મળશે

જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે

Posted On: 06 NOV 2020 2:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.

હજીરા ખાતે શુભારંભ થઇ રહેલું રો-પેક્સ ટર્મિનલ 100 મીટર લાંબુ અને 400 મીટર પહોળું છે. આ ટર્મિનલ અંદાજે 25 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ ટર્મિનલ પર વહીવટી ઓફિસ ઇમારત, પાર્કિંગની જગ્યા, સબસ્ટેશન અને વોટર ટાવર સહિત સંખ્યાબંધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

રો-પેક્સ ફેરી વહાણ 'વોયેજ સિમ્ફની' DWT 2500-2700 MT સાથેનું ત્રણ ડેક વહાણ છે જેમાં 12000થી 15000 GT વહન ક્ષમતા છે. તેની લોડિંગ ક્ષમતા મુખ્ય ડેકમાં 30 ટ્રક (પ્રત્યેક ટ્રક 50 MTની), ઉપરના ડેકમાં 100 મુસાફર કારો અને પેસેન્જર ડેકમાં 500 મુસાફરો તેમજ 34 ક્રૂ અને આતિથ્ય સ્ટાફની છે.

હજીરા- ઘોઘા રો-પેક્સ ફેરી સેવા શરૂ થવાથી લોકોને સંખ્યાબંધ લાભો થશે. તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે. આનાથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર 370 કિમીથી ઘટીને ફક્ત 90 કિમી થઇ જશે. માલસામાનની હેરફેર માટે મુસાફરીમાં 10થી 12 કલાકનો સમય લાગે છે જે ઘટીને માત્ર 4 કલાક થઇ જશે જેથી મોટા પાયે ઇંધણની બચત (અંદાજે 9000 લીટર દરરોજ) થઇ શકશે અને વાહનોના જાળવણી ખર્ચમાં પણ ઘરખમ ઘટાડો થશે. આ ફેરી સેવા દરરોજ હજીરાથી ઘોઘા રૂટ પર ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે જેનાથી દર વર્ષે અંદાજે 5 લાખ મુસાફરો, 80,000 મુસાફર વાહનો, 50,000 ટુ-વ્હિલર અને 30,000 ટ્રકોની આવનજાવન શક્ય બનશે. આનાથી ટ્રક ડ્રાઇવરોને ડ્રાઇવિંગના કારણે લાગતા થાકમાં ઘટાડો થશે અને તેમને વધારાના ફેરા માટે તકો મળવાથી એકંદરે તેમની આવકમાં પણ વૃદ્ધિ થશે. આનાથી દરરોજ અંદાજે 24 MT કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે અને વર્ષે લગભગ 8653 MT કાર્બન ડાયોક્સાઇડનું હવામાં થતું ઉત્સર્જન ઘટાડી શકાશે. આ ફેરી સેવાના કારણે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સરળતાથી પહોંચી શકાશે જેથી પર્યટન ઉદ્યોગને પણ ઘણો વેગ મળશે અને તેનાથી નવી નોકરીની તકોનું સર્જન થશે. ફેરી સેવાઓના પ્રારંભ સાથે, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં બંદર ક્ષેત્ર, ફર્નિચર અને ખાતર ઉદ્યોગને ખૂબ જ મોટો વેગ મળશે. ગુજરાતમાં ખાસ કરીને પોરબંદર, સોમનાથ, દ્વારકા અને પાલીતાણામાં ઇકો-ટુરિઝમ અને ધાર્મિક પર્યટનમાં પ્રચંડ વૃદ્ધિ થશે. આ ફેરી સેવાના કારણે કનેક્ટિવિટીમાં વધારો થવાથી ગીરમાં આવેલા પ્રખ્યાત એશિયાટિક સિંહ વન્યજીવ અભયારણ્યમાં પર્યટકોની આવકમાં પણ મોટી સંખ્યામાં વધારો થશે.

 

SD/GP/BT



(Release ID: 1670634) Visitor Counter : 207