ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

ચોખાનું ફોર્ટિફિકેશન કરવા અને સરકારી વિતરણ વ્યવસ્થા મારફતે એનું વિતરણ કરવાની કેન્દ્ર સરકાર પ્રાયોજિત પ્રાયોગિક યોજનાનો અમલ કરવા માટે 15 રાજ્યોની ઓળખ કરવામાં આવી


કુલ રૂ. 174.6 કરોડના અંદાજિત ખર્ચની સાથે પ્રાયોગિક યોજનાને ત્રણ વર્ષ માટેની મંજૂરી મળી છે, જેની શરૂઆત 2019-2020થી થઈ છે

દેશના વિશેષ પસંદ કરવામાં આવેલા 112 આકાંક્ષી જિલ્લાઓને ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો પૂરો પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

Posted On: 03 NOV 2020 11:28AM by PIB Ahmedabad

દેશને પોષણની સુરક્ષા તરફ અગ્રેસર કરવાની પ્રક્રિયા શરૂ કરવા ખાદ્ય અને સરકારી વિતરણ વિભાગ (ડીએફપીડી)એ ચોખાનું ફોર્ટિફિકેશન (સૂક્ષ્મ પોષક દ્રવ્યો ઉમેરીને વધુ પોષક બનાવવાની પ્રક્રિયા) અને સરકારી વિતરણ વ્યવસ્થા મારફતે એનું વિતરણ કરવાની કેન્દ્ર સરકાર પ્રાયોજિત પ્રાયોગિક યોજના શરૂ કરી છે. આ પ્રાયોગિક યોજનાને ત્રણ વર્ષના ગાળા માટે મંજૂરી મળી છે, જેની શરૂઆત 2019-20થી થઈ છે. આ યોજના માટે કુલ રૂ. 174.6 કરોડનો ખર્ચ કરવાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. 15 રાજ્ય સરકારોએ તેમના રાજ્યોના જિલ્લાઓ (દરેક રાજ્યદીઠ એક જિલ્લો)ની ઓળખ કરી છે, જેમાં આ યોજનાનો પ્રાયોગિક ધોરણે અમલ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને છત્તીસગઢ) એમ કુલ પાંચ રાજ્યોએ ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ તેમના રાજ્યોના પસંદ કરેલા જિલ્લાઓમાં શરૂ કર્યું છે.

આ સંબંધમાં કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા સંબંધિત બાબતો, રેલવે, વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે 31.10.2020ના રોજ એમની સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. તેમણે આ બેઠકમાં દેશમાં ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ વધારવા પર ભાર મૂક્યો હતો. એક વધુ બેઠક 02.11.2020ના રોજ યોજાઈ હતી, જેની અધ્યક્ષતા ડીએફપીડીના સચિવે કરી હતી. આ બેઠકમાં એફસીઆઈ (ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ને 2021-2022થી સંપૂર્ણ બાળ વિકાસ સેવાઓ (આઇસીડીએસ) અને મધ્યાહ્ન ભોજન (એમડીએમ) યોજના અંતર્ગત દેશના તમામ જિલ્લાઓમાં ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી અને વિતરણ કરવા માટે વિસ્તૃત યોજના રજૂ કરવાનું કહેવાયું છે. ખાસ ધ્યાન દેશના વિશેષ ઓળખ કરાયેલા 112 આકાંક્ષી જિલ્લાઓને ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો પૂરો પાડવા પર કેન્દ્રિત કરવામાં આવશે.

આ સંબંધમાં આજે નીતિ આયોગના સીઇઓએ ખાદ્ય અને સરકાર વિતરણ વિભાગના સચિવ, એફએસએસએઆઈના સીઇઓ તથા ટાટા ટ્રસ્ટ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, પાથ, ન્યૂટ્રિશન ઇન્ટરનેશનલ વગેરે જેવા અન્ય હિતધારકો સાથે ચોખાના ફોર્ટિફિકેશનની કામગીરીમાં થયેલી પ્રગતિની અને ભવિષ્યની કામગીરીની ચર્ચા પણ કરી હતી. દેશમાં આકાંક્ષી જિલ્લાઓમાં સંપૂર્ણ બાળ વિકાસ યોજના/મધ્યાહ્ન ભોજન યોજનાને આવરી લેવા ચોખાનું ફોર્ટિફિકેશન અને એના વિતરણની યોજનાનો વ્યાપ વધારવા પુરવઠાની સાંકળ અને અન્ય લોજિસ્ટિક જરૂરિયાતો પર ચર્ચા થઈ  હતી.

ઉપરોક્ત લક્ષ્યાંકને હાંસલ કરવા ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ્સ (ચોખાના દાણામાં સૂક્ષ્મ પોષક દ્રવ્યો ઉમેરવાની પ્રક્રિયા) (એફઆરકે)નો પુરવઠો વધારવાની જરૂરિયાત છે. અત્યારે એની ઉપલબ્ધતા દર વર્ષે 15,000 એમટી જેટલી ઓછી કે નહીંવત છે. પીડીએસ, આઇસીડીએસ અને એમડીએમ માટે 112 આકાંક્ષી જિલ્લાઓને આવરી લેવા માટે દેશમાં એફઆરકે પુરવઠાની ક્ષમતા વધારીને આશરે 1.3 લાખ એમટી કરવાની જરૂર પડશે. જો સરકાર વિતરણ માટે ઓર્ડર કરેલા આશરે 350 લાખ એમટી ચોખાનું ફોર્ટિફિકેશન કરવું હોય, તો પછી ઉદ્યોગમાંથી આશરે 3.5 લાખ એમટી એફઆરકેની પુરવઠાની સાંકળ ઊભી કરવી પડશે અને આ પુરવઠો સતત મળે એવી વ્યવસ્થા કરવી પડશે.

વળી દેશમાં ચોખાની આશરે 28,000 મિલો છે, જેને સામાન્ય ચોખા સાથે એફઆરકે મિશ્ર કરવા માટે બ્લેન્ડિંગ મશીન વગેરે સાથે સજ્જ કરવાની જરૂર પડશે. એફસીઆઈને આ સંબંધમાં જરૂરી રોકાણ માટે વિવિધ વિસ્તારોમાં ચોખાની મિલો સાથે જોડાણ કરવાની સૂચના આપવામાં આવી છે. એફસીઆઈની કામ કરવાની સજ્જતાથી 2021-2022થી તબક્કાવાર રીતે ફોર્ટિફાઇડ ચોખાની ખરીદી અને પુરવઠો સફળતાપૂર્વક વધારવામાં મદદ મળશે.

 

SD/GP/BT


(Release ID: 1669787) Visitor Counter : 367